Source : BBC NEWS
Getty Images
વાંચવાનો સમય: 3 મિનિટ
દિવાળી પછી રાજ્યમાં રાતે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ ગઈ છે, જોકે, દિવસે હજુ પણ તાપમાન 36થી 37 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે.
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સૌથી નીચું તાપમાન કચ્છના નલિયા ખાતે નોંધાયું હતું. નલિયામાં લઘુતમ 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું જ્યારે દિવસ દરમિયાન 37 ડિગ્રી સુધી તાપમાન પહોચ્યું છે, એટલે કે દિવસે હજુ ઘણી ગરમી પડી રહી છે.
અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં રાત અને દિવસના તાપમાન વચ્ચેનો તફાવત વધ્યો હોવાનું નોંધાયું છે.
હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 20.6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઘણાં શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન
Getty Images
બનાસકાંઠાના ડીસામાં ઓછામાં ઓછું 20.2 ડિગ્રી અને મહત્તમ 37.8 ડિગ્રી તાપમાન રહ્યું છે, જ્યારે ગાંધીનગરમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે ઊતરીને 19.8 ડિગ્રી સેલ્સિયસ સુધી ગયું હતું. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે.
દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરામાં લઘુતમ તાપમાન 20.2 ડિગ્રી, સુરતમાં 20.8 ડિગ્રી અને દમણમાં 20.6 ડિગ્રી નોંધાયું છે. સુરત શહેર 37.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દિવસ દરમિયાન ગરમ રહ્યું હતું.
કચ્છમાં નલિયા અને કંડલા ઍરપૉર્ટ પર તાપમાન 20 ડિગ્રીથી નીચે ગયું છે. કંડલામાં ઓછામાં ઓછું 17 ડિગ્રી અને કંડલા ઍરપૉર્ટ પર 19.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છમાં ભુજમાં મહત્તમ 37.8 ડિગ્રી તાપમાન હતું જ્યારે રાતે પારો 22.6 ડિગ્રી સુધી નીચે ઊતરી ગયો હતો.
સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં તાપમાનની રેન્જ 21.2 ડિગ્રી સેલ્સિયસથી 35.9 ડિગ્રી સુધી રહી છે. દ્વારકામાં 23.5 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 19.5 ડિગ્રીથી લઈને 38.3 ડિગ્રી સુધી ગરમી રહી છે.
ઉત્તરપૂર્વના પવનની અસર
Getty Images
મહુવામાં લઘુતમ 18.3 ડિગ્રી અને મહત્તમ 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં લઘુતમ 21.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે જ્યારે મહત્તમ 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દમણ, દીવ, દાદરા નગરહવેલી સહિતના વિસ્તારમાં હાલમાં હવામાન સૂકું છે અને લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નથી થયો. કચ્છના કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે. અત્યારે ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને પાડોશના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 0.9 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં તાપમાનને અસર થઈ છે.
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને લઘુતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી જઈ શકે છે.
રાજ્યમાં ચોમાસું નબળું રહ્યું
ગુજરાતમાં આ વખતે ચોમાસું નબળું રહ્યું છે અને સરેરાશ 89 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં માત્ર 57 ટકા વરસાદ નોંધાયો હોવાથી આ જિલ્લામાં સરકારે દુષ્કાળની જાહેરાત કરી છે. ઉત્તર ગુજરાતમાં પણ સરેરાશ 71 ટકા જ વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 89 ટકા અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 72 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 114 ટકા કરતાં વધુ વરસાદ પડ્યો છે. કચ્છ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં માત્ર આઠ ટકા વરસાદ પડ્યો છે જે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછો છે.
ઘણાં રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે દેશનાં ઘણાં રાજ્યોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આજે તામિલનાડુ, પુડુચેરી અને કરાઇકલમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડવાની આગાહી છે. વરસાદની સાથે પવનની ઝડપ વધી શકે છે. કેરળ, આંધ્ર પ્રદેશ અને લક્ષદ્વીપના કાંઠા વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગ મુજબ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદના ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ભારતમાં વરસાદ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




