Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 4 કલાક પહેલા
ઇન્ડિયન પ્રિમિયર લિગની અઢારમી સિઝનની ફાઇનલ મૅચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈના (ક્રિકેટ કંટ્રૉલ બોર્ડ ઑફ ઇન્ડિયા) સચિવ દેવજીત સાકિયાએ આ જાહેરાત કરી હતી. આ સિવાય બીજી ક્વૉલિફાયર મૅચ પણ અમદાવાદના સ્ટેડિયમ ખાતે (તા. 30મી મે) રમાશે.
પહેલી ક્વૉલિફાયર મૅચ તા. 29મી મેના રોજ ચંદીગઢના પી.સી.એ. સ્ટેડિયમ ખાતે રમાશે.
શરૂઆતમાં આઈપીએલની ફાઇનલ 25 મેના રોજ યોજાવાની હતી. હવે તે 3 જૂને રમાશે.
ભારત પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન તણાવને કારણે ટુર્નામેન્ટ લગભગ એક અઠવાડિયા માટે મોકૂફ રહી હતી, એ પછી ક્રિકેટ, સુરક્ષા તથા ગુપ્તચરતંત્રના હિતધારકો વચ્ચેની બેઠક બાદ સિરીઝને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
આઈપીએલ ફરી શરૂ થયા બાદ નવા કાર્યક્રમ હેઠળ ગલુરુ, જયપુર, દિલ્હી, લખનૌ, અમદાવાદ અને મુંબઈ એમ છ સ્થળોએ બાકીની 16 મૅચ આયોજિત કરવામાં આવી હતી.
ગુજરાત એ.ટી.એસ.એ ભારતવિરોધી મૅસેજ પોસ્ટ કરનાર બે હૅકર્સની ધરપકડ કરી

ઇમેજ સ્રોત, ANI
ગુજરાત એ.ટી.એસ.એ હૅકિંગ કરવાના આરોપ સબબ એક યુવક તથા એક સગીરની નડિયાદમાંથી ધરપકડ કરી છે.
ગુજરાત એટીએસના (ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડ) ડી.આઈ.જી. (ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ) સુનિલ જોશીએ મંગળવારે આ અંગે પત્રકારોને માહિતી આપી હતી.
ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ મુજબ, “ભારતવિરોધી તત્ત્વો દ્વારા દેશની વેબસાઇટ્સ ઉપર હુમલો કરવાના ઇનપુટ્સ અમને મળી રહ્યા હતા. એટીએસ ઇન્સ્પેક્ટર ધ્રુવ પ્રજાપતિને બાતમી મળી હતી કે નડિયાદનિવાસી જાસમીન અંસારી તથા અન્ય એક સગીર એક ટેલિગ્રામ ચેનલ ચલાવે છે.”
“જેમાં તેઓ વેબસાઇટને હૅક કરી હોવાના પુરાવા પોસ્ટ કરતા હતા, જેના પગલે એટીએસ દ્વારા વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. એટીએસએ આરોપીઓના મોબાઇલ ફોન ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીને તપાસ માટે મોકલી આપ્યા છે.”
ડી.આઈ.જી. સુનિલ જોશીએ ઉમેર્યું હતું, “બંને આરોપી ધો. 12 ફેઇલ છે, પરંતુ ગત છ-આઠ મહિનાથી સાયબર પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા હતા. તેમણે ભારતવિરોધી મૅસેજ પણ મૂક્યા હતા. આરોપીઓ વિરુદ્ધ આઈટી ઍક્ટ,2000ની કલમ 43 તથા 66-એફ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.”
જોશીના કહેવા પ્રમાણે, આરોપીઓએ તેમની ટેલિગ્રામ ચેનલના નામ અગાઉ બદલ્યા પણ હતા. તેમણે બેકઅપ ચેનલ પણ બનાવી હતી, જેથી કરીને તેમની એક ચેનલ બંધ થઈ જાય, તો પણ તેમની પ્રવૃત્તિ ચાલુ રહે.
ધ્રુવ રાઠીએ વિવાદ બાદ શીખ ધર્મગુરુઓનો વીડિયો યુટ્યૂબ પરથી હઠાવ્યો

ઇમેજ સ્રોત, Insta/DhruvRathee
યુટ્યૂબર ધ્રુવ રાઠીએ શીખ ધર્મગુરુઓ તથા તેમના સાહેબજાદાની એ.આઈ.થી (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) તૈયાર થયેલી તસવીરોવાળો વીડિયો સોશિયલ મીડિયા પરથી હઠાવી લીધો છે.
સોમવારે આ વીડિયોને હઠાવ્યા બાદ ધ્રુવ રાઠીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મારફત કહ્યું કે મારા વીડિયોની પ્રશંસા થઈ રહી છે, પરંતુ “હું તેને હઠાવી રહ્યો છું, કારણ કે મારા કેટલાક વ્યૂઅર્સનું માનવું છે કે શીખ ગુરુઓને ઍનિમેશન દ્વારા દર્શાવવાએ તેમની માન્યતાઓ અને શ્રદ્ધાની વિરુદ્ધ છે.”
આ પહેલાં અકાલ તખ્ત, શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટી તથા શિરોમણિ અકાલી દળે એ.આઈ. જનરેટેડ તસવીરોને કારણે આ વીડિયોને હઠાવી લેવા માગ કરી હતી. શીખ ધર્મ સાથે જોડાયેલી સંસ્થાઓએ આ મુદ્દે કડક કાર્યવાહી કરવા સરકાર સમક્ષ માગ કરી છે.
શિરોમણિ અકાલી દળના વડા અને પંજાબના પૂર્વ નાયબમુખ્ય મંત્રી સુખબીરસિંહ બાદલના કહેવા પ્રમાણે, ધ્રુવ રાઠીએ વીડિયોમાં સન્માનજનક ભાષાનો ઉપયોગ નથી કર્યો અને તેમાં કેટલાક ભ્રામક કથાનક છે, જેના કારણે તેની ગંભીરતા વધી જવા પામી છે.
બાદલે કન્ટેન્ટ ક્રિયેટરોને શીખ ધર્મના ઇતિહાસ કે તેમના ગુરુઓ વિશે કોઈ માહિતી આપતી વેળાએ સતર્ક રહેવાની સલાહ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર આપી હતી.
દિલ્હી સરકારમાં મંત્રી મનજિંદરસિંહ સિરસાના કહેવા પ્રમાણે, તેમાં તથ્યાત્મક ગડબડ છે. જેમ કે, ગુરુ ગોવિંદસિંહને નાનપણમાં રડતા દેખાડવા. તેમણે માગ કરી હતી કે દિલ્હી પોલીસ દ્વારા રાઠી વિરુદ્ધ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવે.
મૂળ હરિયાણાના રોહતકના રાઠીની ઉંમર 30 વર્ષ છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે આ પ્રકારના કહાણીકથન માધ્યમમાં અપાર સંભાવનાઓ રહેલી છે અને તેઓ ભવિષ્યમાં ભારતીય નાયકોની વધુ કહાણીઓ આ રીતે કહેવા પ્રયાસ કરશે.
બ્રિટન, કૅનેડા અને ફ્રાન્સે ઇઝરાયલને શું ચેતવણી આપી, જવાબમાં બેન્જામિન નેતન્યાહૂ શું બોલ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બ્રિટન, ફ્રાન્સ અને કૅનેડા તરફથી જાહેર કરેલા સંયુક્ત નિવેદનનો જવાબ આપ્યો છે. આ દેશોએ ઇઝરાયલથી ગાઝા પર હુમલા તરત બંધ કરવાની માંગ કરી છે.
બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, “બ્રિટન, કૅનેડા અને ફ્રાન્સના નેતા યુદ્ધને રોકવાની માગ કરી રહ્યા છે જે અમે અમારી સુરક્ષા માટે લડી રહ્યા છીએ. સાથે જ આ દેશ પેલેસ્ટાઇન રાષ્ટ્રની માંગ પણ કરી રહ્યા છે.”
“ઇઝરાયલની સરહદ પર હમાસ આતંકવાદીઓને નષ્ટ કરતાં પહેલાં જ આ દેશ ઇચ્છે છે કે ઇઝરાયલ યુદ્ધ રોકી દે.”
બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે યુદ્ધ ત્યારે ખતમ થઈ શકે છે જ્યારે હમાસ બધા ઇઝરાયલી બંધકોને મુક્ત કરી દેશે.
તેમણે આગળ કહ્યું કે, “યુદ્ધ કાલે જ ખતમ થઈ શકે છે જો બાકીના બંધકોને મુક્ત કરી દેવામાં આવે. જો હમાસ પોતાનાં હથિયાર મૂકી દે, તેમના ખૂની નેતા દેશ છોડી દે અને ગાઝાથી સેના હટાવી દેવામાં આવે.”
બેન્જામિન નેતન્યાહૂએ આ યુદ્ધને બર્બરતા વિરુદ્ધ સભ્યતાનું યુદ્ધ ગણાવ્યું હતું.
બ્રિટન, ફ્રાન્સ, કૅનેડાએ ઇઝરાયલને ગાઝામાં સૈન્ય અભિયાન રોકવાની માગ કરી

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટન, ફ્રાન્સ અને કૅનેડાએ ઇઝરાયલને ગાઝા પર હુમલા રોકવાનું કહ્યું છે.
બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોં અને કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે.
આ નિવેદનમાં ત્રણે નેતાઓએ કહ્યું કે, “જો ઇઝરાયલે પોતાના નવા સૈન્ય અભિયાનને બંધ ન કર્યું અને માનવીય સહાયતા પર લાગેલા પ્રતિબંધોને ન હટાવ્યા તો અમે તેના જવાબમાં કડક પગલાં લઈશું.”
આ નેતાઓએ હમાસે સાત ઑક્ટોબરે બનાવેલા બંધક બનાવેલા ઇઝરાયલીઓને મુક્ત કરવાની પણ અપીલ કરી છે.
તેમણે આગળ કહ્યું કે, “અમે હંમેશાં ઇઝરાયલના આતંકવાદની વિરુદ્ધ પોતાના નાગરિકોની સુરક્ષા કરવાના અધિકારનું સમર્થન કર્યું છે. પણ વધતી હિંસા સંપૂર્ણ રીતે ખોટી છે.”
પોરબંદર વન વિભાગ દ્વારા બરડા અભયારણ્યની જમીનમાં દબાણ કરનારા 24 લોકો સામે ગુનો દાખલ કર્યો

ઇમેજ સ્રોત, GOPAL KATESHIYA
પોરબંદર વન વિભાગની અખબાર યાદીમાં જણાવ્યા પ્રમાણે પોરબંદર વન વિભાગની ક્ષેત્રીય રાણાવાવ રૅન્જના કાર્યક્ષેત્ર વિસ્તારના બરડા અભયારણ્યના ખંભાળા ડૅમની પાછળના ભાગમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું છે.
વન વિભાગનું કહેવું છે કે “જંગલ ખાતાની 20 હેક્ટર જમીનમાં 24 લોકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું.
આ જમીનમાં આંબાના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેમના રક્ષણ માટે ઝટકા તથા લોખંડના તારની ફૅન્સિંગ કરવામાં આવી હતી.
વન વિભાગનું એમ પણ કહેવું હતું કે આ દબાણ અહીં બરડા અભયારણ્યમાં વસવાટ કરતાં સિંહો તથા અન્ય વન્યપ્રાણીઓનાં રહેઠાણ તથા અવરજવર માટે અવરોધરૂપ હતું.
વન વિભાગે આ મામલે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ આ લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
IPL 2025 : લખનઉ સુપર જાયન્ટ્સના દિગ્વેશ રાઠી એક મૅચ માટે સસ્પેન્ડ, દંડ પણ થયો

ઇમેજ સ્રોત, ANI
લખનઉ સુપર જાયન્સ્ટ (એલએસજી)ના બૉલર દિગ્વેશસિંહ રાઠી એક મૅચ માટે સસ્પેન્ડ થઈ ગયા છે. તેમને એક મૅચની ફીનો 50 ટકા દંડ પણ થયો છે.
દિગ્વેશસિંહે સોમવારે લખનઉમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)ની સામેની મૅચમાં આઈપીએલ આચાર સંહિતાનો ભંગ કર્યો હતો.
આઈપીએલ મીડિયા ઍડવાઇઝરી પ્રમાણે આ સિઝનમાં આર્ટિકલ 2.5 અંતર્ગત રાઠીનું આ ત્રીજું, લેવલ-1નું ઉલ્લંઘન હતું.
આ વર્ષે પહેલી વખત આઈપીએલમાં રમવા માટે ઉતરેલા રાઠીએ ઘણી વખત આઈપીએલ આચાર સંહિતાનો ભંગ કર્યો છે.
દિગ્વેશ હવે એલએસજીની હવે પછીની મૅચ નહીં રમે. આ મૅચ 22મી મેના રોજ અમદાવાદમાં રમાવાની છે.
શું છે મામલો?
સોમવારના રોજ હૈદરાબાદના અભિષેક શર્માએ રાઠીના બૉલમાં આગળ આવીને ઍક્સ્ટ્રા કવર પર શૉટ લગાવવાની કોશિશ કરી પરંતુ શાર્દુલ ઠાકુરને કૅચ આપી બેઠા.
દિગ્વેશ રાઠીએ પોતાના અનોખા અંદાજમાં સિગ્નેચરવાળું સેલિબ્રેશન કર્યું અને આક્રમક અંદાજમાં ઇશારાથી અભિષેક શર્માને બહાર જવાનો ઇશારો કર્યો.
આઉટ થવાથી નિરાશ અભિષેકને રાઠીનો આ અંદાજ કદાચ પસંદ ન આવ્યો અને તેમણે તેનો વિરોધ કર્યો.
ઍમ્પાયર અને અન્ય ખેલાડીઓએ બાજી સંભાળી. આ ઘટનાક્રમ તરત જ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો.
જોકે, મૅચ બાદ બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લએ લખનઉના કોચ વિજય દહિયા, અભિષેક શર્મા તથા દિગ્વેશ રાઠી સાથે વાત કરી.
બંને ખેલાડી એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળ્યા અને હાથ મિલાવતા જોવા મળ્યા.
જોકે, અભિષેક શર્માને પણ એક મૅચની ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.
છગન ભુજબળ ફરી મહારાષ્ટ્રમાં મંત્રી બન્યા, કયો વિભાગ મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) નેતા છગન ભુજબળ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી બનાવાયા છે. તેમણે આજે રાજભવનમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીપદની શપથ લીધી હતી.
તેમના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, બંને ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર ઉપસ્થિત હતા.
ભુજબળે શપથ બાદ કહ્યું, “મુખ્ય મંત્રી જે નક્કી કરે તે વિભાગ સંભાળવા તૈયાર છું. કોઈ સમસ્યા નથી. ગૃહ વિભાગથી લઈને તમામ વિભાગો મેં સભાળ્યા છે.”
ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદેએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, “છગન ભુજબળ પહેલાં પણ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ જૂના શિવસૈનિક પણ છે. તેમની શરૂઆત શિવસેનાથી થઈ હતી.”
શિંદેએ આગળ કહ્યું, “તેમણે ઘણાં પદ સંભાળ્યા છે. એક અનુભવી નેતા તરીકે તેઓ જાણીતા છે. હું તેમને અભિનંદન પાઠવું છું અને શુભકામના આપું છું. તેમના અનુભવનો સરકારને ફાયદો થશે.”
જ્યારે શિંદેને પૂછવામાં આવ્યું કે તેમને કયું પદ આપવામાં આવશે? તેના જવાબમાં શિંદેએ કહ્યું, “આ મુખ્ય મંત્રીનો અધિકાર છે. ભુજબળ સારું કામ કરશે.”
ટ્રમ્પ બોલ્યા- યુદ્ધવિરામ માટે તાત્કાલિક વાતચીત શરૂ કરે રશિયા અને યુક્રેન, પુતિન અને ઝેલેન્સ્કીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે રશિયા અને યુક્રેન યુદ્ધવિરામ અને તેનાથી પણ વધુ મહત્ત્વનું યુદ્ધના અંત માટે ‘તાત્કાલિક’ વાતચીત કરે.
ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર તેની જાણકારી આપી. તેમણે કહ્યું કે સોમવારે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બે કલાક વાત કરી છે. ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે પુતિન સાથે તેમની ‘ઘણી સારી’ વાતચીત થઈ.
ટ્રમ્પે લખ્યું, “રશિયા અને યુક્રેન યુદ્ધવિરામ તથા તેનાથી વધારે જરૂરી યુદ્ધના અંત માટે તરત વાતચીત શરૂ કરે. તેમની શરતો બંને પક્ષો વચ્ચે સમજૂતીથી નક્કી થશે.”
ટ્રમ્પે જણાવ્યું કે આ વિશેની જાણકારી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને આપી દેવામાં આવી છે.
તેમણે એમ પણ કહ્યું કે આ ઉપરાંત ટ્રમ્પે આ મામલે યુરોપિયસંઘનાં અધ્યક્ષા ઉર્સુલા વૉન ડેર લેયેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોં, ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મનીના ચાન્સેલર ફ્રિડ્રિખ મર્ત્જ તથા ફિનલૅન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર સ્ટબને પણ આ મામલે સૂચના આપી દેવામાં આવી છે.
પુતિને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પુતિને કહ્યું છે કે રશિયા શાંતિ માટે યુક્રેન સાથે ‘સમજૂતી’ પર ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ તેમણે એ સ્પષ્ટ ન કર્યું કે તેઓ આ સમજૂતીમાં કઈ બાબતોને સામેલ કરશે.
તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે ‘સંકટનાં મૂળ કારણો’ને સંબોધવામાં આવે.
ઝેલેન્સ્કીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે યુદ્ધને સમાપ્ત કરવા માટે યુક્રેન, રશિયા, અમેરિકા, યુરોપિયસંઘના દેશો તથા બ્રિટન વચ્ચે એક ‘ઉચ્ચસ્તરીય બેઠક’ માટે તેઓ વિચાર કરી રહ્યા છે.
ઝેલેન્સ્કીએ અમેરિકાને પણ આ ચર્ચાઓથી દૂર ન થવાની અપીલ કરી. તેમણે કહ્યું કે રશિયાને પણ સાર્થક વાતચીતમાં સામેલ થવાની તત્પરતા દેખાડવાની જરૂર છે.
ગાઝામાં 20 લાખ લોકો પર ભૂખમરાનું સંકટ : WHO

ઇમેજ સ્રોત, Reuters
વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિદેશકે ચેતવણી ઉચ્ચારી છે કે ગાઝામાં 20 લાખ લોકો ભૂખમરી જેવી હાલતનો સામનો કરી રહ્યા છે.
ડબલ્યુએચઓ મહાનિદેશક ડૉ. ટેડ્રોસ એડનૉમ ગેબ્રેયસસે સોમવારે દુનિયાભરથી આવેલા ડબલ્યુએચઓ પ્રતિનિધિઓની બેઠકને સંબોધિત કરી.
તેમણે કહ્યું, “ઇઝરાયલની નાકાબંધી, જગ્યા ખાલી કરાવવાના આદેશ અને માનવીય સહાયતાઓ માટે ઓછી પડતી કોશિશોએ ગાઝાના પહેલાથી જ કમજોર સ્વાસ્થ્ય તંત્રને ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે.”
તેમણે ચેતવણી આપી, “લોકો એવા પ્રકારની બીમારીથી મરી રહ્યા છે જેનો ઇલાજ સરળતાથી થઈ શકે છે. પરંતુ જરૂરી દવાઓ સરહદ પર અટવાયેલી છે.”
તેમણે એમ પણ કહ્યું, “2023થી અત્યાર સુધી ડબલ્યુએચઓએ ગાઝાના 7,300 દર્દીઓને બહાર કાઢ્યા છે. પરંતુ હજુ દસ હજારથી વધુ દર્દીઓને મદદની જરૂર છે. જેથી તેઓ ગાઝા બહાર જઈને પોતાનો ઇલાજ કરાવી શકે.”
આ સાથે ઇઝરાયલે સોમવારે કહ્યું છે કે તે ગાઝામાં જરૂરી માત્રામાં ભોજન લઈ જવાની મંજૂરી આપશે. જેથી 10 સપ્તાહની નાકાબંધી બાદ ત્યાં ભૂખમરીનું સંકટ પેદા ન થાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS