Home તાજા સમાચાર gujrati EPFOએ પ્રોવિડન્ટ ફંડધારકો માટે વૉટ્સઍપ ચૅનલ શરૂ કરી, કેવી-કેવી સુવિધા મળશે તે...

EPFOએ પ્રોવિડન્ટ ફંડધારકો માટે વૉટ્સઍપ ચૅનલ શરૂ કરી, કેવી-કેવી સુવિધા મળશે તે જાણો

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી પ્રોવિડન્ટ ફંડ ઉપાડ બેલેન્સ વૉટ્સઍપ ચેનલ ઇપીએફઓ EPFOએ પ્રોવિડન્ટ ફંડધારકો માટે વૉટ્સઍપ ચૅનલ શરૂ કરી, કેવી-કેવી સુવિધા મળશે તે જાણો ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

એમ્પ્લૉયીઝ પ્રોવિડન્ટ ફંડ ઑફ ઇન્ડિયા (ઇપીએફઓ)એ પોતાના સભ્યો માટે એક વૉટ્સઍપ ચૅનલ શરૂ કરવાની જાહેરાત કરી છે.

ઈપીએફઓએ ઍક્સ પર એક પોસ્ટ દ્વારા તેની જાણકારી આપી છે.

ઇપીએફઓનું કહેવું છે કે તેનાથી કરોડો સભ્યોને જરૂરી અપડેટ્સ અને પોતાના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ વિશે માહિતી મળશે.

ઇપીએફઓનું કામ બહુ જટિલ હોય છે અને તેની પ્રક્રિયા પૂરી થવામાં ઘણો સમય લાગી જતો હોય છે. જોકે, હવે ઘણી સુવિધાઓ ઑનલાઈન મળવા લાગી છે અને તેમાં વૉટ્સઍપ ચૅનલની સર્વિસનો ઉમેરો થયો છે.

1952માં શરૂ થયેલા ઇપીએફઓના સક્રિય સભ્યોની સંખ્યા હાલમાં લગભગ 36.21 કરોડ છે એવું તેની વેબસાઇટ જણાવે છે. આ ઉપરાંત દેશમાં 3.64 લાખ સંસ્થાઓ ઇપીએફઓમાં રજિસ્ટર્ડ છે.

EPFOની વૉટ્સઍપ ચૅનલ શું છે?

બીબીસી ગુજરાતી પ્રોવિડન્ટ ફંડ ઉપાડ બેલેન્સ વૉટ્સઍપ ચેનલ ઇપીએફઓ

ઇમેજ સ્રોત, Getty Images

EPFOએ તેના ઍક્સ એકાઉન્ટ પર જણાવ્યું છે કે હવે તેના સભ્યો તેની સત્તાવાર વૉટ્સઍપ ચેનલ પર જોડાઈ શકે છે, જ્યાં તેમને લેટેસ્ટ અપડેટ અને પોતાના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ અંગે બીજી જરૂરી માહિતી મળી શકશે.

ઍક્સ એકાઉન્ટની પોસ્ટમાં એક લિંક આપવામાં આવી છે જેને ક્લિક કરીને મૅમ્બર્સ આ ચૅનલમાં જોડાઈ શકશે.

આ ઉપરાંત સ્કૅન કરવા માટે એક બારકૉડ પણ આપ્યો છે, જેની મદદથી પણ વૉટ્સઍપ ચૅનલમાં જોડાઈ શકાય છે.

ઇપીએફઓની વૉટ્સઍપ ચૅનલ પર જોડાયા પછી તેના પર કેટલીક એજ્યુકેશનલ લિંક પણ જોવા મળે છે. જેમ કે પ્રોવિડન્ટ ફંડને ઍડ્વાન્સમાં ઉપાડવા માટે શું કરી શકાય, પ્રધાન મંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ પેમેન્ટની પ્રક્રિયા કેવી છે, વગેરેના યુટ્યૂબ વીડિયોની વિગત આપવામાં આવે છે. આ ઉપરાંત નવેસરથી નોકરી જોડાયા પછી શું કરવું, ઇપીએફઓ અંગે જાગૃતિ લાવવાના બીજા વીડિયો પણ અહીં શૅર કરવામાં આવે છે.

આ ઉપરાંત સ્કીમના ઍલર્ટ અને બીજી મહત્ત્વની જાણકારી આપવામાં આવશે.

મહત્ત્વની વાત એ છે કે ઇપીએફઓ દ્વારા વૉટ્સઍપ ચૅનલ પર પ્રાદેશિક ભાષામાં પણ માહિતી મેળવી શકાશે.

EPFO કોના માટે છે?

બીબીસી ગુજરાતી પ્રોવિડન્ટ ફંડ ઉપાડ બેલેન્સ વૉટ્સઍપ ચેનલ ઇપીએફઓ

ઇમેજ સ્રોત, Getty Images

સંગઠીત ક્ષેત્રમાં માસિક 15,000 રૂપિયા સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓને ફરજિયાતપણે ઇપીએફમાં આવરી લેવામાં આવે છે. આ એક સોશિયલ સિક્યૉ રિટી સિસ્ટમ છે જેમાં નિવૃત્તિ સમયે ટૅક્સ ફ્રી રકમ મળે છે, તથા શરતોને આધિન રહીને વચ્ચેથી પણ ઉપાડ કરી શકાય છે.

નાણાકીય વર્ષ 2025-26 માટે ઇપીએફઓ પોતાના સભ્યોને 8.25 ટકા વ્યાજ ચુકવશે.

એમ્પ્લૉયીઝ પ્રોવિડન્ટ ફંડ યોજનામાં જોડાવા માટે કામદારની ઉંમર 18થી 54 વર્ષ સુધીની હોવી જોઈએ, તે ભારતનો નાગરિક હોવો જોઈએ. ઊંચી આવક ધરાવતા કર્મચારીઓ સ્વૈચ્છિક રીતે તેમાં જોડાઈ શકે છે.

ઇપીએફઓની વેબસાઇટ પ્રમાણે કર્મચારીના બેઝિક વેતન ઉપરાંત મોંઘવારી ભથ્થાની રકમનો 12 ટકા હિસ્સો પ્રોવિડન્ટ ફંડમાં જાય છે જેમાં કર્મચારીનું સંપૂર્ણ યોગદાન ઇપીએફમાં જાય છે જ્યારે એમ્પ્લૉયરના યોગદાનનો અમુક હિસ્સો પેન્શન ફંડમાં જાય છે જ્યારે બાકીનો હિસ્સો પ્રોવિડન્ટ ફંડમાં જાય છે.

વૉટ્સઍપ ચૅનલની મર્યાદા

બીબીસી ગુજરાતી પ્રોવિડન્ટ ફંડ ઉપાડ બેલેન્સ વૉટ્સઍપ ચેનલ ઇપીએફઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇપીએફઓની વૉટ્સઍપ ચૅનલ મોટા ભાગે અપડેટ આપવા અને જરૂરી માહિતી શૅર કરવા માટે જ છે. તેથી સભ્યોએ પોતાના એકાઉન્ટને લગતી વિગતો મેળવવી હોય તો તેના માટે આ ચૅનલ ઉપયોગી નહીં બને.

જેમ કે પીએફ બેલેન્સ ચેક કરવું હોય અથવા રકમ ઉપાડવી હોય, ક્લેમનું સ્ટેટસ ચેક કરવું હોય તો તેના માટે ઇપીએફઓની વેબસાઇટ પર જવું પડશે. આ ઉપરાંત તમે ઉમંગ ઍપનો ઉપયોગ કરી શકો છો.

હાલમાં આ વૉટ્સઍપ ચૅનલ માત્ર માહિતી ફેલાવવા માટે છે, તે અત્યારના પૉર્ટલ કે બીજા પ્લૉટફૉર્મનું સ્થાન લેવા માટે નથી.

ઇપીએફઓ દ્વારા હાલમાં વૉટ્સઍપ પર ઇન્ટરેક્ટિવ સુવિધા શરૂ કરવામાં નથી આવી.

જોકે, આગામી દિવસોમાં વૉટ્સઍપ ચૅનલ દ્વારા જ પીએફના બેલેન્સ અને ક્લેમને લગતી સુવિધા પણ આપવામાં આવશે તેવી શક્યતા છે.

UPIથી ઉપાડ ક્યારે શક્ય બનશે?

બીબીસી ગુજરાતી પ્રોવિડન્ટ ફંડ ઉપાડ બેલેન્સ વૉટ્સઍપ ચેનલ ઇપીએફઓ

ઇમેજ સ્રોત, Mansukh Mandaviya/X

મે મહિનામાં શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ઇપીએફઓના સભ્યો UPI મારફત પોતાના પ્રોવિડન્ટ ફંડના રૂપિયા બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરી શકે તે માટે ફેસિલિટી વિકસાવવામાં આવશે. જોકે, હજુ સુધી આ સિસ્ટમ શરૂ થઈ શકી નથી.

હાલમાં પ્રોવિડન્ટ ફંડના નાણાં ઉપાડવા માટે કેટલીક પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે અને ચોક્કસ મર્યાદામાં ઓટો સેટલમેન્ટની સુવિધા આપવામાં આવે છે.

જેમ કે સભ્યો હવે પીએફ બેલેન્સમાંથી જે રકમ ઉપાડવાપાત્ર હોય તેને 100 ટકા સુધી ઉપાડી શકે છે. શિક્ષણ અને સંતાનોનાં લગ્ન માટે ઉપાડની મર્યાદા પણ વધારવામાં આવી છે. આના માટે લઘુતમ સર્વિસનો સમયગાળો ઘટાડીને 12 મહિના કરવામાં આવ્યો છે.

ઇપીએફઓ દ્વારા ઓટો સેટલમેન્ટ ફેસિલિટી હેઠળ ઉપાડની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ કરવામાં આવી છે. તેના કારણે લગ્ન, શિક્ષણ, બીમારી અથવા હાઉસિંગના હેતુ માટે પ્રોવિડન્ટ ફંડ ઉપાડવાનું થાય તો ત્રણ દિવસની અંદર પ્રોસેસ પૂરી થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS