Source : BBC NEWS

ભારત, સ્પેડેક્સ મિશન, ઇસરો, ડૉકિંગ, અંતરિક્ષ, સ્પેસ

ઇમેજ સ્રોત, ANI

30 ડિસેમ્બર 2024

અપડેટેડ 47 મિનિટ પહેલા

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ કહ્યું કે સ્પેસ ડૉકિંગ ઍક્સપેરિમેન્ટ એટલે સ્પૅડેક્સ હેઠળ ઉપગ્રહોની ડૉકિંગની પ્રક્રિયા સફળતાથી પૂરી કરી છે.

ઇસરોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર એક પોસ્ટમાં કહ્યું છે કે, “આ ઐતિહાસિક પળ છે.”

ઇસરો અનુસાર ભારત આવું કરનારો ચોથો દેશ બની ગયો છે.

ભારતના સ્પૅડેક્સ મિશનને 30 ડિસમેબરના શ્રીહરિકોટા ખાતે સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ભારતીય સમય અનુસાર રાત્રે દસ વાગ્યાની આસપાસ લૉન્ચ કરવામાં આવ્યું હતું.

ભારત સ્પેડેક્સ મિશન સફળતાપૂર્વક લૉન્ચ કરનારો વિશ્વનો ચોથો દેશ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ISRO

ભારતનું સ્પેડેક્સ મિશન 30 ડિસેમ્બરના રોજ રાત્રિના દસ વાગ્યે સફળતાપૂર્વક લૉન્ચ કરાયું હતું.

પહેલાંથી નક્કી કરાયેલા સમયે રૉકેટ બિલકુલ સામાન્યપણે લૉન્ચ થયું હતું.

શ્રીહરિકોટાસ્થિત સતીશ ધવન અંતરિક્ષકેન્દ્ર પરથી આ મિશન લૉન્ચ કરાયું હતું.

આ મિશનની સફળતા ભારતને અવકાશ સંશોધન ક્ષેત્રે અમેરિકા, ચીન અને રશિયા જેવી કાબેલિયત આપશે.

સ્પેડેક્સનો અર્થ સ્પેસ ડૉકિંગ એક્સપેરિમેન્ટ થાય છે.

સ્પેડેક્સ મિશનનું લક્ષ્ય અંતરિક્ષયાનોને ‘ડૉક’ અને ‘અનડૉક’ કરવા માટે જરૂરી ટેકનૉલૉજી વિકસાવવાનો અને પ્રદર્શિત કરવાનો છે.

એક અંતરિક્ષ યાનને બીજા સાથે જોડવાની ક્રિયાને ‘ડૉકિંગ’ અને અંતરિક્ષમાં જોડાયેલાં યાનોના છૂટાં પડવાની પ્રક્રિયા એટલે ‘અનડૉકિંગ.’

21મી ડિસેમ્બરે લૉન્ચ વિહિકલને લૉન્ચ પેડ પર લાવવામાં આવ્યું હતું. ઇસરોએ આ અંગેનો એક વીડિયો પણ શૅર કર્યો હતો. આ મિશન વિશે મહત્ત્વની માહિતી જાણો.

સ્પેડેક્સ મિશન શું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ISRO

સ્પેડેક્સ મિશનમાં બે નાનાં અંતરિક્ષયાન સામેલ છે. દરેક યાનનું વજન લગભગ 220 કિલો છે. તેને રૉકેટ પીએસએલવી-સી60 દ્વારા લૉન્ચ કરાયું હતું.

તે પૃથ્વીથી લગભગ 470 કિલોમીટરની ઊંચાઈ પર ચક્કર લગાવશે.તેમાં એક ચેજર (એસડીએક્સ01) અને બીજા ટાર્ગેટ (એસડીએક્સ02) નામના ઉપગ્રહ સામેલ છે.

સ્પેડેક્સ મિશન હેઠળ કોઈ અંતરિક્ષયાનને ‘ડૉક’ અને ‘અનડૉક’ કરવાની ક્ષમતાને પ્રદર્શિત કરશે.

સ્પેડેક્સ મિશન કેમ ખાસ છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ISRO

સ્પેડેક્સ મિશન એક અત્યંત ઓછા ખર્ચની ટેકનિકનું પ્રદર્શન કરવાનું મિશન છે.

ભારત અંતરિક્ષ ક્ષેત્રે જે મહત્ત્વકાંક્ષાઓ ધરાવે છે તેના માટે આ ટેકનિક જરૂરી છે. તેમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશનનાં નિર્માણ અને સંચાલન ઉપરાંત ચંદ્ર પર ભારતીય અંતરિક્ષયાત્રી મોકલવા સહિતની યોજનાઓ સામેલ છે.

એક કોમન મિશનને પાર પાડવા માટે ઘણાં બધાં રૉકેટ લૉન્ચ કરવાનાં હોય ત્યારે ‘ઇન સ્પેસ ડૉકિંગ’ ટેકનૉલૉજીની જરૂર પડે છે.

જેમ કે સ્પેડેક્સ મિશન હેઠળ અંતરિક્ષમાં મોકલવામાં આવનારા બે ઉપગ્રહોમાંથી એક ચેજર (એસડીએક્સ01) અને બીજું ટાર્ગેટ (એસડીએક્સ02) છે. આ બંને અત્યંત ઝડપે પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરશે.

આ બંને એક સરખી ગતિ સાથે એક જ કક્ષામાં સ્થાપિત હશે. પરંતુ લગભગ 20 કિલોમીટરના અંતરે અલગ થયા હતા. તેને ‘ફાર રાંદેવૂ’ પણ કહેવામાં આવે છે.

ભારત માટે કેમ મહત્ત્વપૂર્ણ છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ISRO

સ્પેડેક્સ મિશનની સફળતા પછી ભારત દુનિયામાં ચોથો એવો દેશ બની જશે, જેની પાસે ડૉકિંગ ટેકનૉલૉજી છે.

અંતરિક્ષમાં ડૉકિંગ એક બહુ જટિલ કામ હોય છે.

હાલમાં અંતરિક્ષ ડૉકિંગ ટેકનૉલૉજી મામલે અમેરિકા, રશિયા અને ચીન જ સક્ષમ દેશ ગણાય છે. ભારત પાસે સ્પેડેક્સ મિશન દ્વારા સ્પેસ ડૉકિંગ ટેકનૉલૉજીમાં કુશળતા પ્રાપ્ત કરવાની તક હતી.

કેન્દ્રીય સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જિતેન્દ્રસિંહે કહ્યું કે ડૉકિંગ ટેકનૉલૉજી ‘ચંદ્રયાન-4’ જેવા લાંબા ગાળાના મિશન અને ભવિષ્યમાં બનનારા ભારતીય અંતરિક્ષ સ્ટેશન માટે મહત્ત્વપૂર્ણ છે. જિતેન્દ્રસિંહે તેને ‘ગગનયાન’ મિશન માટે પણ મહત્ત્વપૂર્ણ ગણાવ્યું હતું.

આ મિશનમાં બીજું શું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ISRO

આ મિશનનું એક લક્ષ્ય ડૉક કરવામાં આવેલા અંતરિક્ષયાનની વચ્ચે પાવર ટ્રાન્સફરનું પ્રદર્શન કરવાનું પણ છે. ભવિષ્યમાં સ્પેસ રોબોટિક્સ જેવા પ્રયોગોમાં તે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ ઉપરાંત અંતરિક્ષયાનનું સંપૂર્ણ નિયંત્રણ અને અનડૉકિંગ પછી પેલોડ સંચાલન જેવી ચીજો પણ આ મિશનના લક્ષ્યમાં સામેલ છે.

સ્પેડેક્સ મિશનમાં પ્રયોગો કરવા માટે ચોથા તબક્કા એટલેકે પીઓઈએમ-4 (પીએસએલવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટ મૉડ્યુલ)નો પણ ઉપયોગ કરશો.

આ સ્ટેજ શૈક્ષણિક સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સના 24 પેલોડને લઈ જવાનું કામ કરશે.

આ મિશન હેઠળ ઇસરો 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચક્કર લગાવતા બે સેટેલાઈટને પણ ડૉક કરવાનો પ્રયાસ કરશે. આ એક પડકારજનક કામ હશે, જેમાં સાવધાની રાખવી પડશે.

ચંદ્રયાન-4 મિશન શું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ISRO

ચંદ્રયાન-4 મિશન હેઠળ બે રૉકેટ- એલએમવી-3 અને પીએસએલવી દ્વારા અલગ અલગ ઉપકરણોના બે સેટને ચંદ્ર પર લૉન્ચ કરવામાં આવશે.

અંતરિક્ષયાન ચંદ્ર પર ઊતરશે, જરૂરી માટી અને ખડકોના નમૂના એકઠા કરશે, તેને એક બોક્સમાં રાખશે અને પછી ચંદ્ર પરથી ઉડાણ ભરીને પૃથ્વી પર પરત આવશે.

આ દરેક કાર્યને પૂર્ણ કરવા માટે અલગ-અલગ ઉપકરણની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેમાં સફળતા મળે તો આ પ્રોજેક્ટ ભારતને અંતરિક્ષ સંશોધનના ક્ષેત્રમાં ઘણું આગળ લઈ જશે.

કેન્દ્ર સરકારે આ યોજનાને મંજૂરી આપી દીધી છે અને તેના માટે 2104 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.

તેને 2040 સુધીમાં ભારત દ્વારા ચંદ્ર પર માનવીને ઉતારવાની દિશામાં એક ભવિષ્યના પગલા તરીકે જોવામાં આવે છે.

આ વિશે ભારત સરકારના વિજ્ઞાનપ્રસાર સંગઠનના વરિષ્ઠ વૈજ્ઞાનિક ટી. વી. વેંકટેશ્વરે ગયા ચંદ્રયાન અભિયાનનો હવાલો આપતા બીબીસી તામિલ સાથે વાત કરી હતી.

તે સમયે તેમણે કહ્યું હતું કે, “હવે આપણે વિસ્તૃત અભ્યાસના આગલા તબક્કામાં ચંદ્રની માટી અને ખડકના નમૂના એકત્ર કરીશું.”

ટી વી વેંકટેશ્વરનનું કહેવું હતું કે ચંદ્રની સપાટી પરથી નમૂના એકત્ર કરવા એ ભારત માટે બહુ મહત્ત્વપૂર્ણ છે.

તેમણે જણાવ્યું કે, “આંતરરાષ્ટ્રીય સ્તરે 1967માં લાગુ થયેલા મૂન ઍગ્રીમેન્ટ પ્રમાણે કોઈ પણ એક દેશ ચંદ્ર પર માલિકીનો દાવો કરી શકે નહીં. તે સંધિ મુજબ ચંદ્ર પરથી લાવવામાં આવેલા નમૂના એવા દેશો વચ્ચે શેર કરવામાં આવે જેઓ તેનું સંશોધન કરવા માટે સક્ષમ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS