Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
એક કલાક પહેલા
ભારતીય હવામાન ખાતાના બુલેટિન પ્રમાણે, આવતા અઠવાડિયે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે, હાલમાં તેની શક્યતા ’40થી 50 ટકા’ જેટલી છે. આગામી દિવસોમાં આ અંગે ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
ત્યારે એક સવાલ ઊભો થાય કે હરિકેન, ટાયફૂન અને સાઇક્લોન શું છે. આ તમામ સ્વરૂપો કઈ રીતે અલગ પડે છે. તેમના નામકરણ કેવી રીતે થાય છે તથા ભારતમાં કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે.

હરિકેન, ટાયફૂન અને સાઇક્લોન એટલે શું ?

ઉત્તર ઍટલાન્ટિક મહાસાગર તથા ઉત્તર-પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં તેમને ‘હરિકેન’ તરીકે ઓળખવામાં આવે છે. જો એજ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઉત્તરપશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સર્જાય તો તેને ‘ટાયફૂન’ તરીકે ઓળખવામાં આવે છે.
આવી જ રીતે જો દક્ષિણ પેસિફિક કે હિંદ મહાસાગરમાં સર્જાય તો તેને ‘સાઇક્લોન’ કહેવાય છે. હવામાનશાસ્ત્રીઓ દ્વારા તેમને સામાન્ય બોલચાલની ભાષામાં ‘ટ્રૉપિકલ સાઇક્લોન’ કે ઉષ્ણકટિબંધીય વાવાઝોડા તરીકે ઓળખે છે.
અમેરિકાના નૅશનલ ઑશિયનિક ઍન્ડ ઍટ્મોસ્ફિયરિક ઍડ્મિનિસ્ટ્રેશન મુજબ, વલયાકારે ભ્રમણ કરતી વાદળોની સુવ્યવસ્થિત સિસ્ટમ અને ઉષ્ણકટિબંધીય કે ઉપ-ઉષ્ણકટિબંધીય જળવિસ્તારોમાંથી ઉદ્દભવતા વાવાઝોડાં છે.
“ટ્રૉપિકલ સાઇક્લોન 119 કિલોમીટર કે તેથી વધુની ઝડપ મેળવે એટલે તેને હરિકેન, ટાયફૂન કે ટ્રૉપિક્લ સાઇક્લોન તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના કયા ભાગમાં આ ઉદ્દભવે છે તેના ઉપર આધાર રાખે છે.”
હરિકેનને તેના પવનની ગતિના આધારે 1થી 5ની શ્રેણીમાં વર્ગિકૃત કરવામાં આવે છે.
ઍટલાન્ટિક મહાસાગરમાં ઉદ્દભવતા મોટાભાગના હિરકેન (લગભગ 95 ટકા) પહેલી જૂનથી 30 નવેમ્બરની વચ્ચે ઉદ્દભવે છે.
ઉત્તર-પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં જોવા મળતા ટાયફૂન આમ તો સમગ્ર વર્ષ દરમિયાન ઉદ્ભવે છે, આમ છતાં મેથી લઈને ઑક્ટોબર મહિના દરમિયાન તે સમાન્યતઃ વધુ જોવા મળે છે.
દક્ષિણ પેસિફિકમાં સામાન્યતઃ સાઇક્લોનની સિઝન નવેમ્બરથી એપ્રિલ મહિનાની વચ્ચે હોય છે.

જળવાયુ પરિવર્તનને કારણે પહેલાં કરતાં હાલ વાવાઝોડાની સંખ્યામાં વધારો થયો છે, દરિયાની જળસપાટી ગરમ થતાં વાવાઝોડાં પહેલાં કરતાં તીવ્ર પણ વધુ બન્યાં છે.
સામાન્ય ભાષામાં કહીએ તો વર્તુળાકાર ભારે વેગથી ફૂંકાતું હવાનું તોફાન એટલે વાવાઝોડું. પરંતુ હવામાનની ભાષામાં સમજીએ તો ઉષ્ણકટીબંધીય પ્રદેશોમાં જળસપાટી પરની ગરમ હવા હળવી થાય છે, જે દબાણ પેદા કરે છે અને એક પૉઇન્ટ પર ક્ષેત્ર સર્જે છે.
સાનુકૂળ વાતાવરણમાં દરિયાઈ પાણીમાં લૉ પ્રેશર સર્જાય છે અને એક કેન્દ્ર પર એકઠું થાય છે. એવામાં જો દરિયાઈ સપાટી ગરમ હોય, વાવાઝોડાને સર્જાવા માટે 26.5 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ ગરમ જળસપાટી અનુકૂળ રહે છે.

તો જો લૉ પ્રેશરના સર્જાવાની ઘટના વખતે જળસપાટી ગરમ હોય તો તે અપર લેવલ પર ફોર્મ થાય છે. નીચે અને ઉપર બનેલા આ બંને પૉઇન્ટ્સ ભેજવાળી હવાને ઉપરની તરફ ગતિ સાથે લઈ જાય છે.
આ ક્રિયા દરમિયાન જ્યારે બાષ્પીભવન થાય, પાણીની વરાળ ટીપાંમાં પરિવર્તિત થાય ત્યારે ઊર્જા મુક્ત કરે છે. ગરમી છોડવાને કારણે વિસ્તાર ગરમ થાય છે અને દબાણ ઘટાડે છે. આ પ્રક્રિયા ચાલુ રહે છે અને નીચા દબાણની સિસ્ટમ ધીમે-ધીમે વાવાઝોડામાં તીવ્ર બને છે. તેનો વિસ્તાર કે મજબૂતીકરણ વાવાઝોડાની ભયાનકતા નક્કી કરે છે.
દરિયામાં પેદા થતું વાવાઝોડું જમીન ઉપર ત્રાટકે છે અને જ્યાં લૅન્ડફૉલ થયું હોય, ત્યાંથી દેશદેશાવરના સીમાડા ઓળંગીને તબાહી મચાવે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ધ વર્લ્ડ મીટિયરૉલૉજિકલ ઑર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વભરના ઉષ્ણકટિબંધીય સાઇક્લોનની યાદી જાળવવામાં આવે છે.
વિશ્વના જે ભૂભાગમાં હરિકેન, ટાયફૂન તથા સાઇક્લોન ઉદ્ભવ્યા હોય તેના સૂચનના આધારે વૈશ્વિક હવામાન સંગઠન દ્વારા નામોની યાદી તૈયાર કરવામાં આવે છે.
બંગાળની ખાડી તથા અરબ સાગરના તટપ્રદેશમાં આવેલા ભારત ઉપરાંતના સાત દેશોએ 2000ના દાયકાની શરૂઆતમાં એક યાદી મોકલી હતી, જેમાંથી 50 ટકા કરતાં વધુ નામો વપરાશમાં આવી ગયાં છે.
બંગાળની ખાડી તથા અરબ સાગરના તટપ્રદેશના દેશોએ નક્કી કર્યું છે કે એકબીજાની ધાર્મિક લાગણીઓ દુભાય નહીં તેવા નામ આપવા અને તેનું પાલન કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય હવામાન ખાતા દ્વારા પવનની ગતિને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે, જે મુજબ ‘લૉ પ્રેશનર એરિયા’માં પવનની ગતિ 31 કિલોમીટર પ્રતિકલાક કે એનાથી ઓછી હોય છે. (સ્રોત: ‘એફ.એ.ક્યૂ. ઑન ટ્રૉપિકલ સાઇક્લોન્સ ઍન્ડ મરીન વેધર સર્વિસીઝ’, આઈ.એમ.ડી.)
31થી 49 કિલોમીટર પ્રતિકલાકની પવનની ઝડપ હોય, ત્યારે તે ‘ડિપ્રેશન’ તરીકે ઓળખાય છે. જો પવનની ગતિ એના કરતાં વધુ તથા 61 કિલોમીટર પ્રતિકલાક ઓછી હોય તો તે ‘ડિપ ડિપ્રેશન’ કહેવાય છે.
89-117 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય, તો તે ‘સિવિયર સાઇક્લોનિક સ્ટ્રૉર્મ’ તરીકે ઓળખાય છે. પવનની ગતિ જો 118થી 166 કિલોમીટર પ્રતિકલાકનું સ્વરૂપ ધારણ કરે તો તેને ‘વેરી સિવિયર સાઇક્લોનિક સ્ટ્રૉર્મ’; અને 167થી 221 પ્રતિકલાકની ઝડપે ‘ઍક્સ્ટ્રિમલી સિવિયર સાઇક્લોનિક સ્ટ્રૉર્મ’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
222 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી વધારે પવનની ગતિ હોય તો તે ‘સુપર સાઇક્લોનિક સ્ટ્રૉર્મ’ તરીકે ઓળખાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS