Source : BBC NEWS
ઇમેજ સ્રોત, @BAPSParis
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ
ફ્રાન્સનું પ્રસિદ્ધ ઍફિલ ટાવર સોમવારે કર્મચારીઓની હડતાળને કારણે બંધ રહ્યું હતું.
કર્મચારીઓનો આરોપ છે કે સપ્તાહાંત દરમિયાન એક હિંદુ ધાર્મિક સમૂહ (BAPS)ના આગમન પર મહિલા કર્મચારીઓને ત્યાંથી હટી જવા માટે કહેવામાં આવ્યું હતું.
કર્મચારી યુનિયનનાં પ્રતિનિધિ ડાયને દાવોઆને સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું હતું કે, “જ્યારે હિંદુ સમૂહ ત્યાં આવ્યો, ત્યારે મહિલા કર્મચારીઓને તેમનાં વર્કસ્ટેશનો છોડવા માટે કહેવામાં આવ્યું, જેથી તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓ કામ સંભાળી શકે.”
આ ઘટનાથી કર્મચારીઓમાં નારાજગી ફેલાઈ ગઈ. ફ્રાન્સના રાજકારણીઓએ તેની ટીકા કરી અને શહેરના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.
વિવાદના કેન્દ્રમાં રહેલા હિંદુ ધાર્મિક સંગઠન ‘બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા’, એટલે કે બાપ્સે (BAPS) માફી માંગી છે. સંગઠને કહ્યું કે તેની મુલાકાત ટાવરની ટીમ સાથે સમન્વય કરીને આયોજિત કરવામાં આવી હતી અને કોઈને પ્રવેશથી રોકવામાં આવ્યો નહોતો.
બાપ્સે એક નિવેદનમાં કહ્યું, “અમે (આ અંગે) ઉઠાવવામાં આવેલી ચિંતાઓને સમજીએ છીએ અને તેમને અત્યંત ગંભીરતાથી લઈએ છીએ. અમારી સંખ્યાને ધ્યાનમાં રાખીને, આ મુલાકાત ઍફિલ ટાવરની ટીમ સાથે સમન્વય કરીને સામાન્ય સમય મુજબ ખુલવાના પ્રારંભિક કલાકોમાં આયોજિત કરવામાં આવી હતી. અમે ઇચ્છતા હતા કે અન્ય લોકોને ઓછામાં ઓછી અસુવિધા થાય. અમારી માહિતી મુજબ, કોઈ પણ સમયે કોઈને ઍફિલ ટાવરમાં પ્રવેશથી રોકવામાં આવ્યા નહોતા. તેમ છતાં જો કોઈને ઠેસ પહોંચી હોય અથવા અસુવિધા થઈ હોય તો અમે હૃદયપૂર્વક માફી માગીએ છીએ.”
આ ઘટના ગયા અઠવાડિયે શનિવારે લગભગ 100 લોકોના સમૂહની મુલાકાત દરમિયાન બની હતી.
ઍફિલ ટાવરનું સંચાલન કરતી કંપની એસઈટીઈએ કહ્યું કે સમૂહે પોતાની મુલાકાતની એક શરત તરીકે મહિલા કર્મચારીઓ સાથે મર્યાદિત સંપર્ક રાખવાની વિનંતી કરી હતી.
એસઈટીઈએ કહ્યું, “આ શરતો સ્વીકારવામાં આવવી જ ન જોઈએ હતી.”
મંગળવારે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ પાસે પણ આ મામલે પ્રતિક્રિયા માંગવામાં આવી તો તેમણે કહ્યું, “અમને પેરિસમાં બાપ્સ સંસ્થા દ્વારા એક મંદિર ખોલવામાં આવ્યું હોવાની માહિતી છે. જ્યાં સુધી ટાવર સાથે જોડાયેલા આ ખાસ મામલાની વાત છે, તે સંપૂર્ણપણે સંબંધિત પક્ષો વચ્ચેનો મામલો છે.”
ઇમેજ સ્રોત, @BAPSParis
હિંદૂફોબિયા વધશે?
આ ઘટનાની ચર્ચા દુનિયાભરમાં થઈ અને બાપ્સની ટીકા પણ થઈ રહી છે. ન્યૂ યૉર્કરના ગ્લોબલ અફેર્સ કોલમિસ્ટ ઈશાન થરૂરે ઍક્સ પર લખ્યું છે, “બાપ્સ એક શરમજનક અને પછાત વિચારસરણી ધરાવતી સંસ્થા છે. તેનો વાસ્તવિક કદ કરતાં ઘણો વધુ પ્રભાવ છે. અહીં ખરેખર શું થયું, તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ અમેરિકામાં પણ તેના પર ગંભીર આરોપો છે.”
અહીં સુધી કે ભારતમાં દક્ષિણપંથી ઓળખ ધરાવતા પત્રકારો પણ બાપ્સને નિશાન બનાવી રહ્યા છે.
ઑપ ઇન્ડિયાનાં સંપાદક નૂપુર જે. શર્માએ ઍક્સ પર લખ્યું છે કે બાપ્સના કારણે વિદેશોમાં હિંદૂફોબિયાને પ્રોત્સાહન મળશે.
નૂપુરે લખ્યું છે, “બાપ્સે પશ્ચિમી દેશો સામે હિંદૂફોબિયાને થાળીમાં પીરસી દીધું છે. તેનાથી હિંદુઓએ પહેલેથી સહન કરવો પડતો બિનજરૂરી જાતિવાદ વધુ વધશે. વિદેશોમાં બાપ્સનાં મંદિરોને ખાલિસ્તાન સમર્થકો દ્વારા નિશાન બનાવવામાં આવે છે, કારણ કે તેમને હિંદુ ઉપાસના સ્થાનો તરીકે જોવામાં આવે છે. હવે ફ્રાન્સમાં બાપ્સની ટીકા થયા પછી હિંદુઓને પછાત હોવા બદલ નિશાન બનાવવામાં આવશે, જ્યારે બાપ્સનો એક વર્ગ એ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે કે તેઓ હિંદુ નથી.”
ઇમેજ સ્રોત, @BAPS
નૂપુરે લખ્યું છે, “મને વ્યક્તિગત રીતે બાપ્સે જે કર્યું તે પસંદ નથી. જો તેમને મહિલાઓ સાથે સમસ્યા છે, તો તેમને પોતાના આશ્રમમાં જ રહેવું જોઈએ. બ્રહ્મચર્યનું વ્રત લીધા પછી પુરુષો પહાડોમાં પોતાનું જીવન વિતાવતા હતા, તેના પાછળ એક કારણ હતું. પરંતુ મને આ વાતથી ભારે નફરત છે કે તેમના કરેલા કામના કારણે હિંદુઓને બિનજરૂરી ઘૃણાનો સામનો કરવો પડશે, જ્યારે તેમામાંનો એક વર્ગ હિંદુ દેવી-દેવતાઓનો જ્યારે ઇચ્છે ત્યારે અપમાન કરે છે.”
નૂપુરની આ પોસ્ટને રીપોસ્ટ કરતાં લેખક સલિલ ત્રિપાઠીએ લખ્યું છે, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે નૂપુરની ટ્વીટ રીટ્વીટ કરીશ, પરંતુ હવે મારે કરવું જોઈએ. પોતાની અજીબોગરીબ શૈલીમાં તેઓ સ્વીકારે છે કે બાપ્સે મૂર્ખામી ભરેલું કામ કર્યું અને તેના માટે હું તેમનો આભારી છું, જોકે મારું કારણ થોડું અલગ છે.”
ઇમેજ સ્રોત, Getty Images
‘જો મહિલાઓથી પરહેજ છે તો ઍફિલ ટાવર શા માટે ગયા?’
બ્રિટિશ ન્યૂઝ વેબસાઇટ ‘ધ ઇન્ડિપેન્ડન્ટે‘ પોતાના એક રિપોર્ટમાં લખ્યું છે, “બાપ્સના લોકો બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેથી તેઓ મહિલાઓ સાથે વાતચીત, સ્પર્શ અથવા તેમની સાથે મેળમિલાપ રાખી શકતા નથી.”
ઇન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, “બાપ્સે કહ્યું કે તેનો ઉદ્દેશ મહિલાઓ સાથે ભેદભાવ કરવાનો અથવા તેમને અસ્વીકારવાનો નહોતો. વાસ્તવમાં, આ કોઈ સાધુના ચરિત્રને જાળવી રાખવા અને વ્યક્તિગત આધ્યાત્મિક ઉન્નતિ માટે અપનાવવામાં આવતું નૈતિક અનુશાસન છે.”
ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે પણ બાપ્સની તીખી ટીકા કરી છે.
કંવલ સિબ્બલે ઍક્સ પર લખ્યું છે, “જો તથ્યો સાચાં છે, તો આ પોતાના જ પગ પર કુહાડી મારવા જેવું છે.”
“જો તમે મહિલાઓ સાથેનો સંપર્ક ઓછો રાખવા માંગો છો, તો પછી ઍફિલ ટાવર જવાનું શા માટે ઇચ્છો છો? આ નારીવાદીઓ માટે, ખાસ કરીને એવા દેશમાં જ્યાં નારીવાદી વિચારો અને આંદોલનોનો સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે, ત્યાં આવી બાબતો લાલબત્તી સમાન છે. ઍફિલ ટાવરનું સંચાલન પણ તેના માટે જવાબદાર છે. તેને આ વિનંતી સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરવો જોઈએ હતો.”
સિબ્બલે લખ્યું છે, “આ ઘટનાને જેટલું મહત્ત્વ મળી રહ્યું છે, કદાચ તે તેના લાયક નથી. કારણ કે તેમાં દુનિયાના સૌથી વધારે મુલાકાત લેવાતા સ્મારક ઍફિલ ટાવરનો મામલો સામેલ છે અને મહિલા કર્મચારીઓના વિરોધમાં થયેલી હડતાળને કારણે તેને એક દિવસ માટે બંધ પણ કરવું પડ્યું, તેથી આવું થવું નક્કી હતું. આ ઘટના પશ્ચિમી દેશોમાં ચાલતાં હિંદુ-વિરોધી અભિયાનોને વધુ હવા આપવાનું કામ કરશે.”
દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને લેખક અપૂર્વાનંદે આ ઘટનાની ટીકાત્મક રીતે નોંધ લેતાં લખ્યું છે, “હિંદુઓ કહે છે કે હિંદુ ધર્મ મુક્તિ, સમાનતા અને ખુલ્લાપણાના વિષયમાં છે. આ સૌથી પ્રગતિશીલ ધર્મ છે. ફક્ત તેની પ્રથાઓ જ પછાત છે.”
અર્નોડ બર્ટ્રાન્ડ એક જાણીતા ફ્રેન્ચ ઉદ્યોગપતિ, સોશિયલ મીડિયા ટિપ્પણીકાર અને ભૂ-રાજકીય વિશ્લેષક છે.
તેમણે ઍક્સ પર લખ્યું છે, “આ સાંભળવામાં સંપૂર્ણપણે અવિશ્વસનીય લાગે છે, પરંતુ મેં ફરી તપાસ કરી અને આ સત્ય છે. સોમવારે ઍફિલ ટાવર બંધ રહ્યું. કારણ કે એક હિંદુ સંપ્રદાયે માંગ કરી હતી કે તમામ મહિલાઓ ત્યાંથી હટી જાય જેથી તેમના 93 વર્ષીય ગુરુ ત્યાં આવી શકે.”
અર્નોડે લખ્યું છે, “આ સંપ્રદાયનું નામ બાપ્સ છે – ‘બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા’. તેનો અંદાજિત અર્થ છે ‘ગુજરાતના બોચાસણ ગામમાં સ્થિત અક્ષર પુરુષોત્તમમાં વિશ્વાસ રાખતા સ્વામીનારાયણ અનુયાયીઓનું સંગઠન’.”
“આ એક અત્યંત સમૃદ્ધ સંગઠન છે, જેના મોદીના ભાજપ સાથે ગાઢ સંબંધો છે. મોદી પોતે ગુજરાતના છે. આ સંગઠન દુનિયાભરમાં વિશાળ મંદિરો બનાવવા માટે જાણીતું છે અને તેના સિદ્ધાંતમાં જીવંત ગુરુ પ્રત્યે સંપૂર્ણ આજ્ઞાપાલનને ઈશ્વર સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ માનવામાં આવે છે.”
“આ તેનો પહેલો વિવાદ નથી. 2021માં એફબીઆઈએ ન્યૂ જર્સીમાં તેના વિશાળ મંદિર પર દરોડો પાડ્યો હતો. તે સમયે ત્યાં કામ કરતા મજૂરો, જેમાં મોટા ભાગે દલિતો હતા. તેમને ખોટા ધાર્મિક વિઝા પર અમેરિકા બોલાવવામાં આવ્યા હતા, તેમના પાસપૉર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી આશરે એક ડૉલર પ્રતિ કલાકના દરે 13-13 કલાક કામ કરાવવામાં આવતું હતું. તેમને સુરક્ષા વ્યવસ્થાવાળા એક પરિસરમાં રાખવામાં આવ્યા હતા.”
બાપ્સે તાજેતરમાં ફ્રાન્સમાં એક નવું વિશાળ મંદિર બનાવ્યું છે. તે પેરિસથી 30 કિલોમીટર દૂર બુસી-સૅન્ટ-જ્યૉર્જ ખાતે છે. તેને ખંડીય યુરોપમાં પરંપરાગત શૈલીમાં બનાવાયેલું સૌથી મોટું હિંદુ મંદિર ગણાવવામાં આવે છે. મંદિરના ઉદ્ઘાટન માટે તેમના ગુરુ પણ ત્યાં હાજર હતા અને જેમ કે આવા પ્રસંગોએ થાય છે, તેમણે ફ્રાન્સમાં રહેલા સમયે ઍફિલ ટાવર જોવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ સમસ્યા એ હતી કે તેમના ધાર્મિક સિદ્ધાંતો મુજબ મહિલાઓ તેમની સામે ન હોવી જોઈએ.”
ઇમેજ સ્રોત, Getty Images
બાપ્સ મંદિરો સાથે જોડાયેલા વિવાદો
2021માં દાખલ કરાયેલા એક દાવામાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાંથી લગભગ 200 દલિત મજૂરોને કથિત રીતે અમેરિકાના ન્યૂ જર્સી લાવવામાં આવ્યા હતા. જ્યાં બાપ્સના એક હિંદુ મંદિરના નિર્માણમાં મદદ માટે તેમની પાસેથી દિવસમાં 12 કલાક સુધી કામ કરાવવામાં આવતું હતું અને તેમને પ્રતિ કલાક 1.20 ડૉલર ચૂકવવામાં આવતા હતા.
બાપ્સે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને અમેરિકાના ન્યાય વિભાગે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોઈપણ આરોપ મૂક્યા વિના ફોજદારી તપાસ બંધ કરી દીધી હતી.
ન્યૂ જર્સીના નેવાર્કસ્થિત અમેરિકન જિલ્લા અદાલતમાં લગભગ 200 ભારતીય મજૂરો તરફથી આ દાવો દાખલ કરવામાં આવ્યો હતો. મજૂરોએ આરોપ લગાવ્યો હતો કે દેશના મૂળભૂત કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેમાં બળજબરીથી મજૂરી પર પ્રતિબંધ મૂકતા કાયદાઓ પણ સામેલ છે.
ગયા વર્ષે માર્ચમાં કૅલિફોર્નિયામાં સ્થિત એક બાપ્સ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી, જેના પર ભારતના વિદેશ મંત્રાલયે કડક પ્રતિક્રિયા આપી હતી.
સપ્ટેમ્બર 2024માં ન્યૂ યૉર્ક સ્થિત બાપ્સ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યાં મોદી વિરુદ્ધના નારા લખવામાં આવ્યા હતા. સફોક કાઉન્ટી પોલીસે કહ્યું હતું કે દિવાલો પર લખાયેલા સંદેશાઓમાં ધમકીભર્યા અને અપમાનજનક હિંદુ-વિરોધી સંદેશાઓ સામેલ હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




