Home તાજા સમાચાર gujrati વિસાવદર : ઘેટાં-બકરાંનો શિકાર કરવા નીકળેલી સિંહણ કેવી રીતે ટ્રેેનની નીચે કચડાઈ?

વિસાવદર : ઘેટાં-બકરાંનો શિકાર કરવા નીકળેલી સિંહણ કેવી રીતે ટ્રેેનની નીચે કચડાઈ?

4
0

Source : BBC NEWS

વિસાવદર નજીક ટ્રેઇન નીચે ફસાઈ ગયેલી સિંહણની એક તસવીર

શનિવારે બપોરે એક સિંહણ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામે એક ટ્રેન નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

આ ઘટના ગીર(પશ્ચિમ) વન વિભાગની વિસાવદર રેન્જના રિન્યુ વિસ્તારમાં બની હતી.

અંગ્રેજી દૈનિક ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર 2014થી 2024ની વચ્ચેના દસ વર્ષમાં 19 જેટલા સિંહો ગીરના જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાંથી પસાર થતી રેલવે લાઇનો પર ટ્રેન નીચે કપાઈ ગયા હતા.

પરંતુ વિસાવદરની ઘટના અગાઉની ઘટનાઓ કરતા કેટલીય રીતે અલગ છે, તેમ વન વિભાગના અધિકારીઓ કહે છે.

સાથે જ તેઓ અને રેલવેના અધિકારીઓ આ ઘટના જે વિસ્તારમાં ઘટી તેનાથી ચિંતિત પણ છે. તજજ્ઞો જણાવે છે કે વન વિભાગ અને રેલવેએ તાત્કાલિક પગલાં લેવા પડશે નહિતર આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે.

વિસાવદરમાં શનિવારે શું બન્યું હતું?

સિંહણે ટક્કર માર્યા બાદ ઓઝત નદીના પુલ પર થોભી ગયેલી ટ્રેનની તસવીર

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા ગીર (પશ્ચિમ) વન વિભાગના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે જણાવ્યું કે શનિવારે 12:30 વાગ્યે વિસાવદરના ખંભાળિયા ગામમાં ઓઝત નદીના પુલ પર એક પેસેન્જરે ટ્રેને એક સિંહણને કચડી નાખી હતી.

પશ્ચિમ રેલવેના પેટા વિભાગ તેવા ભાવનગર ડિવિઝનલ રેલવેના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે પેસેન્જર ટ્રેન જૂનાગઢ શહેરથી અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા રેલવે સ્ટેશન જઈ રહેલી એક લોકલ ટ્રેન હતી.

પ્રશાંત તોમરે વધારે વિગત આપતા જણાવ્યું, “આ ઘટના બાદ અમારા અધિકારીઓએ તે ટ્રેનના લોકો અને પાઇલટનું નિવેદન નોંધ્યું છે.”

“લોકો પાઇલટે તેના નિવેદનમાં જણાવ્યું છે કે સિંહણ ઝાડી ઝાંખરામાંથી અચાનક રેલવેના પાટા પર આવી ચડી. સિંહણને બચાવવા તેણે ટ્રેનને બ્રેક મારી.”

“પરંતુ સિંહણ અને ટ્રેન વચ્ચે અંતર ખૂબ ઓછું હોવાથી ટ્રેન થોભી ત્યાં સુધીમાં તો સિંહણ કચડાઈ ગઈ. બીજું મહત્ત્વનું પરિબળ એ હતું કે સિંહણ ઓઝત નદી પરના પુલ ઉપર હોવાથી કદાચ તેને ટ્રેન આવતી દેખાઈ હોય તો પણ તેનાથી બચવા માટે તે બાજુમાં ખસી શકે તેમ ન હતી.”

ઓઝત નદી પરના પુલ પર જ્યાં સિંહ સાથે ટ્રેન અથડાઈ તે પુલ પરની રેલ લાઇનના પાટાની તસવીર

આ ઘટનાના સમાચાર મળતા વિસાવદર રેન્જના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર (આર.એફ.ઓ.) ધીરુભાઈ દાંભલા અને વન વિભાગના અન્ય કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આરએફઓએ કહ્યું, “આ ઘટના ઘટી ત્યારે નદીના સામે કાંઠે ઘેટાં-બકરાંનુ એક ટોળું ચરી રહ્યું હતું. સ્થળ-પરિસ્થિતિ જોતા એવું જણાયું કે સિંહણ ઘેટાં-બકરાંનો શિકાર કરવા નદી ઓળંગવા પ્રયાસ કરી રહી હતી ત્યારે જ ટ્રેન આવી ચડી અને તે કચડાઈ ગઈ.”

ડીસીએફએ કહ્યું કે તે સમયે સિંહણનું ધ્યાન સંપૂર્ણપણે તેના શિકાર પર કેન્દ્રિત હશે તેમ લાગે છે.

પ્રશાંત તોમરે ઉમેર્યું કે, “સિંહણ શિકાર કરવાની કોશિશ કરી રહી હતી એટલે તે લપાઈને બેઠી હોઈ શકે. તેના કારણે ટ્રેનના લોકો પાઇલટને તે દૂરથી દેખાઈ નહીં હોય.”

અન્ય ઘટનાઓથી આ ઘટના કઈ રીતે અલગ છે?

ભાવનગર ડિવિઝનલ રેલવેની લાઇનોનો નકશો

ગીરનું જંગલ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં 1412 વર્ગ કિલોમીટરમાં પથરાયેલું છે.

પરંતુ ગીર સોમનાથના ઉના શહેર અને અમરેલીના રાજુલા શહેર વચ્ચેના 24 કિલોમીટર લાંબા પટ્ટાને બાદ કરતાં ગીરના જંગલ ફરતે રેલવે ટ્રૅક્સ પથરાયેલા છે.

તેમાં જૂનાગઢથી વિસાવદર અને વિસાવદરથી તાલાલા થઈને ઉના જતી લાઇન, વિસાવદરથી પૂર્વમાં અમરેલી જિલ્લાના ચલાલા જતી લાઇન તેમ જ અમરેલીના પીપાવાવ બંદરેથી સુરેન્દ્રનગર જતી લાઇન મુખ્ય છે.

જૂનાગઢથી વિસાવદર અને ત્યાંથી ઉના તેમ જ ચલાલા જતી લાઇનો મીટરગેજ ટ્રૅક્સ છે એટલે તેના પર સાંકડી ટ્રેનો જ દોડી શકે છે.

તેમાંથી વિસાવદરના કાસિયા નેસથી ગીર સોમનાથના તાલાલા શહેર સુધીની લાઇન તો ગીર અભયારણ્યના પશ્ચિમ ભાગની વચ્ચેથી પસાર થાય છે.

પીપાવાવથી સુરેન્દ્રનગર જતી લાઇન બ્રૉડગેજ છે અને તે પીપાવાવ બંદરને દેશના રેલવે નેટવર્ક સાથે જોડતી લાઇન હોવાથી તેના પર માલગાડીઓની સતત અવરજવર રહે છે.

સિંહણ ટ્રેન સાથે અથડાયા બાદ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોની તસવીર

2014થી પીપાવાવ-સુરેન્દ્રનગર લાઇન પર સિંહોનાં મોત થવાનો સિલસિલો ચાલુ થયો હતો.

ત્યાર પછીનાં વર્ષોમાં વન વિભાગ અને રેલવેએ સુરક્ષાનાં ઘણાં પગલાં લીધાં છે. તેમ છતાં અકસ્માતો હજુ પણ થતા રહે છે.

બીજી તરફ વિસાવદર-તાલાલા-ઉના લાઇન પર 2014માં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જામવાળા ગામમાં એક સિંહનું મોત થયું હતું.

ત્યાર બાદ આ ટ્રૅક પર કોઈ સિંહના મોતના સમાચાર નથી.

પરંતુ જુનાગઢ-વિસાવદર-ચલાલા લાઇન પર ટ્રેન અથડાવાથી કોઈ સિંહના મોતનો આ પહેલો બનાવ છે તેમ પ્રશાંત તોમર જણાવે છે.

ડીસીએફે કહ્યું, “ગીર (પશ્ચિમ) વન વિભાગમાં 2014 પછી કોઈ સિંહનું ટ્રેનની ટક્કરથી મોત થવાની આ પ્રથમ ઘટના છે. જૂનાગઢ-વિસાવદર-ચલાલા લાઇન પર આ પહેલાં કોઈ સિંહનું ક્યારેય ટ્રેન હડફેટે મોત નોંધાયું ન હતું. આ પ્રકારનો આ પહેલો બનાવ છે.”

ખંભાળિયા ગામ જૂનાગઢ અને વિસાવદર વચ્ચે આવે છે અને ઓઝત-2 ડૅમની ઉપરવાસમાં આવે છે.

વિસાવદરથી તે આશરે 14 કિલોમીટર દૂર છે.

આર.એફ.ઓ ધીરુભાઈ દાંભલાએ કહ્યું, “ખંભાળિયામાં આ ઘટના બની તે ઘણું અજુગતું છે. આ ગામમાં સિંહો દ્વારા પશુઓના મરણના બનાવો પણ નોંધાતા નથી અને સિંહોની અવરજવર પણ સામાન્ય રીતે ઓછી નોંધાય છે. પરંતુ ગિરનારના જંગલ નજીકના રેવન્યુ વિસ્તારોમાં રહેતા સિંહો ક્યારેક તે બાજુ આવી ચડે છે.”

વન વિભાગ અને રેલવે અધિકારીઓને શું ચિંતા છે?

ગીર (પશ્વિમ) વન વિભાગના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર

પીપાવાવ-સુરેન્દ્રનગર લાઇન પર સિંહો અને ટ્રેનની અથડામણોને રોકવા તે ટ્રૅક પર ટ્રેનોની અવર-જવરની માહિતી ભાવનગર ડિવિઝનલ રેલવે રિઅલ ટાઇમમાં ગુજરાતના વન વિભાગને પહોંચાડે છે.

તે ઉપરાંત રેલવેએ આ લાઇનના અમુક ભાગોમાં રાતના સમયે કાયમી કૉશન ઑર્ડર એટલે કે ચેતવણીનો હુકમ અમલી બનાવી ટ્રેનોની ગતિ પર નિયંત્રણો લાદ્યાં છે. આ ઉપરાંત વન વિભાગે તે ટ્રૅક પર રાજુલા, સાવરકુંડલા અને લીલિયા તાલુકાઓમાં લગભગ પ્રતિ કિલોમીટર એક રેલવે ટ્રૅકર નીમ્યા છે જે ટ્રૅક તેમ જ તેની આજુબાજુ સિંહોની અવર-જવર પર સતત નજર રાખતા રહે છે

અને જો સિંહ ટ્રૅકની નજીક દેખાય તો રેલવેને ચેતવણી આપી દે છે. તે લાઇનના અમુક ભાગોમાં પાટાની બંને બાજુ લોખંડની જાળી પણ ફિટ કરવામાં આવી છે.

નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે જણાવ્યું કે જૂનાગઢ-વિસાવદર-ચલાલા લાઇન પર દોડતી ટ્રેનોની માહિતી પણ રેલવે વન વિભાગને રિઅલ ટાઇમમાં પહોંચાડે છે.

“આ લાઇન પર પણ અમારો સ્ટાફ સિંહોની અવર-જવર પર નજર રાખે છે. પરંતુ આ કામગીરી ગીર (પૂર્વ) જેટલી સઘન નથી. આ લાઇન પર ક્યારેય આ પ્રકારનો અકસ્માત નોંધાયો ન હતો. હવે એક સિંહણનું મોત થતાં તે એક ચિંતાનો વિષય તો છે જ. અમે આવા અકસ્માત નિવારવા રેલવે સાથે મળીને પગલાં લઈશું.”

ભાવનગર ડિવિઝનલ રેલવેના એક અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું, “અકસ્માત થયો ત્યારે ટ્રેનની ગતિ 39 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ સ્પીડ વધારે ન કહેવાય. પરંતુ સિંહણ અચાનક ટ્રૅક પર આવી જતાં લોકો પાઇલટના બધા પ્રયત્નો છતાં તેને બચાવી ન શક્યા.”

“આ લાઇન પર 24 કલાકમાં માત્ર પાંચ ટ્રેનો જ દોડે છે અને રાતના સમયે અમે આ ટ્રૅક પર કોઈ ટ્રેન ચલાવતી નથી. તેમ છતાં આ અકસ્માત થયો તે ચિંતાનો વિષય તો છે જ.”

નિષ્ણાતો શું ચેતવણી આપે છે?

ગીર સોમનાથ, બીબીસી ગુજરાતી

ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડના પૂર્વ સભ્ય અને જાણીતા વન્યજીવ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા ચાલીસેક વર્ષથી ગીર અને તેના વન્યજીવોનું દસ્તાવેજીકરણ કરતા આવ્યા છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, “કાસીયા-તાલાલા લાઇન પર ટ્રેનની હડફેટે આવીને સિંહોના મોતની ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હતી. દર વર્ષે સરેરાશ એક સિંહ કપાતો હતો.”

“છેવટે 1990ના દાયકામાં આ લાઇન પર ટ્રેનોની સ્પીડ પર નિયંત્રણો લાદવામાં આવ્યાં અને રાત્રે ટ્રેનો ચલાવવા પર પ્રતિબંધ મુકાયો ત્યારે આ સમસ્યા હળવી થઈ હતી. પરંતુ છેલ્લાં દસ-બાર વર્ષથી આવી પરિસ્થિતિ ગીર (પૂર્વ)માં પીપાવાવ-સુરેન્દ્રનગર લાઇન પર સર્જાઈ છે.”

“વિસાવદર-ચલાલા લાઇન પર કોઈ સિંહનું મોત આજ દિવસ સુધી નોંધાયું ન હતું. હવે, આ લાઇન પણ તેમાંથી બાકાત રહી નથી તે એક ચિંતાનો વિષય છે.”

ભૂષણ પંડ્યાએ કહ્યું કે વન વિભાગ અને રેલવેએ સુરક્ષાનાં પગલાં વહેલાસર લેવા પડશે.

તેમણે કહ્યું, “સિંહોની વસ્તી વધશે એટલે આવા બનાવોની સંખ્યા પણ વધશે. જો સાવચેતીનાં પગલાં નહીં લેવાય તો રેલવે ટ્રૅક પર સિંહો મરતા રહેશે.”

“આવી ઘટનાઓનું પુનરાવર્તન નિવારવા માટે પહેલું પગલું ત્યાં રેલવે ટ્રૅક્સની નિમણૂક કરી ટ્રૅકનું પેટ્રોલિંગ સઘન કરવાનું હોઈ શકે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS