Home તાજા સમાચાર gujrati અમદાવાદ : ફટાકડા ફોડવાની બબાલ, બે જૂથ વચ્ચે હિંસા, સાતની ધરપકડ, શું...

અમદાવાદ : ફટાકડા ફોડવાની બબાલ, બે જૂથ વચ્ચે હિંસા, સાતની ધરપકડ, શું છે સમગ્ર મામલો?

5
0

Source : BBC NEWS

બીબીસી

  • વાંચવાનો સમય: 3 મિનિટ

મમમમ

ફટાકડા ફોડવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી.

આ દરમિયાન લાકડીઓ અને ધોકા વડે કરવામાં આવેલા હુમલામાં કેટલાક લોકોને ઈજા થઈ હતી. એક વ્યક્તિને માથામાં ગંભીર ઈજા થતાં 12 ટાંકા લેવા પડ્યા હતા.

બોડકદેવ પોલીસના જણાવ્યા અનુસાર, 4 પુખ્ત વયના આરોપીઓ અને 3 સગીરોની ધરપકડ કરવામાં આવી છે, અને મારામારી દરમિયાન લાઇસન્સવાળી પિસ્તોલથી ફાયરિંગ થયું હોવાનો FIRમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જેની પણ તપાસ ચાલી રહી છે.

બોડકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. ખાંભલાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “ગુનો બન્યા બાદ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. 14 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે પોલીસ ટોળામાં રહેલા લોકોની પણ તપાસ કરી રહી છે. આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસીને આ બનાવમાં સામેલ અન્ય લોકોની પણ ઓળખ કરવામાં આવશે.”

શું હતી સમગ્ર ઘટના?

બીબીસી

બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર, ફરિયાદી જીગરકુમાર ડાહ્યાભાઈ પટેલ (ઉંમર 44 વર્ષ) સાયન્સ સિટી રોડ પર આવેલા ઍમ્પાયર સ્કાયવ્યુ ઍપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ ઇમ્પોર્ટ-એક્સપોર્ટ અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 6 નવેમ્બર, 2026ની રાત્રે આશરે સાડા 10 વાગ્યે ઍપાર્ટમેન્ટના સભ્યો અને તેમના પરિવારજનો સોસાયટીની બહાર ફટાકડા ફોડી રહ્યા હતા. તે સમયે સામે આવેલા કેપિટલ-2 બિલ્ડિંગમાં આવેલી રજવાડી ચા પાસે કેટલાક યુવકો પણ ફટાકડા ફોડી રહ્યા હતા.

તેમના ફોડેલા ફટાકડા સોસાયટીના સભ્યો તરફ આવતા હોવાથી જિગર પટેલ અને અન્ય લોકોએ યુવકોને ત્યાં ફટાકડા ફોડવાની ના પાડી હતી. જોકે, ફરિયાદ મુજબ, યુવકોએ તેમની વાત માની નહોતી. આ દરમિયાન બોલાચાલી થઈ હતી. ફરિયાદમાં પ્રાંશુ કોઈટાવાડ, અર્જુન દેસાઈ, વિશ્વાસ કાલી તેમજ બીજા લોકોનો ઉલ્લેખ છે.

ત્યારબાદ 8 નવેમ્બરની રાત્રે ફરી આ જ બાબતે ફરી વિવાદ થયો હતો. ફરિયાદી જિગર પટેલના જણાવ્યા અનુસાર, રાત્રે આશરે 10:45 વાગ્યે તેઓ પરિવારજનો, મિત્રો, સોસાયટીના સભ્યો અને ઑફિસના કર્મચારીઓ સાથે ઍપાર્ટમેન્ટની બહાર ફટાકડા ફોડી રહ્યા હતા. તે જ સમયે રજવાડી ચા પાસે કેટલાક યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન એક રૉકેટ સોસાયટીના સભ્યો તરફ આવ્યું હતું.

પટેલ અને અન્ય લોકોએ યુવકોને ત્યાં ફટાકડા ન ફોડવા જણાવ્યું હતું. ફરિયાદ મુજબ, યુવકોએ તેમની વાત માનવાનો ઇનકાર કરીને બોલાચાલી શરૂ કરી હતી અને ફોન કરીને બીજા લોકોને બોલાવ્યા હતા.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, થોડા જ સમયમાં આશરે 20થી 25 લોકો લાકડીઓ અને ધોકા લઈને ત્યાં પહોંચ્યા હતા અને સોસાયટીના સભ્યો પર હુમલો કર્યો હતો.

ફરિયાદીનો આક્ષેપ છે કે, ટોળામાં આવેલા કેટલાક લોકોએ તેમના જમણા હાથ અને માથાના ભાગે લાકડી વડે માર માર્યો હતો. તેમની ઑફિસમાં કામ કરતા જિતેશભારતી દિનેશભાઈ બાવાને પણ માથામાં લાકડી મારવામાં આવી હતી. આ ઉપરાંત ફરિયાદીના ભત્રીજા મૌલિક પટેલ, મિત્ર રાકેશ પટેલ અને સોસાયટીના સભ્ય હિતેશ પટેલને પણ માર મારવામાં આવ્યો હતો.

ફરિયાદમાં બીજા લોકોમાં મિલન કાનજીભાઈ રબારી, મીત રાજેશભાઈ દેસાઈ, મૌલિક દેસાઈ અને રાહુલ દેસાઈ સહિતના લોકોનાં નામ આપવામાં આવ્યાં છે.

ફાયરિંગની ઘટનાની પણ તપાસ

બીબીસી

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મારામારી દરમિયાન ફરિયાદીના મિત્ર રાકેશ પટેલે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી હવામાં 2-3 રાઉન્ડનો ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ હુમલો કરનારું ટોળું ત્યાંથી ભાગી ગયું હતું.

પોલીસને જાણ થતાં તે ઘટનાસ્થળે પહોંચી હતી. માથામાં ઈજા પામેલા જિતેશભારતી બાવાને 112 ઇમર્જન્સી વાન મારફતે સોલા સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમના માથામાં 12 ટાંકા લેવામાં આવ્યા હતા. બાદમાં તેમને વધુ સારવાર માટે સાયન્સ સિટી રોડ પર આવેલી શાલ્બી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરિયાદી સહિત અન્ય ઈજાગ્રસ્તોએ પણ સારવાર લીધી હતી.

આ ઘટનામાં થયેલા ફાયરિંગ અંગે બીબીસી સાથે વાત કરતા ડીસીપી, ઝોન-7, શિવમ વર્માએ જણાવ્યું હતું કે, “ફાયરિંગની ઘટનાનો ઉલ્લેખ એફઆઈઆરમાં કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે, લાઇસન્સવાળી પિસ્તોલથી 3 રાઉન્ડ ફાયરિંગ કરવાની ખરેખર જરૂર હતી કે નહીં. જો તપાસમાં કંઈ અસામાન્ય જણાશે, તો સંબંધિત વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.”

આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોના પરિવારજનો સાથે વાત કરવાનો બીબીસીએ પ્રયાસ કર્યો હતો. બીબીસીની ટીમ બોડકદેવ પોલીસ સ્ટેશનની બહાર પહોંચી હતી, જોકે પરિવારજનોએ આ મામલે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કૅમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. તેના આધારે હુમલામાં સામેલ અન્ય લોકોની ઓળખ કરીને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

SOURCE : BBC NEWS