Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
વાંચવાનો સમય: 4 મિનિટ
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)એ 5 ઑગસ્ટે પોતાની પૉલિસી મિટિંગમાં વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળની સમિતિએ રેપો રેટ 5.25 ટકા યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે.
વધતા જતા ફુગાવાના કારણે આરબીઆઈ આ વખતે કદાચ વ્યાજના દરમાં વધારો કરશે તેવી ચિંતા હતી. જો રેપો રેટમાં વધારો થયો હોત તો લોનધારકોના સમાન માસિક હપતા (ઇએમઆઈ) વધી ગયા હોત, પરંતુ આરબીઆઈએ હાલ પૂરતી રાહત આપી છે.
આરબીઆઈના પોલિસી સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે રેપો રેટને 5.25 ટકા પર યથાવત્ રહેશે.
હોમ લોનના હપતા પર કેવી અસર પડશે?
ઇમેજ સ્રોત, Getty Images
રિઝર્વ બૅન્કે રેપો રેટ યથાવત રાખ્યા તેના કારણે હાલ પૂરતા લોનના વ્યાજદર નહીં વધે તેમ માનવામાં આવે છે. તેના કારણે હોમ અથવા ઓટો લોનના ઈએમઆઈ વધવાની ચિંતા હાલ પૂરતી ટળી ગઈ છે. જોકે, ફુગાવાની ચિંતા યથાવત્ છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 માટે ફુગાવાનો દર પાંચ ટકા રહેવાનો અંદાજ રાખ્યો છે.
જૂન મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો 18 મહિનાની ટોચ પર હતો અને ક્રૂડ ઑઇલના ભાવ પણ વધ્યા હતા. તેના કારણે ફુગાવાને અંકુશમાં રાખવા માટે આરબીઆઈ રેપો રેટ વધારશે તેવી ચિંતા હતી, પરંતુ રેટમાં કોઈ ફેરફાર થયો નથી.
આરબીઆઈના અંદાજ પ્રમાણે નાણાકીય વર્ષ 2027માં ભારતનો જીડીપી વૃદ્ધિદર 6.7 ટકા રહેવાની ધારણા છે. અગાઉ આર્થિક વૃદ્ધિનો દર 6.6 ટકા રહેવાની અપેક્ષા હતી.
એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં તહેવારો આવવાના છે ત્યારે લોકો ખરીદી કરવા પ્રેરાય અને અર્થતંત્રને ટેકો મળે તે માટે વ્યાજદરમાં હાલમાં વધારો કરવામાં નથી આવ્યો.
ગયા વર્ષે આરબીઆઈએ ગ્રાહકોને રાહત આપવાની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે કરીને રેપો રેટ 1.25 ટકા ઘટાડી દીધો હતો. હાલમાં દેશમાં મોટા ભાગની હોમ લોન રેપો રેટના બેન્ચમાર્ક સાથે લિંક થયેલી હોય છે.
રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું હોય છે?
ઇમેજ સ્રોત, Getty Images
આરબીઆઈની પૉલિસી જાહેર થાય ત્યારે સૌની નજર રેપો રેટ અને રિવર્સ રેપો રેટના આંકડા પર હોય છે.
પરંતુ આ બંને રેટ શું હોય છે? કૉમર્શિયલ બૅન્કો પોતાની સિક્યૉરિટીઝને ગીરવે મૂકીને આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે જે નાણાં ઉછીના લે તેના પર જે વ્યાજ ચૂકવે તેને રેપો રેટ કહેવામાં આવે છે. તેવી જ રીતે બજારમાં જ્યારે નાણાંનો પૂરવઠો વધારે હોય ત્યારે આરબીઆઈ કૉમર્શિયલ બૅન્કો પાસેથી જે દરે ફંડ ઉછીનું મેળવે તેના પર ચૂકવાતા વ્યાજના દરને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે.
આની પાછળનો હેતુ બજારમાંથી વધારાની લિક્વિડિટીને શોષી લેવાનો છે. અર્થતંત્રમાં જ્યારે ફુગાવો વધી જાય ત્યારે આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારતી હોય છે જેથી બેન્કો પોતાની પાસેનું વધારાનું ફંડ આરબીઆઈ પાસે મૂકવા પ્રેરાય છે.
હાલમાં રેપો રેટ 5.25 ટકા છે જ્યારે રિવર્સ રેપો રેટ 3.25 ટકા છે.
ભવિષ્યમાં લોનના હપતા વધી શકે?
ઇમેજ સ્રોત, Getty Images
આરબીઆઈ છેલ્લા કેટલાક સમયથી વ્યાજદર નીચા રાખી રહી છે, પરંતુ ફુગાવો હજુ ચિંતાજનક છે. જાન્યુઆરીમાં રિટેલ ફૂગાવાનો દર 2.74 ટકાથી વધીને એપ્રિલમાં 3.48 ટકા થયો હતો અને જૂન 2026માં ફુગાવાનો દર 4.38 ટકા નોંધાયો હતો.
જુલાઈ મહિનાના ફુગાવાના આંકડા આવવાના હજુ બાકી છે. જો આગામી મહિનાઓમાં ફુગાવો વધીને 6 ટકા સુધી પહોંચે તો પછી આરબીઆઈ રેપો રેટ વધારી શકે છે અને તેના કારણે હોમ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ શકે છે.
વ્યાજદર ન વધારવા માટે એક કારણ એવું પણ આપવામાં આવે છે કે ભારતમાં અત્યારે રિયલ ઍસ્ટેટ ક્ષેત્રમાં નરમાઈ ચાલે છે. ગયા વર્ષની તુલનામાં અત્યારે શહેરી વિસ્તારોમાં મકાનોના વેચાણમાં ચારથી છ ટકા ઘટાડો થયો છે.
50 લાખથી ઓછી કિંમતનાં મકાનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 23 ટકા ઘટાડો થયો છે, જ્યારે 50 લાખથી એક કરોડની વચ્ચેનાં મકાનોના વેચાણમાં 12 ટકા ઘટાડો થયો છે. આવામાં જો વ્યાજના દર અને ઈએમઆઈ વધે તો રિયલ્ટી સેક્ટરને મોટો ફટકો પડે તેમ છે.
મે મહિનામાં રિયલ ઍસ્ટેટ કન્સલ્ટન્ટ પ્રોપટાઇગરને ટાંકીને ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું હતું કે આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન મુંબઈ, પૂણે, કોલકાતા અને અમદાવાદ જેવાં શહેરોમાં મકાનોનાં વેચાણમાં ઘટાડો થયો છે.
RBIની જાહેરાતને બૅન્કોએ વધાવી
ઇમેજ સ્રોત, Getty Images
આરબીઆઈએ રેપો રેટ યથાવત્ રાખ્યા તેના કારણે વૃદ્ધિને વેગ મળશે તેવો મત ઉદ્યોગજગતે વ્યક્ત કર્યો છે.
દેશની સૌથી મોટી બૅન્ક એસબીઆઈના ચૅરમૅન સી. એસ. સેટ્ટીએ આને એક સંતુલિત વલણ ગણાવ્યું હતું.
જ્યારે ઇન્ડિયન બૅન્કના એમડી બિનોદકુમારે કહ્યું કે જીડીપી વૃદ્ધિદરનો અંદાજ 6.6 ટકાથી વધારીને 6.7 ટકા કરવામાં આવ્યો તે ભારતીય અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે. કૅનરા બૅન્કે કહ્યું કે સરપ્લસ તરલતા જાળવી રાખવાથી ક્રૅડિટ ગ્રોથને ટેકો મળશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




