Home તાજા સમાચાર gujrati UNમાં પાસ થયેલા નકશાના સમર્થનમાં પહેલાં ભારતે મતદાન કર્યું, પણ હવે શા...

UNમાં પાસ થયેલા નકશાના સમર્થનમાં પહેલાં ભારતે મતદાન કર્યું, પણ હવે શા માટે વાંધો ઉઠાવ્યો?

5
0

Source : BBC NEWS

સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ શુક્રવારે દુનિયાના હાલના નકશામાં ફેરફાર કરવા માટે મતદાન કર્યું, જે આફ્રિકાના કદને વધુ ચોક્કસ રીતે દર્શાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ શુક્રવારે દુનિયાના હાલના નકશામાં ફેરફાર કરવા માટે મતદાન કર્યું, જે આફ્રિકાના કદને વધુ ચોક્કસ રીતે દર્શાવે છે.

અમેરિકા એકમાત્ર દેશ હતો, જેણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. આ પ્રસ્તાવને ફ્રાન્સ, બ્રિટન સહિત 164 દેશોનું સમર્થન મળ્યું, જેમાં ભારતનું નામ પણ સામેલ હતું.

પરંતુ નવા નકશા પર વિવાદ ઊભો થઈ ગયો છે કારણ કે તેમાં ભારતની ભૌગોલિક સીમાને અલગ રીતે દર્શાવવામાં આવી છે.

વરિષ્ઠ પત્રકાર સુહાસિની હૈદરે ઍક્સ પર લખ્યું છે, “જારી કરવામાં આવેલા નવા નકશામાં જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોને પાકિસ્તાન અને ચીનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે.”

નવા નકશા પરના વિવાદ અંગે રવિવારે ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે યુએન દ્વારા પ્રસ્તાવિત વિશ્વના નકશામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોને ભારતના સત્તાવાર નકશા અનુસાર જ દર્શાવવા જોઈએ અને કોઈપણ “ખોટું” અથવા “ગેરમાર્ગે દોરનારું” ચિત્રણ સ્વીકાર્ય નહીં હોય.

ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

યુએનમાં પાસ થયેલા નકશાના સમર્થનમાં પહેલા ભારતે મત આપ્યો, પરંતુ હવે શા માટે વાંધો ઉઠાવ્યો?

ઇમેજ સ્રોત, Randhir Jaiswal/X

ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને નવા નકશા અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.

આ નિવેદન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

નિવેદન અનુસાર, “સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 4 સપ્ટેમ્બરે સમાન ક્ષેત્રફળ ધરાવતા વિશ્વના નકશા સંબંધિત એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. તેનો ઉદ્દેશ એવા નકશાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં ખંડોના ભૂભાગના વાસ્તવિક કદને જાળવી રાખવામાં આવે છે.”

“આ પ્રસ્તાવમાં કોઈ ચોક્કસ વિશ્વ નકશાને અપનાવવામાં કે પ્રમાણિત કરવામાં આવ્યો નથી. તેમજ તેમાં રાજકીય નકશા સંબંધિત મુદ્દાઓ, જેમ કે આંતરરાષ્ટ્રીય સરહદો, વિવાદિત વિસ્તારો અથવા સ્થળોનાં નામો અંગે કોઈ વાત કરવામાં આવી નથી.”

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતે આ પ્રસ્તાવના સમર્થનમાં મત આપ્યો હતો અને પોતાના મતનું કારણ સમજાવતા સમાન ક્ષેત્રફળ ધરાવતા નકશાઓના ઉપયોગના મૂળ સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો.

જોકે, નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “અમે આ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે આ પ્રસ્તાવ કોઈ ચોક્કસ નકશા, પ્રોજેક્શન અથવા રાષ્ટ્રીય સીમાઓના ચિત્રણનું સમર્થન કરતો નથી. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો સહિત ભારતના સાર્વભૌમ પ્રદેશને ભારતના સત્તાવાર નકશા અનુસાર જ દર્શાવવો જોઈએ.”

“ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી રીતથી કરાયેલું કોઈપણ ચિત્રણ સ્વીકાર્ય નથી. ભારતની સાર્વભૌમતા અને પ્રાદેશિક અખંડિતતા અંગે અમારો અભિગમ સ્પષ્ટ છે અને તેના પર કોઈ સમાધાન થઈ શકે નહીં.”

શું છે આખો મામલો?

યુએનમાં પાસ થયેલા નકશાના સમર્થનમાં પહેલા ભારતે મત આપ્યો, પરંતુ હવે શા માટે વાંધો ઉઠાવ્યો?

ઇમેજ સ્રોત, AFP via Getty Images

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ શુક્રવારે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જે દુનિયાના હાલના નકશાને બદલવા અને તેને વધુ ચોક્કસ રીતે દર્શાવવા સંબંધિત હતો.

તેને અમેરિકાના વિરોધ સિવાય 164 દેશોનું સમર્થન મળ્યું હતું, જ્યારે છ દેશોએ મતદાનમાં ભાગ લીધો નહોતો.

જો કે, સંયુક્ત રાષ્ટ્રમાં થયેલું આ મતદાન બાધ્યકારી નથી, પરંતુ તેનાથી દુનિયાભરની સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વિશ્વના નકશામાં ફેરફાર જોવા મળી શકે છે.

16મી સદીથી ઉપયોગમાં લેવાતા વિશ્વના નકશાની ટીકા એટલા માટે કરવામાં આવી રહી છે કે તે આફ્રિકાના કદને ગ્રીનલૅન્ડ જેટલું દર્શાવે છે, જ્યારે હકીકતમાં તે તેના કરતાં 14 ગણો મોટો છે.

ટીકાકારોનું કહેવું છે કે તેનાથી ભૂમધ્ય રેખાની નજીક આવેલા દેશોની વિકાસ સંબંધિત જરૂરિયાતો અને સંભાવનાઓને ઓછી આંકવામાં આવે છે.

મર્કેટર નકશો 1569માં ફ્લેમિશ કાર્ટોગ્રાફર ગેરાર્ડસ મર્કેટરે ડિઝાઇન કર્યો હતો. મર્કેટર નકશો પૃથ્વીને વક્રાકાર સ્વરૂપમાં દર્શાવે છે, જેમાં ભૂમધ્ય રેખાની નજીક આવેલા દેશો તેમના વાસ્તવિક કદ કરતાં નાના દેખાય છે, જ્યારે ધ્રુવોની નજીક આવેલા દેશો મોટા દેખાય છે.

આ ખામી દૂર કરવાનો પ્રયાસ કરતાં, નકશા નિષ્ણાતોની એક ટીમે 2018માં એક સમાન ક્ષેત્રફળ ધરાવતો નકશો તૈયાર કર્યો હતો, જેને તેમણે ઇક્વલ અર્થ પ્રોજેક્શન નામ આપ્યું હતું.

ફેબ્રુઆરીમાં, આફ્રિકન યુનિયનના 54 સભ્ય દેશોએ તેને અપનાવ્યો હતો અને કહ્યું હતું કે તે “તમામ ખંડોના, ખાસ કરીને આફ્રિકાના કદને વધુ ચોક્કસ રીતે દર્શાવે છે.”

ઑનલાઇન અભિયાન સમૂહ હૅશટૅગ કરેક્ટ ધ મૅપ એ કહ્યું હતું, “તમે આફ્રિકાની અંદર અમેરિકા, ચીન, ભારત, જાપાન, મેક્સિકો અને યુરોપના મોટા ભાગને સમાવી શકો છો અને ત્યાર પછી પણ થોડી જમીન બચી જશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS