Source : BBC NEWS

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

  • પ્રકાશિત

  • વાંચવાનો સમય: 5 મિનિટ

જો સોશિયલ મીડિયાના કોઈ પ્લૅટફૉર્મ પર, ખાસ કરીને ટેલિગ્રામની કોઈ ચૅનલ પર, જો તમને નીટની પરીક્ષાના પેપરની લોભામણી ઑફર મળે તો ચેતી જવાની જરૂર છે.

અમદાવાદ સાયબર ક્રાઈમનું કહેવું છે કે નીટની પરીક્ષાના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે.

એક વખત પેપરલીકના આરોપો પછી રદ થયેલી નીટની પરીક્ષા થોડા દિવસમાં જ ફરીથી યોજાવાની છે. એવામાં રી-નીટના નામે વિદ્યાર્થીઓ અને વાલીઓને ગેરમાર્ગે દોરી નાણાકીય છેતરપિંડી કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે બે લોકોની ધરપકડ કરી છે.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા ‘Raghav_singh_neet’ સહિત નીટ સંબંધિત આશરે આઠ ટેલિગ્રામ ચૅનલો બનાવવામાં આવી હતી. તેઓ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને રી-નીટના પેપર ઉપલબ્ધ કરાવવાનો વાયદો આપી પૈસા લઈ છેતરપિંડી કરતા હતા.

હકીકતમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેમની પાસે નીટનાં કોઈ પેપર ન હતાં. આવા વાયદાઓ કરીને આ ગૅન્ગે વિવિધ બૅન્ક ખાતાંમાં આશરે દોઢ કરોડના ટ્રાન્ઝેક્શન કર્યાનું પોલીસને જાણવા મળ્યું હતું.

જોકે, પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બંને આરોપીઓએ નીટના પેપર ઉપરાંત ગેમિંગ, બૅટિંગ, જુગાર તથા સાયબર ફ્રોડ આચરવા માટે 44 વેબસાઇટો બનાવી હતી.

સાયબર ક્રાઈમ સેલના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હાર્દિક માકડિયાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, “આરોપીઓ પાસેથી નીટ અથવા અન્ય કોઈ પરીક્ષાનું અસલી પ્રશ્નપત્ર કે પરીક્ષા સંબંધિત સામગ્રી મળી આવી નથી. મુખ્યત્વે આરોપીઓ ટેલિગ્રામ ગ્રુપ મારફતે રોકાણ સંબંધી છેતરપિંડીમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે. તેમનાં છ બૅન્ક ખાતાં સાથે જુદાં જુદાં રાજ્યોની 12 ફરિયાદો જોડાયેલી છે. છેલ્લા એક મહિનામાં તપાસના ભાગરૂપે અમે આશરે 1,000 મોબાઈલ નંબરો અને ટેલિગ્રામ ચૅનલોનો સંપર્ક કર્યો હતો.”

આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજી ઍક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

કેવી રીતે થતી હતી ટેલિગ્રામ ચૅનલો મારફતે છેતરપિંડી?

ટેલિગ્રામ ચેનલો ચલાવનારા બંને આરોપીઓની ધરપકડ થઈ છે

ઇમેજ સ્રોત, Ahmedabad Police

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ અનેક ટેલિગ્રામ ચૅનલો અને આઈડી બનાવી રી-નીટ પરીક્ષાનાં પ્રશ્નપત્રો તેમજ પરીક્ષા સંબંધિત ગુપ્ત માહિતી ઉપલબ્ધ હોવાનો દાવો કરતી પૉસ્ટ, મૅસેજ અને જાહેરાતો પ્રસારીત કરી હતી.

પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભ્રામક દાવાઓ દ્વારા આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

આરોપીઓ કથિત પ્રશ્નપત્રો અને પરીક્ષા સંબંધિત મદદ આપવાના બહાને ઑનલાઇન પૅમેન્ટ સિસ્ટમ્સથી નાણાંની માગણી કરતા હતા.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ટેલિગ્રામ ચૅનલોમાં સભ્યો અને પ્રીમિયમ સભ્યોની સંખ્યા તેમના દ્વારા જ ગોઠવેલા માણસોની હતી, જે સભ્યો વધારતા હતા. જેથી ચૅનલોનું મૂલ્ય વધારી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા માટે તેને વેચી શકાય.

હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું કે, “તેમનો જ કોઈ સાથીદાર સભ્ય બનીને ગ્રુપમાં મૅસેજ કરતો હતો કે ગત વખતે તમે જે પેપર આપ્યું હતું, તેમાંથી 80 ટકા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આવા મૅસેજ જોઈને લોકોને આ ચૅનલ પર વિશ્વાસ બેસી જતો હતો, અને તેઓ પૈસા આપવા તૈયાર થઈ જતા હતા.”

હજી સુધી આ ગ્રુપના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને બીજા લોકોની ધરપકડ આવનારા દિવસોમાં થઈ શકે છે.

માકડિયાએ જણાવ્યું હતું કે આ લોકો અનેક વખત અલગ અલગ ચૅનલ બનાવીને તેનું નામ બદલી નાખતા હતા, એટલે તેમને ટ્રેક કરવામાં પણ પોલીસને તકલીફ પડી હતી.

રાજસ્થાનમાંથી થઈ લોકોની ધરપકડ?

વિદ્યાર્થીનીની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સાયબર ક્રાઈમ સેલની ટીમ વિવિધ ટૅક્નિકલ એનાલિસિસ, ડિજિટલ પુરાવા અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મેળવીને આખરે આરોપીઓ સુધી છેક રાજસ્થાનમાં પહોંચી હતી.

જયપુરમાંથી આરોપીઓ સુમેરસિંહ મીણા અને કોટામાંથી આકાશ મીણાની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસને જાણવા મળ્યું હતું કે બંને આરોપીઓ Raghav_singh_neet સહિતની ટેલિગ્રામ ચૅનલો અને પરીક્ષા તથા રોકાણ છેતરપીંડી સાથે જોડાયેલી અન્ય ચૅનલો બનાવી તેમાં વિવિધ પોસ્ટ કરી લોકોને છેતરવાનું કામ કરતા હતા.

તપાસકર્તાઓને વધુમાં એ પણ જાણવા મળ્યું કે આરોપીઓ “Trade With Karol” અને “Pankaj Bhardwaj” જેવાં રોકાણ સંબંધિત ટેલિગ્રામ ગ્રુપ પણ ચલાવતા હતા, જેમાં લોકોને વધુ નફાની લાલચ આપી રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવતા હતા.

ટેલિગ્રામ ચૅનલોમાં કેવી રીતે ચાલતું હતું કામ?

ટેલિગ્રામ ચૅનલોમાં કેવી રીતે ચાલતું હતું કામ?

ઇમેજ સ્રોત, Getty Images

તપાસ દરમ્યાન ઉલ્લેખાયેલી ટેલિગ્રામ ચૅનલો અને ગ્રુપમાં ‘Raghav_singh_neet’, ‘Deepak Wadhwa’, ‘Jeet Shah Crypto’, ‘Pankaj Bhardwaj’, ‘Way2Laabh’, ‘Trading With Karol’, ‘Rajdhani Day Kalyani’, ‘NEET Raghav Sir Original’ અને ‘Student Money Help’ જેવી વિવિધ ટેલિગ્રામ ચૅનલો ચલાવતા હતા.

આ પ્રકારની નીટ સંબંધિત આશરે આઠ ટેલિગ્રામ ચૅનલો આરોપીઓ દ્વારા બનાવવામાં આવી હતી.

પોલીસને જાણવા મળ્યું હતું કે આ આરોપીઓ માત્ર છેતરપિંડી કરી રહ્યા હતા, પરંતુ તેમની પાસે નીટના પેપર મેળવવા માટેની કોઈ માહિતી હોય તેવું જાણવા મળ્યું નથી.

એક વખત જો કોઈ વાલી કે વિદ્યાર્થી તેમની આ ચૅનલ મારફતે વાતોમાં આવી જાય તો તેમની પાસેથી ઑનલાઈન પૈસા મંગાવવાની પ્રક્રિયા શરૂ થતી હતી. આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા છ બૅન્ક ખાતાં સાથે જુદાં જુદાં રાજ્યોની 12 ફરિયાદો જોડાયેલી હોવાનું સામે આવ્યું છે.

જેમાં તેમની સાથે જોડાયેલા વિવિધ બૅન્ક ખાતાંમાં આશરે રૂ. 1.5 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યાં છે.

ટેલિગ્રામ ચેનલની કડી શોધવા માટે છેલ્લા એક મહિનામાં તપાસના ભાગરૂપે પોલીસે આશરે 1,000 મોબાઈલ નંબરો અને ટેલિગ્રામ ચેનલોનો સંપર્ક કર્યો, અને ત્યારબાદ આ ગૅન્ગ સામે આવી હતી.

NEET પૉર્ટલ લૉગ-ઇનના દુરુપયોગનો પણ કેસ

બિહારના ગયા જિલ્લાના 19 વર્ષના બી.એસસી. વિદ્યાર્થી નવીનકુમાર યાદવની પણ ધરપકડ

ઇમેજ સ્રોત, Ahmedabad Police

NEET UG-2026 પૉર્ટલમાં અનધિકૃત પ્રવેશ સંબંધિત છેતરપિંડી થઈ રહી હોય તેવી ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસને મળી હતી. પો

લીસને મળેલી ફરિયાદ પ્રમાણે કોઈ સાયબર ફ્રોડે તેમની દીકરીનો ઍપ્લિકેશન નંબર અને પાસવર્ડ ચોરી, પરવાનગી વિના પોર્ટલમાં લૉગ-ઇન કર્યું અને રિફંડની રકમ અન્ય ખાતામાં વાળવા બૅન્કની વિગતો બદલી દીધી હતી.

પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન નૅશનલ ટેસ્ટિંગ ઍજન્સીના (NTA) ચીફ ઇન્ફોર્મેશન સિક્યૉરિટી ઑફિસર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પોલીસે બિહારના ગયા જિલ્લાના 19 વર્ષના બી.એસસી. વિદ્યાર્થી નવીનકુમાર યાદવને ઝડપી પાડ્યો છે.

પોલીસ મુજબ, આ આરોપીએ નીટ માટે નોંધાયેલા આશરે 350 ઉમેદવારોના પૉર્ટલ એકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યાં હતાં. તેમાંના આશરે 150 એકાઉન્ટ્સના પાસવર્ડ નબળા હોવાથી બ્રુટ-ફોર્સ હુમલા દ્વારા તે ક્રેક કરી લીધા હતા.

લૉગ-ઇન પછી આરોપીએ પાસવર્ડ બદલી વિદ્યાર્થીઓની બૅન્ક વિગતોને પોતાની બૅન્ક વિગતો સાથે બદલી નાખી હતી જેથી મળવાપાત્ર રિફંડ રકમ વિદ્યાર્થીનાં ખાતાંની જગ્યાએ તેના ખાતામાં જમા થાય.

પોલીસે વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોને અપીલ કરી છે કે અગાઉથી પ્રશ્નપત્ર આપવાના, પરિણામમાં ફેરફાર કરાવવાના અથવા પ્રવેશની ખાતરી આપવાના દાવા કરતી ટેલિગ્રામ ચૅનલો, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અથવા ઓનલાઈન જાહેરાતો પર વિશ્વાસ ન કરવો.

વિદ્યાર્થીઓને કેપિટલ અક્ષર, સ્મોલ અક્ષર, આંકડા અને વિશેષ ચિહ્નો ધરાવતા મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

પોલીસે પાસવર્ડ કે OTP કોઈ સાથે શૅર ન કરવા અને કોઈ શંકાસ્પદ સાયબર પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 અથવા સાયબર ક્રાઇમ પૉર્ટલ પર જાણ કરવાની અપીલ કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS