Source : BBC NEWS
Rachel Moore
ચેતવણી: આ અહેવાલમાં દર્શાવાયેલી વિગતો કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર રેચલ મૂરે એક યુવાન હમ્પબૅક વહેલની આંખનો અત્યંત નજીકથી ફોટો પાડ્યો હતો.
તેના થોડા જ દિવસો પછી ‘સ્વીટ ગર્લ’ નામની આ વહેલને એક ઝડપથી દોડતા જહાજે ટક્કર મારી અને તેનું કરુણ મૃત્યુ થયું. પરંતુ તેની કહાણી ત્યાં જ પૂરી થઈ નહોતી.
આ એક અસાધારણ ક્લોઝ-અપ તસવીર છે—જેમાં એક ફોટોગ્રાફર અને કુતૂહલથી નિહાળતી યુવાન વહેલ એકબીજાની આંખોમાં આંખ પરોવી રહ્યાં છે.
ફોટોગ્રાફર રેચલ મૂરે 2024ની વહેલ સિઝન દરમિયાન ફ્રૅન્ચ પૉલિનેશિયામાં આ તસવીર ખેંચી હતી. તેમણે જ્યારે પહેલી વાર આ તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી, ત્યારે તે ઝડપથી વાઇરલ થઈ ગઈ હતી.
‘સ્વીટ ગર્લ’ સાથે બનેલી કરુણ દુર્ઘટના
પરંતુ આ સુંદર ક્ષણના થોડા જ સમય બાદ એક દુર્ઘટના બની. મૂરે જેને પ્રેમથી ‘સ્વીટ ગર્લ’ નામ આપ્યું હતું, તે વહેલને એક ઝડપથી જતાં જહાજે ટક્કર મારી દીધી, જેના કારણે તેનું મૃત્યુ થયું.
તેના મૃત્યુની ઘટનાએ વિશ્વભરના લોકોનું ધ્યાન ખેંચ્યું અને વહેલના સંરક્ષણ માટે વધુ કડક નિયમો તથા પગલાં લેવાય તે દિશામાં પ્રયાસોને વેગ આપ્યો.
ઑક્ટોબર 2024માં રેચલ મૂર મોઓરેઆ ટાપુની આસપાસના હૂંફાળા દરિયાઈ પાણીમાં ડાઇવિંગ કરી રહ્યાં હતાં.
જ્વાળામુખીની ગતિવિધિઓને કારણે રચાયેલો આ ખડકાળ ટાપુ હમ્પબૅક વહેલ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ગણાય છે. ઉનાળાના મહિનાઓમાં આ વહેલ અહીં પ્રજનન કરવા, બચ્ચાંને જન્મ આપવા અને તેમનો ઉછેર કરવા માટે આવે છે.
પાણીમાં ભય અને અનોખો સ્પર્શ
ફોટોગ્રાફર રેચલ મૂરની સ્વીટ ગર્લ સાથે 2 દિવસ મુલાકાત થઈ હતી.
પહેલા દિવસે અનુભવ વર્ણવતાં મૂર કહે છે કે, “હું પાણીમાં ઊતરી કે તરત જ તે મારી તરફ આવી અને ખૂબ ઝડપથી નજીક પહોંચી ગઈ.”
આ દરિયાઈ દિગ્ગજ પ્રાણીથી ગભરાઈને મૂરે લગભગ 1 કલાક સુધી તેનાથી દૂર તરવાનું ચાલુ રાખ્યું હતું.
તેઓ ઉમેરે છે કે, “વહેલ સામાન્ય રીતે શાંત સ્વભાવની હોય છે અને માણસોને નુકસાન પહોંચાડવાનો તેમનો કોઈ ઇરાદો હોતો નથી, પરંતુ તેમનું કદ અત્યંત વિશાળ હોય છે. તેમની છાતી પાસેની પાંખો (ફ્લિપર્સ) અને પૂંછડીનું વજન તેમને અતિશય શક્તિશાળી બનાવે છે.”
“અજાણતાં જ તેઓ કોઈને ઈજા પહોંચાડી શકે છે, તેથી તેમની સાથે પાણીમાં ઊતરવામાં હંમેશાં જોખમ રહે છે.”
આંખોમાં આંખ પરોવીને વિતાવેલી અદ્ભુત ક્ષણો
આખરે મૂરનો ડર ઓછો થયો અને તેમણે વહેલને પોતાની નજીક આવવા દીધી.
તેઓ કહે છે કે, “થોડા સમય પછી મેં નોંધ્યું કે જ્યારે પણ તે મારી નજીક આવતી, ત્યારે પોતાની છાતી પાસેની પાંખો શરીર તરફ સંકેલી લેતી હતી. હું ક્યાં છું તેનું તેને સતત ભાન રહેતું હતું.”
“તે ખૂબ જ સાવધાનીપૂર્વક અને સમજીવિચારીને વર્તતી હતી. કેટલીક વાર તો અમારી વચ્ચે માત્ર સ્પર્શ પૂરતું જ અંતર રહી જતું હતું.”
મૂરે સ્વીટ ગર્લ સાથે આંખોમાં આંખ પરોવીને 10 મિનિટ વિતાવી, પરંતુ તે સમયે એક પણ તસવીર ન ખેંચી. તેઓ કહે છે કે, “વન્યજીવ ફોટોગ્રાફર તરીકે હું તે ક્ષણે સાવ નિષ્ફળ ગઈ, પરંતુ મારા જીવનના સૌથી સુંદર અને હૃદયસ્પર્શી અનુભવોમાંનો એ એક હતો.”
બીજા દિવસે મૂર ફરી ત્યાં ગયાં અને સદનસીબે બીજી વાર પણ તે વહેલને મળ્યાં. તેઓ યાદ કરતાં કહે છે કે, “જ્યારે અમે નજીક હતાં, ત્યારે સ્વીટ ગર્લ ચીંચીં જેવા હળવા અવાજો કરી રહી હતી.”
Rachel Moore
આ વખતે મૂર કૅમેરો ઊંચકીને વહેલની આંખ પર ઝૂમ કરે છે. યુવાન વહેલ પણ માણસને જોવા માટે પહેલાં એક આંખ અને પછી બીજી આંખ ફેરવીને તેમની તરફ જોઈ રહી હતી.
મૂર કહે છે, “એ જ ક્ષણે મેં તેની આંખ પર પડતા પ્રકાશની આ તસવીર ખેંચી હતી.”
આ મુલાકાતના થોડા જ સમય પછી દરિયામાં વાવાઝોડું આવ્યું અને મોજાં ઉછળવા લાગ્યાં.
મૂર ઉમેરે છે, “ત્યારબાદ તે અમારાથી દૂર થઈને તાહિતી તરફ જતી રહી.”
ફેરીની જોરદાર ટક્કર અને કરુણ મોત
આ મુલાકાતના માત્ર 4 દિવસ પછી મૂરને સમાચાર મળ્યા કે, ઝડપથી દોડતી એક પૅસેન્જર ફેરીની જોરદાર ટક્કર બાદ સ્વીટ ગર્લ દરિયાકિનારા નજીક અત્યંત પીડાદાયક હાલતમાં મળી આવી હતી.
મૂર કહે છે, “તેનું નીચેનું જડબું સંપૂર્ણપણે તૂટી ગયું હતું, ઉપરનું જડબું કપાઈને અલગ થઈ ગયું હતું અને શ્વાસ લેવાના છિદ્રને પણ ગંભીર ઈજા પહોંચી હતી. તે ધીમે-ધીમે પાણીમાં ડૂબી રહી હતી.”
મૂરના જણાવ્યા અનુસાર, સ્વીટ ગર્લે કલાકો સુધી અસહ્ય પીડા સહન કરી હતી. તેના લોહીથી આકર્ષાઈને આવેલી ટાઇગર શાર્કે તેના પર હુમલા કર્યા હતા. છેવટે આ ગંભીર ઈજાઓના કારણે તેનું મૃત્યુ થયું.
મૂર યાદ કરતાં કહે છે, “મને અંદરથી ઉબકા આવવા લાગ્યા હતા. સાચું કહું તો એ દિવસે જાણે સમુદ્ર પોતે શોક વ્યક્ત કરતો હોય તેવું લાગ્યું હતું.”
‘સી શેફર્ડ’નો વીડિયો અને જાગૃતિનો પ્રયાસ
બિનનફાકારક સંસ્થા ‘સી શેફર્ડ’ દ્વારા આ વહેલની પીડાદાયક સ્થિતિ દર્શાવતો એક વીડિયો શૅર કરવામાં આવ્યો હતો, જેમાં આ નાની વહેલની પીડાભરી ચીસો સાંભળી શકાય છે.
મૂર કહે છે, “તેના મૃત્યુના સમાચાર મળ્યા પછી મને સમજાયું કે આ તસવીરનો ઉપયોગ કંઈક વધુ મોટા હેતુ માટે કરવો જોઈએ, જેથી લોકોનું ધ્યાન આ ઘટના તરફ ખેંચાય અને પરિવર્તન લાવવા માટે દબાણ ઊભું કરી શકાય.”
સમુદ્રમાર્ગ પરનાં અકસ્માતો
Rachel Moore
બ્રિટિશ ઍન્ટાર્કટિક સર્વેના સંશોધક જૅનિફર જૅક્સન કહે છે કે, આ એક છૂપી સમસ્યા છે.
તેઓ સ્પષ્ટ કરે છે કે, “આપણે કાર લઈને રસ્તા પર નીકળીએ ત્યારે વાહનોની ટક્કરથી મરેલાં પ્રાણીઓ જોઈ શકીએ છીએ. પરંતુ સમુદ્રમાં એવું જોઈ શકાતું નથી. આપણે જેની સાથે અથડાઈએ છીએ તે સમુદ્રના તળિયે જતું રહે છે.”
તેમના જણાવ્યા મુજબ, ઘણી વાર ગંભીર રીતે ઘાયલ થયેલાં પ્રાણીઓ તૂટેલાં પાંસળાં અને આંતરિક ઈજાઓ સાથે જ તરતાં રહે છે. ક્યારેક તેઓ ધીમે ધીમે અને પીડાદાયક રીતે મૃત્યુ પામે છે, પરંતુ માણસોની નજરમાં આ બધું આવતું નથી.
તેઓ ઉમેરે છે કે, “જહાજની ટક્કર જીવલેણ ન નીવડે અને વહેલનું મૃત્યુ ન પણ થાય, તોય તેને અત્યંત ગંભીર ઈજાઓ થઈ શકે છે.”
જોખમી વિસ્તારો અને વહેલની વસ્તીનું વિશ્લેષણ
જે વિસ્તારોમાં જહાજોની અવરજવર વધુ હોય અને વહેલની સંખ્યા પણ વધુ હોય, ત્યાં આ જોખમ સૌથી વધારે હોય છે.
જૅક્સન અને તેમના સાથીઓએ હમ્પબૅક વહેલ, બ્લુ વહેલ, ફિન વહેલ અને સ્પર્મ વહેલ—એમ વહેલની 4 પ્રજાતિઓનો અભ્યાસ કર્યો હતો. તેમણે વહેલની વસ્તીની ગીચતાનો અભ્યાસ કરીને તેની સરખામણી જહાજોની અવરજવરની ગીચતા સાથે કરી હતી.
આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, વિશ્વભરમાં જહાજોની અવરજવરના માર્ગો અને વહેલના વસવાટના વિસ્તારો એકબીજા સાથે 92 ટકા જેટલા ઓવરલેપ થાય છે.
જૅક્સન કહે છે, “વિશ્વભરમાં આવા જોખમી વિસ્તારોમાંથી 7 ટકાથી પણ ઓછા વિસ્તારોને સંરક્ષણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે અથવા તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે છે.”
જોકે, તેમના મતે સમુદ્રના માત્ર 2.6 ટકા વધારાના વિસ્તારને સંરક્ષણ હેઠળ લાવવામાં આવે, તો જહાજોની ટક્કરનું સૌથી વધુ જોખમ ધરાવતા તમામ વિસ્તારોને સુરક્ષિત કરી શકાય તેમ છે.
ગતિ મર્યાદિત કરીને જોખમ ઘટાડવાના ઉપાયો
સંશોધક રસેલ લીપર સહમત થાય છે કે, “જોખમ ઘટાડવાનો સૌથી ઉત્તમ રસ્તો જહાજોને અને વહેલને એકબીજાંથી દૂર રાખવાનો છે.”
પરંતુ જ્યાં આવું શક્ય ન હોય, ત્યાં જહાજોની ગતિ ધીમી કરવાથી જોખમ ઘણું ઘટી શકે છે. તેઓ કહે છે, “જહાજ જેટલી વધુ ઝડપે ચાલે, ટક્કરનું જોખમ એટલું વધારે. અમારું માનવું છે કે જો જહાજોની ગતિ 10 નોટ કે તેનાથી પણ ઓછી કરવામાં આવે, તો ટક્કરનું જોખમ ઘણું ઘટી જાય છે.”
હૌરાકી અખાતની સફળતાની કહાણી
આ વાતને સમર્થન આપતા નક્કર પુરાવા પણ ઉપલબ્ધ છે. ન્યૂઝીલૅન્ડના હૌરાકી અખાતમાં જહાજોની ગતિ 25 ટકા ઘટાડીને લગભગ 10 નોટ કરવામાં આવી હતી.
તેના માત્ર 2 જ વર્ષમાં બ્રાઇડ્સ વહેલ માટે જહાજની ટક્કરથી જીવલેણ ઈજા થવાનું જોખમ લગભગ અડધું થઈ ગયું હોવાનું જણાયું હતું. લીપર કહે છે, “આ કદાચ સૌથી મોટી સફળતાની કહાણી છે.”
1996થી 2014 દરમિયાન હૌરાકી અખાતમાં દર વર્ષે સરેરાશ 2 બ્રાઇડ્સ વહેલનાં મૃત્યુ જહાજોની ટક્કરથી થતાં હોવાનું અનુમાન હતું. પરંતુ જહાજોની ગતિ મર્યાદિત કરવાનો સ્વૈચ્છિક નિયમ અમલમાં આવ્યા પછી જહાજની ટક્કરની એક પણ ઘટના નોંધાઈ નથી.
Rachel Moore
સંશોધક લીપર કહે છે કે, જહાજોની ગતિ આ રીતે ધીમી રાખવાથી વહેલને જહાજ નજીક આવતું હોવાનો અવાજ સાંભળવા અને તેના માર્ગમાંથી ખસી જવા માટે વધુ સમય મળે છે.
આ ઉપરાંત, ટક્કર થાય તો પણ તે જીવલેણ નીવડવાની શક્યતા ઘણી ઓછી રહે છે.
તેઓ ઉમેરે છે કે, “મોટા ભાગની વહેલ જહાજોની અવરજવર ધરાવતા વિસ્તારોમાં રહેવા અને ત્યાં જ જીવન વિતાવવા ટેવાયેલી હોય છે.”
“તેથી તેઓ જહાજોની એકદમ નજીક સુધી જવા માટે ટેવાઈ જાય છે. તેઓ છેલ્લી ઘડીએ જ પ્રતિક્રિયા આપે છે, તેથી જહાજની ઝડપ ખૂબ મોટો તફાવત ઊભો કરી શકે છે.”
વેપાર અને ડિલિવરીના વ્યવહારુ પડકારો
જોકે, લીપર નોંધે છે કે આ એક જટિલ મુદ્દો છે. વિશ્વભરમાં 80 ટકાથી વધુ માલસામાનની હેરફેર જહાજો દ્વારા જ થાય છે.
જો જહાજોની ગતિ ધીમી કરવામાં આવે, તો તેમની મુસાફરીનો સમય વધે અને માલસામાન પહોંચાડવામાં પણ વિલંબ થાય.
તેઓ કહે છે, “મુખ્ય અવરોધો સમયસર માલની ડિલિવરી અને કામગીરીને લગતી મર્યાદાઓ છે.”
પર્યાવરણ અને જહાજવહન ઉદ્યોગનો હકારાત્મક અભિગમ
પરંતુ જહાજોની ગતિ ધીમી કરવાથી અન્ય કેટલાક ફાયદા પણ થાય છે. તેનાથી જહાજોની અવરજવર સાથે સંકળાયેલું ઉત્સર્જન ઘટે છે અને ધ્વનિપ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે.
લીપર કહે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે શિપિંગ ઉદ્યોગમાં પરિવર્તન લાવવાની સાચી તૈયારી જોઈ છે.
તેઓ ઉમેરે છે કે, “કંપનીઓ અમારી પાસે આવીને કહે છે કે અમારે શું કરવું તે અમને કહો, અમે તે કરવા માટે તૈયાર છીએ.”
વહેલના દુઃખદ મૃત્યુને પગલે લોકોમાં ભારે રોષ
સ્વીટ ગર્લના દુઃખદ મૃત્યુને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો અને આ ઘટનાએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું.
તેના થોડા સમય પછી મૂરે સ્વીટ ગર્લની તસવીર સાથે એક અરજી શરૂ કરી. તેમાં ફ્રૅન્ચ પૉલિનેશિયાની સરકારને વહેલ સમક્ષ મોસમ દરમિયાન બોટની ગતિ મર્યાદિત કરવાની માગણી કરવામાં આવી હતી.
મૂર સવાલ કરે છે, “જમીન પર શાળાઓ કે બાંધકામનાં સ્થળોની આસપાસ માણસોની સુરક્ષા માટે વાહનોની ગતિ ધીમી રાખવાના ઝોન બનાવવામાં આવે છે, તો પછી વહેલ માટે જોખમી વિસ્તારોમાં આવું કેમ ન થઈ શકે?”
“અમે ફેરીને તેમના આખા માર્ગ પર ગતિ ધીમી રાખવાનું નહોતાં કહી રહ્યાં. તાહિતી અને મોઓરેઆ વચ્ચે ઘણા સ્થાનિક લોકો રોજ કામે કે શાળાએ જવા માટે અવરજવર કરે છે.”
“અમારી માગણી માત્ર એટલી જ હતી કે જ્યાં વહેલ એકઠી થાય છે અને આરામ કરે છે તે વિસ્તારોમાં જહાજોની ગતિ ઓછી કરવામાં આવે.”
લગભગ 50,000 લોકોની સહીઓ મળ્યા બાદ આ ઝુંબેશે 2025માં જહાજોની ગતિ અંગેના નવા નિયમો લાગુ કરાવવામાં મદદ કરી.
આ નિયમો મુજબ, વહેલના સ્થળાંતરની મોસમ દરમિયાન ટાપુઓની એક નૉટિકલ માઇલની હદમાં 12 મીટર (40 ફૂટ)થી વધુ લંબાઈ ધરાવતાં મોટાં જહાજોએ પોતાની ગતિ 10થી 12 નૉટ સુધી મર્યાદિત રાખવી પડે છે.
મૂર કહે છે, “એક વર્ષ સુધીના પ્રયાસો પછી સરકારે વધુ કડક ગતિમર્યાદાના કાયદા પસાર કર્યા.”
“નીતિગત સ્તરે આ એક મોટી સફળતા હતી અને એ વાતની ગંભીરતાનો અહેસાસ કરાવે છે કે તસવીરો અને વાર્તાઓ વાસ્તવિક પરિવર્તન લાવી શકે છે.”
2025માં આ તસવીર માટે મૂરને સંયુક્ત રાષ્ટ્રની વિશ્વ મહાસાગર દિવસ ફોટોગ્રાફી સ્પર્ધામાં વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.
તેઓ કહે છે, “મને સમજાયું કે જો હું લોકોને આ પ્રાણીઓની સુંદરતા, બુદ્ધિમત્તા અને વ્યક્તિત્વ બતાવી શકું, તો કદાચ તેઓ તેમના સંરક્ષણ માટે વધુ ઊંડાણપૂર્વક વિચારશે અને વધુ કાળજી લેશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




