Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ANI
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ
ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ આઈપીએલ 2026ની ટ્રૉફીની ફાઇનલ માટે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે.
આ પહેલી વખત છે જ્યારે શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં રમશે. આ ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ છે, તેથી ગુજરાત ટાઇટન્સની ટીમ અને કૅપ્ટન શુભમન ગિલ એમ બંને પર અપેક્ષાઓનું મોટું દબાણ રહેશે.
બીજી તરફ, રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુનો આત્મવિશ્વાસ ઊંચો છે. કારણ કે આ ટીમ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં થયેલા પહેલા પ્લે-ઑફ મુકાબલામાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને સીધી ફાઇનલમાં પહોંચી હતી.
આ ઉપરાંત આરસીબીની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. પરંતુ ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રૉયલ્સને હરાવીને જે રીતે ફાઇનલમાં જગ્યા બનાવી છે તે જોતાં આરસીબી માટે ગુજરાતની ટીમ મોટો પડકાર છે. આ સાથે કૅપ્ટન શુભમન ગિલનો અમદાવાદમાં જે રેકૉર્ડ છે તે પણ આરસીબી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
ઈએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, ગિલે અત્યાર સુધી ટી20 મૅચોમાં 6,134 રન બનાવ્યા છે. તેમાં 1,500 રન તો તેમણે અમદાવાદના આ જ મેદાન પર બનાવ્યા છે.
આ રન તેમણે 53.57ની સરેરાશ અને 165.56ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે, જ્યારે તેમની સમગ્ર કૅરિયરની સરેરાશ 37.86 અને સ્ટ્રાઇક રેટ 141.33 છે.
ન્યૂ ચંડીગઢમાં રાજસ્થાન રૉયલ્સ સામે શુભમન ગિલે જે રીતે સદી ફટકારી હતી, તેને કારણે આરસીબીની ટીમ ચોક્કસ સાવચેત થઈ ગઈ હશે.
ગુજરાત ટાઇટન્સની તાકત અને શુભમન ગિલ પાસેથી અપેક્ષા
ઇમેજ સ્રોત, ANI
ફાઇનલ પહેલાંની પ્રેસ કૉન્ફરન્સમાં શુભમન ગિલે કહ્યું, “સાચું કહું તો હું અપેક્ષાઓના બોજને મારા પર હાવી થવા દેતો નથી. અહીં રમવાનો ફાયદો એ છે કે અમને પિચ અને મેદાન વિશે સારી જાણકારી છે. અમને ખબર છે કે અહીં જીતવા માટે કેવી પ્રકારની રમત રમવી પડશે.”
ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગિલ ઉપરાંત બેટિંગમાં સાઈ સુદર્શન પર પણ ટીમને જીત અપાવવાનો મોટો ભાર રહેશે. જ્યારે જૉશ બટલર ત્રીજા નંબર પર બેટિંગ કરે તો તે પણ આરસીબી પર ભારે પડી શકે છે.
રાહુલ તેવટિયા, જૅસન હૉલ્ડર અને રાશિદ ખાન મિડલ અને લૉઅર ઑર્ડરને મજબૂત બનાવશે.
બૉલિંગમાં કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને રાશિદ ખાન પર ખાસ જવાબદારી રહેશે.
આરસીબી માટે વિરાટ કોહલીનું મહત્ત્વ
ઇમેજ સ્રોત, ANI
બીજી તરફ રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુની કમાન ભલે રજત પાટીદાર પાસે છે, પરંતુ ટીમના સૌથી મોટા સ્ટાર હજુ પણ વિરાટ કોહલી જ છે.
ગયા વર્ષે પંજાબ કિંગ્સ સામે તેમની શાનદાર ઇનિંગ્સે ફરી એક વખત સાબિત કર્યું કે તેઓ મોટી મૅચના ખેલાડી છે.
દબાણવાળી પરિસ્થિતિઓને સરળતાથી હૅન્ડલ કરવાની તેમની ક્ષમતા તેમને આરસીબી માટે અનિવાર્ય બનાવે છે.
કોહલી આરસીબી માટે તમામ આઈપીએલ ફાઇનલ રમ્યા છે.
આ ઉપરાંત, કૅપ્ટન રજત પાટીદાર પોતાની આક્રમક બેટિંગથી કોઈપણ સમયે મૅચને બદલી શકે છે.
ધર્મશાળામાં ગુજરાત ટાઇટન્સ સામે તેમણે માત્ર 33 બૉલમાં 93 રન બનાવ્યા હતા.
આરસીબીના ફાસ્ટ બૉલર ભુવનેશ્વરકુમાર પણ આ આઈપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ પર્પલ કૅપની રેસમાં રબાડાથી માત્ર બે વિકેટ પાછળ છે.
ત્રીજા નંબર પર દેવદત્ત પડિક્કલ વિશ્વસનીય બૅટ્સમૅન છે, જ્યારે મિડલ અને લૉઅર ઑર્ડરમાં કૃણાલ પંડ્યા, ટિમ ડૅવિડ અને જિતેશ શર્મા જેવા સારા ખેલાડીઓ છે.
આઈપીએલમાં કોહલી અને ગિલ
ઇમેજ સ્રોત, ANI
આઈપીએલની ફાઇનલમાં કોહલીની સરેરાશ 34થી થોડી વધુ છે, પરંતુ હંમેશાં મહત્ત્વના મુકાબલાઓમાં નિષ્ફળ રહેવાનો આરોપ તેમના પર લાગતો રહ્યો છે.
પરંતુ ગયા વર્ષે પંજાબ કિંગ્સ સામે તેમની ઇનિંગ્સે ફરી સાબિત કર્યું કે તેઓ મોટી મૅચના ખેલાડી છે.
દબાણની સ્થિતિમાં સહજતાથી ટીમને સંભાળવાનો તેમનો અનુભવ ફ્રૅન્ચાઇઝી માટે અમૂલ્ય રહ્યો છે.
શુભમન ગિલને મોટા મંચ પર રમવું પસંદ છે અને તેમણે કારકિર્દીની શરૂઆતમાં જ સફળતા મેળવી છે.
તેમણે પ્રથમ ફાઇનલ 2021માં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમી હતી. ત્યારબાદ તેઓ 2022 અને 2023માં ગુજરાત ટાઇટન્સની જર્સીમાં રમ્યા.
તેમણે શરૂઆતમાં જ સાબિત કરી દીધું કે તેમની ગણતરી શ્રેષ્ઠ ખેલાડીઓમાં કેમ થાય છે.
2009માં ફાઇનલમાં કોહલીએ ડૅક્કન ચાર્જર્સ સામે 7 રન બનાવ્યા હતા અને આરસીબી 6 રનથી હારી હતી.
2011માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેમણે 35 રન બનાવ્યા, છતાં ટીમ 58 રનથી હારી ગઈ.
2016માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તેમણે 54 રનની ઇનિંગ્સ રમી, છતાં ટીમ 8 રનથી હારી ગઈ.
2025માં પંજાબ કિંગ્સ સામે તેમણે 35 બૉલમાં 43 રન બનાવ્યા અને આ વખતે ટીમને પહેલીવાર ટ્રૉફી જીતવાનો મોકો મળ્યો.
બીજી તરફ ગિલે 2021માં કોલકાતા માટે પોતાની પ્રથમ ફાઇનલમાં 51 રન બનાવ્યા, પરંતુ તેમની ટીમ સીએસકે સામે 27 રનથી હારી ગઈ.
2022માં રાજસ્થાન સામે તેમણે નૉટઆઉટ રહીને 45 રન બનાવ્યા અને ગુજરાતે પ્રથમ ટ્રૉફી જીતી.
2023માં ગુજરાતની ટીમે ફરી ફાઇનલમાં જગ્યા બનાવી જેમાં તેમણે 20 બૉલમાં ચેન્નાઈની ટીમ સામે 39 રન કર્યા છતાં ટીમ રનર-અપ રહી.
આરસીબી ઇતિહાસ રચવાની નજીક
ઇમેજ સ્રોત, ANI
રજત પાટીદારની આગેવાનીમાં આરસીબી ઇતિહાસ રચવાની નજીક છે. જો તેઓ ફાઇનલ જીતે, તો ચેન્નાઈ અને મુંબઈ પછી ટાઇટલ ડિફેન્ડ કરતી ત્રીજી ટીમ બનશે.
ગુજરાત ટાઇટન્સે પણ છેલ્લાં પાંચ વર્ષમાં ત્રીજી વખત ફાઇનલમાં પહોંચીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેની પાસે ટુર્નામેન્ટની સૌથી સફળ એવી ચોથી ટીમ બનવાની તક પણ છે.
ક્રિકબઝ અનુસાર, “આરસીબીએ આખી સિઝનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે જ્યારે ગુજરાતની સફર થોડી મુશ્કેલ રહી. શરૂઆતમાં 6 મૅચમાં 3 જીત અને 3 હાર રહી, પરંતુ ત્યારબાદ 10માંથી 7 મૅચ જીતીને તેઓ ટૉપ-2માં પહોંચ્યા.”
ફાઇનલમાં ગુજરાત માટે સૌથી મોટો પડકાર ભુવનેશ્વરકુમાર અને જૉશ હૅઝલવૂડની બૉલિંગ રહેશે.
જો ગિલ અને સાઈ સુદર્શનની ઓપનિંગ જોડી શરૂઆતનું દબાણ સહન કરી લે, તો આગળની બેટિંગ સરળ બની જશે. રાજસ્થાન સામે તેઓ આ કરી ચૂક્યા છે.
આરસીબીને ફાઇનલ પહેલાં 3 દિવસનો આરામ મળ્યો છે.
ટીમ મોટા સ્કોર બનાવવા અને ચેઝ કરવા માટે જાણીતી છે.
ઘણા નિષ્ણાતો માને છે કે આ ટુર્નામેન્ટની સૌથી મજબૂત બેટિંગ યુનિટ છે.
આરસીબીએ આ સિઝનમાં 9 વખત 200થી વધુ રન બનાવ્યા છે અને 2 વખત 200+ લક્ષ્ય સફળતાપૂર્વક ચેઝ કર્યા છે.
રસપ્રદ વાત એ છે કે ટીમમાંથી માત્ર વિરાટ કોહલી જ ટૉપ-10 રન સ્કોરર્સમાં છે.
મુકાબલો એવા મેદાન પર રમાશે જ્યાં બંને ટીમોની સુવર્ણ યાદો જોડાયેલી છે.
ગુજરાતે 2022માં અહીં પોતાની પહેલી ટ્રૉફી જીતી હતી, જ્યારે આરસીબીએ ગયા વર્ષે અહીં ટ્રૉફી જીતવાનો પોતાનો લાંબા સમયનો ઇંતજાર પૂર્ણ કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







