Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારે થશે, હવે ક્યાંય વરસાદની શક્યતા છે કે નહીં?

ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારે થશે, હવે ક્યાંય વરસાદની શક્યતા છે કે નહીં?

7
0

Source : BBC NEWS

ગુજરાતમાં ઠંડી ક્યારથી શરૂ થશે? હવે ક્યાંય વરસાદની શક્યતા છે કે નહીં?

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં દિવાળી પછી કેટલીક જગ્યાએ સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ મોટાં શહેરોમાં હજુ પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે. હાલમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક છે.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હવામાન શુષ્ક રહ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં લઘુતમ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર થયો નથી.

અમદાવાદસ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઉપર રહ્યું છે.

હાલમાં ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને પડોશના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 0.9 કિમીની ઉંચાઈએ એક અપર ઍર સાઇક્લૉનિક સર્ક્યુલેશન રચાયું છે. ઉત્તરપૂર્વના પવનો હાલમાં નીચા લેવલ પર ફૂંકાઈ રહ્યા છે.

હવે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે. અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે.

ગુજરાતનાં કેટલાંક શહેરોમાં છેલ્લા 24 કલાકમાં 20 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું તાપમાન નોંધાયું હતું. તેમાં વડોદરામાં 19.5 ડિગ્રી, દમણમાં 19.2 ડિગ્રી, નલિયામાં 17.2 ડિગ્રી, અમરેલીમાં 18.8 ડિગ્રી, ભાવનગરમાં 19.2 ડિગ્રી, મહુવામાં 18.1 ડિગ્રી, કેશોદમાં 19.1 ડિગ્રી અને રાજકોટમાં લઘુતમ 19.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

મોટાં શહેરોમાં કેટલું તાપમાન ઘટશે?

અમદાવાદમાં સોૉમવારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી અને મહત્તમ 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. મંગળવારે પણ આટલી જ રેન્જમાં તાપમાન રહેશે. 11 નવેમ્બર, બુધવારે લઘુતમ તાપમાન ઘટીને 20 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેવાની આગાહી છે. 12 નવેમ્બરે લઘુતમ 20 ડિગ્રી અને મહત્તમ 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની આગાહી છે. 13 નવેમ્બરે પણ આ રેન્જમાં જ તાપમાન રહેશે.

વડોદરામાં અમદાવાદ કરતાં એક ડિગ્રી નીચું લઘુતમ તાપમાન નોંધાવાની આગાહી છે. સોમવારે લઘુતમ 20 અને મહત્તમ 37 ડિગ્રી તાપમાન રહેશે, જ્યારે મંગળવારે લઘુતમ 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. બુધવાર અને ગુરુવારે લઘુતમ 19 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની આગાહી છે.

અમદાવાદ કરતાં સુરતમાં અત્યારે બે ડિગ્રી સેલ્સિયસ વધારે ઊંચું તાપમાન છે. સોમવારે મહત્તમ 37 ડિગ્રી અને લઘુતમ 21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહી શકે છે. 10 નવેમ્બર, મંગળવારે પણ આટલું જ તાપમાન રહેશે. બુધવારે તાપમાન ઘટીને 20 ડિગ્રી સુધી અને વધીને 37 ડિગ્રી સુધી જઈ શકે છે. એ પછી બે દિવસ સુધી લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજકોટમાં દિવસ દરમિયાન થોડી વધારે ગરમી છે તેથી સોમવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવે છે. મંગળવારથી લઘુતમ તાપમાન 19 ડિગ્રી અને પછી 18 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની આગાહી છે. મહત્તમ તાપમાન 37થી 38 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

આકાશ સ્વચ્છ રહેશે

બીબીસી ગુજરાતી

કચ્છના મુખ્ય શહેર ભુજમાં આજે મહત્તમ 37 ડિગ્રી અને લઘુતમ 23 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની આગાહી છે. મંગળવારે તાપમાન ઘટીને 23 ડિગ્રી રહેશે જે આગામી બે દિવસમાં ઘટીને 21થી 22 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

રાજ્યના મોટાં ભાગનાં શહેરોમાં ચાલુ સપ્તાહમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં પવનની ઝડપ પાંચ કિમી પ્રતિ કલાકની આસપાસ રહેશે.

છેલ્લા 24 કલાકના આંકડા દર્શાવે છે કે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય કરતાં 2.3 ડિગ્રી વધારે હતું. જ્યારે લઘુતમ તાપમાન 20.6 ડિગ્રી હતું જે સામાન્ય કરતાં 2.5 ડિગ્રી વધારે રહ્યું હતું.

વડોદરાનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.7 ડિગ્રી સેલ્સિયસ ઉંચું રહ્યું છે જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ વધારે છે.

નલિયા અને પોરબંદર એવાં શહેરો છે જ્યાં લઘુતમ તાપમાનમાં 0.1 ડિગ્રીથી લઈને 1.4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થયો છે. જ્યારે દ્વારકા, ઓખા, વેરાવળ, ભુજ, ડીસા અને દીવમાં સામાન્ય કરતાં લઘુતમ તાપમાન 1.8 ડિગ્રીથી 3.2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારે રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS