Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, આરોગ્ય, ડાયાબિટીસનો ટેસ્ટ, સ્વાસ્થ્ય, દવા

ઇમેજ સ્રોત, Getty Images

રંગારાવ 10 વર્ષથી ડાયાબિટીસના દર્દી છે.

તેઓ સ્વાસ્થ્યપ્રદ આહાર લે છે, નિયમિતપણે કસરત કરે છે, દર 6 મહિને ડૉક્ટર પાસે જાય છે અને સમયસર દવા પણ લે છે.

પરંતુ એક મહિના પહેલાં સીતાફળ જોઈને તેમને લાલચ થઈ ગઈ. તેમણે સીતાફળની આખી ટોપલી ખરીદી ને ઘરમાં સ્ટૉક કરી. પછી દરરોજ એક સીતાફળ ખાધું.

જ્યારે તેમને ખબર પડી કે તેમના છેલ્લા સુગર ટેસ્ટને 8 મહિના વીતી ગયા છે ત્યારે તેમણે ડૉક્ટર પાસે ઍપૉઇન્ટમેન્ટ લેવાનું નક્કી કર્યું. પરંતુ તેમને ડર હતો કે તેમના ડૉક્ટર તેમની આ આદત બાબતે ધમકાવશે. તેથી તેમણે 2-3 દિવસ ભૂખ્યા રહેવાનું નક્કી કર્યું. ડૉક્ટરની ઍપૉઇન્ટમેન્ટ પહેલાં બપોરે અને રાત્રે તેમણે માત્ર એક જુવારની રોટલી અને એક ઈંડું જ ખાધું.

જ્યારે તેઓ હૉસ્પિટલ ગયા ત્યારે તેમણે જોયું કે નિયમિત ડૉક્ટરને બદલે એક નવા જ ડૉક્ટર આવ્યા છે.

હૉસ્પિટલના સ્ટાફે તેમને જાણ કરી કે જૂના ડૉક્ટર દસ દિવસ માટે રજા પર ગયા છે, તેથી દર્દીઓની તપાસ માટે બીજા ડૉક્ટર હાજર છે.

રંગરાવે રાહતનો શ્વાસ લીધો.

પરંતુ આ વખતે સામાન્ય ફાસ્ટિંગ સુગર ટેસ્ટ અને ભોજન પછીના ફૉલો-અપ સુગર ટેસ્ટની સાથે સાથે ડૉક્ટરે રંગરાવ માટે બીજો નવો ટેસ્ટ લખ્યો છે. રંગરાવ આ ત્રીજા ટેસ્ટથી ખુશ ન હતા પરંતુ તેમણે ડૉક્ટરની ભલામણનું પાલન કર્યું અને તે કરાવ્યો.

રંગરાવના સુગર ટેસ્ટનાં પરિણામો આવ્યાં.

ફાસ્ટિંગ સુગર ટેસ્ટમાં ગ્લુકોઝ 150mg/dl દર્શાવ્યો

ખાધા પછી ખાંડ ટેસ્ટમાં ગ્લુકોઝ 270mg/dl દર્શાવ્યો

પરંતુ ડૉક્ટર દ્વારા ભલામણ કરાયેલા ત્રીજા નવા ટેસ્ટના પરિણામમાં તેમના રિપોર્ટમાં નવ ટકા દર્શાવવામાં આવ્યા હતા.

બીબીસી ગુજરાતી ઍક્સપ્લેનર

આવી પરિસ્થિતિમાં (2 નિયમિત પરીક્ષણોના આધારે) જૂના ડૉક્ટર સામાન્ય રીતે હળવી ચેતવણી આપતા અને રંગરાવની દવા બદલતા. પરંતુ નવા ડૉક્ટર તેમને કડક લાગ્યા.

“તમારા લોહીમાં ખાંડનું પ્રમાણ આટલું બધું કેમ વધી ગયું?” ડૉક્ટરે પૂછ્યું.

રંગરાવને ખબર નહોતી કે કેવી રીતે જવાબ આપવો.

“ડૉક્ટર, બહુ વધારે નથી વધ્યું?” રંગરાવે ખચકાટ સાથે જવાબ આપ્યો.

“ડૉક્ટર કોણ છે? તમે? કે હું?” ડૉક્ટરે પૂછ્યું.

રંગરાવે પછી કંઈ બોલ્યા જ નહીં.

નવા ડૉક્ટરે પેન અને કાગળ લીધો અને નંબરો લખવાનું શરૂ કર્યું.

“તમે જે સામાન્ય સુગર ટેસ્ટ કરાવો છો તે પરીક્ષણના આગલા દિવસે તમે જે ખોરાક લો છો તેના આધારે તમારા લોહીમાં ખાંડના ટકાવારીનું મૂલ્યાંકન કરે છે.

પરંતુ આ નવો પરીક્ષણ 3 મહિનાની સરેરાશ લોહીમાં રહેલા સુગરનું મૂલ્યાંકન કરે છે, તેને HbA1c પરીક્ષણ કહેવામાં આવે છે. અને આ પરીક્ષણમાં તમારાં પરિણામો દર્શાવે છે કે તમારા લોહીમાં સુગરનું પ્રમાણ સામાન્ય કરતા વધારે છે”, નવા ડૉક્ટરે કહ્યું.

ડૉક્ટરે રંગરાવને વધુ સમજાવ્યું.

“તે સૂચવે છે કે તમારું સુગર લેવલ નિયંત્રણ બહાર છે. અને આ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ વધારે પડતા ગળ્યા ખોરાકનું સેવન કરે છે.”

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
HbA1c પરીક્ષણ શું છે?
બીબીસી ગુજરાતી, આરોગ્ય, ડાયાબિટીસ, સ્વાસ્થ્ય, દવા

ઇમેજ સ્રોત, Getty Images

HbA1c પરીક્ષણને A1c પરીક્ષણ અથવા ગ્લાયકેટેડ હિમોગ્લોબિન પરીક્ષણ અથવા હિમોગ્લોબિન A1c પરીક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પરીક્ષણ તમારા લોહીમાં હિમોગ્લોબિન પ્રોટીન સાથે જોડાયેલ ગ્લુકોઝનું પ્રમાણ શોધવામાં મદદ કરે છે.

અને આ પરીક્ષણ છેલ્લા ત્રણ મહિના (8-12 અઠવાડિયાં) ના બ્લડ સુગર લેવલને પ્રતિબિંબિત કરે છે.

આ પરીક્ષણનાં પરિણામો દિવસે ખાધેલા ખોરાક પર આધારિત નથી, પરંતુ પરીક્ષણના ત્રણ મહિના દરમિયાન ખાધેલા ખોરાક પર આધારિત હોય છે.

આ પરીક્ષણનો ઉપયોગ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં સુગર લેવલ શોધવા માટે થાય છે. અને આનાથી પ્રીડાયાબિટીસ અથવા ડાયાબિટીસનું નિદાન કરવામાં મદદ મળે છે.

HbA1c ટેસ્ટ કરાવવા માટે ઉપવાસ જરૂરી નથી. અને તમે શું અને ક્યારે ખાઓ છો તે ધ્યાનમાં લીધા વિના તે દિવસના કોઈ પણ સમયે કરી શકાય છે.

પરિણામો શું સૂચવે છે?

ડાયાબિટીસ ન હોય તેવા કોઈપણ માટે હિમોગ્લોબિન A1c સ્તર સામાન્ય રીતે ચાર થી 5.6 ટકાની વચ્ચે હોય છે.

જો હિમોગ્લોબિન A1c સ્તર 5.7 ટકાથી 6.4 ટકાની વચ્ચે હોય તો તેનો અર્થ એ છે કે વ્યક્તિ પ્રીડાયાબિટીક છે. એટલે કે ભવિષ્યમાં વ્યક્તિને ડાયાબિટીસ થવાની સંભાવના ખૂબ જ છે.

જો સ્તર 6.5 ટકા અને તેથી વધુ હોય તો તે સૂચવે છે કે વ્યક્તિને ડાયાબિટીસ છે અને શરીરમાં સુગરનું લેવલ નિયંત્રિત કરવા માટે દવાની જરૂર છે.

જો સ્તર નવ ટકાને વટાવી જાય તો તે દર્શાવે છે કે શરીરમાં સુગરનું પ્રમાણ નિયંત્રણ બહાર છે અને હવે આ રોગ શરીરનાં અંગોને નુકસાન પહોંચાડી શકે છે.

પરીક્ષણ ક્યારે કરાવવું જોઈએ?
બીબીસી ગુજરાતી, આરોગ્ય, ડાયાબિટીસ, સ્વાસ્થ્ય, દવા

ઇમેજ સ્રોત, Getty Images

45 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિને દર વર્ષે એક વાર આ પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવે છે.

જો તમારાં માતાપિતા, ભાઈ-બહેનો અથવા નજીકના સંબંધીઓને પણ ડાયાબિટીસ છે, તો તમારી ઉંમર ગમે તે હોય. તમને દર વર્ષે એક વાર HbA1c પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવે છે.

30-45 વર્ષની વયના લોકો અને જેઓ પહેલાંથી જ સ્થૂળતા, બ્લડ પ્રેશર અથવા હૃદયના રોગથી પીડાય છે તેઓએ દર 2 વર્ષે એક વાર આ પરીક્ષણ કરાવવું જોઈએ.

પ્રીડાયાબિટીસ શું છે?
બીબીસી ગુજરાતી, આરોગ્ય, ડાયાબિટીસ, સ્વાસ્થ્ય, દવા

ઇમેજ સ્રોત, Getty Images

પ્રીડાયાબિટીસ એટલે કે શરીર લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં અસમર્થ છે.

થોડાં વર્ષોમાં અંગો યોગ્ય રીતે કાર્ય કરવાનું બંધ કરી શકે છે અને લોહીમાં ખાંડનું સ્તર અનિયંત્રિત બની શકે છે.

ખાવાની આદતો અને જીવનશૈલીમાં ફેરફાર ડાયાબિટીસની શરૂઆતને રોકવામાં મદદ કરે છે.

સ્વસ્થ જીવનશૈલી શરીરને ફરીથી લોહીમાં ખાંડના સ્તરને નિયંત્રિત કરવાની ક્ષમતા આપે છે.

જો HbA1c પરીક્ષણમાં પ્રીડાયાબિટીસ હોવાનું જાણવા મળે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

HbA1c પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે?

HbA1c અન્ય કોઈ પણ રક્ત પરીક્ષણ જેવું છે. તે કોઈ પણ માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળામાં કરી શકાય છે.

પાંચ મિનિટથી ઓછા સમયમાં લોહી કાઢવામાં આવે છે. તેની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવે છે અને પરિણામો એ જ દિવસે આપવામાં આવે છે.

આ પરીક્ષણ છેલ્લા ત્રણ મહિનામાં શરીરમાં સરેરાશ ખાંડનું સ્તર દર્શાવે છે, તેથી પરીક્ષણ પહેલાં તમે શું પીઓ છો અથવા ખાઓ છો તે પરીક્ષણનાં પરિણામોમાં આવતું નથી.

પરંતુ ડૉકટરો ફક્ત HbA1c પરીક્ષણના આધારે દવા લખી શકતા નથી.

ખાધા પહેલાં અને પછીના બે ટેસ્ટ ડૉકટરોને ડાયાબિટીસના દર્દી માટે યોગ્ય દવા લખવામાં મદદ કરે છે.

HbA1c સ્તરને કેવી રીતે નિયંત્રિત કરવું?
બીબીસી ગુજરાતી, આરોગ્ય, ડાયાબિટીસ, સ્વાસ્થ્ય, દવા

ઇમેજ સ્રોત, Getty Images

HbA1c ત્રણ મહિનાના સરેરાશ બ્લડ સુગરના સ્તરને સૂચવે છે તેથી તેને બે કે ત્રણ દિવસમાં ઘટાડી શકાતું નથી.

ત્રણ મહિના સુધી કડક આરોગ્યપ્રદ આહાર, નિયમિત કસરત અને સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરવામાં આવે તો જ આ સ્તરને નિયંત્રિત કરી શકાય છે.

જે લોકો ડાયાબિટીસ માટે દવા લે છે તેમણે HbA1c સ્તરને નિયંત્રણમાં રાખવા માટે કડક શિસ્તબદ્ધ રહી દવા લેવી જોઈએ.

અને ડાયાબિટીસ ધરાવતા લોકોએ દર 6 મહિને આ પરીક્ષણ કરાવવું જોઈએ.

HbA1c બરાબર શું છે?

આપણે જે ખોરાક લઈએ છીએ તેના આધારે પાચનતંત્રમાંથી ગ્લુકોઝ લોહીમાં રીલિઝ થાય છે. અને આ ગ્લુકોઝ શરીરની અંદર મુક્તપણે ફરતું રહે છે.

લોહીમાં વિવિધ પ્રકારનાં પ્રોટીન હોય છે. શરીરના દરેક ભાગને ઑક્સિજન પૂરો પાડતા લાલ રક્તકણોમાં રહેલું હિમોગ્લોબિન તેમાંથી એક છે.

મુક્તપણે ફરતું ગ્લુકોઝ પરમાણુ આ હિમોગ્લોબિન પ્રોટીન સાથે જોડાય છે અને આ પ્રક્રિયાને ગ્લાયકેશન કહેવામાં આવે છે. ગ્લુકોઝ સાથે જોડાયેલા હિમોગ્લોબિન પ્રોટીનને ગ્લાયકેટેડ હિમોગ્લોબિન કહેવામાં આવે છે.

લાલ રક્તકણોનું આયુષ્ય 2-3 મહિના હોવાથી આ પરીક્ષણ 3 મહિનામાં હિમોગ્લોબિન સાથે જોડાયેલ ગ્લુકોઝનું પ્રમાણ દર્શાવે છે.

જો શરીરમાં વધુ સુગર ફરતી હોય તો તે વધુ હિમોગ્લોબિન સાથે જોડાયેલી હોય છે. જેના સ્તરને આ પરીક્ષણ નક્કી કરે છે.

શું દરેક વ્યક્તિએ આ ટેસ્ટ કરાવવો જોઈએ?

ગ્લુકોઝ શરીરમાં અન્ય પ્રોટીન જેમ કે આલ્બ્યુમિન, ફેરીટિન અને ફાઇબ્રિનોજેન સાથે જોડાયેલું હોય છે, પરંતુ દરેકને આ પરીક્ષણોની જરૂર નથી.

ગંભીર એનિમિયા (શરીરમાં હિમોગ્લોબિનનું ઘટતું સ્તર ) ધરાવતા લોકો, કિડનીની સમસ્યાઓ ધરાવતા લોકો જેમનું શરીર પૂરતું લોહી ઉત્પન્ન કરતું નથી, અને લીવર સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકોને HbA1c પરીક્ષણથી વધુ ફાયદો થશે નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS