Source : BBC NEWS

ભારતની આર્થિક રાજધાની મુંબઈના દક્ષિણ છેડે એક ગલીમાં આવેલું એક સંગ્રહાલય વિશ્વના સૌથી જૂના ધર્મોમાંના એક ઝોરોસ્ટ્રિયનિઝમના અનુયાયીઓને સમર્પિત છે.
ફ્રામજી દાદાભોય અલ્પાઈવાલા સંગ્રહાલય પ્રાચીન પારસી સમુદાયના ઇતિહાસ અને વારસાનું દસ્તાવેજીકરણ કરે છે – આ એક નાનો વંશીય જૂથ જે ઝડપથી ઘટતો જાય છે અને તે મોટા ભાગે ભારતમાં જ રહે છે.
હવે આ પારસીઓ ફક્ત 50,000થી 60,000 હોવાનો અંદાજ છે. પારસીઓ સદીઓ પહેલાં ઇસ્લામિક શાસકો દ્વારા આચરાતા ધાર્મિક જુલમથી ભાગી ગયેલા પર્સિયનોના વંશજ હોવાનું માનવામાં આવે છે.
ભારતના આર્થિક અને સાંસ્કૃતિક માળખામાં તેમનું નોંધપાત્ર યોગદાન હોવા છતાં પારસી સમુદાય વિશેની ઘણી બાબતો લોકો અને વિશ્વ માટે બહુ ઓછી જાણીતી છે.
મ્યુઝિયમના ક્યુરેટર કેરમાન ફટકિયા કહે છે, “નવા જીર્ણોદ્ધાર કરાયેલા મ્યુઝિયમના પ્રદર્શનમાં મુકાયેલી દુર્લભ ઐતિહાસિક કલાકૃતિઓ દ્વારા પારસી સમુદાયના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓને લોકો જાણે અને તેમના અંગેની અસ્પષ્ટતાને દૂર કરવાની નેમ છે.”

આમાંના કેટલાકમાં ઈંટો, ટેરાકોટાનાં વાસણો, સિક્કા અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે જે બેબીલોન, મેસોપોટેમિયા, સુસા અને ઈરાન જેવાં સ્થળોએથી મેળવવામાં આવી છે અને 4000-5000 ઇસવીસન પૂર્વની છે.
આ જગ્યાઓએ ઝોરોસ્ટ્રિયન ઈરાની રાજાઓ એક સમયે શાસન કરતા હતા, જેમ કે અચેમેનિયન, પાર્થિયન અને સાસાનિયન જેવા રાજવંશો.
મધ્ય ઈરાનમાં આવેલા યઝદ શહેરની કલાકૃતિઓ પણ છે જે એક સમયે ઉજ્જડ રણ હતું. 7મી સદી ઇસવીસન પૂર્વે થયેલા આરબ આક્રમણ પછી ઈરાનના અન્ય પ્રદેશોમાંથી ભાગીને આ સ્થાને ઘણા ઝોરોસ્ટ્રિયનો સ્થાયી થયા હતા.
મ્યુઝિયમનાં આકર્ષણો

પ્રદર્શનમાં રહેલી નોંધપાત્ર કલાકૃતિઓમાંની એક સાયરસ ધ ગ્રેટની માટીના પ્રતિકૃતિ છે, જે એક પર્શિયન રાજા હતા અને અચેમેનિડ સામ્રાજ્યના સ્થાપક હતા.
ફટાકિયા કહે છે કે માટીનું સિલિન્ડર – જેને “સાયરસનો આદેશ” અથવા “સાયરસ સિલિન્ડર” તરીકે પણ ઓળખવામાં આવે છે – તે પ્રાચીન વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ શોધોમાંની એક છે. ક્યૂનિફૉર્મ લિપિમાં કોતરેલું તે સાયરસ દ્વારા બેબીલોનમાં તેના પ્રજાને આપવામાં આવેલા અધિકારોની રૂપરેખા આપે છે. આને પ્રથમ માનવ અધિકારના ચાર્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની પ્રતિકૃતિ સંયુક્ત રાષ્ટ્રમાં પણ પ્રદર્શિત કરવામાં આવી છે.

ત્યાર બાદ એવા નકશા છે જે હજારો ઈરાની ઝોરોસ્ટ્રિયનોના સ્થળાંતર માર્ગોને દર્શાવે છે જેઓ 8મીથી 10મી સદીમાં અને ફરીથી 19મી સદીમાં પોતાના વતનથી ભાગી ગયા હતા અને ભારત આવ્યા હતા.
આ સંગ્રહાલયમાં ફર્નિચર, હસ્તપ્રતો, ચિત્રો અને અગ્રણી પારસીઓનાં ચિત્રો પણ છે – જેમાં જમશેદજી નુસેરવાનજી તાતા, પ્રતિષ્ઠિત તાતા ગ્રૂપના સ્થાપક, જે જગુઆર લૅન્ડ રોવર અને અન્ય જાણીતી બ્રાન્ડ ધરાવે છે.
બીજો આકર્ષક વિભાગ પારસીઓ દ્વારા એકત્રિત કરાયેલી કલાકૃતિઓ દર્શાવે છે. જેઓ 19મી સદીની શરૂઆતમાં ચીન સાથે ચા, રેશમ, કપાસ – અને ખાસ કરીને અફીણનો વેપાર કરીને શ્રીમંત બન્યા હતા. આ પ્રદર્શનોમાં ચીન, ફ્રાન્સ અને વૈશ્વિક વેપાર સંબંધો દ્વારા આકાર પામેલા અન્ય પ્રદેશોની ડિઝાઇનથી પ્રભાવિત પરંપરાગત પારસી સાડીઓનો પણ સમાવેશ થાય છે.
‘નાનું પણ ઇતિહાસથી ભરેલું સંગ્રહાલય’

મ્યુઝિયમનાં બે સૌથી આકર્ષક પ્રદર્શનોમાં ટાવર ઑફ સાયલન્સ અને પારસી અગ્નિમંદિરની પ્રતિકૃતિઓ પણ છે.
ટાવર ઑફ સાયલન્સ અથવા દખ્મા એ જગ્યા છે જ્યાં પારસીઓ તેમના મૃતકોને પ્રકૃતિમાં વિલીન થવા માટે છોડી દે છે, તેમને ન તો દફનાવવામાં આવે છે કે ન તો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.
“આ પ્રતિકૃતિ બરાબર બતાવે છે કે શરીરને ત્યાં મૂક્યા પછી તેનું શું થાય છે,” એમ ફટકિયા કહે છે.
વાસ્તવિક આવી જગ્યાએ પ્રવેશ ફક્ત થોડા જ લોકો માટે મર્યાદિત છે.

અગિયારીની આજીવન કદની પ્રતિકૃતિ પણ એટલી જ આકર્ષક છે. જે એક પવિત્ર જગ્યાની દુર્લભ ઝલક આપે છે જ્યાં સામાન્ય રીતે બિન-પારસીઓ પ્રતિબંધિત છે. મુંબઈની એક અગિયારી પર આધારિત તેમાં ઈરાનમાં પ્રાચીન પર્શિયન સ્થાપત્યથી પ્રેરિત પવિત્ર રચનાઓ છે.
મૂળ 1952માં બૉમ્બેમાં સ્થપાયેલા અલ્પાઈવાલા મ્યુઝિયમ શહેરની જૂની સંસ્થાઓમાંનું એક છે. તાજેતરમાં કરાયેલા નવીનીકરણમાં હવે કાચના કેસોમાં સારી રીતે પ્રદર્શનો ગોઠવાયું છે.
“આ એક નાનું સંગ્રહાલય છે પરંતુ તે ઇતિહાસથી ભરેલું છે,” એમ ફટાકિયા કહે છે.
“અને તે ફક્ત મુંબઈ કે ભારતના રહેવાસીઓ માટે જ નહીં પરંતુ વિશ્વભરના લોકો માટે પારસી સમુદાય વિશે વધુ જાણવા માટેનું એક ઉત્તમ સ્થળ છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS