Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ એક કલાક પહેલા
ભારત-પાકિસ્તાન સંઘર્ષના કારણે થોડા દિવસો માટે અટકી ગયેલી આઇપીએલ ટુર્નામેન્ટ ફરી શરૂ થઈ ગઈ છે. આઇપીએલમાં ત્રણ ટીમો પ્લેઑફ સુધી પહોંચી ગઈ છે અને હવે ચોથું સ્થાન કોણે લેશે તે સવાલ છે.
રવિવારે યોજાયેલી મૅચ પછી પ્લેઑફ માટે સ્થિતિ ઘણી સાફ થઈ ગઈ છે.
દિલ્હી કૅપિટલ્સ પર ગુજરાત ટાઇટન્સે વિજય મેળવ્યા પછી જે ત્રણ ટીમો નક્કી થઈ છે તેમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ સામેલ છે.
હવે ચોથા સ્થાન માટે ટક્કર થશે.
દિલ્હી અને મુંબઈની ટીમો માટે પણ તક હતી, પરંતુ હવે આગળની મૅચ તેમની બંને વચ્ચે રમાશે. તેના કારણે બેમાંથી એક જ ટીમ પ્લેઑફ સુધી પહોંચે તેવી સંભાવના છે. એટલે કે આ મૅચ જે જીતે તે પ્લેઑફમાં પ્રવેશી શકશે. ત્યારે જોઈએ કે મુંબઈ ઇન્ડિયન્સ સામે કયા પડકારો છે?

ઇમેજ સ્રોત, ANI
લખનૌ પાસે પણ ચોથા સ્થાને પહોંચવાના ચાન્સ છે. પરંતુ તેના માટે ટીમે જોરદાર પ્રદર્શન કરવું પડશે. એટલે કે આગામી તમામ મૅચ જીતવી પડશે અને પોતાનો નેટ રન રેટ પણ સુધારવો પડશે.
ત્યાર પછી લખનૌએ એવી આશા રાખવી પડશે કે મુંબઈની ટીમ દિલ્હીને હરાવી દે અને પંજાબની ટીમ મુંબઈને હરાવે. આ બહુ જટિલ સમીકરણ છે.
બીજી તરફ મુંબઈ માટે સ્થિતિ એકદમ સ્પષ્ટ છે. તેની બે મૅચ રમવાની બાકી છે. જો તે બંને મૅચ જીતે તો તે આરામથી પ્લેઑફમાં પહોંચી જશે. તે દિલ્હીને હરાવી શકે તો તેને ચોથું સ્થાન મળી જશે.
જો મુંબઈ માત્ર એક જ મૅચ જીતે તો તેવી સ્થિતિમાં દિલ્હી તેની બાકીની બે મૅચો પૈકી એક મૅચ હારે તો જ મુંબઈ પ્લેઑફમાં પહોંચી શકે છે. સાથે લખનૌ તેની તમામ ત્રણ બાકી મૅચ પૈકી માત્ર બે જ મૅચ જીતે તો મુંબઈ માટે રાહ આસાન બનશે.
રવિવારે પંજાબે રાજસ્થાન રૉયલ્સ સામે 11 રને વિજય મેળવ્યો તેના કારણે તેણે સ્થાન મેળવી લીધું છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં પંજાબના વિજય પછી પંજાબ કિંગ્સ પૉઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. પંજાબ પાસે કુલ 17 પૉઇન્ટ છે. આઠ મૅચમાં તેની જીત થઈ છે, ત્રણ મૅચ હારી ગઈ છે અને એક મૅચનું રિઝલ્ટ નથી આવ્યું.

ઇમેજ સ્રોત, ANI
ગુજરાત ટાઇટન્સ નંબર વન છે કારણ કે અત્યાર સુધીમાં નવ મૅચ જીતી છે અને ત્રણમાં પરાજય થયો છે. ગુજરાત ટાઇટન્સ પાસે કુલ 18 પૉઇન્ટ છે. હજુ બે મૅચ રમવાના બાકી છે અને આ ટીમ પ્લેઑફ માટે પસંદગી પામી છે.
રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ પાસે પણ 17 પૉઇન્ટ છે. તે પણ આઠ મૅચ જીતી છે, ત્રણમાં પરાજય થયો છે અને એક મૅચનું પરિણામ નથી આવ્યું.
ગુજરાત ટાઇટન્સ, આરસીબી અને પંજાબ કિંગ્સ પાસે હવે બે-બે મૅચ બાકી છે.
હાલમાં મુંબઈ ઇન્ડિયન્સ ચોથા સ્થાને છે. મુંબઈ 14 પૉઈન્ટ ધરાવે છે જેમાં તે 7 મૅચ જીતી છે અને 5માં પરાજય થયો છે.
દિલ્હી કૅપિટલ્સ પાસે 13 પોઇન્ટ છે. તેઓ 6 મૅચ જીતી ગયા છે અને 5માં હાર થઈ છે.
લખનૌ સુપર જાયન્ટ્સ 10 પૉઇન્ટ સાથે હજુ પણ સ્પર્ધામાં છે. તે 5 મૅચ જીત્યું છે અને 6માં પરાજય થયો છે.
આ બધી ટીમોએ હજુ મૅચ રમવાની બાકી છે તેથી છેલ્લે સુધી પ્લેઑફ માટે કંઈ પણ થઈ શકે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે મુંબઈ માટે રાહ મુશ્કેલી ભરી રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS