Source : BBC NEWS
અપડેટેડ 40 મિનિટ પહેલા
કોઈ સંપૂર્ણ આહાર હોત તો ઈંડાં એ માટેના એક દાવેદાર હોત. તે સરળતાથી ઉપલબ્ધ છે, રાંધવામાં સરળ છે, સસ્તાં છે અને પ્રોટીનથી ભરપૂર છે.
અમેરિકાની કનેક્ટિકટ યુનિવર્સિટીના પોષણ વિજ્ઞાનના ઍસોસિએટ પ્રોફેસર ક્રિસ્ટોફર બ્લેસો કહે છે, “ઈંડાં એક એવી વસ્તુ છે, જેમાં સજીવના વિકાસ માટેના બધા જ યોગ્ય ઘટકો હોય છે. તેથી ઈંડાં દેખીતી રીતે પોષકતત્ત્વોથી ભરપૂર છે.”
અન્ય આહારની સાથે ઈંડાં ખાવાથી આપણા શરીરને વધુ વિટામિન શોષવામાં મદદ મળે છે. દાખલા તરીકે, એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સલાડમાં ઈંડું ઉમેરવાથી ભોજનમાંથી મળતા વિટામિન ઈની માત્રામાં વધારો થઈ શકે છે.
જોકે, ઈંડાંમાંના કૉલેસ્ટ્રોલના ઉચ્ચ પ્રમાણને કારણે ઈંડાં ખાવાનું દાયકાઓથી વિવાદાસ્પદ બની રહ્યું છે. કેટલાક અભ્યાસોમાં તેને હૃદયરોગના વધતા જોખમ સાથે સાંકળવામાં આવ્યું છે. એક ઈંડાની જરદામાં લગભગ 185 મિલીગ્રામ કૉલેસ્ટ્રોલ હોય છે. તાજેતરમાં અમેરિકન ડાયેટરી ગાઇડલાઇન્સમાં 300 મિલિગ્રામ દૈનિક કૉલેસ્ટ્રોલની ભલામણ કરવામાં આવી છે. ઈંડાંમાંનું પ્રમાણ તેના કરતાં અડધાથી થોડું વધારે હોય છે.
તેનો અર્થ એવો થાય કે ઈંડાં એક આદર્શ આહાર હોવાને બદલે વાસ્તવમાં આપણને નુકસાન પહોંચાડી રહ્યાં છે?
કૉલેસ્ટ્રોલ એક પીળી ચરબી છે, જે આપણા યકૃત અને આંતરડામાં ઉત્પન્ન થાય છે. તે આપણા શરીરના દરેક કોષમાં મળી આવે છે. સામાન્ય રીતે આપણે તેને “ખરાબ” માનીએ છીએ, પરંતુ આપણા કોષ પટલમાં કૉલેસ્ટ્રોલ એક મહત્ત્વપૂર્ણ બિલ્ડિંગ બ્લૉક છે. શરીર વિટામિન ડી અને ટેસ્ટોસ્ટેરોન તથા એસ્ટ્રોજન હોર્મોન્સ બનાવી શકે એટલા માટે પણ તે જરૂરી હોય છે.
આપણું શરીર જરૂરી કૉલેસ્ટ્રોલ જાતે જ ઉત્પન્ન કરે છે, પરંતુ માંસાહારી લોકો બીફ, પ્રૉન્સ, ઈંડાં, ચીઝ અને માખણ ખાય છે તેમાં પણ તે હોય છે.
લોહીમાં રહેલા લિપોપ્રોટીન મૉલેક્યુલ્સ દ્વારા કૉલેસ્ટ્રોલનું આપણા શરીરમાં પરિવહન થાય છે. દરેક વ્યક્તિમાં અલગઅલગ પ્રકારના લિપોપ્રોટીનનું અલગ મિશ્રણ હોય છે. આપણા વ્યક્તિગત મેક-અપમાં હૃદયરોગના જોખમને નક્કી કરવામાં તેની ભૂમિકા હોય છે.
લો-ડેન્સિટી લિપોપ્રોટીન (એલડીએલ)ને “ખરાબ” કૉલેસ્ટ્રોલ ગણવામાં આવે છે. તેનું વહન યકૃતમાંથી ધમનીઓ અને શરીરની પેશીઓમાં થાય છે. સંશોધકો કહે છે કે એ કારણે રક્તવાહિનીઓમાં કૉલેસ્ટ્રોલનો સંચય થઈ શકે છે અને હૃદયરોગનું જોખમ વધી શકે છે.
જોકે, સંશોધકો કૉલેસ્ટ્રોલના સેવનને હૃદયરોગના વધતા જોખમ સાથે નિશ્ચિત રીતે જોડતા નથી. તેના પરિણામે અમેરિકાની આહાર માર્ગદર્શિકામાં હવે કૉલેસ્ટ્રોલ પર પ્રતિબંધ નથી. બ્રિટનમાં પણ એવું જ છે. તેના બદલે મર્યાદિત પ્રમાણમાં સંતૃપ્ત ચરબીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે. સેચ્યુરેટેડ ફેટ એટલે કે સંતૃપ્ત ચરબી રક્તવાહિનીઓ સંબંધી રોગ થવાનું જોખમ વધારી શકે છે. ખાસ કરીને ટ્રાન્સ ફેટ્સ ધરાવતો આહાર આપણા એલડીએલ સ્તરમાં વધારો કરે છે.
કેટલીક ટ્રાન્સ ફેટ્સ પ્રાણીજન્ય ઉત્પાદનોમાં જોવા મળતી હોય છે, પરંતુ મોટા ભાગની કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે અને માર્જરિન, નાસ્તા તથા કેટલાક બહુ તળેલા અને બેક કરેલા પેસ્ટ્રી, ડોનટ્સ તથા કેક્સમાં ઉચ્ચતમ પ્રમાણમાં જોવા મળે છે.
પ્રૉન માછલી સાથે ઈંડાં એકમાત્ર એવો આહાર છે, જેમાં ઓછી સંતૃપ્ત ચરબી ધરાવતું કૉલેસ્ટ્રોલ વધુ હોય છે.
અમેરિકન હાર્ટ ઍસોસિયેશને 2020માં એવી ભલામણ કરી હતી કે આપણે રોજ માત્ર એક જ ઈંડું ખાવું જોઈએ, પરંતુ 2020ની એક વસ્તીવિષયક અભ્યાસમાં, દરરોજ એકથી વધુ ઈંડાંના આહાર અને કોરોનરી આર્ટરી ડિસીઝ ઓછા જોખમ વચ્ચે સંબંધ જોવા મળ્યો હતો.
કનેક્ટિકટ યુનિવર્સિટીના પોષણવિજ્ઞાનનાં પ્રોફસર મારિયા લુઝ ફર્નાન્ડીઝે 2019માં સંશોધન કર્યું હતું અને ઈંડાંના આહાર તથા હૃદયરોગના વધતા જોખમ વચ્ચે કોઈ સંબંધ ન હોવાનું તેમાં જાણવા મળ્યું હતું.
તેઓ કહે છે, “માંસ અને અન્ય પ્રાણીજન્ય ઉત્પાદનોની સરખામણીએ ઈંડાંમાં કૉલેસ્ટ્રોલ વધારે પ્રમાણમાં હોય છે, પરંતુ સંતૃપ્ત ચરબી લોહીમાં કૉલેસ્ટ્રોલ વધારે છે. ઘણાં વર્ષો દરમિયાન થયેલા અનેક અભ્યાસોમાં આ દર્શાવવામાં આવ્યું છે.”
ઈંડાંની સ્વાસ્થ્ય પર થતી અસરો અંગેની ચર્ચા આંશિક રીતે બદલાઈ ગઈ છે, કારણ કે આપણે જે કૉલેસ્ટ્રોલનું સેવન કરીએ છીએ તેની ભરપાઈ આપણું શરીર કરી શકે છે.
અમેરિકાના બોસ્ટન ખાતેની ટફટ્સ યુનિવર્સિટીના પોષણ વિજ્ઞાનનાં પ્રોફસર એલિઝાબેથ જોન્સન કહે છે, “કેટલીક સિસ્ટમ્સને લીધે મોટાભાગના લોકો માટે આહારમાં કૉલેસ્ટ્રોલ કોઈ સમસ્યા નથી.”
આહારમાં કૉલેસ્ટ્રોલ અને હૃદય રોગ વચ્ચે કોઈ સંબંધ હોવાના નિર્ણાયક પુરાવા જોન્સન અને સંશોધકોની એક ટીમે 2015માં કરેલી 40 અભ્યાસોની સમીક્ષામાં મળ્યા નથી.
તેઓ કહે છે, “લોકો આહારમાં કૉલેસ્ટ્રોલનું સેવન કરતી વખતે સારી રીતે નિયમન કરતા હોય છે અને શરીર જાતે ઓછું કૉલેસ્ટ્રોલ બનાવે છે.”
ઈંડાંની વાત કરીએ તો કૉલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય માટે ઓછું જોખમ ઊભું કરી શકે છે. બ્લેસોના કહેવા મુજબ, કૉલેસ્ટ્રોલ આપણી ધમનીમાં ઑક્સિડાઇઝ થાય છે ત્યારે તે વધુ નુકસાનકારક હોય છે, પરંતુ ઈંડાંમાં રહેલા કૉલેસ્ટ્રોલનું ઑક્સિડાઇઝેશન થતું નથી.
તેઓ કહે છે, “કૉલેસ્ટ્રોલનું ઑક્સિડાઇઝેશન થાય છે ત્યારે તે વધારે બળતરા પેદા કરી શકે છે અને ઈંડાંમાં તમામ પ્રકારનાં ઍન્ટી-ઑક્સિડન્ટ્સ હોય છે, જે તેનું ઑક્સિડાઇઝેશન થતું અટકાવે છે.”
એ ઉપરાંત થોડું કૉલેસ્ટ્રોલ આપણા માટે ખરેખર સારું હોઈ શકે છે. હાઈ-ડેન્સિટી લિપોપ્રોટીન (એચડીએલ) કૉલેસ્ટ્રોલ લીવરમાં જાય છે અને ત્યાં તૂટી જાય છે તથા શરીરમાંથી દૂર થાય છે. એચડીએલ લોહીમાં કૉલેસ્ટ્રોલને વધતું અટકાવીને હૃદયરોગ સામે રક્ષણાત્મક કામ કરતું હોવાનું માનવામાં આવે છે.
ફર્નાન્ડીઝ કહે છે, “લોકોએ વાસ્તવમાં તેમના લોહીમાં પરિભ્રમણ કરતા એ કૉલેસ્ટ્રોલ વિશે ચિંતા કરવી જોઈએ, જે હૃદયરોગ તરફ દોરી જાય છે.”
આપણા શરીરમાં એચડીએલ અને એલડીએલનો ગુણોત્તર બહુ મહત્ત્વનો છે, કારણ કે એચડીએલનું સ્તર વધે છે ત્યારે એલડીએલની અસરોનો પ્રતિકાર કરે છે.
બ્લેસોના જણાવ્યા મુજબ, આપણા પૈકીના મોટા ભાગના લોકો આપણે જે કૉલેસ્ટ્રોલનો આહાર કરીએ છીએ તેને આપણા લીવરમાં સિન્થેસાઇઝ થતા કૉલેસ્ટ્રોલ સાથે બફર કરી શકીએ છીએ. આપણા પૈકીના લગભગ 33 ટકા લોકો તેનો આહાર કર્યા પછી લોહીમાં કૉલેસ્ટ્રોલ 10થી 15 ટકા વધ્યાનો અનુભવ કરી શકે છે.
પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે પાતળા અને સ્વસ્થ લોકો ઈંડાં ખાય પછી તરત જ તેમના એલડીએલમાં વધારો થવાની શક્યતા વધારે હોય છે. બ્લેસોના મતે, વધારે વજનવાળા, મેદસ્વી અથવા ડાયાબિટીસના દર્દીઓમાં એલડીએલમાં ઓછો પરંતુ એચડીએલ મોલેક્યુલ્સમાં વધુ વધારો જોવા મળે છે. તેથી તમે સ્વસ્થ હો તો વધારે વજનવાળા લોકોની સરખામણીએ ઈંડાં વધારે નકારાત્મક અસર કરી શકે છે. તમે સ્વસ્થ હો તો તમારામાં એચડીએલનું સ્તર સારું હોવાની શક્યતા વધુ હોય છે. તેથી એલડીએલમાં વધારો કદાચ બહુ હાનિકારક નથી.
ઈંડાં કૉલેસ્ટ્રોલ મારફતે અન્ય પદ્ધતિ દ્વારા હૃદય તથા રક્તવાહિનીઓના સ્વાસ્થ્યને બહેતર બનાવી શકે છે. 2022માં પ્રકાશિત એક ચીની અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે તે લોકો મધ્યમ પ્રમાણમાં ઈંડાં ખાતા હતા તેમના લોહીમાં એપોલીપોપ્રોટીન વધુ હતું, જે એચડીએલનો બિલ્ડિંગ બ્લૉક છે. તેમનામાં ખાસ કરીને વધુ મોટા એચડીએલ મોલેક્યુલ્સ હતા, જે રક્તવાહિનીઓમાંથી કૉલેસ્ટ્રોલ સાફ કરવામાં મદદરૂપ થઈને હૃદયરોગના હુમલા તથા સ્ટ્રૉક સામે રક્ષણ આપે છે.
આ તારણોને પડકારતાં સંશોધનો પણ થયાં છે, પરંતુ આવા અભ્યાસો વસ્તીવિષયક હોય છે. તેમાંથી અસરનાં કારણ જાણી શકાતાં નથી.
2019ના એક સંશોધનમાં 30,000 પુખ્ત લોકોના સરેરાશ 17 વર્ષના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં પ્રકાશિત તે સંશોધનના તારણ મુજબ, દરરોજ વધારાના અડધા ઈંડાંના આહારને હૃદયરોગ અને મૃત્યુના ઊંચા જોખમ વચ્ચે નોંધપાત્ર સંબંધ હોય છે. (તેમણે ઈંડાંની અસરોની તારવણી માટે વિવિધ આહાર પૅટર્ન, એકંદરે આરોગ્ય અને શારીરિક પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો હતો)
SOURCE : BBC NEWS