Source : BBC NEWS
કેરળના કોલ્લમ જિલ્લામાં 2006માં એક મહિલા અને તેમનાં 17 દિવસનાં જોડિયાં બાળકોનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં 19 વર્ષ બાદ જાન્યુઆરી 2025ના પહેલા સપ્તાહમાં સીબીઆઈએ બે આરોપીઓની ધરપકડ કરી છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) ટૅક્નૉલૉજીએ દેશના વિવિધ ભાગોમાં છુપાયેલા અને ફરાર આરોપીઓને પકડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
આ કેસમાં મૃતકનાં માતા 19 વર્ષથી એકલા હાથે કાયદાકીય લડાઈ લડી રહ્યાં છે.
“આ સારા સમાચાર સાંભળવા માટે હું અત્યારસુધી જીવી રહી હતી. ભગવાને મારું રૂદન સાંભળી લીધું”, મૃતકનાં માતાએ કહ્યું.
કેરળના કોલ્લમ જિલ્લાના આંચલ ગામના રહેવાસી શાંતમ્મા કામ માટે 10 ફેબ્રુઆરી, 2006ના રોજ પંચાયત ઑફિસ ગયાં હતાં. જ્યારે તે ઘરે પરત ફર્યા ત્યારે તેમનાં 24 વર્ષનાં પુત્રી રંજની અને રંજનીનાં 17 દિવસનાં જોડિયાં બાળકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી.
રંજની જમીન પર પડ્યાં હતાં અને બાળકો પલંગ પર લોહીમાં લથબથ હતાં. એ જોઈ શાંતમ્મા આઘાતથી બેહોશ થઈ ગયાં. પાડોશીઓએ આવીને પોલીસને જાણ કરી. શાંતમ્મા આ હત્યાઓના ગુનેગારોને સજા આપવા માટે લડી રહ્યા છે. હાલમાં તેઓ 67 વર્ષનાં છે.
જોકે, આરોપીઓની શોધખોળ ચાલુ હતી પણ પરીણામ કંઇ મળ્યું નહીં.
સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના યુગમાં થયેલી આ હત્યાઓના ગુનેગારોને ઓળખવામાં ઘણો વિલંબ થયો હતો.
એક બે નહીં પણ પુરાં 19 વર્ષ. પરંતુ અંતે શાંતમ્માને સંઘર્ષ ફળ્યો હતો.
ટૅક્નૉલૉજીના આ યુગમાં જ્યાં કશું જ અશક્ય નથી, ત્યાં કેરળ પોલીસે AI એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને શોધી કાઢ્યા છે.
બંને આરોપીઓ પુડ્ડુચેરીમાં હોવાની જાણ થતાં જ સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું કે આરોપીઓમાંથી એક ડેવિલકુમાર મૃતક રંજનીનાં જોડીયાં બાળકોનો પિતા હતો. અને બીજો તેનો મિત્ર રાજેશ હતો.
આ આરોપીઓ તેમની ઓળખ બદલીને પુડ્ડુચેરીમાં જુદાં-જુદાં સ્થળે રહેવા લાગ્યા હતા. તેઓ પરિણીત પણ છે અને પરિવાર પણ ધરાવે છે.
ડેવિલકુમાર આંચલ ગામનો છે જ્યારે રાજેશ કન્નુર જિલ્લાના શ્રીકંદપુરમ્ વિસ્તારનો છે.
તેમને શોધવા માટે ફેબ્રુઆરી 2006માં સીબીઆઈ દ્વારા જારી કરાયેલી લૂકઆઉટ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે આ બંને અંગ્રેજી, હિન્દી, મલયાલમ અને તામિલ ભાષા બોલી શકે છે.
ડેવિલકુમાર અને રાજેશ બંને તે સમયે આર્મીમાં ફરજ બજાવતા હતા.
મારાં આંસુ નું ઇનામ…
શાંતમ્મા હજુ પણ તેમનાં પુત્રી અને પૌત્રોની હત્યાના આઘાતમાંથી સંપૂર્ણ સ્વસ્થ થયા નથી. તેણીને આ ઘટના બાદ જે કંઇ પણ બન્યું તે બધું યાદ છે.
શાંતમ્માએ કહ્યું,”આ મારી પ્રાર્થના અને આંસુનો પુરસ્કાર છે. વર્ષો સુધી ન્યાય માટેની લડત બાદ મારી પુત્રીના હત્યારાઓ પકડાઇ ગયા તેનો મને આનંદ છે. મને ખબર નથી કે મારામાં એકલા લડવાની હિંમત ક્યાંથી આવી? મને ન્યાયતંત્રમાં વિશ્વાસ હતો. હું આશા રાખું છું કે આ બંનેને સખત સજા કરવામાં આવશે.”
શાંતમ્મા સરળ જીવનશૈલી ધરાવે છે. તેઓ નાની ઉંમરે જ તેમના પતિથી અલગ થઈ ગયાં હતાં અને એકલાં જીવન જીવી રહ્યાં છે. તેમનાં પુત્રીનાં અંતિમ સંસ્કાર વખતે શાંતમ્માના પતિ આવ્યા હતા. તેણે બીજી પુત્રી અને અન્ય સંબંધીઓની મદદથી કોલ્લમમાં એક નાનું ઘર બનાવ્યું છે અને હાલમાં તેઓ એકલાં જ રહે છે.
અસ્થમા અને થાઇરોઇડ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હોવા છતાં, શાંતમ્મા વિશ્વાસ સાથે લડ્યાં. આ કાનૂની લડાઈમાં શાંતમ્માને પડખે ઊભા રહેવા માટે કોઈ આગળ આવ્યું નહીં.
પણ તેઓ કહે છે કે તે આ 19 વર્ષોમાં ક્યારેય તેમને લડાઈ બંધ કરવાનો વિચાર પણ આવ્યો નથી. તેઓ કહે છે, “મને ખબર હતી કે એક દિવસ આવશે જ્યારે ગુનેગારો પકડાશે. જ્યારે પણ મને નિરાશા અનુભવાતી કે કેસ હજુ સુધી આગળ વધ્યો નથી, ત્યારે હું મારી જાતને કહેતી કે બધું સારું થઈ જશે.”
શાંતમ્મા ઓછામાં ઓછા એક વખત તેમની પુત્રીના હત્યારાઓને જોવા માંગે છે.
તેમણે કહ્યું, “આ લોકોએ મારી પુત્રી અને તેનાં બાળકોને કેમ માર્યા? હું તેમને પૂછવા માંગુ છું.”
શાંતમ્મા મજબૂત ઇચ્છાશક્તિ ધરાવે છે
કેરળ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિકુમાર સમક્કલે કહ્યું કે શાંતમ્માના દૃઢ નિશ્ચયને કારણે જ કેસ આટલો લાંબો સમય ચાલ્યો.
તેમણે કહ્યું, “શાંતમ્માને ટેકો આપવા માટે કોઈ આગળ ન આવ્યું. ઘણાં વર્ષો સુધી હત્યાના ગુનેગારોને પકડી શકાયા ન હોવા છતાં, તેમણે ક્યારેય હાર માની નહીં.”
હત્યા થઇ તે સમયે કેરળ યુથ કૉંગ્રેસના કાર્યકર જ્યોતિકુમાર શાંતમ્માને તત્કાલિન મુખ્ય મંત્રી ઓમેન ચાંડીની પાસે લઈ ગયા હતા.
હવે શું?
10 ફેબ્રુઆરી, 2006ના રોજ બપોરે તત્કાલિન સર્કલ ઇન્સ્પેક્ટર શાહનવાઝનો ફોન આવ્યો.
શાહનવાઝે યાદ કરીને કહ્યું, ” સ્થાનિક લોકોનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે આંચલ ગામના ઇરામ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી રંજની અને તેમનાં જોડિયાં બાળકોની હત્યા કરવામાં આવી છે.”
શાહનવાઝ તરત જ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમને હજુ પણ યાદ છે કે તે સમયે શાંતમ્મા મોટેથી રડ્યાં હતાં.
તેમણે આ કેસની શંકાઓ અને રહસ્યોને યાદ કરતાં કહ્યું કે, ડેવિલકુમાર અને રાજેશે સુનિયોજિત પ્લાન બનાવીને જ આ હત્યાને અંજામ આપ્યો હતો.
“હત્યા સમયે ડેવિલકુમાર કોલ્લમમાં નહોતો, તે પઠાણકોટ આર્મી કૅમ્પમાં હતો. તેના પર કોઈને શંકા ન જાય તે માટે બંનેએ સાથે મળીને આનું પ્લાનિંગ એ રીતે કર્યું હતું. અને તેના મિત્ર રાજેશ સાથે મળીને આ હત્યા કરી”
શાહનવાઝે કહ્યું કે ડેવિલકુમાર રંજની સાથે સંબંધ ધરાવતો હતો અને લગ્ન કર્યા વિના તેણે તેની સાથે છેતરપિંડી કરી હતી.
આ સંબંધના કારણે રંજનીને જોડિયાં બાળકો થયાં હતાં. રંજનીએ રાજ્ય મહિલા આયોગને ફરિયાદ કરી હતી કારણ કે ડેવિલ તેનાં બાળકોનો સ્વીકાર કરતો નહતો. શાહનવાઝે કહ્યું કે રંજની અને બાળકોની હત્યાનું કારણ આ જ હતું.
રાજેશ રંજનીને અનિલકુમાર તરીકે મળ્યો હતો. તે રંજની અને શાંતમ્માને હૉસ્પિટલમાં મદદ કરતો હતો. બાળકોનાં જન્મ બાદ પણ હૉસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી પછી પણ તેની મદદ ચાલુ હતી.
હત્યાના થોડાં અઠવાડિયા પહેલાં ડેવિલકુમાર અને રાજેશે એક જૂની બાઇક ખરીદી હતી. તે બાઇકની આરસી બુક(રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ) સ્થળ પરથી જ મળી આવી હતી.
શાનવાઝે કહ્યું, “અમારી પાસે આ એકમાત્ર માહિતી હતી. બાઇકના માલિકે આપેલાં વર્ણનોને આધારે અમે એવાં તારણો પર પહોંચ્યા કે ડેવિલકુમાર અને રાજેશે જ આ હત્યા કરી છે.”
તો પછી આરોપીને કેમ ન પકડાયા?
સ્થાનિકોએ જણાવ્યું કે હત્યા બાદ આરોપીઓ બાઇક પર ભાગી ગયા હતા.
પોલીસે રાજેશને પકડવાનો પ્રયાસ કર્યો. રસ્તામાં રાજેશ એટીએમમાંથી પૈસા ઉપાડવા ઊભો રહ્યો. તે સમયે પોલીસ ટીમમાંથી કોઈકે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ભાગી જવામાં સફળ થયો હતો.
શાનવાઝે કહ્યું કે, ત્યારબાદ જ્યારે અમે બૅન્કના વ્યવહારો વિશે માહિતી એકઠી કરી ત્યારે અમને જાણવા મળ્યું કે તે ખાતા અને પઠાણકોટના અન્ય બૅન્કના ખાતા વચ્ચે વ્યવહારો થયા હતા. તે સૈન્યમાં નોકરી કરતા ડેવિલકુમારને રાજેશને સાથે મિત્રતા હોવાની વાત બહાર આવી. આ બૅન્ક ખાતા દ્વારા જ અમને રાજેશનો ફોટો મળ્યો હતો.
તેણે ઉમેર્યું કે “અમે બંનેને પકડવા માટે ઘણા પ્રયત્નો કર્યા. અમે મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા જેવાં ઘણાં રાજ્યોમાં તપાસ કરી. આ મામલાની જાણકારી સેનાને પણ આપવામાં આવી હતી. ત્યારબાદ સેનાએ બંનેને બરતરફ કરી દીધા હતા.”
ત્યારબાદ આ કેસ 2010 માં સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો, જેની તપાસ કેરળની શાખા કરતી હતી. આ કેસમાં 2013માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં આરોપીનો પત્તો લાગ્યો ન હતો.
શાનવાઝ ત્યારબાદમાં આઈપીએસના પદ પર પહોંચ્યા અને 2022માં કેરળ પોલીસ ઇન્ટેલિજન્સમાં એસપી તરીકે નિવૃત્ત થયા.
આ ઘૃણાસ્પદ હત્યાઓ કરનાર આરોપીઓને પકડવામાં નિષ્ફળ ગયેલા શાહનવાઝે વ્યથિત થઈ કહ્યું, “અમે જાણીએ છીએ કે હત્યારા કોણ છે, પરંતુ અમે તેમને પકડી શક્યા નથી અને પીડિતોને ન્યાય અપાવી શક્યા નહીં.”
ઇન્ટેલિજન્સ વિંગ સાથે શાહનવાઝના કાર્યકાળ દરમિયાન કેરળ પોલીસે પૅન્ડિંગ કેસોની ફરીથી તપાસ કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ શાહનવાઝે તેના ઉપરી અધિકારીઓને કેસની વિગતો જણાવી અને ટૅક્નૉલૉજીની મદદથી ડેવિલકુમાર અને રાજેશની શોધખોળ શરૂ કરી.
AI ની મદદથી આરોપીઓ ઝડપાયા
કેરળ પોલીસે આ કેસમાં એઆઇની મદદથી આરોપીઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો.
કેરળના એડીજીપી, લૉ ઍન્ડ ઑર્ડર, મનોજ અબ્રાહમે બીબીસીને જણાવ્યું કે, “અમે પૅન્ડિંગ કેસોમાં ફરાર ગુનેગારોને પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમારી પાસે હજુ પણ ડેવિલકુમારનો જૂનો જ ફોટો હતો.”
કેરળ પોલીસે ડેવિલકુમારને પકડવા માટે ખાસ ડિઝાઇન કરેલા AI સૉફ્ટવૅરનો ઉપયોગ કર્યો હતો.
આ સૉફ્ટવૅરની મદદથી ડેવિલકુમારના જૂના ફોટાનો ઉપયોગ કરીને તે વર્તમાનમાં કેવો દેખાતો હશે તેની તસવીર મળી.
તેમણે ઉપયોગમાં લીધેલી AI ટૅક્નૉલૉજીએ કલ્પેલા આરોપીઓના ફોટાની તુલના ઇન્ટરનેટ પરના કેટલાક લાખો ફોટા સાથે કરવામાં આવી. આ રીતે તેઓએ ડેવિલકુમારની ઓળખ કરી.
મનોજ અબ્રાહમ સમજાવે છે, “આ એઆઈ ટૅક્નૉલૉજી ડેવિલકુમારના ચહેરાના હાવભાવ અને તેના વાળ જેવા નાના તફાવત પણ શોધી કાઢે છે.”
આ રીતે ડેવિલકુમારનો ફોટો ફેસબુકના ફોટા સાથે આ મૅચ થયો.
આ ફેસબુક એકાઉન્ટનો મોબાઇલ નંબર ટ્રેસ કર્યો અને તપાસ ચાલુ કરી. તેમને જાણવા મળ્યું કે ડેવિલકુમાર પુડ્ડુચેરીમાં રહે છે. આ માહિતીની તેમણે સીબીઆઈની ચેન્નાઈ શાખાને જાણ કરી. ડેવિલકુમારની ધરપકડ બાદ સીબીઆઈએ રાજેશની પણ ધરપકડ કરી હતી.
નામો બદલ્યાં, ઓળખ બદલી
ડેવિલકુમાર અને રાજેશે તેમની ઓળખ બદલીને અને વિષ્ણુ અને પ્રવીણકુમાર નામ ધારણ કર્યાં હતાં. તેઓએ લગ્ન પણ કર્યાં હતાં અને કામ પણ કરતા હતા.
ADGP મનોજ અબ્રાહમે કહ્યું, “આટલાં વર્ષોમાં ન તો તેમના પરિવારના સભ્યો કે ન તો પડોશીઓએ તેમના પર કોઈ શંકા કરી હતી.”
તેમણે કહ્યું કે વિશ્વભરમાં AI ટૅક્નૉલૉજીની મદદથી ગુનેગારોને પકડવાનું ચલણ વધી રહ્યું છે.
મનોજે અભિપ્રાય આપતા કહ્યું, “AI ટૅક્નૉલૉજીની મદદથી ગુનેગારોને ઓળખવાનું સરળ અને અસરકારક બન્યું છે. ભવિષ્યમાં, એઆઈનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા સંબંધિત તમામ બાબતોમાં થશે.”
ધરપકડ કરાયેલા ડેવિલકુમાર અને રાજેશ હાલમાં સીબીઆઈની કસ્ટડીમાં છે. કોર્ટે તેમની કસ્ટડી 18 જાન્યુઆરી સુધી સીબીઆઈને સોંપી છે.
એ જ રીતે ડીએનએ પરીક્ષણ માટે મૃત જોડિયાં બાળકોનાં નમૂનાઓ સાચવવાનો કોર્ટના આદેશો પહેલેથી જ અમલમાં છે. હવે જ્યારે ડેવિલકુમાર મળી આવ્યો છે ત્યારે પોલીસે કહ્યું કે હવે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS