Home તાજા સમાચાર gujrati આંધ્ર પ્રદેશ-ઓડિશા તરફ ‘અર્નબ’ વાવાઝોડાનું સંભવિત જોખમ, ભારે વરસાદની ચેતવણી – ન્યૂઝ...

આંધ્ર પ્રદેશ-ઓડિશા તરફ ‘અર્નબ’ વાવાઝોડાનું સંભવિત જોખમ, ભારે વરસાદની ચેતવણી – ન્યૂઝ અપડેટ

4
0

Source : BBC NEWS

હવામાન વિભાગના અનુમાન મુજબ, 26 ઑક્ટોબરની સવારે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે

વાંચવાનો સમય: 2 મિનિટ

બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડા ‘અર્નબ’ના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે તૈયારીઓ ઝડપી કરી દીધી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ, 26 ઑક્ટોબરની સવારે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે. તે 28 ઑક્ટોબરની સવારે આંધ્ર પ્રદેશના દરિયાકિનારા નજીક પહોંચે તેવી સંભાવના છે.

સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા અને સમયસર જરૂરી પગલાં લેવા માટે સૂચના આપી છે.

સરકારે આ દરમિયાન જાનમાલના નુકસાનને રોકવા માટે ‘ઝીરો કૅઝ્યુઆલ્ટી’નું લક્ષ્ય નક્કી કર્યું છે.

મુખ્ય મંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું, “અમે વાવાઝોડા અર્નબના સંભવિત પ્રભાવ અને તેને સંભાળવાના ઉપાયો અંગે સમીક્ષા બેઠક યોજી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 28 ઑક્ટોબરની બપોરે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા વચ્ચે ક્યાંક આ વાવાઝોડું તટ પર ત્રાટકી શકે છે. તેના કારણે બંને રાજ્યોના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.”

“તમામ વિભાગોને તેમની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે અને અગાઉથી સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હંમેશાંની જેમ અમારું મુખ્ય લક્ષ્ય શૂન્ય જાનહાનિ સુનિશ્ચિત કરવાનું છે.”

હવામાન વિભાગે અર્નબ વાવાઝોડાની અસરને કારણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

તો તામિલનાડુમાં ઉત્તર-પૂર્વીય ચોમાસું સક્રિય છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તેમજ પુડુચેરી અને કરાઇકલમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

દલેર મહેંદી વિવાદ મામલે ઉત્તરાખંડ સરકારના મંત્રીએ શું કહ્યું?

ઉત્તરાખંડ સરકારના કૅબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલની પ્રતિક્રિયા આપી કે દલેર મહેંદી એક મોટા કલાકાર છે

દલેર મહેંદી વિવાદ મામલે ઉત્તરાખંડ સરકારના કૅબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલની પ્રતિક્રિયા સામે આવી છે.

શનિવારે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં સુબોધ ઉનિયાલે કહ્યું, “જો દલેર મહેંદી મોટા કલાકાર ન હોત, તો તેમને કેમ બોલાવાયા હોત અને 36 લાખ રૂપિયા કેમ ચૂકવાયા હોત?”

તેમણે વધુમાં કહ્યું, “હું પણ માનું છું કે તેઓ મોટા કલાકાર છે. પરંતુ બે બાબત છે. તેઓ કાર્યક્રમ માટે ના પાડી શકતા હતા અને મંચ પરથી જનતાને અથવા મને તેમની તબિયત વિશે જણાવી શકતા હતા. કોઈના ચહેરા પર તો લખેલું હોતું નથી કે તેમની તબિયત ખરાબ છે.”

જ્યારે સુબોધ ઉનિયાલને પૂછવામાં આવ્યું કે રૅપર મીકાસિંહ તેમની પાસે માફીની માગ કરી રહ્યા છે, ત્યારે શું તેઓ માફી માગશે? તેના જવાબમાં ઉનિયાલે માત્ર એટલું જ કહ્યું, “જુઓ… ઠીક છે.”

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના નવી ટેહરીમાં આયોજિત સિદ્ધિપીઠ માતા કુંજાપુરી પર્યટન અને વિકાસ મેળા દરમિયાન જાણીતા ગાયક દલેર મહેંદીના કાર્યક્રમ વખતે ઉત્તરાખંડના કૅબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે તેમના પર દારૂ પીધેલી હાલતમાં ગીત ગાવા અને લિપ્સિંગ કરવાનો આરોપ મૂક્યો હતો.

ત્યાર બાદ દલેર મહેંદીના ભાઈ અને રૅપર મીકાસિંહે સુબોધ ઉનિયાલ પાસે માફીની માગ કરી હતી અને દાવો કર્યો હતો કે દલેર મહેંદી દારૂ પીતા જ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS