Home તાજા સમાચાર gujrati યુકેમાં કાયમી વસવાટ માટેના નવા નિયમોની જાહેરાત, કોને ફાયદો-કોને નુકસાન?

યુકેમાં કાયમી વસવાટ માટેના નવા નિયમોની જાહેરાત, કોને ફાયદો-કોને નુકસાન?

5
0

Source : BBC NEWS

યુકે ઇમિગ્રેશન

યુકેનાં હોમ સેક્રેટરી શબાના મહમૂદે ફૉરેન કેર વર્કર્સ તરીકે કામ કરી રહેલા લોકોને યુકેમાં કાયમી નિવાસ માટે 15 વર્ષ રાહ જોવાના પ્રસ્તાવને રદ કરી દીધો છે.

મહમૂદે મોટા ભાગના શરણાર્થીઓ માટે ‘ઇનડેફિનેટ લીવ-ટુ રિમેઇન(ILR)- કાયમી વસવાટ’ માટે રાહ જોવાનો સમયગાળો પાંચ વર્ષથી વધારીને 10 વર્ષ કરવાનું નક્કી કર્યું હતું, તો કેટલાક માટે આ સમય 15 વર્ષનો છે.

પરંતુ લેબર પાર્ટીના કેટલાક સાંસદોના વિરોધ પછી મહમૂદે આ નીતિમાં બદલાવો કર્યા છે. આ અનુસાર, ઓછામાં ઓછા 25 હજાર પાઉન્ડ પ્રતિવર્ષ કમાતા અને મે 2025 પહેલાં યુકેમાં આવેલા લોકો પાંચ વર્ષ પછી તેના માટે લાયક થવાનું ચાલુ રાખશે.

કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો કહે છે કે શબાના મહમૂદે લીધેલો યુ-ટર્ન ટૅક્સધારકોને અબજો પાઉન્ડનું નુકસાન કરી શકે છે.

કાયમી વસવાટ એ વ્યક્તિને જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી યુકેમાં રહેવા, કામ કરવા અને ભણવાનો અધિકાર આપી શકે છે. તેઓ તેનો ઉપયોગ બ્રિટિશ નાગરિકતા મેળવવા માટે પણ કરી શકે છે.

ગત નવેમ્બરમાં મહમૂદે કાયમી વસવાટ માટે લાયક ઠરી રહેલા લોકોની સંખ્યા પર ચર્ચા થયા બાદ સેટલમેન્ટ પ્લાનમાં વિલંબ કરવાની જાહેરાત કરી હતી. બ્રિટનમાં ગત કન્ઝર્વેટિવ સરકાર હેઠળ થયેલા બ્રેક્ઝિટ પછી માઇગ્રેશનના આંકડા પછી તેને ‘બૉરિસવેવ’ કહેવાતું હતું.

તેમણે કહ્યું હતું કે, “આ દેશમાં તેમને કાયમી વસવાટ મેળવવા માટે વધારે રાહ જોવી પડશે અને કૅર વર્કર્સ માટે આ સંભવતઃ સારો પ્રસ્તાવ.”

યુકેમાં સતત વધી રહેલા શરણાર્થીઓ

પ્રતીકાત્મક તસવીર

ગૃહ સચિવે પોતાની યોજનાઓ રદ કરવામાં કેટલો ખર્ચ થશે તે જણાવવાનો ઇનકાર કર્યો હતો.

માર્ચમાં જ્યારે તેમણે યોજનાઓ રજૂ કરી હતી, ત્યારે ગૃહ મંત્રાલયે મંત્રીઓને ઇમિગ્રેશન અંગે સલાહ આપતી સમિતિના આંકડાનો ઉપયોગ કરીને અનુમાન લગાવ્યું હતું કે હાલના નિયમોનો ખર્ચ 4.2 અબજ ડૉલર થશે.

2026થી 2030 દરમિયાન યુનાઇટેડ કિંગડમમાં વસવાટ કરવા આવનાર 1.17 લાખ ફૉરેન કેર વર્કર્સના અનુમાનિત જીવનકાળના ખર્ચ તરીકે આ આંકડો દર્શાવવામાં આવ્યો હતો.

આ સમિતિએ અંદાજ લગાવ્યો હતો કે જ્યારે તેમના પુખ્ત વયના આશ્રિતોને પણ ગણતરીમાં લેવામાં આવશે તો આ ખર્ચ 9.5 અબજ ડૉલર સુધી પહોંચી શકે છે.

શબાના મહમૂદે બીબીસીને જણાવ્યું હતું કે, “આ નવી સુધારેલી યોજનાઓથી અબજોની બચત થશે, કારણ કે અન્ય ક્ષેત્રોના કામદારોને હજુ પણ વધુ સમય રાહ જોવી પડશે. પરંતુ તેમણે કહ્યું કે ખર્ચની વિગત આપતું ‘ઇમ્પેક્ટ એસેસમેન્ટ’ ભવિષ્યની જાહેરાતમાં બહાર પાડવામાં આવશે.

તેમણે એ પણ જણાવવાનો પણ ઇનકાર કર્યો કે વડા પ્રધાન ઍન્ડી બર્નહામે તેમને તેમની દરખાસ્તો અંગે વલણ બદલવા કહ્યું હતું કે નહીં.

આ દરખાસ્તો તેમણે તેમના પૂર્વવર્તી સર કીયર સ્ટાર્મરના કાર્યકાળ દરમિયાન રજૂ કરી હતી.

કન્ઝર્વેટિવ પાર્ટીએ કહ્યું કે તેમના ‘યુ-ટર્ન’ના કારણે સરકારી તિજોરીને અબજો પાઉન્ડનો ખર્ચ થશે.

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે તેના આંકડાઓ દર્શાવે છે કે નેટ ઇમિગ્રેશન, એટલે કે દેશમાં પ્રવેશનાર અને દેશ છોડનાર લોકો વચ્ચેનો તફાવત એ 2021 અને 2024 વચ્ચે યુનાઇટેડ કિંગડમની વસ્તીમાં 26 લાખ લોકોનો વધારો લાવ્યો હતો.

વિભાગનો અંદાજ છે કે 2026 અને 2030 વચ્ચે 13 લાખથી 22 લાખ લોકો યુનાઇટેડ કિંગડમમાં વસવાટ કરવા ઉમેરાશે અને તેનો કેન્દ્રીય અંદાજ વધીને 19 લાખ થયો છે.

ગૃહ સચિવે યુનાઇટેડ કિંગડમમાં પહેલેથી જ રહેલા સ્થળાંતરિત કામદારો પર આ ફેરફારો લાગુ કરવાની દરખાસ્ત માટે ટીકા સહન કરવી પડી હતી.

હાઉસિંગ વિભાગના સચિવ એન્જેલા રેનરે અગાઉ કહ્યું હતું કે આ પગલું ‘ગોલપોસ્ટ બદલી નાખવા’ સમાન રહેશે.

યુનાઇટેડ કિંગ્ડમ

લેબર પાર્ટીના કેટલાક સાંસદોએ પણ આ પાછલી અસરથી લાગુ કરવામાં આવતા અભિગમને ‘અન-બ્રિટિશ’ ગણાવ્યો હતો અને ચેતવણી આપી હતી કે તે યુનાઇટેડ કિંગડમમાં કુશળ કર્મચારીઓની અછતને વધુ ગંભીર બનાવી શકે છે, ખાસ કરીને કેર સેક્ટરમાં આ અઘરું બની શકે છે.

હાઉસ ઑફ કૉમન્સમાં નિવેદન આપતાં મહમૂદે કહ્યું કે સ્થાયી વસવાટ (સેટલમેન્ટ) એ આપોઆપ મળી જવો ન જોઈએ, તે કમાવવો કે હાંસલ કરવો જોઈએ.

ફેરફારો અનુસાર દર વર્ષે 50 હજાર પાઉન્ડથી ઓછી આવક ધરાવતા લોકોને સેટલમેન્ટ સ્ટેટસ મેળવવા માટે (જો તેમને કોઈ છૂટ ન મળી હોય તો) 10 વર્ષના માર્ગ પર મૂકવામાં આવશે.

મહમૂદે સાંસદોને એ પણ જણાવ્યું કે સરકાર એ કેર વર્કરો માટે પાંચ વર્ષનો સેટલમેન્ટનો માર્ગ ઉપલબ્ધ કરાવશે જેમણે કોવિડ-19 મહામારી પછી જ્યારે અમને તેમની જરૂર હતી ત્યારે અમને પ્રતિસાદ આપ્યો હતો.

મહમૂદે કહ્યું, “જે લોકો સોશિયલ સેક્ટરમાં કામ કરીને દર વર્ષે 25 હજાર પાઉન્ડ કમાય છે (જે તેમના વિઝાની શરત હતી) તેઓ તેમના હાલના પાંચ વર્ષના રસ્તે જ સેટલમેન્ટ મેળવી શકશે.”

તેમણે ઉમેર્યું કે જે કેર વર્કરો તેમના વિઝાની શરતો પૂર્ણ કરી શકતા નથી તેઓ વધુ પાંચ વર્ષના વિઝા માટે અરજી કરી શકશે અને ત્યારબાદ સેટલમેન્ટ મેળવવાનો પ્રયાસ કરી શકશે.

નિયમોમાં શું ફેરફાર થશે અને કેટલાં વર્ષે કાયમી વસવાટ મળશે?

સાંસદોને એ પણ જણાવવામાં આવ્યું હતું કે:

  • દર વર્ષે 50 હજાર પાઉન્ડથી વધુ પગાર મેળવનારા ઉચ્ચ આવક ધરાવતા લોકો તથા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનારા લોકો, જેમ કે ડૉક્ટરો અને શિક્ષકો પાંચ વર્ષ પછી કાયમી સેટલમેન્ટ માટે પાત્ર બની શકશે.
  • દર વર્ષે 1.25 લાખ પાઉન્ડથી વધુ કમાણી કરતા અને સૌથી ઊંચા દરે ટૅક્સ ચૂકવનારા લોકો ત્રણ વર્ષ પછી અરજી કરી શકશે.
  • નાની બોટ દ્વારા અથવા અન્ય કોઈ ગેરકાયદેસર માર્ગે ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુનાઇટેડ કિંગડમ પહોંચેલા શરણાર્થીઓએ, જો તેઓ કામ કરે અથવા અભ્યાસ કરે તો 20 વર્ષ રાહ જોવી પડશે અને જો તેઓ કામ કે અભ્યાસ ન કરે તો 30 વર્ષ રાહ જોવી પડશે.

મહમૂદે કહ્યું કે, “અમારા ફેરફારો એ સુનિશ્ચિત કરે છે કે જે લોકો નેટ કૉન્ટ્રિબ્યુટર છે તેમને આ દેશમાં આવવા અને અહીં રહેવા માટે પ્રોત્સાહન આપવામાં આવે.”

તેમણે ઉમેર્યું કે, “ડિપાર્ટમેન્ટ ફૉર વર્ક ઍન્ડ પેન્શન્સનો અંદાજ છે કે અમારા સુધારાઓથી લાભો પર થતો ખર્ચ અબજો પાઉન્ડ જેટલો ઘટશે.”

ગયા વર્ષે મહમૂદ દ્વારા જાહેર કરાયેલી યોજનાઓના મૂળ સંસ્કરણ મુજબ 7.99 લાખ લોકોને કાયમી વસવાટ (પરમનેન્ટ રેસિડન્સી) મેળવવામાં વિલંબ થવાનો હતો. સોમવારે જાહેર કરાયેલી સુધારેલી યોજનાઓ હેઠળ આ સંખ્યા ઘટીને 5.17 લાખ થઈ જશે.

અશફાક જુનેદ એ આવા અસરગ્રસ્ત લોકોમાંના એક છે. તેઓ બર્મિંઘમમાં કામ કરતા એક બાંગ્લાદેશી રસોઈયા છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે જ્યારે તેમને ખબર પડી કે સેટલ્ડ સ્ટેટસ મેળવવા માટે હવે તેમને 2033 સુધી રાહ જોવી પડશે ત્યારે તેઓ રડી પડ્યા હતા.

ગૃહ સચિવે એ પણ પુષ્ટિ કરી કે કેટલાક સમૂહો માટે સેટલમેન્ટ મેળવવાનો માર્ગ હાલ જેવો છે તેવો જ રહેશે. તેમાં હૉંગકૉંગ બ્રિટિશ નૅશનલ્સ ઓવરસીઝ, સશસ્ત્ર દળોના સભ્યો, બ્રિટિશ જોડાણ ધરાવતા લોકો અને વિન્ડરશ યોજના સહિતના લેગસી રૂટ્સ પર આવેલા લોકોનો સમાવેશ થાય છે.

રિફ્યુજી કાઉન્સિલના ઇમરાન હુસૈને કહ્યું કે જે લોકો ગેરકાયદેસર રીતે અથવા નાની બોટ દ્વારા યુનાઇટેડ કિંગડમ આવ્યા છે અને જે કામ કરતા નથી અથવા અભ્યાસ કરતા નથી, તેમને કાયમી વસવાટ મેળવવા માટે 30 વર્ષ રાહ જોવાની જોગવાઈ ‘અન્યાયી અને અમલમાં મૂકવા અયોગ્ય’ છે.

તેમણે કહ્યું હતું કે, “સૌથી ન્યાયસંગત સુધારાઓ એ હશે કે આશ્રય (અસાઇલમ) સંબંધિત નિર્ણયો ઝડપથી અને સારી ગુણવત્તા સાથે લેવામાં આવે, જેથી સુરક્ષા પ્રાપ્ત કરનાર શરણાર્થીઓને પોતાનું જીવન ફરીથી ગોઠવવામાં અને યોગદાન આપવામાં મદદ મળી શક. જેમને રહેવાનો કોઈ અધિકાર નથી તેમને ગૌરવપૂર્ણ રીતે દેશ છોડવામાં મદદ મળી શકે.”

કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી શેડો ગૃહ સચિવ ક્રિસ ફિલ્પે કહ્યું કે મહમૂદના સાથી મંત્રીઓ અને લેબર પાર્ટીના ઑપન બૉર્ડરના સમર્થક ડાબેરી જૂથના વિરોધના પરિણામે મહમૂદની મૂળ દરખાસ્તોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

તેમણે ઉમેર્યું કે હવે તેઓ સરકારની ઇમિગ્રેશન નીતિનું સંચાલન કરી રહ્યા નથી.

તેમણે માર્ચ મહિનાના આંકડાઓનો ઉલ્લેખ કર્યો, જેમાં ગૃહ મંત્રાલયની ગણતરી મુજબ ટૅક્સપેયર્સ માટે અંદાજિત જીવનકાળનો ખર્ચ 9.5 અબજ પાઉન્ડ દર્શાવવામાં આવ્યો હતો.

ફિલ્પનું કહેવું છે કે આ તેમના યુ-ટર્નનો ખર્ચ છે.

યુકેમાં કાયમી વસવાટના નિયમોમાં ફેરફારની ટીકા કેમ થઈ રહી છે?

કેર વર્કર્સ

પરંતુ હાઉસ ઑફ કૉમન્સના સૌથી લાંબા સમયથી સેવા આપતા પુરુષ સાંસદ અને ફાધર ઑફ ધ હાઉસ સર એડવર્ડ લીએ આ વાતની ટીકા કરી છે.

તેમણે બ્રેક્ઝિટ પછી કહેવાતી ‘બૉરિસવેવ’ દરમિયાન દેખરેખ રાખી હતી, જ્યારે 2023માં નેટ ઇમિગ્રેશન લગભગ 10 લાખ સુધી પહોંચ્યું હતું.

તેમણે કહ્યું કે, “આપણામાંથી કેટલાકને હજુ સ્મૃતિભ્રંશ થયો નથી.”

લિબરલ ડેમૉક્રેટ્સના ગૃહ બાબતોના પ્રવક્તા મૅક્સ વિલ્કિન્સને કહ્યું કે સરકારના સુધારાઓ વિખેરાઈ રહ્યા છે.

તેમણે ઉમેર્યું, “ઇમિગ્રેશનને માત્ર આંકડાઓ અને નાની બોટમાં આવતા લોકોની છબીઓના મુદ્દા તરીકે જોવાથી દેશને જરૂરી એવી માહિતીસભર રાષ્ટ્રીય ચર્ચા કરવાની ક્ષમતા નબળી પડી રહી છે.”

રિફોર્મ યુકેના નેતા નાઇજેલ ફરાજે કહ્યું કે મહમૂદે તેમનો અસલી રંગ બતાવી દીધો છે.

તેમણે કહ્યું કે, “ઇમિગ્રેશન મુદ્દે મોટી મોટી વાતો કરી હતી, પરંતુ લેબરના તેમના ડાબેરી સાથીઓ તરફથી મુશ્કેલીના પ્રથમ સંકેત પર જ તેમણે યુ-ટર્ન લઈ લીધો.”

ગૃહ મંત્રાલયના અંદાજનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આગામી ચૂંટણી પહેલાં હેલ્થ ઍન્ડ કેર વિઝા પર આવેલા 2 લાખથી વધુ ઇમિગ્રન્ટ્સ બ્રિટિશ નાગરિકતા માટે પાત્ર બનશે.

તેમણે દાવો કર્યો કે તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન આનો ખર્ચ કરદાતાઓને 50 અબજ પાઉન્ડ પડશે.

તેમણે વચન આપ્યું કે આજથી કેર વિઝા પર આવતા તમામ લોકોની નાગરિકતાની સમીક્ષા કરવામાં આવશે અને નાગરિકતા માટેની લાયકાતનો ન્યૂનતમ સમયગાળો 10 વર્ષ સુધી લંબાવવામાં આવશે.

ગ્રીન પાર્ટીનાં સાંસદ સિયાન બેરીએ કહ્યું કે મહમૂદે યુનાઇટેડ કિંગડમમાં રહેતા સ્થળાંતરિત લોકો માટે “અવરોધો અને અડચણોથી ભરેલો નવો માર્ગ” ઊભો કર્યો છે.

સોમવારે, ઇન્સ્ટિટ્યૂટ ફૉર પબ્લિક પૉલિસી રિસર્ચ (IPPR) થિંક ટૅન્કે જણાવ્યું હતું કે હાલના નિયમો હેઠળ યુનાઇટેડ કિંગડમમાં સેટલ થનારા કુશળ કામદારો અને તેમના આશ્રિતો તેમના દ્વારા ચૂકવવામાં આવતા કર દ્વારા જીવનકાળ દરમિયાન અંદાજે 115 અબજ પાઉન્ડનું નેટ યોગદાન આપશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS