Home તાજા સમાચાર gujrati સરદાર પટેલે એવું શું કર્યું કે જોતજોતામાં 550થી વધારે રજવાડાંનું અસ્તિત્વ ભૂંસાઈ...

સરદાર પટેલે એવું શું કર્યું કે જોતજોતામાં 550થી વધારે રજવાડાંનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું?

5
0

Source : BBC NEWS

સરદાર વલ્લભભાઈ પટેલ

બીજા વિશ્વયુદ્ધ પછી ભારત પર બ્રિટનનો અંકુશ ઢીલો પડી રહ્યો હતો. આ સંજોગોમાં ભારતની સ્વતંત્રતા અને સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયાને સરળ બનાવવા માટે 2 સપ્ટેમ્બર, 1946ના રોજ વચગાળાની સરકારની રચના કરવામાં આવી. જવાહરલાલ નહેરુ આ સરકારના વડા હતા, પરંતુ સરકારના સૌથી શક્તિશાળી મંત્રી ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા.

ગૃહમંત્રાલય માત્ર પોલીસ અને કાયદા-વ્યવસ્થાને લગતું ખાતું નહોતું. આ મંત્રાલયના વડા તરીકે વલ્લભભાઈ પટેલની પહોંચ બ્રિટિશ ભારતની સમગ્ર ગુપ્તચર વ્યવસ્થાની માહિતી સુધી હતી.

જોકે, ઇતિહાસકાર સેમ ડૉલરપેઇલના જણાવ્યા અનુસાર, કરચલીવાળો ચહેરો ધરાવતા પટેલ લાંબા સમય સુધી કૉંગ્રેસના સૌથી અસરકારક સંગઠક રહ્યા હતા. તેમની સાથે કામ કરવું સૌથી મુશ્કેલ હતું.

પોતાના પુસ્તક ‘શૅટર્ડ લૅન્ડ્સ’માં સેમ લખે છે કે, પટેલ કામ પાર પાડવાની કળા જાણતા હતા.

તેઓ લખે છે, “સિદ્ધાંતો પ્રત્યેનો તેમનો અભિગમ નહેરુ કરતાં ઘણો વધારે વ્યવહારુ અને કડક હતો. નહેરુ સિદ્ધાંતોને લગતી શંકા-કુશંકાઓમાં અટવાઈ જતા, જ્યારે પટેલ ઘણી વાર એ જ સિદ્ધાંતોને વ્યવહારુ રાજકારણના માર્ગમાં આવતા અવરોધો ગણીને આગળ વધતા.”

શરૂઆતમાં મુસ્લિમ લીગે વચગાળાની સરકારનો બહિષ્કાર કર્યો હતો. જોકે, ઑક્ટોબરમાં પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી ઝીણાએ લિયાકતઅલી ખાનને નાણામંત્રી તરીકે અને આશ્ચર્યજનક રીતે બંગાળના દલિત નેતા જોગેન્દ્રનાથ મંડલને કાયદામંત્રી તરીકે નિયુક્ત કર્યા. આમ, કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ એક જ વચગાળાની સરકારનો ભાગ બન્યાં, પરંતુ બંને વચ્ચે અવિશ્વાસ અને સંઘર્ષ યથાવત્ રહ્યા.

અવિશ્વાસ અને સંઘર્ષના આવા માહોલમાં જ સત્તાના હસ્તાંતરણના અંતિમ તબક્કે પટેલે બ્રિટિશ રાજની ગુપ્તચર વ્યવસ્થાનો કાર્યભાર સંભાળ્યો હતો.

ધીરજ પરમિશા છાયા પોતાના પુસ્તક ‘ઇન્ડિયાઝ ઇન્ટેલિજન્સ કલ્ચર ઍન્ડ સ્ટ્રૅટેજિક સરપ્રાઇઝિસઃ સ્પાઇંગ ફૉર ધ સાઉથ બ્લૉક’માં લખે છે કે, 1945 સુધીમાં ભારતીયો સાથે સત્તા વહેંચવી અનિવાર્ય લાગવા માંડી હતી. ત્યારે બ્રિટિશ અધિકારીઓને ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB)ના ભવિષ્ય અને તેના સંવેદનશીલ દસ્તાવેજોની સુરક્ષાની ચિંતા થવા લાગી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલ અને મોહનદાસ કરમચંદ ગાંધી

તેઓ લખે છે, “સૌપ્રથમ ભારતીયોને ગુપ્તચર પ્રવૃત્તિઓ અને અહેવાલોથી દૂર રાખવાનો નિર્ણય લેવાયો. ત્યારબાદ IBના દસ્તાવેજોને આંતરિક અને બાહ્ય એમ બે વિભાગમાં વહેંચવામાં આવ્યા અને બાહ્ય વિભાગના દસ્તાવેજો લંડન મોકલવાનો આદેશ અપાયો.”

ધીરજ પરમિશા છાયાના જણાવ્યા અનુસાર, “જો IBના વડા તરીકે કોઈ ભારતીયની નિમણૂક થાય, તો સંવેદનશીલ દસ્તાવેજોને ‘સુરક્ષિત’ કરી દેવા અથવા નષ્ટ કરી દેવાનો નિર્ણય પણ લેવાયો હતો. આમ, 2 સપ્ટેમ્બર, 1946ના રોજ વચગાળાની સરકારે સત્તા સંભાળી ત્યાં સુધીમાં મહત્ત્વના દસ્તાવેજો કાં તો લંડન મોકલી દેવાયા હતા અથવા બાળી નાખવામાં આવ્યા હતા.”

કહેવાય છે કે શિમલામાં દસ્તાવેજો બાળવા માટે લગાવેલી આગ ત્રણ દિવસ સુધી સળગતી રહી હતી.

ધીરજના જણાવ્યા અનુસાર, વચગાળાની સરકારમાં ગૃહમંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ સરદાર પટેલે વાઇસરૉય લૉર્ડ વેવેલને મજાકમાં કહ્યું હતું કે, “IBના ડિરેક્ટર નૉર્મન સ્મિથે સૌથી રસપ્રદ ફાઇલોનો નાશ કરી નાખ્યો છે.”

પટેલના જીવનચરિત્રકાર રાજમોહન ગાંધીના જણાવ્યા અનુસાર, વેવેલે પૂછ્યું, “IBના વડા સાથે તમારું કેવું ચાલે છે?”

પટેલે જવાબ આપ્યો, “ખૂબ સારું. તેમણે વાંધાજનક તમામ કાગળોનો નાશ કરી નાખ્યો છે.”

વેવેલે કહ્યું, “હા, મેં જ તેમને એમ કરવાનું કહ્યું હતું.”

આ સાંભળીને બંને હસી પડ્યા.

29 મે, 1949ના રોજ ફ્રેન્ચ સાપ્તાહિક લે કુરિયર દ ઝાંદ સાથેની વાતચીતમાં પટેલે કહ્યું હતું, “હું ગૃહમંત્રી બન્યો ત્યારે મારી અને કૉંગ્રેસના તમામ સભ્યોની ફાઇલોનો નાશ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે મેં એ જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓ મારા વિશે શું વિચારતા હતા, ત્યારે મને કશું જ જાણવા મળ્યું નહીં. તેમણે (બ્રિટિશોએ) તેમની અગાઉની કામગીરી, તેમની કાર્યપદ્ધતિ કે તેમનાં ગુપ્ત સંગઠનો વિશે અમને કોઈ માહિતી આપી નહોતી. ટૂંકમાં, તેમણે અમને કશું જ જાણવા દીધું નહોતું.”

લૉર્ડ માઉન્ટબેટન સાથે જવાહરલાલ નેહરુ

ધીરજના જણાવ્યા અનુસાર, સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન એક કુશળ સંગઠક તરીકે પટેલને જે પ્રતિષ્ઠા મળી હતી, તેનું મોટું કારણ ગુપ્તચર માહિતીનો તેમનો અસરકારક ઉપયોગ હતો.

ધીરજ લખે છે, “1928ના બારડોલી સત્યાગ્રહની અસાધારણ સફળતાના પરિણામે પટેલ કૉંગ્રેસના મહત્ત્વના નેતાઓમાંના એક બન્યા.”

એ વખતે ગુજરાતના બારડોલી વિસ્તારમાં જમીન-મહેસૂલમાં 22 ટકાના વધારાના વિરોધમાં સરદાર પટેલે ખેડૂતોના સફળ અહિંસક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ખેડૂતોને એકજૂથ કરીને મહેસૂલ નહીં ભરવાનો નિર્ણય કરાવ્યો હતો.

ઇતિહાસકાર હિન્દોલ સેનગુપ્તાએ લખ્યું છે કે, બારડોલીમાં જ પટેલે એ કળાને વધુ ધારદાર બનાવવાની શરૂઆત કરી હતી, જે આગળ જતાં તેમની ઓળખ બની. આ કળા હતી બ્રિટિશ સરકારની વ્યવસ્થામાં બાતમીદારોનું એક નેટવર્ક ઊભું કરવું, તેને પોષવું અને તેનો ઉપયોગ કરવો. આ નેટવર્કમાંથી મળતી મહત્ત્વપૂર્ણ ગુપ્ત માહિતી કૉંગ્રેસનાં આંદોલનોને લાભ પહોંચાડતી હતી.

ગૃહમંત્રીનું પદ સંભાળ્યા પછી પટેલને પહેલી વાર એક સુવ્યવસ્થિત ગુપ્તચર સંસ્થા ઊભી કરવાની સત્તા મળી. સત્તા પરની પોતાની પકડ મજબૂત કરવામાં તેમણે સમય બગાડ્યો નહીં.

ફિલિપ ફ્રેન્ચ પોતાના પુસ્તક ‘લિબર્ટી ઑર ડેથ’માં લખે છે કે, પટેલે વાઇસરૉયને ગુપ્તચર વિભાગના ડિરેક્ટર સાથે સીધો સંપર્ક સાધતાં અટકાવ્યા હતા.

જોકે, માઉન્ટબેટન સાથેની પટેલની મુલાકાત પછી તેમનાં પત્ની એડવિનાએ ઇસોબેલ ક્રિપ્સને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ‘ડિકીને અને મને બંનેને વલ્લભભાઈ પટેલ ખૂબ ગમ્યા.’

તેમણે લખ્યું, “તેઓ કેટલા વર્ચસ્વ જમાવનારા છે અને તેમનું વર્તન કેટલું સરમુખત્યારશાહીભર્યું છે, એ અમે સારી રીતે જાણીએ છીએ. તેમ છતાં, તેમને અને ડિકીને સારું બને છે અને જ્યારે તેઓ ગુંડાની જેમ વર્તે છે, ત્યારે ડિકી પણ કંઈ ઓછા નથી.”

સેમ લખે છે કે, પટેલની નજરમાં માઉન્ટબેટન માત્ર ‘જવાહરલાલજીને રમવા માટેનું એક રમકડું’ હતા.

પટેલે મુસ્લિમ લીગના મહત્ત્વના નેતાઓ સુધી ગુપ્તચર માહિતી પહોંચતી અટકાવી દીધી હતી. આમ, દેખીતી રીતે સરકારના નિયંત્રણ હેઠળ રહેલી ગુપ્તચર વ્યવસ્થા વાસ્તવમાં પટેલના રાજકીય નિયંત્રણ હેઠળ આવી ગઈ હતી. પરંતુ ગુપ્તચર વ્યવસ્થા પર પટેલની આ પકડનાં પરિણામો વધુ ગંભીર સાબિત થયાં.

લૉર્ડ માઉન્ટબેટન સાથે જવાહરલાલ નેહરુ અને મહમ્મદ અલી ઝીણા

સેમના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી બન્યાના આશરે 2 મહિના પછી ગુપ્તચર બ્યૂરોના વડાએ અર્ધલશ્કરી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની સલાહ આપી હતી. દેશભરમાં ચાલી રહેલી કોમી હિંસાનું આયોજન કરવામાં આ સંગઠનો મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં હોવાના પુરાવા મળ્યા હતા.

પટેલે આ સલાહની અવગણના કરી.

સેમ લખે છે કે, હિન્દુ રાષ્ટ્રવાદીઓનો રોષ વહોરી લેવાની બીકે પટેલે તેના બદલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહકાર મેળવવાનો પ્રયાસ કર્યો. આ સંગઠનો હિંસા ભડકાવવામાં જે ભૂમિકા ભજવી રહ્યાં હતાં, તેની માહિતી મહિનાઓ સુધી નહેરુથી પણ છુપાવવામાં આવી.

ધીરજ પરમિશા છાયાના જણાવ્યા અનુસાર, શપથ લીધાના માત્ર 2 દિવસમાં જ પટેલે IBના વડા નૉર્મન સ્મિથને કૉંગ્રેસના ઉગ્રવાદી જૂથો અને સામ્યવાદીઓ પર જાસૂસી ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.

ધીરજ લખે છે, “મુસ્લિમ લીગ વિશે ગુપ્તચર માહિતી એકત્ર કરવાની મનાઈ પણ લાંબો સમય ટકી નહીં, કારણ કે પટેલને સમજાયું કે લીગની આંતરિક ગતિવિધિઓની જાણકારી મેળવવી મહત્ત્વપૂર્ણ છે.”

ધીરજના જણાવ્યા અનુસાર, IBના એક બાતમીદાર મારફતે પટેલને મુસ્લિમ લીગની ગતિવિધિઓની સારી એવી જાણકારી મળતી હતી.

ધીરજ લખે છે કે, એપ્રિલ 1947 સુધીમાં નૉર્મન સ્મિથને ગુપ્તચર બ્યૂરોનો કાર્યભાર ભારતીય નેતૃત્વને સોંપવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાં સુધીમાં દેશના ભાગલા કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો.

સેમ લખે છે કે, ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ ગયું કે વાઇસરૉય તરીકે માઉન્ટબેટનનો કાર્યકાળ નિશ્ચિતપણે કૉંગ્રેસતરફી રહેવાનો હતો.

સેમના જણાવ્યા અનુસાર, માઉન્ટબેટન દિલ્હી આવ્યા તેનાં પૂરાં 2 અઠવાડિયાં પછી, 5 એપ્રિલ, 1947ના રોજ, તેમણે મહમદઅલી ઝીણા સાથે મુલાકાત કરી હતી. મુસ્લિમ લીગના નેતા સાથેની આ મુલાકાત ‘ઔપચારિક અને ગુપ્ત’ રીતે યોજાઈ હતી.

ઍલન કૅમ્પબેલ જૉન્સન 1947માં ભારતના છેલ્લા વાઇસરૉય લૉર્ડ લૂઇ માઉન્ટબેટનના પ્રેસ ઍટૅશે અને તેમના નજીકના સ્ટાફના સભ્ય હતા. તેઓ ‘મિશન વિથ માઉન્ટબેટન’ (1951) નામની ઐતિહાસિક ડાયરીના લેખક પણ હતા.

દિલ્હીમાં અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની બેઠકમાં મોહનદાસ કરમચંદ ગાંધી, જવાહરલાલ નેહરુ, ખાન અબ્દુલ ગફ્ફાર ખાન, સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના અબુલ કલામ આઝાદ.

કૅમ્પબેલના જણાવ્યા અનુસાર, માઉન્ટબેટને પ્રસ્તાવ મૂક્યો હતો કે જો ભારતના ભાગલા થવાના હોય, તો મિશ્ર ધાર્મિક વસ્તી ધરાવતા પ્રાંતો-ખાસ કરીને પંજાબ અને બંગાળના પણ ભાગલા પાડવા જોઈએ.

ઝીણાને આ પ્રસ્તાવ સ્વીકાર્ય નહોતો. બંને નેતાઓ એકબીજા વિશે કડવી છાપ લઈને બેઠકમાંથી બહાર નીકળ્યા.

ઍલેક્સ વૉન ટૅન્ઝેલમૅન પોતાના પુસ્તક ‘ઇન્ડિયન સમર’માં લખે છે કે એપ્રિલના અંતમાં માઉન્ટબેટને બ્રિટિશ સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે પંજાબમાં ચાલી રહેલી હિંસાનો એકમાત્ર ઉકેલ ભારત અને પાકિસ્તાનને અલગ કરવામાં તથા પંજાબના બંને દેશો વચ્ચે ભાગલા પાડવામાં છે.

ફ્રેન્ચના જણાવ્યા અનુસાર, પટેલે થોડા સમય પહેલાં જ કૉંગ્રેસની કાર્યકારી સમિતિને એ શરતે પાકિસ્તાનની રચના સ્વીકારવા સમજાવી હતી કે પંજાબના ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલા પાડવામાં આવે.

ફ્રેન્ચ લખે છે, “આ રક્તપાત વચ્ચે પટેલ માનતા હતા કે મુસ્લિમ અને બિનમુસ્લિમ સમુદાયો વચ્ચે સામાન્ય સંબંધો ફરી સ્થાપિત કરવાનો એકમાત્ર રસ્તો પાકિસ્તાનમાંથી હિન્દુઓ અને શીખોને હાંકી કાઢવાનો અને પૂર્વ પંજાબમાંથી મુસ્લિમોને બહાર ધકેલી દેવાનો હતો.”

પટેલે ભાગલાની સરખામણી ‘રોગગ્રસ્ત અંગ કાપી નાખવા’ સાથે કરી હતી. તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે મોટા ભાગના મુસ્લિમો ‘ભારત પ્રત્યે વફાદાર નથી’ અને તેમણે ‘પાકિસ્તાન જવું જોઈએ’.

સેમના જણાવ્યા અનુસાર, “પટેલે RSSના કાર્યકરોને રક્ષણ આપ્યું હતું. મુસ્લિમોની હત્યામાં સંડોવાયેલા કેટલાક કાર્યકરોને પણ તેમના આદેશથી વહેલા છોડી મૂકવામાં આવ્યા હતા.”

સેમ લખે છે, “ગુપ્તચર અહેવાલોમાં RSS મુસ્લિમોનો ‘સંપૂર્ણ નરસંહાર’ કરવાની યોજના ઘડી રહ્યું હોવાની વાતની જાણ થઈ હોવા છતાં પટેલે આ સંગઠન સામે કાર્યવાહી કરવાનો વિરોધ કર્યો હતો. તેમનું માનવું હતું કે તેનાથી હિન્દુઓ કૉંગ્રેસથી દૂર થઈ શકે છે. તેઓ RSSને ‘દેશભક્ત’ સંગઠન માનતા હતા, જ્યારે નહેરુ તેને એક ખતરનાક ઉગ્રવાદી સંગઠન ગણાવતા હતા અને ભારતને ‘હિન્દુ પાકિસ્તાન’ બનતું અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા હતા.”

સરદાર પટેલ

સેમના જણાવ્યા અનુસાર, ઝીણાને ખાતરી થઈ ગઈ હતી કે ગુપ્તચર એજન્સીઓ પર પટેલની સંપૂર્ણ પકડ હતી અને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો આપનારા નેતાઓ જેલની બહાર હતા, તેનું કારણ પટેલનું તેમને મળતું રક્ષણ હતું.

સેમ લખે છે, “12 ઑગસ્ટે રેડક્લિફે આખરે ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ નક્કી કરી. પરંતુ થોડા જ કલાકોમાં તેમણે પોતાના તમામ કાગળો બાળી નાખ્યા, 40,000 રૂપિયાની ફી લેવાનો ઇનકાર કર્યો અને ઉપખંડ છોડી દીધો.”

સેમના જણાવ્યા અનુસાર, “ત્યાર પછી માઉન્ટબેટને વધુ એક કઠોર નિર્ણય લીધો. બ્રિટિશ સરકાર તરફની નફરતને બીજી દિશામાં વાળવા માટે તેમણે નવી સરહદની જાહેરાત સ્વતંત્રતા મળ્યાના થોડા દિવસો પછી કરવાની વ્યવસ્થા કરી. આમ, 14 અને 15 ઑગસ્ટ, 1947ની મધરાતે ભારત અને પાકિસ્તાન સ્વતંત્ર થયાં, પરંતુ બંને દેશો વચ્ચેની સરહદ ક્યાંથી પસાર થતી હતી તેની કોઈને જાણ નહોતી.”

જેમ બ્રિટિશ ભારતના ભાગલાની પ્રક્રિયા પર દેખરેખ ભાગલા પરિષદે રાખી હતી, તેમ દેશી રજવાડાંઓનું ભાવિ નક્કી કરવાની જવાબદારી નવા રચાયેલા રાજ્ય મંત્રાલયને સોંપવામાં આવી હતી. આ મંત્રાલયે 565 રજવાડાંઓને ભારત અથવા પાકિસ્તાનમાં ભેળવવાનાં હતાં.

જૉન ઝુબ્રઝ્કી પોતાના પુસ્તક ‘ડેથ્રોન્ડઃ ધ ડાઉનફૉલ ઑફ ઇન્ડિયાઝ પ્રિન્સલી સ્ટેટ્સ’માં લખે છે કે સરદાર પટેલ અને સિગારેટ પીતા સરકારી અધિકારી વી. પી. મેનને “ધમકી અને મનામણાં, સમજાવટ અને દબાણ-બધાં જ ઉપાયો અજમાવ્યા.” આમ, માત્ર થોડા મહિનામાં 550થી વધુ સ્વાયત્ત રજવાડાંઓનું અસ્તિત્વ નકશા પરથી ભૂંસાઈ ગયું.

ધીરજ લખે છે કે દેશી રજવાડાંઓ સાથેની વાટાઘાટોમાં તેમની સ્થિતિ શું છે, તે જાણવામાં પટેલે ગુપ્તચર માહિતીનો શક્ય તેટલો અસરકારક ઉપયોગ કર્યો હતો.

તેઓ લખે છે, “ઉદાહરણ તરીકે, હૈદરાબાદમાં નિઝામની કારોબારી પરિષદના એક સભ્યને પટેલે બાતમીદાર તરીકે નિયુક્ત કર્યા હતા, જેથી નિઝામના દરબારમાં ચાલી રહેલી ગતિવિધિઓની માહિતી મળી શકે.”

સેમના જણાવ્યા અનુસાર, 1947માં ભાગલા અને સ્વતંત્રતા પછી ગૃહમંત્રી તરીકે પટેલે મુસ્લિમ લીગ, નૅશનલ ગાર્ડ્સ અને RSS સહિતનાં તમામ કોમવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ 1949 સુધી અમલમાં રહ્યો.

તેઓ લખે છે, “આ પ્રતિબંધને કારણે દેશભરમાં ભાગલા સાથે સંકળાયેલાં રમખાણોમાં નાટ્યાત્મક ઘટાડો થયો અને ધાર્મિક હિંસાએ અચાનક પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી.”

ભારતીય વિદ્વાન, વકીલ અને રાજકીય ભાષ્યકાર અબ્દુલ ગફૂર મજીદ નૂરાની, જેઓ એ. જી. નૂરાની તરીકે જાણીતા છે, તેમણે પોતાના એક લેખમાં લખ્યું છે કે પટેલે ગુપ્તચર બ્યૂરોનો ઉપયોગ પોતાના રાજકીય હેતુઓ માટે કર્યો હતો અને તેની મૂળભૂત ભૂમિકાને વિકૃત કરી હતી.

તેમણે લખ્યું હતું, “મંત્રીની જવાબદારી બે પ્રકારની હોય છે-પ્રત્યક્ષ અને પરોક્ષ. બંને બાબતોમાં પટેલ સામે ગંભીર સવાલો ઉઠાવી શકાય તેમ હતા.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS