Home તાજા સમાચાર gujrati એ વચન જેના લીધે ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતી બોલતા થઈ ગયા

એ વચન જેના લીધે ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતી બોલતા થઈ ગયા

4
0

Source : BBC NEWS

પારસી ગુજરાતી ઈરાન પર્શિયા પર્શિયન દારી હોર્મુઝ નવસારી ઉદવાડા મુંબઈ ઝોરાષ્ટ્રિયન જરથોસ્તી બીબીસી ગુજરાતી ભાષા જોડણી વ્યાકરણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

“અશોક પારસી હતો” એ જાણીતા ગુજરાતી હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવે દ્વારા લખાયેલો એક અત્યંત લોકપ્રિય અને વ્યંગાત્મક હાસ્ય નિબંધ છે.

ઐતિહાસિક તથ્ય તરીકે જોવામાં આવે તો મોર્ય વંશના રાજા સમ્રાટ અશોક પારસી નહોતા. પરંતુ જ્યોતીન્દ્ર દવેએ પોતાના પુસ્તક ‘રંગતરંગ ભાગ-1’માં આ શીર્ષક હેઠળ એક રમૂજી લેખ લખ્યો હતો.

આ લેખમાં જ્યોતીન્દ્ર દવેએ પારસી સમુદાયની વિશિષ્ઠ ગુજરાતી બોલી, તેમના લહેકા અને રીતભાતનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર હાસ્ય નિષ્પન્ન કર્યું છે.

લેખકે પોતાની આગવી શૈલીમાં તર્ક અને કલ્પનાઓ લગાવીને (માત્ર મનોરંજનના ઉદ્દેશ્યથી) એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, સમ્રાટ અશોક વાસ્તવમાં એક પારસી હતા.

જ્યોતીન્દ્ર દવેનો આ લેખ ગુજરાતી હાસ્ય સાહિત્યની એક શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. આ લેખમાં બે કાલ્પનિક પારસી મિત્રો રૂસ્તમજી અને ફરામજી વચ્ચેનો એક ધમાકેદાર સંવાદ રજૂ કરવામાં આવ્યો છે.

પારસી ગુજરાતી ઈરાન પર્શિયા પર્શિયન દારી હોર્મુઝ નવસારી ઉદવાડા મુંબઈ ઝોરાષ્ટ્રિયન જરથોસ્તી બીબીસી ગુજરાતી ભાષા જોડણી વ્યાકરણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

રૂસ્તમજી: (છાપું બાજુ પર મૂકતાં, આશ્ચર્યથી) “અરે ફરામજી, તુને કંઈ ખબર છે મુવા? આ હિંદુઓ અને બુદ્ધિસ્ટો લોકો જેને પોતાનો મોટો રાજા ‘અશોક’ કહે છે ને, તે અસલ આપણો પારસી દીકરો હતો, પારસી!”

ફરામજી: (હાથમાં ચાયની રકાબી પકડતાં, અવિશ્વાસથી) “ચાલ ની યાર, રૂસ્તમ! શું નકામો લોચો મારે છે? એ તો મૌર્ય વંશનો મોટો રાજા હતો, મગધનો! આપણો પારસી ક્યાંથી આવ્યો?”

રૂસ્તમજી: (ટેબલ પર હાથ પછાડીને) “અરે દીકરા, તારી અક્કલ ચરી ગઈ છે! જરા એનું નામ તો જો, ઈતિહાસમાં એને શું કીધો છે? ‘રાજા અશોકજી’! હવે તું જ મને કે’, આ નામોની પાછળ ‘જી’ લગાડવાનો ઈજારો કોનો? જમશેદજી, કાવસજી, ફરામજી… તો પછી અશોકજી પણ આપણો જ હોય ને! મુવાઓ આપણું નામ ચોરી ગયા!”

ફરામજી: (જરા વિચારમાં પડીને) “હા યાર, વાતમાં દમ તો છે… પણ પેલા પથ્થરો પર એણે જે બધું કોતરાવ્યું છે, તેનું શું?”

રૂસ્તમજી: (હસીને) “અરે, એ જ તો મોટો પુરાવો છે! સામાન્ય માણસ કાગળ પર લખે, પણ આ અશોકજી તો પથ્થર અને ખડકો લઈને જ બેસી જતો. બધે ભીંતો પર અને પાળિયા પર પોતાનાં નામો અને કાયદા કોતરવાની આવી વિચિત્ર આદત માત્ર પારસી મિજાજમાં જ હોય! એ આપણો અસલ નવસારીનો જ હોવો જોઈએ!”

ફરામજી: (ઉત્સાહમાં આવીને) “ઓ ખોદા! ત્યારે તો પેલું કલિંગનું યુદ્ધ થયું, તેમાં પણ એણે લોહીની નદીઓ જોઈને તલવાર ફેંકી દીધી’તી ને?”

રૂસ્તમજી: “હાસ્તો વળી! યુદ્ધના મેદાન પર એટલી બધી હિંસા અને મરેલા માણસો જોઈને એ બિચારો દયાળુ પારસી જીવ ધ્રૂજી ઉઠ્યો! એનાથી બોલાઈ ગયું– ‘ઓ માય ગોડ, આ શું કીધું? આ તો બહુ મોટો લોચો થઈ ગયો!’ એટલે એણે હિંસા છોડી દીધી અને શાંતિનો રસ્તો પકડ્યો!”

જ્યોતીન્દ્ર દવે સુરતના હતા અને તેમણે મુંબઈમાં પણ લાંબો સમય વિતાવ્યો હતો. આ બંને શહેરો પારસી સંસ્કૃતિ અને તેમની અનોખી બોલીનાં મુખ્ય કેન્દ્રો છે. તેથી તેમણે પારસી સમુદાયના લહેકાને આબેહૂબ પકડીને લિખિત સ્વરૂપ આપ્યું છે. વાંચતી વખતે વાચકના મનમાં એ જ વિશિષ્ઠ અવાજ ગુંજવા લાગે છે. પરંતુ તમને ખબર છે કે ઈરાનથી આવેલા આ પારસીઓ ગુજરાતી બોલતા કેવી રીતે થઈ ગયા અને તેમની આ ગુજરાતી બોલીમાં ખાસ લહેકો ક્યાંથી આવ્યો?

ઈરાનથી સંજાણ આગમન અને ગુજરાતીનો સ્વીકાર

પારસી ગુજરાતી ઈરાન પર્શિયા પર્શિયન દારી હોર્મુઝ નવસારી ઉદવાડા મુંબઈ ઝોરાષ્ટ્રિયન જરથોસ્તી બીબીસી ગુજરાતી ભાષા જોડણી વ્યાકરણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

અંદાજે 8મીથી સદીમાં જ્યારે ઈરાન (પર્શિયા)માં ધાર્મિક પરિવર્તન અને આક્રમણનો દોર ચાલતો હતો, ત્યારે જરથોસ્તી ધર્મ પાળતા પારસીઓ દરિયાઈ માર્ગે ભારત આવવા નીકળી પડ્યા હતા.

આમ તો પારસીઓનો ભારત સાથે વર્ષોથી સંબંધ હતો અને તેમનો વ્યાપાર અને સામાજિક સંબંધ જૂનો હતો પરંતુ એક મત પ્રમાણે ઈરાનમાં જ્યારે આરબોનું આક્રમણ થયું ત્યારે તેઓ ‘પોતાના ધર્મને બચાવવા’ માટે ભારતમાં સૌપ્રથમ દીવ આવ્યા. દીવમાં 19 વર્ષ ગાળીને તેઓ સંજાણ ગયા.

પારસી ઇતિહાસનો એક માત્ર ગ્રંથ ‘કિસ્સા-એ-સંજાણ’ મનાય છે. જે નવસારીના પારસી ધર્મગુરુ બરમન કેકોબાદ સંજાણાએ લગભગ ઈ.સ. 1600માં લખ્યો હતો. આ પુસ્તકમાં લખાયેલી વિગતો વિશે અનેક મતમતાંતર છે. તેમાં વિગતોની વિસંગતતાને લઈને કેટલાક ઇતિહાસકારો તેને સંપૂર્ણ માનવા તૈયાર નથી. છતાં આ પુસ્તક ગુજરાતમાં પારસીઓના આગમનનો એક માત્ર સ્રોત હોવાનું કહેવાય છે.

આ પુસ્તકમાં વર્ણન છે કે, પારસીઓ વર્ષ 775માં સંજાણ ઊતર્યા હતા. જોકે, કેટલાક ઇતિહાસકારોના મત પ્રમાણે તેઓ વર્ષ, 716માં આવ્યા હતા.

પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે, તે સમયે સંજાણમાં જાદી રાણાનું રાજ હતું.

જોકે, આ નામના રાજા તે સમયે હતા કે કેમ તે વિશે પણ અનિશ્ચિતતા છે.

કિસ્સા-એ-સંજાણમાં લખ્યા અનુસાર, તે સમયે જાદી રાણા સમક્ષ પારસીઓએ જરથોસ્તી ધર્મ વિશે 16 સિદ્ધાંતો રજૂ કર્યા હતા. આ સાંભળીને રાજાએ તેમને શરતી શરણાગતિ આપવાનો નિર્ણય કર્યો હતો.

પારસી ઇતિહાસકાર અને માઇનોરિટી કમિશન ઑફ ઇન્ડિયાના પૂર્વ વાઇસ ચૅરમૅન કેરસી દેબૂ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “તે સમયે રાજાએ પારસીઓને સ્થાનિક ભાષા અપનાવવાની શરત પણ મૂકી હતી, સાથે સ્થાનિક પહેરવેશ અપનાવવા, લગ્નસમારંભ રાત્રે કરવા, હથિયારો ન રાખવા અને કોઈનું પણ ધર્મપરિવર્તન ન કરવાનાં વચનો લીધાં હતાં. જેને કારણે પારસીઓ તેમનાં આપેલાં વચન અનુસાર ગુજરાતી ભાષા બોલતા થયા હતા.”

નવસારીસ્થિત ‘સર કાવસજી જહાંગીર નવસારી ઝરથોસ્તી મદ્રેસા’ના પૂર્વ આચાર્ય અને પારસી ઇતિહાસના જાણકાર દારા જોખી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, “પારસીઓ ગુજરાતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા અને સ્વાભાવિક છે કે તેમને સ્થાનિક બોલીમાં જ વ્યવહાર કરવો પડતો. તેથી તેમણે સમય જતા ગુજરાતીને અપનાવી લીધી. તેઓ જ્યાં ગયા ત્યાંના થઈને રહ્યા.”

અવેસ્તા અને પહેલવી તથા પ્રાચીન ઈરાની ભાષાના નિષ્ણાત અને મુંબઈ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. પરવેઝ બજાન બીબીસી ગુજરાતીને જણાવે છે, “અમારા પૂર્વજોએ આ શરતો માનીને કોઈ ધાર્મિક પરિવર્તન નહોતું કર્યું પરંતુ તેમનામાં એક સામાજિક પરિવર્તન લાવ્યું હતું. સમય જતાં ગુજરાતી જ તેમની માતૃભાષા બની ગઈ.”

પારસીઓનો લહેકો

પારસી ગુજરાતી ઈરાન પર્શિયા પર્શિયન દારી હોર્મુઝ નવસારી ઉદવાડા મુંબઈ ઝોરાષ્ટ્રિયન જરથોસ્તી બીબીસી ગુજરાતી ભાષા જોડણી વ્યાકરણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઈરાનથી આવેલા પારસીઓ માટે ગુજરાતીના ‘ળ’, ‘ણ’, ‘શ’ કે ‘ષ’ જેવા ચોક્કસ ધ્વનિઓનો સ્પષ્ટ ઉચ્ચાર કરવો અઘરો હતો. આથી, તેમણે શબ્દોને પોતાના લહેકા પ્રમાણે ઢાળી દીધા, જેનાથી એક અનોખો પ્રવાહ (Accent) ઊભો થયો જેને આજે આપણે ‘પારસી બોલી’ તરીકે ઓળખીએ છીએ.

ડૉ. પરવેઝ બજાન કહે છે, “જ્યારે જૂના પર્શિયામાં આરબોના આક્રમણ બાદ તેઓ નાસતા ફરતા હતા ત્યારે તેઓ તેમની મૂળ ભાષા બોલવાને બદલે વચ્ચે કોઈ શબ્દ મૂકી દેતા હતા જેથી તેમની ઓળખાણ છતી ન થાય. કારણકે, તે સમયે જરથોસ્તીઓને માટે ઓળખ જીવનું જોખમ બની હતી. આ ભાષાનું નામ પડ્યું ‘ડરી’. આ ડરી ભાષા બોલતા પારસીઓને કારણે પણ તેમનો લહેકો બદલાયો હતો.”

દારા જોખી જણાવે છે, “પહેલાં તો તેમને ગુજરાતના કાંઠા વિસ્તારમાં જ રહેવું પડ્યું હતું, તેથી તેઓ અહીંના સ્થાનિક આદિવાસીઓ સાથે સંપર્કમાં આવ્યા હતા અને તેમની સાથેને દૈનિક વ્યવહારને કારણે પર્શિયન એટલે કે ફારસી અને ગુજરાતીનો સમન્વય થયો. સ્થાનિક ભાષામાં કેટલાક ઉચ્ચારો સાથે તેમની જીભ અને તાળવાનો યોગ્ય મેળાપ ન થયો, તેને કારણે તેમની બોલીમાં ભાષાનો અપભ્રંશ થયો.”

“ગુજરાતમાં કહેવત છે કે બાર ગામે બોલી બદલાય. તેઓ મરાઠીભાષી વિસ્તારમાં ગયા તો તેમની બોલી બોલવા લાગ્યા. દહાણુ, વાંસદા, વસઈ ખાતે તેઓ સ્થાનિક સમુદાય સાથે ભળી ગયા અને તેને કારણે તેમની બોલી મિશ્રિત થતી ગઈ.”

આમ તો, તેમનાં ગ્રંથો અવેસ્તા ભાષામાં લખાયેલાં હતાં. જે હાલ કોઈને આવડતી નથી. તે સમય દરમિયાન પર્શિયન કે પહેલવીનું ચલણ હતું. આધુનિક ફારસી પાછળથી બોલાતી થઈ.

ડૉ. પરવેઝ બજાન કહે છે, “વેદકાળની સંસ્કૃત ભાષા અને અવેસ્તા વચ્ચે ઘણું સામ્ય છે.શરૂઆતમાં તો ગુજરાતમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે શુદ્ધ ગુજરાતી પણ અસ્તિત્વમાં આવી નહોતી. અવેસ્તા ભાષા અને સંસ્કૃતના શ્લોકોમાં ઘણી સામ્યતા જોવા મળે છે. તે સમયે અમારા પારસી વિદ્વાનોએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને અમારાં ગ્રંથોનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો.”

“આજે પણ ઘણા પારસી વિદ્વાનો દ્વારા પવિત્ર ગ્રંથોના સંસ્કૃત અનુવાદની પાંડુલિપિ ઉપસ્થિત છે.”

પારસી લેખન મંડળ દ્વાર પ્રકાશિત ‘ગુજરાતી શૈલી તથા લેખન પદ્ધતિ’ પુસ્તકમાં ઇતિહાસકાર અને લેખક શાપુરજી કાવશજી હોડીવાલા લખે છે, “નીચલા તબકાના લોકો સાથેના સંપર્કોને કારણે પારસીઓની ભાષા દૂષિત બની. કાળક્રમે પારસીઓમાં ફારસી બોલવાનું ચલણ પણ વધ્યું. ગુજરાતીમાં વ્યાકરણ અને શબ્દોના આકારો બગડવા લાગ્યા.”

પારસી ગુજરાતી

પારસી ગુજરાતી ઈરાન પર્શિયા પર્શિયન દારી હોર્મુઝ નવસારી ઉદવાડા મુંબઈ ઝોરાષ્ટ્રિયન જરથોસ્તી બીબીસી ગુજરાતી ભાષા જોડણી વ્યાકરણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ભાષા માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ તે જે-તે સમુદાયના ઇતિહાસ, સંસ્કૃતિ, મિજાજ અને અસ્તિત્વની ઓળખ છે. વૈશ્વક સ્તરે અને ખાસ કરીને ભારતમાં, પારસી સમુદાય એક અતિ લઘુમતી કોમ હોવા છતાં પોતાની અનોખી જીવનશૈલી માટે જાણીતો છે. પારસીઓની આ આગવી ઓળખનો સૌથી મોટો સ્રોત તેમની અનોખી ‘પારસી બોલી’ છે.

દારા જોખી જણાવે છે, “જ્યારે પારસીઓ મુઘલોના સંપર્કમાં આવ્યા ત્યારે તેમણે ફારસી બોલવાનું શરૂ કર્યું. દક્ષિણ ગુજરાતમાં જ્યારે પોર્ટુગીઝો ભારતમાં આવ્યા ત્યારે તેમની સાથે પણ તેમના સંબંધો સ્થપાયા. તેથી સેલવાસ અને દીવ-દમણમાં રહેતા પારસીઓ પોર્ટુગીઝ ભાષાના સંપર્કમાં આવ્યા, પછી અંગ્રેજો સાથે પણ તેમણે અંગ્રેજીને અપનાવી લીધી. એટલે બધાની બોલી તેમની ભાષામાં ભળી ગઈ.”

‘ગુજરાતી શૈલી તથા લેખન પદ્ધતિ’ પુસ્તકમાં લેખક શાપુરજી કાવશજી હોડીવાલા લખે છે, “કવિ પ્રેમાનંદના સમયમાં પારસી મોબેદ(ધર્મગુરુ) રુસ્તમ પેશુતન હમજિયાર થઈ ગયા. તેમણે તે વખતની શુદ્ધ ગુજરાતીમાં શ્યાવક્ષનામું, જરથોસ્તનામું, વીરાફનામું અને અસ્પંદિયારનામું એવા ગ્રંથો વર્ષ 1680ના સુમારે રચ્યાં હતાં.આ ગ્રંથોમાં ગુજરાતી ભાષાની જોડણી પર ઝાઝું લક્ષ્ય આપ્યું નહોતું.”

પારસીઓમાં કેળવણીનો પ્રસાર હતો. વર્ષ 1819માં ફરદુનજી મરઝબાને મુંબઈ સમાચાર નામનું વર્તમાનપત્ર પ્રથમ બહાર પાડ્યું. પછી વર્ષ 1831માં જામે જમશેદ ચાલુ થયું.

શાપુરજી કાવશજી હોડીવાલા લખે છે, “આ બધાં લખાણોમાં ઘરગત્થુ ભાષાનો પરિચય ઝાઝો હોવાથી આ બધાં વર્તમાનપત્રો કે લખાણોમાં મિશ્રિત ભાષાનું પ્રમાણ વધતું ગયું. તેથી હિંદુભાઈઓએ તેને પારસી ગુજરાતી એવું નામ આપ્યું.”

“જોકે, કેટલાક અગ્રણીઓ હતા જેણે આ આક્ષેપ ખોટો ઠેરવ્યો. બેરામજી મલબારી, જમશેદજી પીટીટ, ખરશેદજી ફરામરોઝ, અરદેશર ખબરદાર જેવા લેખકોએ ગુજરાતી ભાષામાં ઓછો વધતો સુધારો કીધો.”

પારસી ગુજરાતી એ શુદ્ધ ગુજરાતી ભાષાનું એક એવું રસપ્રદ અને મીઠું સ્વરૂપ છે, જેમાં ફારસી (પર્શિયન), અંગ્રેજી અને ગુજરાતી ભાષાનો સમન્વય જોવા મળે છે. આ બોલી જેટલી સાંભળવામાં મધુર અને રમૂજી લાગે છે, તેટલો જ તેનો ઇતિહાસ પણ રોચક છે.

પારસી લેખકોએ શુદ્ધ તળપદી ગુજરાતીના સ્થાને પોતાની આ વિશિષ્ટ ઉચ્ચારવાળી ‘પારસી-ગુજરાતી બોલી’ માં જ મોટેભાગે નાટકો, હાસ્યલેખો અને સાહિત્યિક સર્જનો કર્યાં છે. તેમણે સામયિકો અને સાહિત્ય દ્વારા આ બોલીને વધુ જીવંત અને રમૂજી બનાવી.

પારસી ગુજરાતીના અનોખા અને રમૂજી શબ્દો

પારસી ગુજરાતી ઈરાન પર્શિયા પર્શિયન દારી હોર્મુઝ નવસારી ઉદવાડા મુંબઈ ઝોરાષ્ટ્રિયન જરથોસ્તી બીબીસી ગુજરાતી ભાષા જોડણી વ્યાકરણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

પારસીઓએ જ્યારે ગુજરાતી અપનાવી, ત્યારે તેમાં ફારસી અને અંગ્રેજીના મિશ્રણથી પોતાની એક અનોખી છાપ ઊભી કરી. તેમની બોલીના કેટલાક પ્રખ્યાત અને રમુજી રૂઢિપ્રયોગો અને શબ્દો આ પ્રમાણે છે:

એવણ તો ફોટો ફ્રેમ થઈ ગયા: આનો અર્થ એ થાય કે ‘તેઓ ગુજરી ગયા/સ્વર્ગવાસી થયા’.

તંબુમાં સાહેબ: આ એક ખુશખબર આપવા માટેનો રમુજી સંકેત છે, જેનો અર્થ થાય છે ‘કોઈ સ્ત્રી ગર્ભવતી છે’.

વિકેટ પૂરી થઈ ગઈ: કોઈ વ્યક્તિના અવસાનના સમાચાર આપવા માટે ક્રિકેટની ભાષામાં વપરાતો શબ્દ.

ફેકોલૉજી માસ્ટર: જે વ્યક્તિ બહુ મોટી-મોટી વાતો કે ગપ્પાં મારતી હોય તેને પારસીઓ આ નામથી બોલાવે છે.

માઈ ઘી / દૂધ પાઉં: બહુ નરમ, ભોળા અથવા ડરપોક સ્વભાવના છોકરા માટે વપરાતો શબ્દ.

ભેજાંનું દહીં કરવું: મગજ ખરાબ કરવું અથવા બહુ પરેશાન કરવું.

પાણીને ‘પાનિ’ અને બટાકાને ‘પપેટા’: શુદ્ધ ગુજરાતીના ‘ણ’ અક્ષરને પારસીઓ બહુ નરમાશથી ‘ન’ ઉચ્ચારે છે.

પ્રખ્યાત પારસી શબ્દો

પારસી ગુજરાતી ઈરાન પર્શિયા પર્શિયન દારી હોર્મુઝ નવસારી ઉદવાડા મુંબઈ ઝોરાષ્ટ્રિયન જરથોસ્તી બીબીસી ગુજરાતી ભાષા જોડણી વ્યાકરણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

એવણ/તેવણ: તેઓ શબ્દ માટે પારસીઓ એવણ કે તેવણ શબ્દ વાપરે છે.

દીકરા / દીકરી: આ શબ્દો માત્ર પોતાના સંતાનો માટે જ નહીં, પણ ઉંમરમાં નાની કોઈ પણ વ્યક્તિને વહાલથી બોલાવવા માટે વપરાય છે.

માયજી/બાવજી: માતા માટે ‘માયજી’ અથવા ‘માય’ અને પિતા માટે ‘બાવજી’ શબ્દનો ઉપયોગ થાય છે.

ખોદાયજી: ભગવાન અથવા ઈશ્વર (ખુદા) માટે પારસીઓ આ શબ્દ વાપરે છે.

પોઇરી/પોઇરો: છોકરી/છોકરો (મરાઠી શબ્દ ‘પોરી’ પરથી આવેલો છે, જે મુંબઈના પારસીઓમાં વધુ પ્રચલિત છે).

ઘેલો/ઘેલી: ગાંડો અથવા પાગલ (વહાલમાં અથવા મજાકમાં કહેવા માટે).

ચવલી: બહુ વાતોડી અથવા પંચાતિયા સ્વભાવની વ્યક્તિ.

મરેરે: આશ્ચર્ય, અફસોસ કે કંટાળો વ્યક્ત કરવા માટે વપરાતો ઉદ્ગાર (જેમ કે, “ઓહ માય ગૉડ!”).

ભોંયતળિયું: ઘરનું નીચેનો ફ્લૉર અથવા જમીન.

પારસી બોલીની મુખ્ય લાક્ષણિકતાઓ

પારસી ગુજરાતી ઈરાન પર્શિયા પર્શિયન દારી હોર્મુઝ નવસારી ઉદવાડા મુંબઈ ઝોરાષ્ટ્રિયન જરથોસ્તી બીબીસી ગુજરાતી ભાષા જોડણી વ્યાકરણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

પારસી બોલીની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:

મધ્યકાલીન ગુજરાતીનું પ્રતિબિંબ: પારસી બોલીએ પ્રાચીન કે મધ્યકાલીન ગુજરાતીનાં કેટલાંક રૂપો આજે પણ જાળવી રાખ્યાં છે. ઉદાહરણ તરીકે, તેમાં ભૂતકૃદંત માટે ‘ઇયો’ પ્રત્યય વપરાય છે (જેમ કે ‘ગયો’ ને બદલે ‘ગિયો’ કે ‘કર્યો’ ને બદલે ‘કરિયો’), જે 17મી-18મી સદીની જૂની ગુજરાતીમાં જોવા મળતો હતો.

ફારસી અને અંગ્રેજી શબ્દોનું મિશ્રણ: પારસી ગુજરાતીમાં અવેસ્તા, પહલવી અને ફારસી ભાષાના ધાર્મિક તેમજ સામાજિક શબ્દો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત, બ્રિટિશ કાળ દરમિયાન અંગ્રેજી સંસ્કૃતિની નજીક રહેવાને કારણે તેમની બોલીમાં અંગ્રેજી શબ્દો પણ સહજતાથી વણાઈ ગયા છે.

વિશિષ્ટ ઉચ્ચારણ અને લહેકો: સામાન્ય ગુજરાતી કરતાં પારસીઓનું ઉચ્ચારણ ઘણું અલગ હોય છે. તેઓ ‘છે’ ને બદલે ‘ચ’ અથવા ‘છ’ નો સહેજ જુદો ઉચ્ચાર (જેમ કે ‘શું કરે છે?’ ને બદલે ‘સુ કરેચ?’) કરે છે.

રમૂજી અને જીવંત સ્વભાવ: પારસી બોલી તેના હાસ્યરસ અને તીખા વળાંકો માટે જાણીતી છે. નાટકો, સાહિત્ય અને રોજિંદી વાતચીતમાં પારસી કહેવતો અને અનન્ય ઉચ્ચારો ખૂબ જ મનોરંજક લાગે છે.

પારસીઓ દ્વારા રોજિંદા વપરાશના વાક્યો

પારસી ગુજરાતી ઈરાન પર્શિયા પર્શિયન દારી હોર્મુઝ નવસારી ઉદવાડા મુંબઈ ઝોરાષ્ટ્રિયન જરથોસ્તી બીબીસી ગુજરાતી ભાષા જોડણી વ્યાકરણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

તમે શું કરો છો? આ વાક્યને પારસીઓ તમે શું કરેચ? અથવા શું ચાલેચ દીકરા? એવું કહે છે.

હું હમણાં જ આવું છું. આ વાક્યને પારસીઓ હું હમણાં જ આયો ને ગિયો, એવું કહે છે.

બહુ પંચાત ના કર. આ વાક્યને પારસીઓ બહુ ચવલીવેડા ના કર ની! એવું કહે છે.

ચિંતા ન કરો, ભગવાન બધું સારું કરશે.આ વાક્યને પારસીઓ ફિકર નહીં કરો, ખોદાયજી બધું સારું કરશે, એવું કહે છે.

જલદી તૈયાર થઈ જાઓ, મોડું થાય છે. આ વાક્યને પારસીઓ સામાન્ય રીતે ઝટપટ તૈયાર થઈ જાવ ની, મોડું થાયચ, એવું કહે છે.

તે સાવ ગાંડો થઈ ગયો છે. આ વાક્યને પારસીઓ તે તો આખો ઘેલો થઈ ગિયો છે, એવું કહે છે.

પારસી બોલી બોલતી વખતે વાક્યના અંતે “ની” (જેમ કે: આવજો ની, કરજો ની) અથવા “ચ” (જેમ કે: ખાયચ, પીયચ) લગાડવાનો ખાસ લહેકો હોય છે, જે આ બોલીને વધુ મીઠી અને અનન્ય બનાવે છે.

કેટલીક પારસી કહેવતો

પારસી ગુજરાતી ઈરાન પર્શિયા પર્શિયન દારી હોર્મુઝ નવસારી ઉદવાડા મુંબઈ ઝોરાષ્ટ્રિયન જરથોસ્તી બીબીસી ગુજરાતી ભાષા જોડણી વ્યાકરણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

પારસી ગુજરાતીમાં આ સોજ્જી મજાની મનાતી કોમનું ‘ડહાપણ’ પણ દેખાય છે.

તેઓ દુનિયાદારીને બહુ સરળતાથી રમૂજથી વ્યક્ત કરે છે. પારસી કહેવતો અને રૂઢિપ્રયોગો પર સૂની તારાપોરવાલા અને મહેર મારફતીયાએ ‘પારસી બોલ’ નામનું એક પુસ્તક પણ લખ્યું હતું.

તેમાં કોઈ માણસ મુરખ હોય તો તેને તેઓ કહે છે, ‘તેને તો બુધવારના પણ વાંધા છે.’ એટલે કે સોમવાર અને મંગળવાર બોલ્યા પછી શું બોલવું તે પણ ખબર નથી.

નાક સુકાયચ, એવું કોઈ પારસી કહે એટલે સમજી જવાનું કે નાક સુકાઈ રહ્યું છે અને ડ્રિન્ક લેવાનો ટાઇમ થઈ ગયો છે.

જીભમાં કાણું પડી ગયું– એમ કોઈ પારસી કહે તો સમજવાનું કે હવે મારે શું કહેવું તે સમજ પડતી નથી.

કોઈ ખોટેખોટે તમારા દુખમાં સહભાગી હોવાનું દેખાડે ત્યારે પારસી લોકો કહે છે, આંખમાં આંસૂ નહીં અને નાકમાં નીટ નહીં.

લાંબા સાથે ટૂંકો જાયવાળી કહેવત પારસી લોકો આમ કહે છે, મોગલની સુજે વાનિયો ચાલે, મરે નહીં ને માંડો પરે.

કાગડો દિંથરું લઈ જાય, તેને તેઓ કહે છે, ગઢેરો દરાખ ચાવી ગયો.

ગુડ ફૉર નથિંગ કહેવું હોય તો તેઓ કહે છે, તદ્દન પોનિયો છે, માય બાપે અમઠો ઉજાગરો કીધો.

કોઈનાથી ત્રાસી ગયેલા પારસી શું કહેશે? અહીં મલ્યો તો મલ્યો, ઉપર નીં મલતો.

કોઈને શ્રાપ આપવાનું મન થાય ત્યારે, તેઓ કહે છે- તારે ઘેર તાર આવે.

બહું ફાંકા મારતા લોકોને પારસીઓ કહે છે, મોટે ઘેરે મોટી વાત ને અરધી રોટલી પર આખી રાત.

દેખાડો કરતા લોકો માટે, તેઓ કહે છે- પાછલ મોગરો ને અંડર છાનનો પોડરો.

પારસી ગુજરાતી ઈરાન પર્શિયા પર્શિયન દારી હોર્મુઝ નવસારી ઉદવાડા મુંબઈ ઝોરાષ્ટ્રિયન જરથોસ્તી બીબીસી ગુજરાતી ભાષા જોડણી વ્યાકરણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

પારસી રમૂજોમાં બહુ સાહજિક રીતે કેસ્કને લગતી રમૂજો પણ છે પરંતુ તે ક્યારે અભદ્ર કે અશ્લીલ પણ પણ લાગે છે અને ક્યારે હસાવે પણ છે. એક બીજી પણ કહેવત મજાની છે, ઊંટને ઘેર લગન થયા, તો ગઘેરાને ગાવા તેડ્યા.

પારસી કહેવતોમાં અનેક ઠેકાણે એક ચોક્કસ શારીરિક અંગના ઉલ્લેખો પણ આવે છે.

છાંટોપાણી, બૂમબરાડા તો આપણને ખબર છે પરંતુ ગતરમ-સતરમ એટલે કે ગોટાળો કે હાથચાલાકી. ડોલતી ડમકતી એટલે રખડેલ. તીરીમતરાક એટલે સજીધજીને તૈયાર થવું. ધુતમદ્યાતમ એટલે કાળો જાદુ, ચાવાચીવી એટલે ગોસિપ. ખરાબ સંગતનું ઉદાહરણ આપતા પારસીઓ કહે છે, ગધેરા પાસે ગાય બાંધી, તે તીજે દિવસ ભૂકવા લાગી.

દેખાવ અને સ્વભાવ માટેના ખાસ શબ્દો

પારસી ગુજરાતી ઈરાન પર્શિયા પર્શિયન દારી હોર્મુઝ નવસારી ઉદવાડા મુંબઈ ઝોરાષ્ટ્રિયન જરથોસ્તી બીબીસી ગુજરાતી ભાષા જોડણી વ્યાકરણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઘરારા જેવો : ખૂબ જ ઊંચો, કદાવર અને દેખાવડો પુરુષ. (સામાન્ય ગુજરાતીમાં: ‘હટ્ટો-કટ્ટો માણસ’).

દૂધ પાવ : સાવ ઢીલો, સહેજમાં રડી પડે તેવો અથવા મમ્મીની પાછળ ફરતો રહેતો છોકરો. (સામાન્ય ગુજરાતીમાં: ‘બાયલો’ કે ‘બીકણ’).

જીભડું : કોઈ નાનું બાળક બહુ ચપળ હોય, મોઢા પર તરત જવાબ આપી દે તેવું વાતોડિયું હોય, ત્યારે તેને પારસીઓ વહાલથી ‘જીભડું’ કહે છે.

હાઉસન-જાઉસન : ઐરા-ગેરા નત્થુ ખૈરા, એટલે કે ગમે તેવા સામાન્ય અથવા રખડતા લોકોનો સમૂહ.

ખાન-પાન અને મહેફિલના અનોખા શબ્દો

પારસી ગુજરાતી ઈરાન પર્શિયા પર્શિયન દારી હોર્મુઝ નવસારી ઉદવાડા મુંબઈ ઝોરાષ્ટ્રિયન જરથોસ્તી બીબીસી ગુજરાતી ભાષા જોડણી વ્યાકરણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ભોણું : જમવાનું અથવા થાળી. જ્યારે લગ્ન કે નવજોત (જનોઈ સંસ્કાર)ની મિજબાની હોય ત્યારે પારસીઓ કહે છે, “ચાલો રે ભાઈ, ભોણું તૈયાર છે!”

તાંસ મારવી : પહેલાંના જમાનામાં પારસીઓ તાડી કે દારૂના માટલામાંથી સીધો લહેકો મારીને (ગટગટાવીને) પીતા, તેને ‘તાંસ મારવી’ કહેવાતું.

સરકો : સરકો એટલે વિનેગર. આ શબ્દ અસલ ફારસીના ‘Serkeh’ પરથી આવ્યો છે, જે પારસીઓ રસોઈમાં બહુ વાપરે છે.

પીયાજ : સામાન્ય ગુજરાતીમાં આપણે જેને ‘ડુંગળી’ કે ‘કાંદો’ કહીએ, તેને પારસીઓ ફારસી મૂળના શબ્દ ‘પીયાજ’ (Piyāz) તરીકે ઓળખે છે.

સામાજિક અને ધાર્મિક વિશિષ્ટ શબ્દો

પારસી ગુજરાતી ઈરાન પર્શિયા પર્શિયન દારી હોર્મુઝ નવસારી ઉદવાડા મુંબઈ ઝોરાષ્ટ્રિયન જરથોસ્તી બીબીસી ગુજરાતી ભાષા જોડણી વ્યાકરણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

પાક : પવિત્ર અથવા શુદ્ધ. પારસીઓ અગિયારી (તેમના ધર્મસ્થાન)માં રહેલા અગ્નિને ‘પાક આતશ આદરિયાન’ તરીકે ખૂબ જ આદરપૂર્વક બોલાવે છે.

અવલમંજલ : વ્યક્તિના મૃત્યુ પછીની અંતિમક્રિયા અથવા છેલ્લી સફર. સામાન્ય ગુજરાતીમાં આને અંતિમ સંસ્કાર કહેવાય.

નવજોત : પારસી સમુદાયમાં બાળકને ધર્મમાં દીક્ષિત કરવાનો પવિત્ર પ્રસંગ (જેમ હિંદુઓમાં કેટલાક સમુદાયમાં જનોઈ સંસ્કાર હોય છે).

વિલક્ષણ વાક્યપ્રયોગો

પારસી ગુજરાતી ઈરાન પર્શિયા પર્શિયન દારી હોર્મુઝ નવસારી ઉદવાડા મુંબઈ ઝોરાષ્ટ્રિયન જરથોસ્તી બીબીસી ગુજરાતી ભાષા જોડણી વ્યાકરણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

પારસીઓ લાંબી વાતોને ટૂંકમાં પતાવવા માટે આવા અનોખા પ્રાસવાળા શબ્દો જોડીને વાપરે છે:

ઘોરામાં ગધેરો : બહુ જ અસંગત વાત હોવી. (જેમ કે કોઈ બહુ ભણેલી વ્યક્તિ સાવ મૂર્ખ જેવું કામ કરે ત્યારે).

માઈ મૂરો બાપ ગાજર : જેનો કોઈ વંશવેલો કે ઠેકાણું બરાબર ન હોય તેવી વ્યક્તિ.

તાત્યા ટોપે જેવો : જે માણસના માથાના વાળ એકદમ વિખરાયેલા હોય કે અસ્તવ્યસ્ત હોય, તેને પારસીઓ કહેશે, “શું તાત્યા ટોપે જેવો થઈને રખડેચ!

આમ, સમયાંતરે ગુજરાતી ભાષા એ પારસીઓ માટે માત્ર આશ્રયની શરત નહોતી રહી, પણ સમય જતાં તેમના અસ્તિત્વ અને સંસ્કૃતિનું એક અતૂટ અંગ બની ગઈ.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS