Source : BBC NEWS
Getty Images
વાંચવાનો સમય: 5 મિનિટ
એશિયાકપ રાઇઝિંગ સ્ટાર્સની યુએઈ સામેની મૅચમાં વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર ઇનિંગની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે અને ખાસ કરીને પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોએ તેમની ખૂબ પ્રશંસા કરી છે.
મંગળવારે પાકિસ્તાન એ ટીમે નેપાળની ટીમને 96 રનથી હરાવી હતી. પરંતુ પાકિસ્તાનમાં આ જીત કરતાં યુએઈ સામે ભારતની જીતની વધુ ચર્ચા થઈ રહી છે.
15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકૉર્ડ બનાવ્યો.
તેમણે યુએઈ સામે માત્ર 52 બૉલમાં બેવડી સદી ફટકારી અને આ દરમિયાન 28 છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા.
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું, “વૈભવ સૂર્યવંશીએ 28 બૉલમાં સદી ફટકારીને લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો નવો રેકૉર્ડ બનાવ્યો. તેમણે જેક ફ્રેઝર-મૅકગર્કનો 29 બૉલમાં સદીનો અગાઉનો રેકૉર્ડ તોડી નાખ્યો.”
ગાંગુલીએ કહ્યું, “તેમણે સારું રમ્યું. આ એ ટીમ છે. ટી20માં તેમની ક્ષમતા અસાધારણ છે. આ ઉપરાંત તેમની પાવર હિટિંગ શાનદાર હતી. તેમણે ખૂબ સારું રમ્યું.”
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોએ કહ્યું કે, “આટલા છગ્ગા તો વીડિયો ગેમમાં પણ નથી લાગતા” અથવા “આખી ટીમ પણ આટલા છગ્ગા નથી ફટકારી શકતી.”
‘એટલા છગ્ગા ફટકાર્યા જેટલા આખી ટીમ પણ નથી ફટકારી શકતી’
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ કહ્યું કે, “યુએઈ સામે તો જાણે મૅચ જ થઈ નહોતી.”
પોતાની યૂટ્યુબ ચૅનલ પર કૉમેન્ટ્રી કરતાં તેમણે કહ્યું, “યુએઈએ 249 રનનો ઠીકઠાક લક્ષ્યાંક આપ્યો હતો અને એવું લાગતું હતું કે બીજી ઇનિંગમાં પિચ ખરાબ થશે, પરંતુ મેદાન પર દૃશ્ય કંઈક અલગ જ હતું. વૈભવે એટલા છગ્ગા ફટકાર્યા જેટલા આખી ટીમ પણ નથી ફટકારી શકતી.”
બાસિત અલીએ કહ્યું, “દરેક ઓવરમાં તેઓ કાં તો ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા, અથવા ત્રણ ચોગ્ગા, અથવા બે છગ્ગા ફટકારતા હતા. એના જેટલા રેકૉર્ડ હતા, એ બધા બબલુ (વૈભવ) લઈ ગયો.”
“આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમોએ કદાચ જેટલા છગ્ગા નહીં ફટકાર્યા હોય, એટલા વૈભવે એક જ દિવસમાં ફટકારી દીધા. મારા ખ્યાલથી તેમણે દોડીને માત્ર આઠ રન બનાવ્યા, જ્યારે લગભગ 196 રન માત્ર બાઉન્ડરીથી બનાવ્યા.”
“જે મેદાન પર મૅચ રમાઈ રહી હતી એ કોઈ નાનું મેદાન નહોતું. પરંતુ બે મૅચથી સારો દેખાવ ન કરી શકવાને કારણે તેમના પર દબાણ પણ હતું. તેમણે સેમિફાઇનલ અને ફાઇનલ પહેલાં પોતાનું ફૉર્મ બતાવી દીધું છે.”
વૈભવ એક ‘અસાધારણ પ્રતિભા’ છે
Getty Images
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ વસીમે કહ્યું કે, “વૈભવ સૂર્યવંશીનો રેકૉર્ડ બીજું કોઈ તોડી શકે તેમ નથી, કદાચ તેઓ પોતે જ તોડી શકે.”
પૂર્વ ક્રિકેટર તનવીર અહમદે કહ્યું, “તેઓ જે રીતે રમી રહ્યા છે, એ ખૂબ જ અસાધારણ પ્રતિભા છે. 15 વર્ષના બાળક માટે આ ખરેખર આશ્ચર્યજનક છે.”
તનવીર અહમદે સૂર્યવંશીની ઉંમર અંગે પણ સવાલ ઉઠાવ્યા, પરંતુ સાથે એવું પણ કહ્યું કે તેમને હજુ પોતાના નબળા ક્ષેત્રોમાં વધુ મહેનત કરવાની જરૂર છે.
તેમણે કહ્યું, “જે રીતે તેઓ બેટિંગ કરી રહ્યા હતા, તેમને પોતાની અનુકૂળ બૉલ મળી રહ્યા હતા અને તેઓ ફટકારતા જતા હતા. કદાચ આ જ કારણે તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એ રીતે રમાડવામાં નથી આવી રહ્યા, કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ રીતે છગ્ગા ફટકારવા એટલા સરળ નથી.”
“કદાચ આ જ કારણે તેમને સમય આપવામાં આવી રહ્યો છે કે તમે ટીમ સાથે રહો, પ્રવાસ કરતા રહો અને શીખતા રહો. જે ક્ષેત્રોમાં તેઓ નબળા છે, જેમ કે કવર્સમાં, તેમના પર વધુ કામ કરે. આ પણ એક રીત છે.”
પાકિસ્તાન ક્રિકેટ પર કટાક્ષ કરતાં તનવીર અહમદે કહ્યું, “જો વૈભવ પાકિસ્તાનમાં હોત તો તેમને ટી20, વનડે અને ટેસ્ટ ટીમમાં પણ રમાડવામાં આવતા અને ત્યાં સુધી કે તેમને કૅપ્ટન પણ બનાવી દેવામાં આવતા.”
‘આટલા છગ્ગા તો હાથથી ફેંકવાથી પણ ન થાય’
Getty Images
તેમણે કહ્યું, “ટીમ કોઈ પણ હોય, પરિણામ પણ જોવું જોઈએ. કોઈ એકલો બાઉન્ડરી તરફ બૉલ ફેંકતો રહે તો પણ આટલા રન ન બને. હું 52 બૉલ ફેંકું તો પણ ક્યારેય 28 છગ્ગા ન થાય. તેમણે એ બેટથી કરી બતાવ્યું.”
વૈભવ સૂર્યવંશીના પ્રદર્શનને લઈને પાકિસ્તાનમાં તેમની પોતાની ટીમ સાથે પણ સરખામણી થવા લાગી છે.
આ જ વાતચીતમાં કામરાન અકમલે કહ્યું, “વૈભવની પરિપક્વતાનું સ્તર અને ક્રિકેટના સંદર્ભમાં જોઈએ તો તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી રહી છે. તેમને 15 વર્ષની ઉંમરના સ્તરથી આગળ લઈ જવામાં આવ્યા છે.”
“જ્યાં સુધી તેમની ઉંમરની વાત છે, તો હવે આપણે એ વાત છોડી દેવી જોઈએ. અહીં આપણે આવા ખેલાડીને અંડર-15માંથી જ બહાર ન નીકળવા દઈએ. તમે તેમની માનસિકતા જુઓ કે તેઓ આવા ખેલાડીને કયા સ્તરનું ક્રિકેટ રમાડી રહ્યા છે. અહીં આપણે ઉપરથી નીચે તરફ લઈ જઈ રહ્યા છીએ. એટલે રમત પ્રત્યેના અભિગમમાં, પ્રદર્શનમાં અને રમતમાં ફરક તો આવશે જ.”
કામરાને સવાલ કર્યો કે પાકિસ્તાનમાં નવા ખેલાડીઓને આગળ કેમ લાવવામાં નથી આવી રહ્યા?
પાકિસ્તાનના સ્પોર્ટ્સ ઍનાલિસ્ટ મોહમ્મદ મોહસિને પોતાની યુટ્યુબ ચેનલ પર વૈભવની ઇનિંગ વિશે કહ્યું કે યુએઈના ડ્રેસિંગ રૂમમાં કદાચ પૂછવામાં આવ્યું હશે, “કેટલા માણસો હતા?” તો જવાબ મળ્યો હશે, “એ એકલો જ હતો.”
મોહમ્મદ મોહસિને કહ્યું, “ક્રિસ ગેઇલ પોતાને અનોખો ખેલાડી માને છે. તેમનો રેકૉર્ડ તોડીને તેઓ (વૈભવ) ક્રિકેટ રમી રહ્યા છે. જે દિવસે તેમનું બૅટ ચાલે છે, એ દિવસે વાત કરવા માટે બીજું કંઈ રહેતું જ નથી.”
વૈભવે કેટલા રેકૉર્ડ તોડ્યા?
Reuters
સૌથી ઝડપી અડધી સદી: 21 જૂને શ્રીલંકા એ સામે 11 બૉલમાં. આ પહેલાં આ રેકૉર્ડ કે. વીરારત્નેના નામે હતો, જેમણે 1 નવેમ્બર 2005ના રોજ 12 બૉલમાં અડધી સદી ફટકારી હતી.
સૌથી ઝડપી સદી: 24 નવેમ્બરે 28 બૉલમાં.
આ પહેલાં આ રેકૉર્ડ જેક ફ્રેઝર-મેકગર્કના નામે હતો, જેમણે 8 ઑક્ટોબર 2023ના રોજ 29 બૉલમાં સદી ફટકારી હતી.
સૌથી ઝડપી 150 રન: 24 નવેમ્બરે 40 બૉલમાં.
આ પહેલાં આ રેકૉર્ડ ખુદ વૈભવ સૂર્યવંશીના નામે હતો, જેમણે 24 ડિસેમ્બર 2025ના રોજ 59 બૉલમાં 150 રન બનાવ્યા હતા.
સૌથી ઝડપી બેવડી સદી: આજે 52 બૉલમાં.
આ પહેલાં આ રેકૉર્ડ ચાડ બોવેસના નામે હતો, જેમણે 22 ઑક્ટોબર 2024ના રોજ 103 બૉલમાં બેવડી સદી ફટકારી હતી.
સૂર્યવંશીના નામે લિસ્ટ એ અને ટી20 ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારવાનો રેકૉર્ડ પણ છે.
આ ઉપરાંત, તેઓ ટી20 ક્રિકેટમાં કૅપ્ટનશિપ કરનાર સૌથી નાની ઉંમરના ખેલાડી પણ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




