Home તાજા સમાચાર gujrati અમદાવાદમાં બ્લડ પ્રેશરની જે નકલી દવા ઝડપાઈ એ કેટલી ખતરનાક અને આવી...

અમદાવાદમાં બ્લડ પ્રેશરની જે નકલી દવા ઝડપાઈ એ કેટલી ખતરનાક અને આવી દવા કેવી રીતે ઓળખવી?

4
0

Source : BBC NEWS

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બ્લડ પ્રેશરની જે નકલી દવાઓનું રેકેટ પકડયું, તે નિકાર્ડિયા રિટાર્ડ 10 એમજી કેટલી જોખમી અને તેને કેવી રીતે ઓળખશો?

ઇમેજ સ્રોત, ahmedabad crime branch

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફૂડ ઍન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ ઍડમિનિસ્ટ્રેશન (FDCA) ગુજરાત સાથે સંયુક્ત કાર્યવાહી કરીને, હાઇ બ્લડ પ્રેશરની સારવાર માટે વપરાતી નકલી દવાઓના ઉત્પાદન, ખરીદી અને આંતરરાજ્ય વિતરણમાં સંડોવાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, જેબી કેમિકલ્સ ઍન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે 19 ઑગસ્ટના રોજ FDCAમાં નકલી ‘નિકાર્ડિયા રિટાર્ડ 10’ (Nicardia Retard 10) ના વેચાણ અને ફેલાવા અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

ત્યારબાદ, નકલી દવાઓના સ્ત્રોતને શોધવા અને તેમાં સંડોવાયેલા લોકોને ઓળખી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને FDCAની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગોના મેડિકલ સ્ટોર્સમાંથી નકલી દવાઓ મળી આવી હતી.

આ દવાનું મૂળ નામ ‘નિકાર્ડિયા રિટાર્ડ 10’ (નિફેડિપિન સસ્ટેન્ડ રિલીઝ 10 MG) છે. મેડિકલ ક્ષેત્રના નિષ્ણાત ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, નિફેડિપિન એ કેલ્શિયમ-ચેનલ બ્લૉકર દવા છે, જે રક્તવાહિનીઓને શિથિલ કરીને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.

કેવી રીતે પકડાયું નકલી દવાનું આ નેટવર્ક?

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બ્લડ પ્રેશરની જે નકલી દવાઓનું રેકેટ પકડયું, તે નિકાર્ડિયા રિટાર્ડ 10 એમજી કેટલી જોખમી અને તેને કેવી રીતે ઓળખશો?

ઇમેજ સ્રોત, ahmedabad crime branch

સમાચાર એજન્સી ANI અનુસાર, આ દવાનો સ્ટોક અમદાવાદના પાલડીસ્થિત પાર્શ્વ મેડિકલ એજન્સી દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો અને તે ઉત્તર પ્રદેશના લખનૌની સેના મેડિકલમાંથી આવ્યો હતો. તેની કડીઓ જયપુર સાથે પણ જોડાયેલી મળી આવી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલે બીબીસી ગુજરાતીને આપેલી વિગતો અનુસાર, અમદાવાદના વાસણા વિસ્તારનો દર્શિલ સંઘવી આ નકલી દવાનો મુખ્ય સ્થાનિક ડીલર છે. તે લખનૌના દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગી પાસેથી આ દવાઓ મંગાવતો હતો.

“19 ઑગસ્ટે આ અંગેની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.”

“નડિયાદના કિશન મેડિકલ સ્ટોરમાંથી નકલી ગોળીઓ મળી આવી હતી. ત્યારબાદ ભુજની ‘નવકાર મેડિકલ એજન્સી’ અને ‘મહાદેવ મેડિકલ એજન્સી’ — આ બંને સ્થળોએથી પણ નકલી દવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.”

“પ્રાથમિક દૃષ્ટિએ આ કિસ્સામાં જયપુરથી દવાનો માલ આવ્યો હતો. તેના ખરીદ-વેચાણની પહોંચ પરથી પોલીસને ખ્યાલ આવ્યો કે આ માલ ઉત્તર પ્રદેશથી પણ આવે છે. આમ, ત્યારબાદ આખું રૅકેટ ઝડપાઈ ગયું હતું.”

કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. ચિરાગ પટેલ બીબીસી ગુજરાતીને જણાવે છે:

“નિકાર્ડિયા રિટાર્ડ 10માં નિફેડિપિન સસ્ટેન્ડ રિલીઝ 10mg હોય છે. નિફેડિપિન એ કેલ્શિયમ-ચેનલ બ્લૉકર છે, જે રક્તવાહિનીઓને શિથિલ અને પહોળી કરીને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.”

“તેનો મુખ્ય ઉપયોગ હાઇ બ્લડ પ્રેશર અને એન્જાઇના (એટલે કે હૃદયને પૂરતું લોહી ન મળવાથી થતી છાતીની પીડા) જેવી પરિસ્થિતિઓમાં થાય છે.”

નકલી નિકાર્ડિયા રિટાર્ડ 10 કેટલી જોખમી બની શકે?

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બ્લડ પ્રેશરની જે નકલી દવાઓનું રેકેટ પકડયું, તે નિકાર્ડિયા રિટાર્ડ 10 એમજી કેટલી જોખમી અને તેને કેવી રીતે ઓળખશો?

ઇમેજ સ્રોત, ahmedabad crime branch

કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. ચિરાગ પટેલ જણાવે છે કે, જો દર્દી અસલી દવાને બદલે નકલી દવા લેતો હોય અને તેમાં નિફેડિપિન યોગ્ય માત્રામાં ન હોય અથવા દવા શરીરમાં યોગ્ય રીતે ઓગળતી ન હોય, તો દર્દીનું બ્લડ પ્રેશર કાબૂ બહાર જઈ શકે છે.

“અત્યંત વધેલું BP ખાસ કરીને હાઇ-રિસ્ક દર્દીઓમાં સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર અથવા હાર્ટ ઍટેક જેવી ગંભીર કાર્ડિયોવાસ્ક્યુલર જટિલતાઓનું જોખમ વધારી શકે છે.”

“બીજી તરફ, નકલી દવાથી બ્લડ પ્રેશર અચાનક ખૂબ ઘટી પણ શકે છે, જેનાથી ચક્કર આવવા, બેભાન થવું કે ધબકારા વધી જવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.”

“દવામાં જો અજાણ્યા કે અશુદ્ધ પદાર્થો હોય તો અન્ય ઝેરી અસરો પણ થઈ શકે છે. એટલે કે BP જેવી લાંબા ગાળાની બીમારીમાં નકલી દવા માત્ર ‘અસર ન કરતી દવા’ નથી, પણ તે દર્દીની સારવારને ગંભીર રીતે ખોરવી શકે છે.”

મેડિકલ કન્સલ્ટન્ટ ડૉ. પ્રશાંત પનારા જણાવે છે: “આ દવાની આડઅસરમાં માથાનો અતિશય દુખાવો, હૃદયના ધબકારા અનિયમિત થવા, પગ પર સોજો આવવો, હોઠ અને ગાલ પર સોજો આવવો જેવી સમસ્યાઓ થાય છે. ઘણી વખત આ દવાઓ બ્લડ પ્રેશર અતિશય ઘટાડી દે છે અને છાતીમાં દુખાવાની સમસ્યા પણ ઊભી કરે છે.”

“લીવર અને કિડની પર આ દવાની સૌથી ખરાબ અસર થાય છે.”

કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. ચિરાગ પટેલ ઉમેરે છે: “નકલી દવા સીધું બ્લડ પ્રેશર વધારે એવું જરૂરી નથી, પરંતુ દર્દીને જે BP નિયંત્રણ મળવું જોઈએ તે ન મળવાથી BP ફરી વધી શકે છે અથવા અનિયંત્રિત થઈ શકે છે.”

“તેવી જ રીતે, નકલી નિફેડિપિન સીધો દરેક દર્દીમાં હાર્ટ ઍટેક લાવે એવું કહેવું યોગ્ય નથી, પરંતુ BP અથવા એન્જાઇનાનું નિયંત્રણ ખોરવાય તો પહેલેથી હૃદયરોગનું જોખમ ધરાવતા દર્દીઓમાં ગંભીર કાર્ડિયાક ઘટનાઓનું જોખમ વધી જાય છે.”

કેવી રીતે ખ્યાલ આવશે કે દવા અસલી છે કે નહીં?

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બ્લડ પ્રેશરની જે નકલી દવાઓનું રેકેટ પકડયું, તે નિકાર્ડિયા રિટાર્ડ 10 એમજી કેટલી જોખમી અને તેને કેવી રીતે ઓળખશો?

ગુજરાત ફાર્મસિસ્ટ ઍસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીય બીબીસી ગુજરાતીને જણાવે છે: “જો દવા નકલી હોય તો દર્દીને રાહત મળતી નથી અને વધુ ગંભીર નુકસાન થાય છે.”

“મોટા ભાગે નકલી દવાઓ એટલી સૂક્ષ્મતા ધ્યાન રાખીને બનાવવામાં આવે છે કે તેને સરળતાથી ઓળખવી મુશ્કેલ છે. જો તે દવાને પ્રયોગશાળામાં તપાસવામાં આવે તો જ ખ્યાલ આવી શકે.”

કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. ચિરાગ પટેલ કહે છે: “માત્ર ટેબ્લેટ કે પૅકેટ જોઈને સામાન્ય વ્યક્તિ માટે 100% ખાતરીથી નકલી દવા ઓળખવી શક્ય નથી.”

“દવા હંમેશાં લાઇસન્સ ધરાવતી વિશ્વસનીય ફાર્મસીમાંથી બિલ સાથે જ ખરીદવી જોઈએ. જ્યાં સુધી અધિકૃત QR/બારકોડ ઑથેન્ટિકેશન ઉપલબ્ધ હોય ત્યાં તેને વેરિફાય કરવો જોઈએ.”

“સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) પણ શંકાસ્પદ કે અશુદ્ધ દવાઓ અંગે ઍલર્ટ જાહેર કરે છે. કોઈ ચોક્કસ બેચ અંગે શંકા હોય તો તેને માત્ર દેખાવના આધારે નકલી જાહેર કરવાને બદલે મૅન્યુફેક્ચરર અથવા ડ્રગ કન્ટ્રોલ ઑથોરિટી દ્વારા તેની અધિકૃત ચકાસણી કરાવવી એ સૌથી વિશ્વસનીય રીત છે.”

મેડિકલ કન્સલ્ટન્ટ ડૉ. પ્રશાંત પનારા જણાવે છે: “CDSCO દ્વારા તાજેતરમાં દવાઓ પર QR કોડ ફરજિયાત કરવામાં આવ્યો છે. સ્માર્ટફોન દ્વારા તેને સ્કેન કરીને દવા અંગેની વિગતો અને ઉપયોગ જાણી શકાય છે.”

“પેકિંગ પર ઉત્પાદકનું નામ, બેચ નંબર, મૅન્યુફેક્ચરિંગ અને ઍક્સપાયરી ડેટ, સ્પેલિંગ અને પ્રિન્ટિંગ તેમજ પૅકેજિંગની ગુણવત્તા તપાસવી જોઈએ.”

“બને ત્યાં સુધી લાઇસન્સ ધરાવતા વેપારીઓ પાસેથી જ દવા ખરીદવી જોઈએ.”

ડિસ્કાઉન્ટમાં મળતી દવાઓ ખરેખર એટલી સસ્તી હોય છે?

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બ્લડ પ્રેશરની જે નકલી દવાઓનું રેકેટ પકડયું, તે નિકાર્ડિયા રિટાર્ડ 10 એમજી કેટલી જોખમી અને તેને કેવી રીતે ઓળખશો?

ગુજરાત સરકારના ફૂડ ઍન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ ઍડમિનિસ્ટ્રેશનના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું: “જ્યારે પણ કોઈ વ્યક્તિ દવા ખરીદવા જાય ત્યારે બિલનો આગ્રહ અચૂક રાખવો.”

“અસલી અને નકલી દવાઓના આર્ટવર્કમાં સૂક્ષ્મ ફેરફાર હોય છે, પરંતુ આ તફાવત એટલો બારીક હોય છે કે તેને સામાન્ય નજરે પકડવો અઘરો છે. પરંતુ જ્યાં વધારે ડિસ્કાઉન્ટ મળતું હોય ત્યાં ચોક્કસ ખાતરી કરવી જોઈએ. ડિસ્કાઉન્ટની છેતરામણી જાહેરાતોમાં આવવું જોઈએ નહીં.”

રજનીકાંત ભારતીય જણાવે છે: “નકલી દવાઓનાં ઘણાં રૅકેટ ચાલે છે. જેમ કે હાલ કેટલીક દવાની દુકાનો પર 40% થી 50% ડિસ્કાઉન્ટના બોર્ડ લગાવેલા હોય છે. જ્યારે સ્ટાન્ડર્ડ મેડિકલ સ્ટોરને દવાઓમાં માત્ર 20% જેટલું જ માર્જિન મળતું હોય, તો તેઓ આટલી ઓછી કિંમતે કઈ રીતે વેચી શકે? આથી આવી ભ્રામક જાહેરાતોથી બચવું જોઈએ.”

ગુજરાત સરકારના FDCA ના અધિકારીએ ઉમેર્યું: “આ દવા લાંબા સમય સુધી લેવાની હોય છે. જો દવા નકલી હોવાને કારણે BP માં વધારો થાય તો તે કિડની, બ્રેઇન સ્ટ્રોક અને આંખોને પણ નુકસાન પહોંચાડી શકે છે.” તેમણે નામ ન આપવાની શરતે વધુમાં કહ્યું: “આ કિસ્સામાં ગુજરાતમાં આ દવા મુખ્યત્વે દમણ અને અંકલેશ્વરમાં બનતી હોવાનું સામે આવ્યું છે.”

“લખનૌથી આવેલી આ દવાની હજુ તપાસ ચાલુ છે. લખનૌનો આરોપી આ દવા ક્યાંથી લાવ્યો અને કેવી રીતે બનાવી તે જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS