Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
વાંચવાનો સમય: 5 મિનિટ
આયર્લૅન્ડે બીજી ટી20 મૅચમાં ભારતને એક રને હરાવી દીધું છે. આ સાથે આયર્લૅન્ડે બે મૅચની આ સિરીઝ 2-0થી જીતી લીધી છે. સતત 16 ટી20 સિરીઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાએ આ સિરીઝમાં હારનો સામનો કવાનો વારો આવ્યો છે. આયર્લૅન્ડે ભારતીય ટીમને ક્લીન સ્વીપ આપીને ઇતિહાસ રચ્યો છે. આયર્લૅન્ડ પહેલી વખત ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ભારત સામે સિરીઝ જીતવામાં સફળ થયું છે.
આયર્લૅન્ડે પહેલી બેટિંગ લેતાં 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 154 રન બનાવ્યા હતા, જવાબમાં ભારતની ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટ ખોઈને 153 રન જ બનાવી શકી. આયર્લૅન્ડએ એક રનથી બીજી ટી20 મૅચ જીતી હતી. કૅપ્ટન તરીકે શ્રેયસ અય્યર પોતાની પહેલી જ ટી20 સિરીઝ હારી ગયા.
આયર્લૅન્ડ પાસેથી મળેલા 155 રનના સામાન્ય લક્ષ્યાંકને ભારતે પોતાની ખરાબ બેટિંગને કારણે પહાડ જેવું બનાવી દીધું. ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી. બંને ઓપનર વગર ખાતું ખોલ્યા વગર પેવેલિયન પરત ફર્યા. સંજુ સેમસન અને અભિષેક શર્મા, બંને જય મૂંદરાની બૉલિંગમાં આઉટ થયા.
ઈશાન કિશન 11 બૉલમાં 12 રન બનાવીને પેવેલિયન ભેગા થયા, કૅપ્ટન શ્રેયસ અય્યર ફરી એક વખત મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા. તેમની બેટિંગ પણ ફ્લૉપ સાબિત થઈ. તેમણે સાત બૉલમાં બે ચોક્કાની મદદથી માત્ર 10 રન બનાવ્યા હતા.
ઇમેજ સ્રોત, Getty Images
પાવરપ્લેમાં જ 35 રનમાં ભારતની ચાર વિકેટ પડી ગઈ. તેથી ભારતે અક્ષર પટેલને આગળ બેટિંગ માટે મોકલ્યા હતા. પરંતુ અક્ષરે ઘણી ધીમી બેટિંગ કરી. તેમણે 18 બૉલ રમીને કોઈ પણ બાઉન્ડ્રી લગાવ્યા વગર માત્ર 14 રન બનાવ્યા.
તિલક વર્મા એક છેડો સાચવી બેટિંગ કરતા રહ્યા. બીજા છેડે શિવમ દુબેથી આશા હતી પરંતુ તે 16 બૉલમાં 20 રન બનાવીને આઉટ થઈ ગયા. તિલક ઝડપથી રન નહોતા બનાવી શકતા તેને કારણે જીતવા માટે જરૂરી રન-રેટ વધતો જતો હતો.
ડૅબ્યૂ મૅચમાં સૂર્યાંશ શેડગે બૉલિંગ બાદ બેટિંગમાં પણ ફ્લૉપ રહ્યા. પાંચ બૉલમાં તેમણે માત્ર એક જ રન બનાવ્યો. જ્યારે ટીમ ઇન્ડિયાને તેમની સૌથી વધુ જરૂર હતી ત્યારે જ તિલક વર્મા 46 બૉલમાં 55 રન બનાવીને આઉટ થઈ ગયા.
ઇમેજ સ્રોત, Getty Images
હર્ષિત રાણાએ બેટિંગમાં આવ્યા બાદ ફટકા બાજી કરી. છેલ્લી બે ઓવરમાં ભારતને જીત માટે 34 રન બનાવવાના હતા. 19મી ઓવરમાં હર્ષિત રાણાએ એક ચોક્કો અને એક છક્કો લગાવીને ભારતની આશા જીવંત રાખી હતી.
આ ઓવરમાં 14 રન આવ્યા હતા. હવે છેલ્લી ઓવરમાં ભારતને જીત માટે 20 રન બનાવવાના હતા.
આયર્લૅન્ડે છેલ્લી ઓવર પાર્ટ-ટાઇમ બૉલર હૅરી ટેક્ટરને સોંપી હતી. તેમણે વાઇડથી શરૂઆત કરી. રાણાને તેણે એક ફૂલ-ટૉસ બૉલ નાખ્યો, જે નો-બૉલ જાહેર કરવામાં આવ્યો.
જોકે, ફૂલ-ટૉસ પર રાણાએ માત્ર બે જ રન બનાવ્યા અને ત્યાર બાદ જે ફ્રી-હિટ મળી તેમાં તેમણે ચોક્કો લગાવ્યો. હવે ચાર બૉલમાં 11 રન બનાવવાના હતા. પરંતુ રાણાએ સિંગલ લીધો અને સ્ટ્રાઇક અર્શદીપસિંહ પાસે ચાલી ગઈ. પછી ફરી વાઇડ બૉલ પડ્યો.
ત્યાર બાદ અર્શદીપે સિંગલ રન લઈને ફરી સ્ટ્રાઇક હર્ષિત રાણાને આપી. હવે બે બૉલમાં આઠ રનની જરૂર હતી. પરંતુ રાણા આઉટ થઈ ગયા. હર્ષિત રાણાએ 10 બૉલમાં 21 રન બનાવ્યા હતા. છેલ્લા બૉલમાં પ્રિન્સ યાદવે સિક્સર લગાવી પરંતુ ભારત આ મૅચ એક રને હારી ચૂક્યું હતું.
આયર્લૅન્ડ તરફથી સૌથી વધારે રન હૅરી ટેક્ટરે બનાવ્યા
ઇમેજ સ્રોત, Getty Images
તેમના શાનદાર પ્રદર્શન ઉપરાંત બેન કૅલિટ્ઝે 37 રનનું યોગદાન આપ્યું હતું. આયર્લૅન્ડના કૅપ્ટન લૉર્કન ટકન 15 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
ભારત તરફથી પોતાની પહેલી આંતરરાષ્ટ્રિય ટી20 મૅચ રમી રહેલા પ્રિન્સ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટો લીધી હતી. તેમણે ચાર ઓવરમાં માત્ર 22 રન આપ્યા હતા.
ભારત તરફથી અર્શદીપસિંહ અને શિવમ દુબેએ પણ બે-બે વિકેટ ઝડપી હતી.
ડૅબ્યૂ મૅચ રમી રહેલા ભારતના વધુ એક ખેલાડી સૂર્યાંશ શેડગેએ બે ઓવર નાખી હતી. જોકે તેમને કોઈ વિકેટ નહીં મળી પંરતુ તેમની ઓવરમાં 25 રન પડ્યા.
આ પહેલાં 26મી જૂને એટલે કે શુક્રવારે પણ આયર્લૅન્ડે પહેલી બેટિંગ કરતા 182 રન બનાવ્યા હતા અને ભારતની ટીમ માત્ર 148 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
બન્યા આ ‘નિરાશાજનક’ રેકૉર્ડ્સ
આયર્લૅન્ડથી સિરીઝ હારવા પહેલાં ભારત ટી20 ક્રિકેટમાં છેલ્લે સતત બે મૅચ ઑગસ્ટ 2023માં હાર્યું હતું. આવું ટીમ ઇન્ડિયા સાથે વેસ્ટઇન્ડિઝમાં થયું હતું. આ ભારતની સિરીઝની છેલ્લી હાર હતી.
ટી20ના ક્રિકેટ ઇતિહાસમાં ભારત માત્ર ત્રીજી વખત એક રને હાર્યું છે. 10 વર્ષ પહેલાં ભારત માટે આવું થયું હતું. તે વખતે ભારતે 2016માં વેસ્ટઇન્ડિઝના હાથે એક રને હારનો સામનો કરવો પડ્યો હતો. 2012માં પણ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલૅન્ડથી એક રને હારી ગઈ હતી.
શ્રેયસ અય્યર ટી20માં ઋષભ પંત બાદ બીજા ભારતીય કૅપ્ટન છે જેમણે તેમની પહેલી બે મૅચ હારી હોય.
તિલક વર્માએ આયર્લૅન્ડ સામે બોજી ટી20 મૅચમાં 46 બૉલમાં અર્ધસદી ફટકારી. આ કોઈ પણ ભારતીય બૅટ્સમૅન દ્વારા લગાવવામાં આવેલી છઠ્ઠી સૌથી ધીમી અર્ધસદી હતી. કેએલ રાહુલના નામે સૌથી ધીમી અર્ધસદીનો રેકૉર્ડ છે, જે તેમણે 56 બૉલમાં દક્ષિણ આફ્રિકા સામે 2022માં ફટકારી હતી.
આયર્લૅન્ડની ટીમ આઈસીસી ટી20 રૅંકિંગમાં ટૉપ-10માં પણ નથી. છતાં ભારત તેની સામે સિરીઝ હારી ગયું છે. ભારત આઈસીસી ટી20 રૅંકિંગમાં પહેલા નંબરે છે, તેના બે બેટર પહેલા અને બીજા નંબરે છે, આયર્લૅન્ડના કોઈ બેટર નથી છતાં ભારતે આ હારનો સામનો કરવો પડ્યો.
અભિષેક શર્મા 2026માં 9મી વખત શૂન્ય પર આઉટ થયા છે. એક વર્ષમાં સૌથી વધુ વખત ટી20માં શૂન્ય રન પર આઉટ થનારા ખેલાડીમાં તેમનું નામ આવી ગયું છે. રાશિદ ખાન 2029માં અને શાદાબ ખાન 2024માં આટલી વખત આઉટ થયા હતા.
7 વર્ષ બાદ કોઈ ટીમ ટી20 સિરીઝમાં ભારતનાં સૂપડાં સાફ કરી શકી છે. બે મૅચની સિરીઝમાં ભારતનો છેલ્લો વ્હાઇટ વૉશ ઑસ્ટ્રેલિયા સામે થયો હતો. ટી20 ક્રિકેટમાં ચોથી વખત છે જ્યારે ભારત ક્લીન સ્વીપ થયું હોય.
આ દશકમાં ભારત ત્રીજી વખટ ટી20 સિરીઝ હાર્યું છે. શ્રેયસ અય્યર પોતાની કૅપ્ટનશિપમાં ભારત હાર્યું છે. પરંતુ તે પહેલાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં 2023માં અને શિખર ધવનની આગેવાનીમાં 2021માં આવું થયું હતું.
એમએસ ધોની (2009 અને 2015) તથા વિરાટ કોહલી (2029) બાદ શ્રેયસ અય્યર 2026માં ત્રીજા કૅપ્ટન બન્યા છે, જેમણે ટી20 સિરીઝમાં ઓછામાં ઓછી એક પણ મૅચ ન જીતી હોય.
શ્રેયસ અય્યરની આગેવાનીમાં ભારતનો સતત 16 ટી20 સિરીઝ જીતવાનો સિલસિલો સમાપ્ત થયો છે. આ કોઈ ટીમ દ્વારા જીતેલી સૌથી વધુ સિરિઝ છે. પાકિસ્તાન 11 સિરીઝ સાથે બીજા નંબરે છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




