Source : BBC NEWS

ગુજરાત જીપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટર ક્લાસ – 2 સ્પર્ધા, ઇન્ટરવ્યૂ શા માટે રદ, જીપીએસસી ચૅરમૅન હસમુખ પટેલ, ફરી ક્યારે ઇન્ટરવ્યૂ લેવાશે, જીપીએસસી પરીક્ષાઓ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

GPSCની પરીક્ષા અને વિવાદ જાણે એક-બીજાની સાથે ચાલતા હોય, તેમ એક વાર ફરીથી તેની પરીક્ષાને લઈને નવો વિવાદ સામે આવ્યો છે.

આ વખતે – લેખિત પરીક્ષાના પેપર ફૂટી જવાને કારણે નહીં, પરંતુ લેખિત પરીક્ષા પછીના ઇન્ટરવ્યૂને લઈને વિવાદ થયો.

GPSCનો આ નવો વિવાદ આ વખતે ક્લાસ-2, ડ્રગ ઇન્સ્પેક્ટરની ભરતીને લઈને થયો છે. આ પરીક્ષાની જાહેરાત બે વર્ષ પહેલાં થઈ હતી અને તાજેતરમાં તેના ફાઇનલ ઇન્ટરવ્યૂ હાથ ધરવામાં આવ્યા હતા.

આ પરીક્ષામાં લેખિત અને ઇન્ટરવ્યૂ એમ બન્નેને 50-50 ટકા વેઇટેજ આપવામાં આવે છે. આ ભર્તી માટેની પરીક્ષા કુલ 300 માર્કસની હતી.

કુલ 32 જગ્યા ભરવા માટે આ પરીક્ષા લેવામાં આવી છે, જેમાં ત્રણ ઇકોનૉમિકલી વિકર સેેક્શન, 12 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, બે શિડ્યુલ્ડ કાસ્ટ તથા બે શિડ્યુલ્ડ ટ્રાઇબ, તેમજ 13 જગ્યા જનરલ ઉમેદવારો માટે પડી હતી.

જોકે, ઇન્ટરવ્યૂ દરમિયાન જ ગુજરાત જાહેર સેવા પંચના ચૅરમૅન હસમુખ પટેલે ઍક્સ પોસ્ટમાં લખ્યું હતું, “ગઈકાલથી આયોગમાં ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ શરૂ થયેલા છે. આજે સાંજે આયોગના ધ્યાન પર આવેલું છે કે ઇન્ટરવ્યૂના એક તજજ્ઞે સરદારધામમાં મૉક ઇન્ટરવ્યૂ લીધા હતા.‌ તેને ધ્યાનમાં લઈને પંચે બે દિવસ દરમિયાન લેવાયેલા ઇન્ટરવ્યૂ રદ કર્યા છે, જે ઇન્ટરવ્યૂ ફરી લેવામાં આવશે અને તારીખ હવે જાહેર કરવામાં આવશે.”

GPSC ના ચૅરમૅને શું કહ્યું?

ગુજરાત જીપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટર ક્લાસ – 2 સ્પર્ધા, ઇન્ટરવ્યૂ શા માટે રદ, જીપીએસસી ચૅરમૅન હસમુખ પટેલ, ફરી ક્યારે ઇન્ટરવ્યૂ લેવાશે, જીપીએસસી પરીક્ષાઓ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, GPSC

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના (જી.પી.એસ.સી.) ચૅરમૅન હસમુખ પટેલે જણાવ્યું, “અમને કોઈક વિદ્યાર્થી મારફતે જાણવા મળ્યું હતું કે, સરદારધામમાં આવીને મૉક ઇન્ટરવ્યૂ કરી ચૂકેલા એક તજજ્ઞ અમારી પેનલમાં હતા. અમને જ્યારે તેની જાણ થઈ, તો તરત જ અમે તમામ ઇન્ટરવ્યૂ રદ કરી દીધા હતા. એવું નથી કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ, પરંતુ અમે એક ટકો પણ ચાન્સ લેવા માંગતા નથી.”

જોકે અમુક વિદ્યાર્થીઓ આ મુદ્દો સોશિયલ મીડિયાનાં વિવિધ પ્લૅટફૉર્મ પર ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ એક ટ્વીટને રિપોસ્ટ કરી હતી.

આ પોસ્ટમાં કોઈ ઉમેદવારે GPSCને લખેલો એક પત્ર છે, જેમાં આ ઇન્ટરવ્યૂ અને તજજ્ઞ વિશે કેટલીક વાતો કરવામાં આવી છે. જેમ કે, તજજ્ઞ અમુક ઉમેદવારો વિશે પહેલાંથી જ માહિતગાર હતા તથા કેટલાક કૅન્ડિડેટ્સને માર્ગદર્શન તથા દિશાનિર્દેશ આપ્યા હતા.

આ સિવાય જી.પી.એસ.સી.ની પસંદગી પ્રક્રિયા ઉપર સવાલ ઊભા કર્યા હતા. બીબીસી આ પત્રની વિગતો વિશે સ્વતંત્ર પુષ્ટિ નથી કરતું.

આ પત્રમાં નોંધ્યું છે કે – આ પ્રકારની ઘટના પંચની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે માટે તેની (સંબંધિત તજજ્ઞ) સામે કડક પગલાં લેવા અને નીતિ-નિયમોમાં ફેરફાર કરવામાં આવે.

ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે શું કરવામાં આવશે? બીબીસી ગુજરાતીના આ સવાલ પછી હસમુખ પટેલે કહ્યું, “હવે પછી આવો કોઈ કિસ્સો ન બને, તે માટે અમે પેનલિસ્ટ પાસેથી લેખિત બાંહેધરી લઈશું.”

આ પત્ર વિશે વાત કરતા યુવરાજસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, આ પત્ર લખનાર ઉમેદવારને તેઓ ઓળખે છે અને તેમણે જ આ ફરિયાદ કરી છે.

યુવારજસિંહ જાડેજા વધુમાં કહે છે, “સૌ પ્રથમ તો GPSCએ ઇન્ટરવ્યૂમાં થતી ગેરરીતિને રોકવાની જરૂર છે. આગાઉ પણ જોયું છે કે, ઇન્ટરવ્યૂના માર્કસમાં એક જેવા વિદ્યાર્થીઓ હોય, તો પણ ખૂબ વિસંગતતા હોય છે. ઇન્ટરવ્યૂમાં કોઈ સારા વિદ્યાર્થીને 10 માર્ક્સ જ મળે છે, તો અમુક ઍવરેજ વિદ્યાર્થીને 35 કે પછી 65 સુધી પણ માર્કસ મળી જતા હોય છે, આ પ્રકારની વિસંગતતાને દૂર કરવાની જરૂર છે.”

શું કહેવું છે કૉંગ્રેસ અને ભાજપનું?

ગુજરાત જીપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટર ક્લાસ – 2 સ્પર્ધા, ઇન્ટરવ્યૂ શા માટે રદ, જીપીએસસી ચૅરમૅન હસમુખ પટેલ, ફરી ક્યારે ઇન્ટરવ્યૂ લેવાશે, જીપીએસસી પરીક્ષાઓ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, X/drmanishdoshi

આ ઘટના બાદ ગુજરાતમાં મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે રાજ્ય સરકાર પર આરોપ મૂક્યા છે કે આ પ્રકારના ઇન્ટરવ્યૂમાં ‘ગોઠવણ’ થતી હોય છે.

કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પત્રકારોને જણાવ્યું હતું, “અમે અનેક વખત ફરિયાદો કરી છે કે આ પ્રકારના ઇન્ટરવ્યૂમાં ગોઠવણ થતી હોય છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે, ઇન્ટરવ્યૂ લેનાર અને આપનાર બન્નેને એકબીજાની ઓળખ વિશે ખબર હોતી નથી, પરંતુ આ ઘટનાથી એ સાબિત થાય છે કે, આ બધી ખોટી વાતો છે. GPSCમાં પોતાના મળતિયાઓને લેવાનું સુવ્યવસ્થિત કામ ચાલી રહ્યું છે.”

મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું, “એવું જોવા મળે છે કે, જ ઉમેદવારના લેખિતમાં સારા માર્કસ હોય, તેને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્કસ મળે છે અને લેખિતમાં ખરાબ માર્કસ મેળવનારો ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં સારા માર્કસ લઈને નોકરી મેળવી લે છે. આ પ્રકારની ગેરરીતિ બંધ થવી જોઈએ અને ઇન્ટરવ્યૂના માર્કસ માત્ર 10 ટકા જેટલાં જ હોવા જોઈએ.”

જોકે, કૉંગ્રેસના આક્ષેપો સામે ભાજપના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, “સૌ જાણે છે કે GPSC નો વહીવટ પારદર્શક છે. આ ઘટનામાં જ્યારે સંસ્થાના ધ્યાન પર આવ્યું કે તરત જ તેમણે ઇન્ટરવ્યૂ રદ કરી દીધા અને ફરી આવી ઘટના ન બને તેની તાકિદ પણ લીધી છે. GPSC ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્થા છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS