Source : BBC NEWS
Getty Images
વાંચવાનો સમય: 3 મિનિટ
ગુજરાતમાંથી ચોમાસાએ લગભગ એક મહિના અગાઉ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે અને સરેરાશ 89 ટકા વરસાદ નોંધાયો છે. દરમિયાન કેટલાક જિલ્લામાં બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતમાં ચાર જિલ્લામાં સરકારે દુષ્કાળની જાહેરાત કરી છે અને ઘણા ભાગોમાં પાણી તથા ઘાસચારાની તકલીફ છે ત્યારે કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની શક્યતા છે.
હવામાન વિભાગના બુલેટિન મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે જ્યારે મહત્તમ તાપમાન સાધારણ કરતા વધુ રહ્યું છે.
હવે ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે?
IMD
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે સાઉથ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બીજી નવેમ્બર, સોમવારે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
જ્યારે સાઉથ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ ભાગોમાં સોમવારે સૂકું હવામાન રહેવાની આગાહી છે.
દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં આજે વરસાદની આગાહી નથી.
ગુજરાતમાં આ વખતે અત્યાર સુધીમાં 89.19 ટકા વરસાદ નોંધાયો છે. તેમાં કચ્છ જિલ્લામાં 57 ટકા, ઉત્તર ગુજરાતમાં 71 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 89 ટકા, સૌરાષ્ટ્રમાં 71 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 114 ટકા વરસાદ નોંધાયો છે. ઓછા વરસાદના કારણે ગુજરાત સરકારે ચાર જિલ્લા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરમાં દુષ્કાળની જાહેરાત કરી છે.
ગયા અઠવાડિયામાં 31 ઑક્ટોબરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા, કેનેડી અને કલ્યાણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ
Farukh Qadri
ગયા સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હોવાથી પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે.
ખાસ કરીને ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની સમસ્યા વધારી છે. શુક્રવાર- શનિવારે વરસેલા વરસાદને કારણે ઘણા ખેડૂતોનાં ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી ગયો છે.
કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળી જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
તૈયાર પાક વરસાદમાં પલળી જતાં ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ પેદા થઈ છે.
દેવભૂમિ દ્વારકાના અહેવાલ મુજબ આ વખતે ઓછા વરસાદથી મગફળીનો પાક માત્ર ચારો બનીને રહી ગયો હતો, પરંતુ હવે મગફળીના પાકનો આ ચારો પણ કમોસમી વરસાદને કારણે પલળી ગયો છે. ખૂબ નુકસાની થઈ છે. તેમજ ભારે પવનને કારણે પતરા ઊડી ગયા અને ઘણા વીજથાંભલા પણ પડી ગયા છે. જેના કારણે, ખેડૂતો, પશુપાલકો અને માલધારીઓને મોટા પાયે નુકસાન થયું છે.
અમરેલી જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવા છતાં કુવા અને બોરમાંથી ખેડૂતોએ પાણી પાઈને મગફળીનો પાક પાક બચાવ્યો હતો, પણ શુક્રવારે અચાનક સાંજે વાવાઝોડું અને પોણા બે ઇંચ જેટલો વરસાદ ત્રાટકવાથી મગફળીના પાથરા અને પશુઓ માટેનો ઘાસચારો સડી ગયો છે. જેનાથી મગફળી કાળી પડી ગઈ છે અને ડૅમેજ થવાને કારણે તેના ભાવ ઓછા મળે એવી ભીતિ છે.
દક્ષિણમાં નવા વાવાઝોડાની આગાહી
STRDEL/AFP via Getty Images
દક્ષિણ ભારતમાં અર્નબ વાવાઝોડા પછી વધુ એક ચક્રવાતી તોફાન સક્રિય થયું છે.
નવા અહેવાલ પ્રમાણે બંગાળની ખાડીમાં સક્રિય ચક્રવાતી વાવાઝોડું ‘મુરાસુ’ વધારે શક્તિશાળી બન્યું છે. જોકે, તેનાથી ગુજરાતમાં હવામાન પર કોઈ અસર થવાના અહેવાલ નથી.
હવામાન વિભાગ મુજબ ચક્રવાતી તોફાન છેલ્લા છ કલાકમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.
હવામન વિભાગના બુલેટિન પ્રમાણે હાલમાં આ વાવાઝોડું તમિલનાડુની રાજધાની ચેન્નઈથી લગભગ 260 કિલોમીટર, આંધ્ર પ્રદેશના નેલ્લોરથી 290 કિમી, મછલીપટ્ટનમથી 320 કિલોમીટર અને વિશાખાપટ્ટનમથી આશરે 470 કિમી દૂર દક્ષિણમાં સ્થિત છે.
આઈએમડીએ જણાવ્યું કે ચક્રવાતી તોફાન ‘મુરાસુ’ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના છે. અનુમાન છે કે બે નવેમ્બરની મધરાતથી ત્રણ નવેમ્બરની સવારના શરૂઆતના કલાકોમાં આંધ્ર પ્રદેશના દક્ષિણ કિનારે ટકરાઈ શકે છે.
દરિયાકિનારે વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ઝડપ 100થી 110 કિમી પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




