Home તાજા સમાચાર gujrati ગુજરાત : ‘માથે મેલું ઉપાડવાની પ્રથા’ સામે 28 વર્ષ પહેલાં શરૂ થયેલી...

ગુજરાત : ‘માથે મેલું ઉપાડવાની પ્રથા’ સામે 28 વર્ષ પહેલાં શરૂ થયેલી લડત શું હતી?

4
0

Source : BBC NEWS

ગુજરાતમાં માથે મેલું ઉપાડવા માટે શરૂ થયેલી લડત

“બબ્બે મહિનાથી અમે ભૂખ્યાં અને અર્ધભૂખ્યાં પડી રહ્યાં છીએ. ગામલોકોને પગે પડીએ છીએ પણ કોઈનું કાળજું કૂણું થતું નથી. અને અમને ભાળીને ગંદી ગાળો ભાંડે છે. અત્યાર સુધી તો વાસણો વેચીને કે દેવું કરીને ચલાવ્યું છે, પણ અમે ક્યાં સુધી આ ગામલોકોની સામે ટકી રહેશું?”

ગામના મંદિરની બહાર ઊભેલી દલિત મહિલાઓનો આ બળાપો હતો. ગામમાં સફાઈકામદારોએ તેમની કેટલીક માગણી મૂકી હતી અને તેમનું કહેવું હતું કે એ પછી સફાઈકામદારોને કામમાંથી કાઢી મૂક્યા હતા.

માનવમળને હાથથી સાફ કરવાની અને માથે મૂકીને લઈને જવાની આ પ્રથા સામેની આ સામાજિક અને કાયદાકીય લડાઈ 1996માં અમદાવાદના રાણપુર ગામથી શરૂઆત થઈ હતી.

ગામમાં ચાલતી માથે મેલાની પ્રથાનો ગામની મુલાકાત લઈને એક અહેવાલ તૈયાર કરાયો હતો અને ‘હાથમાં ઝાડુ, માથે મેલું’ નામની પુસ્તિકાના લેખક ડૉ. રમેશચંદ્ર પરમારે ગામમાં બનેલા બનાવનો ચિતાર આપ્યો છે.

અમદાવાદ જિલ્લાના રાણપુરમાં શું થયું હતું?

ધંધૂકા તાલુકાનું રાણપુર ગામ અમદાવાદથી 133 કિલોમીટર દૂર આવેલું છે. ગામમાં ભાદર અને ગોમા બે નદી વહે છે. અમૃતલાલ દલપતભાઈ શેઠની કર્મભૂમિ પણ રાણપુર રહી હતી.

તેમજ ગુજરાતના જાણીતા કવિ, લેખક, વિવેચક અને પત્રકાર-સંશોધક ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ પણ રાણપુર રહી હતી.

1991ની વસ્તીગણતરી પ્રમાણે ગામમાં દલિતોની સંખ્યા 582 હતી, અનુસૂચિત જાતિમાં આવતી પેટાજ્ઞાતિઓ રોહિત, વણકર અને વાલ્મીકિ જાતિ સામેલ છે. રોહિતવાસમાં અંદાજે 100, વણકરોનાં 34 અને વાલ્મીકિ સમાજનાં 20 ઘર હતાં.

રાણપુરમાં માથે મેલું ઉપાડવાની પ્રથા અંગે સ્થાનિક મીડિયામાં અનેક વાર અહેવાલો તો છપાયા હતા, પણ એક અહેવાલથી આખું વહીવટી સફાળું જાગ્યું હતું.

બન્યું એવું કે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના એ સમયના પત્રકાર રાજીવ શાહે 11 માર્ચ, 1996ના દિવસે ‘રાણપુરમાં આજે પણ માનવમળને માથે ઊંચકીને લઈ જવાની શરમજનક પ્રથા અસ્તિત્વ ધરાવે છે’ એવા મથાળા હેઠળ એક લેખ પ્રકાશિત કર્યો હતો. તેમણે સ્થાનિક સફાઈકામદારોના ફોટા અને રૂબરૂ મુલાકાત લઈને આ અહેવાલ આપ્યો હતો.

એ બાદમાં રાણપુર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું અને દલિતોની લડાઈ શરૂ થઈ હતી.

રાજીવ શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, “એ સમયે આ અહેવાલ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પ્રથમ પાને છપાયો હતો. મને યાદ આવે છે ત્યાં સુધી માથે મેલું ઉપાડનારા માટે આ ગામમાં એક રજિસ્ટર નિભાવવામાં આવતું. જે મને બતાવવામાં આવ્યું હતું. મેં ત્યારે પહેલી વખત આ પ્રથા વિશે સાંભળ્યું હતું. આ રજિસ્ટરમાં કેટલાક લોકોનાં નામ પણ લખેલાં હતાં. આ અહેવાલ બાદમાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં બીજાં સંસ્કરણમાં પણ છપાયો હતો. પરંતુ આ અહેવાલ થયો અને આ પ્રૅક્ટિસ અંગે લોકોનું ધ્યાન ખેંચાયું એ તમામ વાતનું શ્રેય દલિત ઍક્ટિવિસ્ટ માર્ટિન મૅકવાનને ફાળે જાય છે.”

દલિતો અને બિનદલિતોની પ્રતિક્રિયા શું હતી?

'હાથમાં ઝાડુ, માથે મેલું' નામની પુસ્તિકામાં લેખક ડૉ. રમેશચંદ્ર પરમારે ગામમાં બનેલા બનાવનો ચિતાર આપ્યો છે

રાણપુર અંગે અહેવાલ પ્રકાશિત થયા બાદ ગામમાં બિનદલિતો અને દલિતોના એમ બે ભાગ પડી ગયા હતા.

પુસ્તિકા અનુસાર, બિનદલિતો, ગ્રામપંચાયતના અધિકારીઓ અને સરકારી અધિકારીઓનું કહેવું હતું કે, રાણપુરમાં ‘માથે મેલું ઉપાડવાની પ્રથા’ અસ્તિત્વમાં જ નથી. સમાચારપત્રોમાં છપાયેલા અહેવાલો ગેરમાર્ગે દોરનારા છે.

ગામલોકોનું કહેવું હતું કે સફાઈકામદારોએ ‘હડતાળ’ પાડી છે અને તે ગેરકાનૂની છે એટલે એમની વિરુદ્ધ પગલાં લેવાનો અધિકાર સત્તાધારી પક્ષને છે, તો સામે પક્ષે દલિતોનું કહેવું હતું કે અમારી તો સત્તાધારીઓએ હકાલપટ્ટી કરી છે. અમારી હાજરી પૂરતા નથી એટલે શું કરવું?

તો ટી.ડી. સોયંતર, ડૉ. રમેશચંદ્ર પરમાર તથા ‘સેન્ટર ફૉર ધ સોશિયલ સ્ટડીઝ’ સુરતના કાર્યકર પ્રદીપકુમાર પચપીંડે અને ‘નવસર્જન ટ્રસ્ટ’ના કર્મશીલોએ સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર બનાવ અંગે પોતાના અભિપ્રાયો આપ્યા હતા.

રાણપુરના સફાઈકામદારોની વ્યથા

ગુજરાતમાં માથે મેલું ઉપાડવા માટે શરૂ થયેલી લડત

ગામના આગેવાન એવા શશિકાંત કાલમાએ ગામના રામજી મંદિરમાં મળેલી સભામાં રાણપુરની ઘટના અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું, “અમારી સ્થિતિ દિવસે દિવસે વિકટ બનતી જાય છે. એક બાજુ અમે નોકરી પર જઈ શકતા નથી, તો બીજી તરફ પગારના અભાવે બાળકોને ખવડાવવું શું એની ચિંતા સતાવી રહી છે.”

ગ્રામપંચાયતમાં કેટલા સફાઈકામદાર કામ કરે છે એ સવાલના જવાબમાં શશિકાંતે કહ્યું હતું, “પંચાયતમાં કુલ 45 સફાઈકામદાર છે, જેમાંના 36 જણાં તો રોજમદાર મજૂર તરીકે છેલ્લાં 4થી 25 વર્ષથી કામ કરે છે. એમાં 6 ઝાડુવાળા, 4 જણાં ખાતરના ઉકરડા ભરીને બહાર નાખવાનું કામ કરે છે, 15 લોકો ગટર સફાઈનું કામ કરે છે, ચારેક લોકો માથે મેલું ઉપાડવાનું કામ કરે છે. બાકીના સફાઈનું કામ કરે છે.”

શશિકાંત કાલમાએ કહ્યું હતું, “તારીખ 24-01-96ના દિવસે તમામ સફાઈકામદારોને કાઢી મૂકવામાં આવ્યા. એમની હાજરી પૂરવાનું બંધ કરવામાં આવ્યું. છેલ્લા અઢી-ત્રણ મહિનાથી તમામ સફાઈકામદારો ઘરે બેઠા છે, પણ આજ સુધી કોઈ અમારી મદદે આવ્યું નથી.”

રાણપુરમાં એ સમયે શું ચાલતું હતું?

ગુજરાતમાં માથે મેલું ઉપાડવા માટે શરૂ થયેલી લડત

દલિત અધિકાર કાર્યકર અને ગુજરાતના ‘નવસર્જન ટ્રસ્ટ’ વતી રાણપુરના દલિત સફાઈકામદારોના અધિકાર માટે અવાજ બનનાર મંજુલા પ્રદીપ બીબીસીને કહે છે કે, “મુદ્દો એ હતો કે રાણપુરમાં આવેલા સૂકાં જાજરૂ આ કામદારોએ સાફ કરવાના રહેતાં. વાંસના ટોપલા અને ઝાડુ આપવામાં આવેલાં હતાં. આ દલિત સફાઈકામદારોએ પોતાનાં તૂટી ગયેલાં ઝાડુ બદલવાની દરખાસ્ત કરી હતી, પરંતુ પંચાયતે એ સમયે બજેટ ન હોવાની વાત કરી.”

“આ સિવાય બીજો મુદ્દો એ હતો કે, આ સમગ્ર કામની જવાબદારી મોટા ભાગે દલિત સ્ત્રી સફાઈકામદારો પર રહેતી. જ્યારે તેઓ ચોમાસામાં માથે મેલું ઉઠાવે ત્યારે તેમના શરીર પર પાણી સાથે માનવમળના રેલા ઊતરતા. જ્યારે અમારા કાર્યકરો ત્યાં ગયા ત્યારે અમે તેમને સમજાવેલું કે આ પ્રથા અમાનવીય છે, જેને ‘માથે મેલું ઉપાડવાની પ્રથા’ કહેવાય.”

તેઓ કહે છે કે, “આવું એટલા માટે કે આ લોકો પાસે આ વાત અંગેની અગાઉ જાગૃતિ નહોતી. તેમને જાગૃત પણ કોણ કરે? ત્યાં સુધી વાલ્મીકિ સમાજના આ લોકોને તો એવું જ લાગતું કે આ કામ તેમને વારસાગત મળ્યું છે. તેમજ એ સમયે ત્યાંના ઉજળિયાત કોમના અન્ય લોકોને પણ જ્ઞાતિવાર કામની આ વહેંચણીને દૂર કરવામાં કોઈ રસ નહોતો.”

‘ગામલોકો પાસેથી ભોજન મળતું, પગાર પાંચ રૂપિયા’

મંજુલા પ્રદીપ રાણપુરની ચળવળ વખતે થયેલા અનુભવ અંગે કહે છે, “આ સફાઈકામદારોનું જીવન સંપૂર્ણપણે ગામલોકો પર આધારિત હતું. તેમને પંચાયતના પાંચ રૂપિયા પ્રતિ માસ પગાર ઉપરાંત ગામલોકો પાસેથી ભોજન વગેરે મળી જતું. ગામલોકો પાસેથી દરરોજ તિરસ્કારના અનુભવો આમને થતા રહેતા. જ્યારે અમે ત્યાં મિટિંગ કરવા જતા ત્યારે અમે નોંધ્યું કે, આ લોકોની હાલત ખૂબ ખરાબ હતી. તેમનાં કપડાં સાવ મેલાં રહેતાં, દૂરથી પણ તેમનાં શરીર અને કપડાંમાંથી દુર્ગંધ છૂટતી રહેતી. તેમની પાસે હાથ ધોવા માટે સાબુ-પાણી કંઈ નહોતું રહેતું, ઉપરાંત સૂકાં જાજરૂમાં લોકો પાણી નાખે, ન નાખે એવું બનતું. તેમજ દલિત કામદારોએ આ બધી ગંદકી માથે ઉપાડીને એનો નિકાલ કરવો પડતો.”

રાણપુરની પોતાની મુલાકાત અંગેના અનુભવો શૅર કરતાં તેઓ કહે છે કે, “ત્યાંના દલિત સફાઈકામદારોની સ્થિતિ ખૂબ ગરીબાઈની અને કરુણાજનક હતી. આ લોકોના આરોગ્યના પણ મુદ્દા હતા. તેઓ પોતાની આ સ્થિતિને કારણે ગુસ્સે તો હતા, પરંતુ સાથોસાથ તેમનામાં પોતાની સ્થિતિ અંગેની લાચારી પણ રીતસર જોઈ શકાતી હતી.”

માથે મેલું ઉપાડવાની પ્રથા એટલે શું?

ગુજરાતમાં માથે મેલું ઉપાડવા માટે શરૂ થયેલી લડત

‘હાથમાં ઝાડુ, માથે મેલું’ પુસ્તિકમાં માથે મેલું ઉપાડવાની પ્રથાનું વિવરણ કરાયું છે.

વંડો, વાડો કે વાડોલિયું : શૌચાલયના ઘણા પ્રકારો છે. કેટલીક જગ્યાએ પરંપરાઓને કારણે, ગટર વ્યવસ્થાના અભાવે ઘરની બાજુમાં એક વાડો કે વાડોલિયું ઊભું કરવામાં આવે છે. ત્યાં શૌચક્રિયા થાય છે. સફાઈકામદાર દ્વારા આ જાજરૂને ટોપલીમાં એકઠું કરીને દૂરના સ્થળે ફેંકવામાં આવે છે.

ડબ્બા જાજરૂ : જાજરૂમાં ભૂમિકૂવાવાળાં શૌચાલયો, કિસાન જાજરૂ, ગટર સાથે જોડાયેલાં પાણીબંધ જાજરૂઓ અને ગૅસ પ્લાન્ટ સાથે જોડાયેલાં, શૌચાલયોની જેમ ડબ્બા જાજરૂનો પણ એક પ્રકાર છે. ખુલ્લાપણાની સગવડનો અભાવ, મધ્ય કદનાં નગરો અને ગટરની વ્યવસ્થાના અભાવે નાનકડી જગ્યામાં શૌચાલયની કૅબિનો બનાવાય છે. બેઠકની નીચે ડબ્બો ગોઠવવામાં આવે છે. જેમાં મળ, પાણી, પેશાબ બધું એકઠું થાય છે. દિવસમાં એક વાર સફાઈકામદાર આ ડબ્બો ખેંચી, અન્ય મોટા ડબ્બામાં ઠાલવીને નગરની બહાર દૂર એકાંતમાં ફેંકી આવે છે.

માથે મેલું ઉપાડવું : મધ્ય કદનાં શહેરોમાં મ્યુનિસિપાલિટીઓ ડબ્બા જાજરૂઓ બનાવીને એક ટૅન્કરમાં ભરીને સુએઝ ફાર્મ પ્રકારની જગ્યાની વ્યવસ્થા કરીને ત્યાં ઠાલવે છે. ડબ્બા જાજરૂમાં મળ, પેશાબ, પાણી વગેરે એકઠું થાય તે ટૅન્કરમાં પહોંચાડવા માટે માથે મેલું મૂકીને ઠલવી દેવામાં આવે છે, જેને માથે મેલાની પ્રથા કહેવાય છે.

રાણપુર ગામના દલિતોની માગણી શું હતી?

ગુજરાત મજદૂર સેનાના જનરલ સેક્રેટરી ડી.ડી. પટેલ અને રાણપુર ગ્રામપંચાયતની અનામત બેઠક પરથી અપક્ષ ચૂંટાઈ આવેલા યુવક શશિકાંત કાલમાએ 13 ફેબ્રુઆરી, 1996ના દિવસે નાયબ જિલ્લા અધિકારીને એક આવેદન આપ્યું હતું અને લેખિત સ્વરૂપે માગણી કરાઈ હતી કે…

  • માથે મેલું ઉપાડવાની પ્રથા બંધ કરવામાં આવે
  • 20-25 વર્ષથી સફાઈકામદાર તરીકે કામ કરતા સફાઈકામદારોને ધોરણસર કાયમી કરવામાં આવે
  • ‘સમાન કામ, સમાન વેતન’ અધિનિયમનો અમલ કરવામાં આવે
  • લઘુતમ વેતનધારાનો અમલ કરવામાં આવે
  • સફાઈકામદારો પ્રત્યે સન્માનપૂર્વક વર્તન કરવામાં આવે અને કિન્નાખોરી રાખી પરેશાન કરવાની અને હડધૂત કરવાની રીતરસમો બંધ કરવામાં આવે

જોકે, આવી માગણીઓનો ગ્રામપંચાયતના આગેવાનોએ ઇન્કાર કર્યો હતો.

રાણપુરના તત્કાલીન સરપંચનો ખુલાસો

14-03-96ના દિવસે સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતા ‘સમય’ અખબારમાં રાણપુર ગામના સરપંચ ભૂપેન્દ્ર ચુનીલાલ મકવાણાએ પ્રેસને જણાવ્યું હતું કે, “રાણપુરમાં 24 જાન્યુઆરી, 1996થી સફાઈકામદારો હડતાળ પર ઊતર્યા હોવાથી રાણપુર શહેર ગંદકીનું દોજખ બની ગયું છે. એક સફાઈકામદાર કામ કરતો ન હોવાથી તેની ગેરહાજરી પૂરવામાં આવી, તેથી બીજા કામદારો હડતાળ પર ઊતરી ગયા હતા. આ કામદારોમાં છ કાયમી છે અને બત્રીસ હંગામી છે. તેમને દિવસના સાડા ત્રણ કલાક કામ કરવાનું હોય છે.”

“ગ્રામપંચાયતનાં જાહેર ફલશનાં સંડાસો કુલ અંદાજે 60થી વધારે છે, જેનો જાહેર લોકો ઉપયોગ કરે છે. કોઈ પણ સફાઈ કર્મચારી માથે મેલું ઉપાડવાની પ્રથા પંચાયતમાં નથી.”

ગામના સરપંચે કહ્યું હતું કે 22-03-96નાં અમુક અખબારોમાં “રાણપુરમાં માથે મેલું ઉપાડવાની પ્રથા ચાલુ છે”, એવા સમાચારો સત્યથી વેગળા છે. રાણપુર આઝાદીની લડતનું મથક હતું. ગામમાં આઝાદી પહેલાં પણ આભડછેટ હતી નહીં અને આજે પણ નથી.

‘કામદારો હડતાળ પર ઊતર્યા એ હકીકત સ્પષ્ટ નથી’

ગુજરાતમાં માથે મેલું ઉપાડવા માટે શરૂ થયેલી લડત

એ સમયે સફાઈકામદારોએ હડતાળ પાડી હોવાની વાતો પણ થઈ હતી.

જોકે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય ઈશ્વરભાઈ પટેલે એમના 19-03-96ના જિલ્લા વિકાસ અધિકારીને લખેલા પત્રમાં બંને પક્ષોને સાંભળીને જે અહેવાલ આપ્યો એમાં તારણરૂપે લખ્યું હતું, “રાણપુરના સફાઈકામદારો એકાએક હડતાળ પર ઊતરી ગયા એ હકીકત સ્પષ્ટ નથી. એમણે લેખિત અને મૌખિક વારંવાર રજૂઆતો કરી છે. છતાં પંચાયતે તે વાત ધ્યાને લીધી નથી. આમ છતાં કામદારો તો કામ પર જવા તૈયાર હતા, પણ હાજરી પૂરનારે હાજરી જ પૂરવાનું બંધ કર્યું એટલે નાઈલાજે તેઓને કામ પર નહીં જવાની ફરજ પડી છે.”

ગામની મુલાકાત બાદ બહાર આવેલાં તારણો

પુસ્તિકા અનુસાર, ‘મુવમેન્ટ ફૉર પીપલ્સ રાઇટ્સ’, ‘દલિત પેન્થર’ના કાર્યકરો અને કેટલીક અન્ય સંસ્થાના આગેવાનો ગામની મુલાકાત લીધી હતી અને બાદમાં 19મી માર્ચ, 1996ના દિવસે ગુજરાતના રાજ્યપાલને આપવામાં આવેલા આવેદનપત્રમાં નીચેની માગણી કરી હતી.

માથે મેલું ઉપાડવાની પ્રથા રાણપુરના સફાઈકામદારોના માનવ હક્કોનું ચોખ્ખું હનન છે. કારણ કે અમારી મુલાકાતમાં અમે માનવતાને માથે કલંક સમાન સ્થિતિ નજરોનજર નિહાળી છે.

આ કાર્ય કરતી મહિલાઓને માત્ર નગણ્ય વેતન અપાય છે. અને તેમને કાયમી મજૂર ગણવામાં આવતા નથી એટલે એમની રોજિંદા મજૂરને બદલે કાયમી મજૂર ગણી કાયદેસરના હક્કો અને વેતન આપવું જોઈએ.

અમારી જાતતપાસમાં રાણપુરમાં અમે પાંચ વાડા-વાડોલિયા જાજરૂ જોયા છે જે તાત્કાલિક ધોરણે નષ્ટ કરી દેવા જોઈએ.

અમારી મુલાકાતમાં અમે જોયું છે કે “માનવમળને હાથ વડે ભેગું કરવાનું અને દૂર નિકાલ કરવા જવાની ફરજ પાડવી તે નાગરિકને માનવીય ગૌરવપૂર્ણ જિંદગી જીવવામાં બાધારૂપ બને છે. એટલે માનવધિકારનો ભંગ કરનાર આ પ્રથાનો તાત્કાલિક ધોરણે અંત આવવો જોઈએ.

અમારી મુલાકાતથી અમને લાગ્યું છે કે રાણપુરની ગ્રામપંચાયતનું વલણ બિનસહકારી અને દલિતવિરોધી છે અને એટલા માટે જ છેલ્લા પોણા બે માસથી સફાઈકામદારોની હાજરી પૂરવામાં આવતી નથી અને તેને હડતાળ ગણવામાં આવે છે. જે ખોટું છે. એટલે બધા જ સફાઈકામદારોની તાત્કાલિક પાછળની તારીખથી હાજરી પૂરવામાં આવે અને જૂનો પગાર હાજર ગણીને ચૂકવવામાં આવે.

સફાઈકામદારોની લડત બાદની સ્થિતિ

ગુજરાતમાં માથે મેલું ઉપાડવા માટે શરૂ થયેલી લડત

મંજુલા પ્રદીપ કહે છે, “રાણપુરથી શરૂ થયેલી આ લડત બાદમાં આખા ગુજરાતમાં સૂકા જાજરૂ દૂર કરવાનું નિમિત્ત બની. રાણપુરમાં આપણે લોકોને જાગૃત કર્યા, જેથી તેનો વિરોધ શરૂ થયો અને બાદમાં આ મુદ્દો સમાચારોમાં ચગ્યો અને અંતે આખા મામલામાં હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી.”

હાઇકોર્ટે તારીખ 2 મે, 1996ના રોજ પંચાયતને લેખિત હુકમ કર્યો હતો કે, રાણપુરના સફાઈકામદારોને કામે પાછા લેવામાં આવે. એ પછી 35 સફાઈકામદારોને કામે લેવાયા હતા.

એ પછી રાણપુર ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું અને સમયાંતરે સંસ્થાઓના પ્રતિનિધિઓની ગામમાં મુલાકાત થઈ રહી. એ પછી રાજ્ય સરકારે પણ કેટલાંક પગલાં લીધાં હતાં.

માર્ચ 1991માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલે માથે મેલું ઉપાડવાની પ્રથાનો અંત લાવવાની જાહેરાત કરી હતી અને 13મી માર્ચ, 1992 સુધીમાં આ પ્રથાને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવાનો સંકલ્પ લીધો હતો.

મંજુલા પ્રદીપ આગળ વાત કરતાં કહે છે, “ગુજરાત સરકારે તો શરૂઆતમાં આવી કોઈ પ્રથા ગાંધીના ગુજરાતમાં હોઈ શકે એવી વાતથી જ ઇન્કાર કરી દીધેલો અને કહેલું કે, અમે દલિત સફાઈકર્મીઓને ફોસલાવીને માથે મેલું ઉપાડતા હોય એવું બતાવતા ફોટો પાડ્યા હતા. છાપાના અહેવાલોને તદ્દન ખોટા ગણાવી દેવાયા હતા. આ આખા મુદ્દાને ગુજરાત સરકારને બદનામ કરવા માટેનું એક કાવતરું ગણાવી દેવાયું હતું.”

“ગુજરાત હાઇકોર્ટે તપાસ સમિતિના રિપોર્ટ બાદ આપેલા હુકમને પગલે 1993નો કેન્દ્ર સરકારનો કાયદો ગુજરાત સરકારે અમલી બનાવવો પડ્યો, તેમજ પાછળથી ગુજરાત સરકારે સફાઈ કામદારોના પુનર્વસન માટે પણ બજેટની ફાળવણી કરી હતી. રાણપુર બાદ ગુજરાતના ઘણા વિસ્તારમાં માથે મેલું ઉપાડવાની પ્રથા સામે આવી જ લડત શરૂ થઈ હતી. એ બાદ સરકારી સ્તરે અને અન્ય સંસ્થાકીય સ્તરે પણ આ મુદ્દે અહેવાલો બનાવવાનું અને અન્ય કામ થતું દેખાવા લાગ્યું.”

તેઓ કહે છે, “મને એ વાતની ખાતરી છે કે જો રાણપુરની આ લડત ત્યાંના સફાઈકામદારોએ ન ઉપાડી હોત તો એ ગામની સ્થિતિ ખૂબ ખરાબ થઈ હોત. એ લડતની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી.”

‘હાથમાં ઝાડુ, માથે મેલું’ પુસ્તિકામાં લખાયું છે: રાણપુર ગામની મહિલાઓનો એક જ બળાપો હતો કે “આવું નરક ચૂંથવાનું કામ કરવા છતાંય એકાદ રોટલાનું વાળું અને ગામલોકોની ગંદી ગાળ્યું સિવાય અમને મળે છે શું?”

મુખ્ય સંદર્ભ :

‘હાથમાં ઝાડુ, માથે મેલું’ – લેખક ડૉ. રમેશચંદ્ર પરમાર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS