Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કાશ્મીર આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઈનલ મૅચ

ઇમેજ સ્રોત, ANI

  • લેેખક, સ્ટીફન શેમિલ્ટ
  • પદ, ચીફ ક્રિકેટ રિપોર્ટર
  • 13 મે 2025, 08:19 IST

    અપડેટેડ એક કલાક પહેલા

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષના કારણે રોકવામાં આવેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ હવે શનિવારથી ફરી શરૂ થશે.

વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચાઇઝ લીગને શુક્રવારે એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ ગયા શનિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામની સહમતિની જાહેરાત બાદ તે ફરી શરૂ થશે.

શરૂઆતમાં આઇપીએલની ફાઇનલ 25 મેના રોજ યોજાવાની હતી. હવે તે 3 જૂને રમાશે. જેનો અર્થ એ છે કે IPLનો અંત ઇંગ્લૅન્ડની વેસ્ટ ઇન્ડીઝ સામેની વ્હાઇટ-બૉલ શ્રેણી સાથે ટકરાશે.

આઇપીએલના સસ્પેન્શન સમયે 16 મૅચ રમાવાની બાકી હતી. તમામ 16 મૅચ ફરીથી શિડ્યૂલ કરવામાં આવી છે, જેમાં ગુરુવારે ધર્મશાલામાં ફ્લડલાઇટ ખરાબ થવાનું કારણ આગળ ધરીને પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની રમત રદ કરવામાં આવી હતી તે પણ ફરી રમાશે.

નવા કાર્યક્રમ માટે છ સ્થળો-બેંગલુરુ, જયપુર, દિલ્હી, લખનૌ, અમદાવાદ અને મુંબઈનો ઉપયોગ કરાશે.

ઇંગ્લૅન્ડના ખેલાડીઓ રમી શકશે કે નહીં?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કાશ્મીર આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઈનલ મૅચ

ઇમેજ સ્રોત, ANI

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “સરકાર અને સુરક્ષા એજન્સીઓ અને તમામ મુખ્ય હિસ્સેદારો સાથે વ્યાપક વાતચીત કર્યા પછી બોર્ડે બાકીની સિઝન આગળ વધારવાનો નિર્ણય લીધો છે.”

પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ને શરૂઆતમાં સંયુક્ત આરબ અમીરાતમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ પછી તેને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. પીએસએલ પણ છેલ્લી આઠ મૅચોને ફરીથી શિડ્યૂલ કરવાની યોજના બનાવી રહી છે.

આઇપીએલ સ્થગિત કરવામાં આવી ત્યારે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભારત છોડીને ગયા હતા, ત્યારે અન્ય વિદેશી ખેલાડીઓ અને કોચ ભારતમાં જ રહ્યા હતા. લીગમાં આગળ રહેલી ટીમ ગુજરાત ટાઇટન્સે સપ્તાહના અંતે તાલીમ લીધી હતી.

આઇપીએલમાં ભાગ લઈ રહેલા ઇંગ્લૅન્ડના 10 ખેલાડીઓમાંથી આઠ ખેલાડી ઇંગ્લૅન્ડ સાથે સેન્ટ્રલ કરાર ધરાવે છે. એવું માનવામાં આવે છે કે ભારત પાછા ફરતી વખતે તેમને વ્યક્તિગત નિર્ણયો લેવાના રહેશે.

ઇંગ્લૅન્ડ અને વૅલ્સ ક્રિકેટ બોર્ડ શરૂઆતમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન રહેવા દેવા માટે સંમત થયું હતું, એટલે કે ઑલરાઉન્ડર જેકબ બેથેલ ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટ માટે ટીમમાં નથી.

પીએસએલના તમામ વિદેશી ખેલાડી ઘરભેગા

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કાશ્મીર આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઈનલ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

હવે ટુર્નામેન્ટ ફરીથી શિડ્યૂલ કરવામાં આવી છે. 29 મેથી શરૂ થનારી વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ ટી20 અને એક વન-ડે મૅચ માટે ખેલાડીઓને પાછા ફરવા માટે કહેવામાં આવશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

પીએસએલમાં ઇંગ્લૅન્ડના સાત ખેલાડીઓ અને અનેક કોચ હતા. પીએસએલમાં હાજર રહેલા બધા વિદેશી ખેલાડીઓ અને કોચ ઘરે પરત ફર્યા છે.

ગયા મહિને જમ્મુ-કાશ્મીરમાં એક ચરમપંથી હુમલામાં 26 પર્યટકો માર્યા ગયા હતા.

પરિણામે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હવાઈ હુમલા શરૂ કર્યા હતા. દરમિયાન ભારે તોપમારો પણ થયો હતો. શનિવાર સવાર સુધીમાં બંને બાજુથી એકબીજાના ઍરબેઝ પર મિસાઈલ હુમલા થયા હોવાના આરોપો લાગ્યા હતા.

ત્યાર પછી શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે “સંપૂર્ણ અને તાત્કાલિક” સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS