Source : BBC NEWS

અમેરિકા ટોર્નેડો, ભિષણ ચક્રવાત, મિસોરી, કેંટકી, બીબીસી હવામાન સમાચાર,

ઇમેજ સ્રોત, Reuters

18 મે 2025, 13:10 IST

અપડેટેડ 43 મિનિટ પહેલા

અમેરિકાનાં બે રાજ્યોના અમુક વિસ્તારમાં ચક્રવાતને કારણે 25 લોકોનાં મૃત્યુ થયાં છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓને આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

અમેરિકાના કેંટકી રાજ્યના અધિકારીઓના કહેવા પ્રમાણે, ભારે તોફાનને કારણે ત્યાં 18 લોકોનાં મૃત્યુ થયાં છે. મિસૌરી રાજ્યમાં સાત મૃત્યુ નોંધાયાં છે, જેમાંથી પાંચ અવસાન પાંચ સેન્ટ લૂઈ શહેરમાં થયાં છે.

શનિવારે સવારે કેંટકીના દક્ષિણ-પૂર્વમાં આવેલાં લૌરલ કાઉન્ટી ઉપર આ ભયંકર તોફાન ત્રાટક્યું હતું. અહીંના શૅરિફ જ્હોન રુટના કહેવા પ્રમાણે, જે વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે, ત્યાં બચી ગયેલા લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે.

મિસૌરીના અધિકારીઓના કહેવા પ્રમાણે, ત્યાં શુક્રવારે સવારે તોફાન આવ્યું હતું, જેના કારણે પાંચ હજાર ઇમારતોને નુકસાન થયું હતું. ઘરોની છતો ઊડી ગઈ હતી તથા વીજવ્યવસ્થામાં અવરોધ ઊભો થયો હતો.

નૅશનલ વેધર સર્વિસીઝના રડાર ડેટા મુજબ, સ્થાનિક સમય મુજબ, બપોરે અઢી વાગ્યા આસપાસ આ ચક્રવાત ત્રાટક્યું હતું. તેણે ફોરેસ્ટ પાર્ક પાસે લૅન્ડફૉલ કર્યું હતું. પાસે જ સેન્ટ લૂઈ ઝૂ આવેલું છે તથા અહીં જ વર્ષ 1904નાં ઑલિમ્પિક રમતોત્સવનું આયોજન થયું હતું.

અમેરિકા ટોર્નેડો, ભિષણ ચક્રવાત, મિસોરી, કેંટકી, બીબીસી હવામાન સમાચાર,

ઇમેજ સ્રોત, Reuters

કેંટકી તથા મિસૌરીમાં વીજપુરવઠો ખોરવાઈ જવાને કારણે લગભગ એક લાખ 40 હજાર ઘરોને અસર પહોંચી છે.

સેન્ટ લૂઈમાં અગ્નિશમન દળ દ્વારા ઘરે-ઘરે જઈને તોફાનની અસરનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. શહેરનાં મેયર કારા સ્પેન્સરના કહેવા પ્રમાણે, ઇમારત પડવાથી કે ઝાડ ઉખડવાને કારણે 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સ્પેન્સરના કહેવા પ્રમાણે, જાનમાલનું નુકસાન ખૂબ જ ભયાનક છે. તંત્રે આગામી દિવસોમાં ખૂબ જ કામ કરવું પડશે. અમારી પ્રાથમિકતા લોકોના જીવ બચાવવાની અને લોકોને સલામતસ્થળે ખસેડવાની છે.

લોકોને કાટમાળથી બચાવવા તથા લૂંટફાટ ફાટી ન નીકળે તે માટે સ્થાનિક સમય મુજબ રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી સૌથી અસરગ્રસ્ત બંને વિસ્તારોમાં કર્ફ્યૂ લાદી દેવાયો હતો.

યુએસ નૅશનલ વેધર સર્વિસે ચેતવણી આપી છે કે આ વિસ્તારમાં ચક્રવાતની પરિસ્થતિને જોતાં આગામી દિવસોમાં ઉત્તર ટૅક્સાસમાં વધુ કેટલાંક વધુ તોફાનો આવી શકે છે.

અમેરિકાના જે વિસ્તારોમાં વારંવાર આ પ્રકારનાં ભીષણ તોફાનો આવે છે, તેને ‘ટોર્નેડો એલી’ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો તે વર્ષમાં ગમે ત્યારે ત્રાટકે છે, પરંતુ મે તથા જૂન મહિનામાં તે સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે.

વર્ષ 2000થી કેંટકીમાં દર વર્ષે મે મહિના દરમિયાન સરેરાશ પાંચ ટોર્નેડો નોંધાયા છે, જ્યારે મિસૌરીમાં સરેરાશ 16 ટોર્નેડો આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS