Home તાજા સમાચાર gujrati અહીં જંગલનો રાજા સિંહ ઝાડ પર કેમ ચઢી જાય છે?

અહીં જંગલનો રાજા સિંહ ઝાડ પર કેમ ચઢી જાય છે?

4
0

Source : BBC NEWS

સિંહ, બીબીસી

વાંચવાનો સમય: 3 મિનિટ

તાંઝાનિયામાં મન્યારા તળાવની આસપાસ અને યુગાન્ડાના ઇશાશા રિઝર્વમાં કેટલાક સિંહોને ઝાડની ઊંચી ડાળીઓ પર આરામ કરવાની ટેવ પડી ગઈ છે.

દૂરથી જોતાં તેઓ શાંતિથી સૂતેલી ઘરની બે બિલાડીઓ જેવા દેખાય છે, પરંતુ વાસ્તવમાં તેઓ મોટા અને શક્તિશાળી સિંહો છે. જમીનથી કેટલાક મીટર ઉપર બેઠેલા આ સિંહો શાંતિથી જંગલ અને ઝાડીઓનું નિરીક્ષણ કરે છે.

આ દૃશ્ય ઘણી વાર એવા પ્રવાસીઓને આશ્ચર્યચકિત કરે છે, જેઓ ઊંચા ઘાસ અથવા ઝાડીઓમાં છુપાયેલા સિંહો શોધવાની અપેક્ષા રાખતા હોય છે. સિંહોને સામાન્ય રીતે ખુલ્લાં મેદાનોના રાજા માનવામાં આવે છે. તેમનું શક્તિશાળી શરીર ઊંચા ઘાસમાં શિકારનો પીછો કરવા અને જમીન પર શિકાર કરવા માટે બનેલું છે.

સિંહો, ચિત્તાઓ અને વાંદરાઓની જેમ ઝાડ પર ચડવા માટે જાણીતા નથી. આ પ્રાણીઓનું શરીર હલકું હોય છે અને તેઓ એક ડાળીથી બીજી ડાળી પર કૂદકા મારવા જેવી સ્ફૂર્તિ પણ ધરાવતા હોય છે, જેના કારણે તેઓ ઝાડ પર રહેવા માટે વધુ યોગ્ય બને છે.

જોકે, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં સિંહોએ પોતાનું વર્તન બદલ્યું છે. તેમણે લાંબા સમય સુધી ઝાડ પર ચડવાનું અને ઊંચી ડાળીઓ પર બેસી રહેવાનું શરૂ કર્યું છે. આ અનોખું વર્તન ઘણાં વર્ષોથી સંશોધકો, પ્રવાસીઓ અને વન્યજીવપ્રેમીઓને આશ્ચર્યમાં મૂકતું રહ્યું છે.

સિંહોએ આ રિઝર્વ ક્ષેત્રોમાં નોંધપાત્ર રીતે પોતાની આદતો બદલી છે, જ્યાં મોટા ભાગે સિંહો ઝાડની પહોળી ડાળીઓ પર આરામ કરતા જોવા મળી રહ્યા છે. દિવસના સૌથી ગરમ કલાકોમાં તેઓ ત્યાં ઘણા કલાકો આ રીતે ડાળીઓ પર વિતાવે છે.

આ દેખાવ તેમને ચિત્તા જેવા દર્શાવે છે, જ્યારે તેઓ એ જ સિંહો છે જે આફ્રિકાના ખુલ્લાં મેદાનોમાં દબદબો ધરાવે છે.

આ સિંહો ઝાડ પર કેમ ચઢે છે?

વન્યજીવ નિષ્ણાતો માને છે કે, ઝાડ પર ચડવું એ આ સિંહો માટે પોતાના આસપાસના વાતાવરણમાં અનુકૂલન સાધવાની એક વ્યૂહરચના છે.

રિફ્ટ વેલીમાં વરસાદની ઋતુ શરૂ થતાં, ઊંચું ઘાસ વિવિધ પ્રકારના જંતુઓ માટે ઠેકાણું બની જાય છે, જેમાં લોહી ચૂસતી માખીઓ પણ સમાવિષ્ટ છે. ત્યારે ઝાડ પર આરામ કરવાથી સિંહોને ઠંડી હવા પણ મળે છે, જે આ જંતુઓથી થતી મુશ્કેલીને દૂર કરવામાં મદદ કરે છે.

વધુમાં, દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશને કારણે જમીન ગરમ થઈ જાય છે. વૃક્ષો છાંયો પૂરો પાડે છે અને ઠંડી હવાના કારણે વૃક્ષોની આસપાસનું તાપમાન ઘણું ઓછું રહે છે. આનાથી સિંહોને આરામ કરવા માટે વધુ સારી જગ્યા મળે છે અને તેમને ગરમીથી બચવા માટે વધારાની ઊર્જા ખર્ચવાની જરૂર રહેતી નથી.

ગરમી અને જંતુઓથી બચવા ઉપરાંત, ઝાડ પર બેસવાથી સિંહોને આસપાસના વિસ્તારનો દૂર સુધીનો નજારો જોવાની તક પણ મળે છે. ત્યાંથી, તેઓ સરળતાથી ભેંસ, હરણ અને અન્ય પ્રાણીઓનાં ટોળાંઓને જોઈ શકે છે.

આ ટોળાં ઘણી વાર ચરવા અથવા પાણી પીવા માટે નજીકમાં આવે છે. આનાથી સિંહોને પોતાના શિકારને ટ્રેક કરવામાં અને તેનો પીછો કરવામાં મદદ મળે છે.

પેઢી દર પેઢી સિંહોએ આ ક્ષમતા કઈ રીતે વિકસાવી?

સિંહ, બીબીસી

સિંહો ઝાડ પર થોડો સમય વિતાવી શકે છે, પરંતુ તેઓ ચિત્તા જેટલા ઝાડ પર ચડવામાં કુશળ નથી.

ચિત્તાનું શરીર પાતળું હોય છે અને તેને લાંબી પૂંછડી હોય છે, જે તેને ઝાડની ડાળીઓ પર બેસતી વખતે સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેનાથી વિપરીત, સિંહો ઘણા મોટા અને ભારે હોય છે, જેના કારણે તેમના માટે ઝાડ પર ચડવું વધુ મુશ્કેલ બને છે.

આ જ કારણ છે કે નાના સિંહો ઘણી વાર ભીની છાલ પર લપસી જાય છે અથવા લાંબી ઊંઘમાંથી જાગીને પોતાનું સંતુલન ગુમાવી દે છે. ક્યારેક તેઓ ડાળીઓ પરથી પડી પણ જાય છે. આ દૃશ્ય તે પ્રવાસીઓને આશ્ચર્યચકિત અને રોમાંચિત કરે છે, જેમને આ જોવાનો મોકો મળે છે.

જોકે, આવી ઘટનાઓથી સિંહો નિરાશ થતા નથી. તેઓ ખૂબ જ મજબૂત હોય છે અને સામાન્ય રીતે ઊભા થાય છે, ધૂળ સાફ કરે છે અને પછી જાણે કંઈ બન્યું જ ન હોય તેમ ઝાડ પર ચડીને પોતાના આરામસ્થાન પર પાછા ફરે છે.

ઝાડ પર ચડવું પડકારજનક છે, પરંતુ આ વર્તન પેઢીઓથી આ સિંહવસ્તીના જીવનનો ભાગ રહ્યું છે. સિંહણ ધીમે-ધીમે પોતાનાં બચ્ચાંને ઝાડ પર ચડવાનું શીખવવાનું શરૂ કરે છે, કારણ કે તેઓ ધીમે-ધીમે પોતાની રીતે આગળ વધવા માટે સક્ષમ બને છે. આ કૌશલ્ય એક પેઢીથી બીજી પેઢી સુધી પસાર થાય છે.

જેમ-જેમ સિંહનાં બચ્ચાં મોટાં થાય છે, તેમ-તેમ તેઓ માત્ર ઝાડ પર ચડવાનું જ શીખતાં નથી, પણ ક્યારે અને શા માટે ચડવું તે પણ સમજે છે. તેથી બહારના નિરીક્ષકોને જે વિચિત્ર લાગે છે, તે આ સિંહોના રોજિંદા જીવનનો એક સામાન્ય ભાગ છે.

જે લોકો સિંહોને મુખ્યત્વે ખુલ્લાં મેદાનો પર પ્રભુત્વ ધરાવતા શિકારી માને છે, તેમને ઝાડની ડાળીઓ પર શાંતિથી આરામ કરતા જોઈને વન્યજીવ પ્રત્યેની તેમની ધારણા બદલાઈ શકે છે. તે દર્શાવે છે કે, જે પ્રાણીઓનું વર્તન ખૂબ જ સ્થિર અને સુસંગત લાગે છે, તેઓ પણ નવા પડકારોનો સામનો કરીને પોતાના વાતાવરણમાં અનુકૂલન સાધી શકે છે.

તો જો તમે ઈશાશા કે મન્યારા તળાવની મુલાકાત લઈ રહ્યા હો, તો ફક્ત ઊંચા ઘાસમાં સિંહો ના શોધશો. તમે જે સિંહ શોધી રહ્યા છો તે ઝાડીઓમાં છુપાયેલો નહીં હોય, પરંતુ ઝાડની ડાળી પર આરામથી બેઠો હોય અને ઊંચાઈથી જંગલનું નિરીક્ષણ કરતો હોઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS