Source : BBC NEWS

અમદાવાદ, બાંગ્લાદેશી, ચંડોળા તળાવ, ડિમોલિશન ડ્રાઇવ, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, ANI

29 એપ્રિલ 2025, 10:09 IST

અપડેટેડ 6 મિનિટ પહેલા

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં કથિત બાંગ્લાદેશીઓનાં ઘરો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વિસ્તારના સરોજનગરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે.

આ મેગા ડિમોલિશન વિશેની માહિતી આપતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ શરદ સિંઘલે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે “અહીંના સિયાસતનગર બંગાલ વાસમાં બાંગ્લાદેશીઓ રહે છે તેમનાં ઘરોનો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં માલુમ પડ્યું કે તે પૈકી કેટલાંક ઘરો ગેરકાયદેસર વસેલાં છે. હાલ તેમને તોડવા માટેનું ડિમોલિશન ડ્રાઇવ ચાલુ છે. કુલ 50 જેસીબી અને 2 હજાર પોલીસકર્મીઓને તેના માટે કામે લગાડાયા છે.”

આ ડિમોલિશનની પ્રક્રિયા અડધીરાત્રે જ શરૂ કરી દેવાઈ હતી.

મોડીરાત્રે બીબીસી ગુજરાતીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બીબીસી ગુજરાતીના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા જણાવે છે કે ચંડોળા તળાવનો જે વિસ્તાર છે ત્યાં મુસ્લિમો રહે છે.

તેઓ જણાવે છે, “સામાન્ય રીતે સરકારી ચોપડે એવું કહેવામાં આવે છે કે બાંગ્લાદેશીઓ વધારે રહેતા હોય છે. એવા આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. મોડી રાતથી જ આ વિસ્તારમાં મકાનો ખાલી કરવામાં આવી રહ્યાં હતાં. તેમને એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડાક કલાકોમાં તેમનાં આ મકાનો તોડી પાડવામાં આવશે. અહીંથી થોડે દૂર બુલડોઝર તહેનાત કરી દેવામાં આવ્યા છે.”

રૉક્સી ગાગડેકર છારા જણાવે છે કે મોડીરાતથી જ આ લોકો ઘરથી બહાર નીકળવા માટેની તૈયારીઓ કરવા લાગ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS