Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જેડી વેંસ, ઉષા ચિલકુરી, ઉષા વેન્સ, આંધ્ર પ્રદેશ, અમેરિકા, યુએસએ. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાનાં સેકન્ડ લેડી તરીકે ઉષા વેંસ, વ્હાઇટ હાઉસમાંના પરંપરાગત જીવનકાળ દરમિયાન કોરાણે રાખવામાં આવતું સ્થાન ધરાવે છે. એ સ્થાન ક્યારેય પ્રસિદ્ધિમાં રહેવા ન ઇચ્છતા તેમના રાજકારણી જીવનસાથીને અનુકૂળ હોઈ શકે.

તેમ છતાં 39 વર્ષનાં ઉષાએ તેમના પતિ, અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ જેડી વેંસના ઝડપી ઉદયમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું તેમના દોસ્તો જણાવે છે.

પતિ સત્તામાં આવ્યા પછી ઉષા વેંસ પ્રસંગોપાત જ મીડિયાની નજરમાં આવ્યાં છે, જેમાં ગ્રીનલૅન્ડની વિવાદાસ્પદ યાત્રાનો સમાવેશ થાય છે.

ઇમિગ્રન્ટ્સના એક મહેનતુ સંતાન તરીકે ઉષા વેંસે જાહેર જીવનમાં શિખર પર પહોંચતા પહેલાં કેમ્બ્રિજ તથા યેલ યુનિવર્સિટી અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ઘૂમતાં રહ્યાં છે. અનેક પ્રશંસકો માને છે કે ઉષા વેંસ અમેરિકન ડ્રીમનું જીવંત ઉદાહરણ છે.

તેમના 40 વર્ષીય પતિ જેડી વેંસ પણ પત્નીના અભિજાત ગુણોથી પ્રભાવિત હોય તેવું લાગે છે. ઓહિયોના ભૂતપૂર્વ સેનેટર જેડી વેંસે કહ્યું છે કે પત્નીની સિદ્ધિઓથી તેઓ “વિનમ્રતા” અનુભવે છે.

ઍન્જિનિયર પિતા અને બાયૉલૉજિસ્ટ માતાનાં પુત્રી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જેડી વેંસ, ઉષા ચિલકુરી, ઉષા વેન્સ, આંધ્ર પ્રદેશ, અમેરિકા, યુએસએ. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઉષા વેંસ (ચિલુકુરી)નો જન્મ તથા ઉછેર કેલિફોર્નિયાના સાન ડિએગોના શ્રમિકોના ઉપનગરોમાં થયો હતો. તેમના પિતા મિકેનિકલ ઍન્જિનિયર હતા અને માતા મૉલેક્યુલર બાયોલૉજિસ્ટ હતાં. તેઓ ભારતના આંધ્ર પ્રદેશથી અમેરિકા આવ્યાં હતાં.

ઉષા વેંસે યેલ યુનિવર્સિટીમાંથી ઇતિહાસના વિષયમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગેટ્સ સ્કૉલર પણ હતાં. ત્યાં તેમણે આધુનિક ઇતિહાસમાં એમ.ફિલ કર્યું હતું.

2010માં યેલ લૉ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત જેડી વેંસ સાથે થઈ હતી. એ વખતે તેઓ “શ્વેત અમેરિકામાં સામાજિક પતન”ના વિષય પરના એક ડિસ્કશન ગ્રૂપમાં જોડાયાં હતાં.

એ અનુભવે તેમના ભાવિ પતિના 2016ના બેસ્ટ સેલિંગ સંસ્મરણ પુસ્તક ‘હિલિબિલી એલેગી’ને પ્રભાવિત કર્યું હતું. એ પુસ્તક અમેરિકાના શ્વેત કામદાર વર્ગના રસ્ટ બેલ્ટમાંના તેમના બાળપણ વિશેનું છે. દિગ્દર્શક રૉન હોવર્ડે એ પુસ્તકને આધારે 2020માં એક ફિલ્મ બનાવી હતી.

યેલમાં પોતે ઉષા માટે કેટલી ઉત્કટ લાગણી અનુભવતા હતા તેની અને ઉષામાં ઘણા આદર્શ ગુણો હોવાને કારણે પોતે તેમને “આનુવાંશિક વિસંગતિ” ગણાવતા હતા તેની વાત જેડી વેંસે આ પુસ્તકમાં જણાવી છે.

જેડી વેંસે એ પ્રસંગને યાદ કર્યો છે, જેમાં તેમણે એક જ ડેટ પછી પોતે પ્રેમમાં હોવાનું ઉષાને કેવી રીતે જણાવ્યું હતું અને “આધુનિક ડેટિંગના તમામ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું.”

કેવી રીતે યાદ કરે છે સહઅધ્યાયીઓ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જેડી વેંસ, ઉષા ચિલકુરી, ઉષા વેન્સ, આંધ્ર પ્રદેશ, અમેરિકા, યુએસએ. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images

સહપાઠીઓ ઉષા વેંસને એક એવી વ્યક્તિ તરીકે યાદ કરે છે કે જે આઈવી લીગ કાયદાની અતિ-સ્પર્ધાત્મક દુનિયામાં બીજી વ્યક્તિને મદદ કરવા સદા તૈયાર રહેતી હતી.

ચાર્લ્સ ટાયલર હવે કાયદાના પ્રોફેસર છે. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે ઉષા પોતે અત્યંત મૂલ્યવાન જ્યુડિશ્યલ ક્લર્કશિપ માટે આતુર હતાં, પરંતુ એ માટે કેવી રીતે અરજી કરવા તેની સલાહ અન્ય વિદ્યાર્થીઓને આપવા ખાસ સમય કાઢતાં હતાં.

ઉષા વેંસના એક મહિલા સહાધ્યાયીએ બીબીસી સાથે વાત કરતી વખતે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ઉષામાં એકેય પ્રકારની કમી ન હતી.

તેઓ કહે છે, “ઉષા અમારા લૉ સ્કૂલ ક્લાસમાં ઉત્તમ વિદ્યાર્થિની હતાં અને તમે જાણો છો તેમ આવા વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ પર ઘણીવાર પોતાની સરસાઈ જાળવી રાખવા ઇચ્છતા હોય છે.”

“ઉષાનું એવું ન હતું. તેઓ તેમની ક્લાસ નોટ્સ કાયમ શેર કરતાં હતાં. એ નોટ્સ એકદમ વ્યવસ્થિત, કલર-કોડેડ કામ હતાં.”

ચાર્લ્સ ટાયલરનું કહેવું છે કે ઉષા વેંસનો તેમના પતિ પર બહુ પ્રભાવ છે. અલબત, “તેમની અત્યંત સમાન ભાગીદારી છે.”

બીજા દોસ્તો પણ આ વાત સાથે સહમત છે.

મહિલા સહાધ્યાયી કહે છે, “ઉષા તેમના પતિ માટે હંમેશાં એક સાઉન્ડિંગ બોર્ડ જેવાં બની રહ્યાં છે અને તમે જાણો છો તેમ યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ પછી ઉષા તેમના આધ્યાત્મિક માર્ગદર્શક પણ બની રહ્યાં છે.”

ઉષા વેંસના પોતાના રાજકીય વિચારો મોટાભાગે અનુમાનનો વિષય બની રહ્યાં છે.

તેમના પતિએ ઘણીવાર “જાગૃત” વિચારોનો વિરોધ કર્યો છે, જે તેમના મતે ડેમોક્રેટ્સ દ્વારા પ્રેરિત છે.

ઉષા એક દાયકા પહેલાં સુધી એક રજિસ્ટર્ડ ડેમોક્રેટ હતાં. ગયા ઉનાળા સુધી તેઓ સાન ફ્રાન્સિસ્કોની લૉ ફર્મ મુંગર ટોલ્સ ઍન્ડ ઓલ્સનમાં ટ્રાયલ વકીલ તરીકે કામ કરતાં હતાં, જે પોતે “આમૂલ પ્રગતિશીલ” હોવાનો દાવો કરે છે.

હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બ્રેટ કેવનો માટે ઉષાએ એક સમયે ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયા કોર્ટ ઑફ અપીલમાં ક્લર્ક તરીકે કામ કર્યું હતું અને પછી જૉન રૉબર્ટ્સ માટે આવું કામ કર્યું હતું. આ બન્ને મહાનુભાવો સર્વોચ્ચ અદાલતમાં રૂઢિચુસ્ત બહુમતીના આધારસ્તંભ છે.

સંબંધીઓને ઉષા પર ગર્વ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જેડી વેંસ, ઉષા ચિલકુરી, ઉષા વેન્સ, આંધ્ર પ્રદેશ, અમેરિકા, યુએસએ. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images

પરિવારના મહત્ત્વ બાબતે ઉષા અને જેડી વેંસ બન્ને એકદમ સહમત છે.

ઉષા અને જેડી વેંસે 2014માં કેન્ટુકીમાં લગ્ન કર્યાં હતાં. તેમને ત્રણ સંતાનો છે. બે પુત્રો ઈવાન તથા વિવેક અને એક દીકરી મીરાબેલ.

ઉષા વેંસે ગયા ઑગસ્ટમાં ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે તેમના પતિનો પ્રેમાળ પરિવાહનો આગ્રહ તેમના પોતાના ઉછેરને આભારી છે, પરંતુ “તેઓ જાણતાં હતાં કે અમારા કૌટુંબિક જીવનમાં હું જે સ્થિરતા તથા શાંતિ પ્રદાન કરું છું તે મારા સમર્થકોને, બધું બરાબર થઈ જશે, એવી શ્રદ્ધાને આભારી છે, કારણ કે મારી પાછળ ઘણા બધા લોકો હતા.”

ભારતમાં ખાસ કરીને ઉષા વેંસના સંબંધીઓને ઉષાના આદર્શ કથા જેવા જીવન બાબતે અપાર ગર્વ છે.

આંધ્રપ્રદેશમાં રહેતાં તેમનાં કાકીએ બીબીસીને જણાવ્યું હતું કે ઉષા અમેરિકાના સેકન્ડ લેડી બન્યાં તેનું તેમને આશ્ચર્ય નથી, કારણ કે તેઓ હિન્દુ વિદ્વાનોની દીર્ધ પંક્તિના ફરજંદ છે.

આંધ્રપ્રદેશમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ચિલુકુરી સંથમ્માએ કહ્યું હતું, “વિદેશમાં દરેક વ્યક્તિ ટોચ પર પહોંચી શકતી નથી. પ્રશંસા પ્રાપ્ત કરી શકતી નથી. ઉષા લાખોમાં એક ગણાતા એ સ્થાન પર પહોંચ્યા એ સદ્ભાગ્ય છે.”

(દિલ્હીથી સૌતિક બિસ્વાસ દ્વારા પૂરક માહિતી સમાહિત)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS