Home તાજા સમાચાર gujrati એશિયન ગેમ્સના પાંચમા દિવસે ભારતને મળ્યા બે મેડલ, મિક્સ્ડ 4*400 મીટર રિલેમાં...

એશિયન ગેમ્સના પાંચમા દિવસે ભારતને મળ્યા બે મેડલ, મિક્સ્ડ 4*400 મીટર રિલેમાં જીત્યો સિલ્વર – ન્યૂઝ અપડેટ

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAI

પ્રકાશિત

વાંચવાનો સમય: 7 મિનિટ

જાપાનના આઇચી નાગોયામાં આયોજિત એશિયન ગેમ્સ 2026ના પાંચમા દિવસે ગુરુવારે ભારતે ઍથ્લેટિક્સમાં બે મેડલ પોતાના નામ કર્યા છે.

દિવસનો પ્રથમ મેડલ સીમાકુમારએ મહિલા દસ હજાર મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતીને અપાવ્યો.

તેની અમુક મિનિટ બાદ ભારતની મિક્સ્ડ 4*400 મીટર રિલે ટીમે સિલ્વર મેડલ જીત્યો.

એમ. આર. પૂવમ્મા, વિશાલ થેન્નારાસુ, વિદ્યા રામરાજ અને મનુ ટીએસની ટીમે શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ પોતાના નામે કર્યો.

તેમજ, મહિલા ટ્રિપલ જમ્પમાં ભારતનાં આશા ઇલાંગો ખૂબ નિકટના મુકાબલમાં મેડલ જીતવાથી ચૂકી ગયાં અને ચોથા સ્થાને રહ્યાં. ભારતનાં એક અન્ય ઍથ્લીટ નિહારિક વશિષ્ઠ દસમા સ્થાને રહ્યાં.

મહિલા દસ હજાર મીટર ફાઇનલમાં સીમાકુમાર અંતિમ ક્ષણો સુધી મેડલની દોડમાં જળવાયેલાં રહ્યાં. ગોલ્ડ મેડલ માટે બહરીનના વિનફ્રેડ યાવી અને જાપાનનાં નોજોમી તનાકા વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો.

આ દરમિયાન સીમાએ અંતિમ તબક્કામાં અન્ય દોડવીરોથી આગળ નીકળી જઈને ત્રીજું સ્થાન હાંસલ કર્યું અને ભારતને વધુ એક મેડલ અપાવ્યો.

અફઘાનિસ્તાનનાં 10 ડ્રૉન ઠેકાણાં પર પાકિસ્તાને કર્યો હુમલો

અફઘાનિસ્તાનનાં 10 ડ્રૉન ઠેકાણાં પર પાકિસ્તાને કર્યો હુમલો – ન્યૂઝ અપડેટ કંધાર પાસે થયેલા હુમલા બાદ આગ અને ધુમાડાના ગોટા જોવા મળ્યાં હતાં. બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે દાવો કર્યો છે કે પાકિસ્તાન વાયુસેનાએ અફઘાનિસ્તાનનાં એવાં 10 ઠેકાણાં પર હુમલો કર્યો છે, જ્યાં ડ્રૉનો સંગ્રહિત કરવામાં આવ્યાં હતાં અને જ્યાંથી તેમને લૉન્ચ કરવામાં આવતાં હતાં.

બીબીસી ઉર્દૂના અહેવાલ મુજબ, પાકિસ્તાને હુમલો કરાયેલાં સ્થળોની કોઈ વિગત જાહેર કરી નથી.

આ પહેલાં પાકિસ્તાને બુધવારે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાંથી તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરનારાં આઠ ડ્રૉનોને ઠાર મારવામાં આવ્યાં હતાં.

તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા સિદ્દીકુલ્લાહ નુસરતે બુધવારે બીબીસીને જણાવ્યું હતું કે, “અફઘાનિસ્તાન તરફથી પાકિસ્તાન પર કોઈ હુમલો કરવામાં આવ્યો નથી.”

તેમણે કહ્યું, “અફઘાન વાયુસેનાએ હજુ સુધી કોઈ ડ્રૉન હુમલો કર્યો નથી, અને જવાબી કાર્યવાહીનો સમય તથા સ્વરૂપ અફઘાન વાયુસેના દ્વારા જ નક્કી કરવામાં આવશે.”

બીજી તરફ, અફઘાનિસ્તાનની ટૉલો ન્યૂઝના અહેવાલ મુજબ, ખોસ્તના ગવર્નરના પ્રવક્તા મુસ્તગફર ગુરબુઝે જણાવ્યું હતું, “પાકિસ્તાનના હુમલાઓ સવારે લગભગ 3:30 વાગ્યે થયા હતા અને ગુરબુઝ જિલ્લાના કૅમ્પ ગુલ્લન વિસ્તાર ઉપરાંત ઇસ્માઇલ ખૈલ અને મંડીજી જિલ્લાનાં કેટલાક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા.”

તેમના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે હુમલો થયેલાં સ્થળો વિશે કોઈ માહિતી આપી નથી.

જોકે, ગેટી ઇમેજેસે એએફપી સમાચાર એજન્સી મારફતે કેટલીક તસવીરો જાહેર કરી છે, જેમાં કંધારમાં થયેલા હવાઈ હુમલા બાદ આગની જ્વાળાઓ અને ધુમાડો ઊઠતો જોવા મળે છે.

જજે ટ્રમ્પના વ્હાઇટ હાઉસ મીડિયા પ્રતિબંધ પર રોક લગાવી, તેને તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યો

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગયા અઠવાડિયે ત્રણ સમાચાર સંસ્થાઓ પર વ્હાઇટ હાઉસના રિપોર્ટિંગમાંથી પ્રતિબંધ મૂક્યો હતો.

ઇમેજ સ્રોત, Spencer Platt/Getty Images

અમેરિકામાં એક જજે વ્હાઇટ હાઉસને ત્રણ સમાચાર સંસ્થાઓ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે આ સમાચાર સંસ્થાઓને વ્હાઇટ હાઉસમાં પ્રવેશથી રોકી દીધા હતા.

ડિસ્ટ્રિક્ટ ઑફ કૉલંબિયાની એક અદાલતે આ પ્રતિબંધ સામે અસ્થાયી રોકનો આદેશ જાહેર કર્યો છે. તેના હેઠળ CNN, MS Now અને Politicoને વ્હાઇટ હાઉસ સુધીની પહોંચ આગામી 14 દિવસ માટે ફરીથી પુનઃસ્થાપિત કરવી પડશે.

આ ત્રણેય મીડિયા સંસ્થાઓએ આ પ્રતિબંધને અસંવિધાનિક ગણાવીને અદાલતમાં કાનૂની પડકાર આપ્યો હતો.

ટ્રમ્પ પ્રશાસને અદાલતમાં પોતાના નિર્ણયનો બચાવ કરતાં આ મીડિયા સંસ્થાઓ પર ખોટી માહિતી પ્રકાશિત કરવાનો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું કરવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે, અદાલતે આ દલીલને નામંજૂર કરી દીધી હતી.

એઆઈ એજન્ટે ઑસ્ટ્રેલિયન સરકારના પૉર્ટલમાં ‘ઘૂસણખોરી’ કરી, વડા પ્રધાને શું કહ્યું?

એઆઈ એજન્ટે ઑસ્ટ્રેલિયન સરકારના પૉર્ટલમાં 'ઘૂસણખોરી' કરી, વડા પ્રધાને શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, EPA

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એજન્ટે ઑસ્ટ્રેલિયન સરકારની એક વેબસાઇટમાં “ઘૂસણખોરી” કરી હતી.

આ એજન્ટે ઑસ્ટ્રેલિયાની સર્વજન આરોગ્ય સેવા યોજના મેડિકેર (Medicare) સાથે સંબંધિત એક આંકડાકીય પૉર્ટલને હૅક કર્યું હતું, જેમાં માત્ર બિન-સંવેદનશીલ (non-sensitive) ડેટા ઉપલબ્ધ હતો.

અલ્બનીઝના જણાવ્યા અનુસાર, આ હૅકિંગ જૂન મહિનામાં થયું હતું. જોકે, ઓપનએઆઈને તેની માહિતી ઑગસ્ટમાં મળી હતી અને કંપનીએ 10 સપ્ટેમ્બર સુધી ઑસ્ટ્રેલિયન સરકારને આ અંગે જાણ કરી નહોતી.

ઓપનએઆઈએ જણાવ્યું છે કે ઉપલબ્ધ માહિતીના આધારે એવું માનવામાં આવતું નથી કે કોઈ દર્દીના વ્યક્તિગત મેડિકલ રેકૉર્ડ્સ સુધી પહોંચ મેળવી શક્ય હતી.

અલ્બનીઝે કહ્યું કે તેમણે આ ઘટનાને લઈને ઓપનએઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સેમ ઑલ્ટમૅન સાથે “ખૂબ જ સ્પષ્ટ અને સીધી વાતચીત” કરી હતી.

ઑસ્ટ્રેલિયાની સાયબર સુરક્ષા એજન્સી આ ઘૂસણખોરીની તપાસ કરી રહી છે. વડા પ્રધાન અલ્બનીઝે આ ઘટનાને “અસ્વીકાર્ય” ગણાવી છે અને તેની ગંભીરતાથી તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

રોશિબીનાદેવીએ એશિયન ગેમ્સમાં સતત ત્રણ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો

રોશિબીનાદેવીએ એશિયન ગેમ્સમાં સતત ત્રણ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Andy Cheung/Getty Images

મણિપુરનાં રોશિબીનાદેવી એશિયન ગેમ્સની વુશુ સ્પર્ધામાં સતત ત્રીજો મેડલ જીતનારાં ખેલાડી બની ગયાં છે.

જાપાનના નાગોયામાં યોજાઈ રહેલા એશિયન ગેમ્સમાં ગુરુવારે ભારતીય વુશુ ખેલાડી રોશિબીનાદેવી નાઓરેમે મહિલાઓની 60 કિલોગ્રામ વજન શ્રેણીની વુશુ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો.

સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ, આઇચી પ્રિફેક્ચરલ માર્શલ આર્ટ્સ હૉલમાં યોજાયેલા 20મા એશિયન ગેમ્સના ચોથા દિવસે રોશિબીનાદેવીએ ઇન્ડોનેશિયાનાં કુસુમાનિંગત્યાસ થાનિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ફાઇનલ મુકાબલામાં તેમને ચીનની ઝાંગ શિયાઓયુ સામે 0-2થી હારનો સામનો કરવો પડ્યો.

મુકાબલામાં ઝાંગનો સંપૂર્ણ દબદબો રહ્યો હતો. તેમણે બંને રાઉન્ડ 5-0થી જીત્યા અને કુલ 10-0ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

સમાચાર એજન્સી પીટીઆઇ મુજબ, રોશિબીનાદેવી એશિયન ગેમ્સમાં વુશુ સ્પર્ધામાં સતત ત્રણ મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગયાં છે.

આ એશિયન ગેમ્સમાં રોશિબીનાનો ત્રીજો મેડલ છે. તેમણે:

2018 જકાર્તા-પાલેમ્બેંગ એશિયન ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

2023 હાંગઝોઉ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

2026 નાગોયા એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે.

આ રીતે તેમણે સતત ત્રણ એશિયન ગેમ્સમાં મેડલ જીતવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

રોશિબીનાદેવી નાઓરેમ મણિપુરનાં રહેવાસી છે અને તેમને વર્ષ 2023માં અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમની આ સિદ્ધિ ભારતીય વુશુના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ મુકામ તરીકે જોવામાં આવી રહી છે.

USS અબ્રાહમ લિંકનના આઠ જવાનોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો : પેન્ટાગોન

બીબીસી ગુજરાતી અમેરિકન યુદ્ધ જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકન વિમાનવાહક યુદ્ધજહાજ અબ્રાહમ લિંકન અને તેના સ્ટ્રાઇક ગ્રૂપના ઓછામાં ઓછા આઠ નાવિકોએ આત્મહત્યાની કોશિશ કરી હતી.

બીબીસીના અમેરિકન સહયોગી સીબીએસને મળેલા અમેરિકન નેવીના ઍક્ઝિક્યુટિવ સેક્રેટરી હાંગ કાઓના એક પત્રથી આ વાતની પુષ્ટિ થઈ છે.

સીએનએનએ સૌથી પહેલાં આ પત્ર વિશે જાણકારી આપી હતી.

આ યુદ્ધજહાજને લગભગ 10 મહિના અગાઉ મધ્યપૂર્વમાં તહેનાત કરવામાં આવ્યું હતું અને તે રેકૉર્ડ સમય સુધી તહેનાત રહ્યું હતું.

સીબીએસ ન્યૂઝે આ મામલે ટિપ્પણી માટે અમેરિકન નૌકાદળનો સંપર્ક કર્યો છે.

લિંકન જહાજ અને ચાલકદળના લગભગ 5,000 સભ્યોની તહેનાતી એ સમયે તપાસ હેઠળ આવી જ્યારે ગયા મહિને નાવિકોના પરિજનો અને કૉંગ્રેસના ઘણા સભ્યોએ યુદ્ધજહાજ પર રહેવાની સ્થિતિ અને તેના કર્મચારીઓના માનસિક આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ઈરાન-અમેરિકા યુદ્ધ શરૂ થયા પછી લિંકન અને તેનાં સ્ટ્રાઇક ગ્રૂપ્સને મધ્યપૂર્વમાં ગોઠવવામાં આવ્યાં હતાં.

(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)

અમેરિકામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ભવ્ય સ્વાગત, ટ્રમ્પ સ્વયં ઍરપૉર્ટ પહોંચ્યા

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ચીન રાષ્ટ્રપતિ શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ જોઇન્ટ બેઝ એન્ડ્રુઝના રન-વે પર શી જિનપિંગ અને તેમનાં પત્ની પેંગ લુયુઆનનું સ્વાગત કરવા પહોંચ્યાં હતાં. આ દરમિયાન રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી.

1962 પછી પહેલી વખત એવું બન્યું છે જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ આ ઍરબેઝ પર કોઈ વિદેશી નેતાનું વ્યક્તિગત રીતે સ્વાગત કર્યું હોય. બીબીસી વ્હાઇટ હાઉસના સંવાદદાતા મુજબ આ ભવ્ય સ્વાગત દર્શાવે છે કે ટ્રમ્પ આ મુલાકાતને કેટલું મહત્ત્વ આપે છે.

વિમાનમાંથી ઉતર્યા પછી શી જિનપિંગે ટ્રમ્પ સાથે હાથ મિલાવ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓની પત્નીઓ પણ તેમની સાથે હતી.

ઓમાનના દરિયાકિનારે કૉમર્શિયલ જહાજ પર હુમલામાં એક ભારતીય નાવિકનું મોત

બીબીસી ગુજરાતી ઓમાન જહાજ ભારતીય નાગરિક મૃત્યુ

ઇમેજ સ્રોત, KARIM SAHIB/AFP via Getty Images

ભારતીય વિદેશ મંત્રાલયે ઓમાનના પૂર્વ કિનારે કૉમર્શિયલ જહાજ એમપી કેપ દાઓ પર થયેલા હુમલાની ટીકા કરી છે.

જહાજ પર સવાર 20 ભારતીય નાગરિકોમાંથી 19ને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે એક નાગરિકનું દુ:ખદ મૃત્યુ થયું છે. ભારત સરકારે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી છે.

ઓમાનસ્થિત ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ભારતીય નાગરિકો ઝડપથી પોતાના દેશ પરત આવી શકે તે માટે ઓમાનના અધિકારીઓ સાથે સમન્વય કરી રહ્યું છે. ભારતે સહાયતા બદલ ઓમાન સરકારનો આભાર પણ માન્યો છે.

નિવેદનમાં જણાવાયું છે કે આ ક્ષેત્રમાં કૉમર્શિયલ જહાજો પર સતત થઈ રહેલા હુમલા એ ચિંતાનો વિષય છે. ભારતે તણાવ ઘટાડવા અને આ ક્ષેત્રમાં તાત્કાલિક શાંતિ સ્થાપવા માટે સંવાદ અને કૂટનીતિનો માર્ગ અપનાવવાની જરૂપિયાત પર ભાર મૂક્યો છે. ભારતે કહ્યું છે કે કૉમર્શિયલ જહાજો, નાવિકો અને સિવિલ માળખાને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS