Home તાજા સમાચાર gujrati એશિયા કપ : હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાનના મોહસિન નકવી પાસેથી...

એશિયા કપ : હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાનના મોહસિન નકવી પાસેથી ટ્રૉફી લેવાનો ઇનકાર કર્યો, શું છે સમગ્ર વિવાદ?

5
0

Source : BBC NEWS

asia cup, એશિયા કપ, પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, મહિલા ક્રિકેટ ટીમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

દુબઈમાં રવિવારે મહિલા ટી-20 એશિયા કપની ફાઇનલમાં જીત મેળવ્યા પછી ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીના હાથે ટ્રૉફી લેવાનો ઇનકાર કરી દીધો હતો.

મોહસિન નકવી એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકે ત્યાં હાજર હતા.

આ મૅચમાં શ્રીલંકાને 72 રને હરાવ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કૅપ્ટન હરમનપ્રીતકોરે પોતાનાં સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરી. પરંતુ આઠમી વખત એશિયા કપ જીતનાર ટીમનું નેતૃત્વ કરનારાં હરમનપ્રીત પ્રેઝન્ટેશન સમારોહ દરમિયાન ટ્રૉફી લેવા આવ્યાં ન હતાં.

ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 183 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 111 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

અમ્પાયરોને સ્મૃતિચિહ્નો અને રનર-અપ શ્રીલંકાનાં ખેલાડીઓને મેડલ તથા ઇનામની રકમનો ચેક આપ્યા બાદ પ્રેઝન્ટેશન સમારોહ પૂર્ણ કરી દેવામાં આવ્યો. પાકિસ્તાને આ ઘટનાને ખેલભાવના સાથે જોડતા કહ્યું કે જો ખેલભાવના જ નથી, તો હાર કે જીતનો કોઈ અર્થ રહેતો નથી.

2025માં પણ પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીત્યા બાદ ભારતીય પુરુષ ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રૉફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

દુબઈમાં સ્થાનિક સમય મુજબ રાત્રે 9 વાગ્યાને 55 મિનિટે મૅચ પૂર્ણ થઈ હતી, પરંતુ લગભગ 40 મિનિટ સુધી પ્રેઝન્ટેશન સમારોહ શરૂ થાય તેની રાહ જોવામાં આવી. ત્યારબાદ મેદાન પર કેટલીક હલચલ જોવા મળી. અમ્પાયરોને સ્મૃતિચિહ્નો આપવામાં આવ્યા અને અંતે ઉપવિજેતા શ્રીલંકાની ટીમ પોતાના મેડલ લેવા માટે તૈયાર જોવા મળી.

કૅપ્ટન ચમારી અટાપટ્ટુએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નકવીના હાથે ઇનામની રકમનો ચેક સ્વીકાર્યો.

રવિવારે ઇનામ વિતરણ સમારોહમાં નકવીની હાજરીને લઈને વિવાદની શક્યતા અગાઉથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી.

મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધેલા તણાવ બાદ ભારતીય ક્રિકેટરો પાકિસ્તાની ખેલાડીઓ અને તેમના પ્રતિનિધિઓ સાથે હાથ મિલાવવાનું ટાળી રહ્યા છે.

ગયા વર્ષે પુરુષ ટીમે આવું કર્યું હતું અને આ વર્ષે મહિલા ટીમે પણ આવું જ કર્યું.

ભારતીય કોચ અને બીસીસીઆઈના સચિવે શું કહ્યું

asia cup, એશિયા કપ, પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, મહિલા ક્રિકેટ ટીમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sajjad HUSSAIN / AFP via Getty Images

ભારતીય મહિલા ટીમના કોચ અમોલ મજૂમદારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “બીસીસીઆઈએ જે વલણ અપનાવ્યું છે, અમે તેના પર અડગ છીએ અને તેને સમર્થન કરીએ છીએ. અમારા માટે આ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ ચૂકી છે અને અમે ચેમ્પિયન છીએ. અમારા માટે એટલું જ પૂરતું છે. મોટા બોર્ડ પર પણ લખેલું હતું કે ભારત એશિયા કપ 2026નું ચેમ્પિયન છે. અમારા માટે આ ટુર્નામેન્ટ સત્તાવાર રીતે પૂર્ણ થઈ ચૂકી છે. અમે ચેમ્પિયન બનીને ખુશ છીએ અને હવે એશિયન ગેમ્સ તરફ નજર રાખી રહ્યા છીએ.”

આ મામલે પ્રતિક્રિયા આપતાં બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ સમાચાર એજન્સી IANSને કહ્યું કે, “એશિયા કપમાં ટ્રોફીને લઈને વિવાદ છે. અમારી પુરુષ ટીમે લગભગ દોઢ વર્ષ પહેલાં એશિયા કપ જીત્યો હતો. પરંતુ એપ્રિલ 2025માં પહલગામની ઘટના પછી સમગ્ર પરિસ્થિતિ બદલાઈ ગઈ. ત્યારબાદ દેશના લોકો તરફથી અમારા પર દબાણ હતું કે અમારે અમારા પડોશી દેશ સાથે કોઈપણ પ્રકારના સંબંધો રાખવા જોઈએ નહીં અને તેની સાથે ક્રિકેટ પણ રમવું જોઈએ નહીં. પરંતુ અમારી સરકારની નીતિ એવી છે કે બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં અમારે દરેક દેશ સામે રમવું જોઈએ.”

મોહસિન નકવી સાથેની મુલાકાત અંગે તેમણે સમાચાર એજન્સીને કહ્યું કે, “એવું નથી કે અમે કોઈને મળતા જ નથી. હું ટોસથી લઈને મૅચ પૂરી થાય ત્યાં સુધી રોયલ બોક્સની બેઠકોની બહાર બેઠો હતો. આખી મૅચ દરમિયાન હું ત્યાં જ બેઠો રહ્યો. મૅચ દરમિયાન જે પણ મને મળવા આવ્યા, તેમને મળ્યો. કોઈ મારી બાજુમાં આવીને બેઠું, પછી શુક્લા (રાજીવ) આવ્યા અને મારી સાથે બેઠા. જે વ્યક્તિ (મોહસિન નકવી)નો તમે ઉલ્લેખ કર્યો, તે પણ આવ્યા અને ડેપ્યુટી ચેરમેન ખાલિદ સાહેબની બાજુમાં બેઠા. આ સામાન્ય પરંપરા છે. જ્યારે પણ કોઈ આવે છે, અમે સૌને મળીએ છીએ અને વાતચીત કરીએ છીએ.”

‘ભારતની કૂટનીતિક અને સૈન્ય હાર મટી નહીં જાય’

asia cup, એશિયા કપ, પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, મહિલા ક્રિકેટ ટીમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alex Davidson-ICC/ICC via Getty Images

પાકિસ્તાનની સમાચાર વેબસાઇટ ‘ધ ડોન’માં પ્રકાશિત અહેવાલ મુજબ, આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતાં પાકિસ્તાનના ગૃહ રાજ્યમંત્રી તલાલ ચૌધરીએ કહ્યું કે ટ્રોફી લેવાનો ઇનકાર કરવાથી ભારતની “કૂટનીતિક અને સૈન્ય હાર મટી નહીં જાય.”

જિયો ન્યૂઝ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ભારત “ખેલ સંસ્કૃતિને બરબાદ” કરી રહ્યું છે.

તેમણે કહ્યું, “ખેલભાવના મહત્ત્વની છે. જો તમારી અંદર ખેલભાવના જ નથી, તો જીત કે હારનો કોઈ અર્થ રહેતો નથી.”

ચૌધરીએ કહ્યું કે ભારતમાં “સમગ્ર દેશમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ભરી દેવામાં આવ્યો છે.”

તેમણે કહ્યું, “અમારી ખેલ સંસ્કૃતિ શાંતિ અને પ્રેમનું પ્રતીક રહી છે અને તેણે અનેક યુદ્ધો સમાપ્ત કરવામાં પણ ભૂમિકા ભજવી છે, પરંતુ હવે તે નબળી પડી રહી છે.”

રાજ્યમંત્રીએ કહ્યું કે પાકિસ્તાને રમતગમતને રાજકારણનો ભાગ બનાવ્યા નથી અને બંને દેશો વચ્ચેના ટકરાવનું નિશાન પણ બનાવ્યા નથી.

તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન “દરેક વિવાદાસ્પદ મુદ્દા” પર વાતચીત કરવા તૈયાર છે.

કૅપ્ટન હરમનપ્રીતે શું કહ્યું

asia cup, એશિયા કપ, પાકિસ્તાન, ભારત, ક્રિકેટ, મહિલા ક્રિકેટ ટીમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સામાન્ય રીતે મૅચ બાદ ઇનામ વિતરણ સમારોહમાં વિજેતા ટીમનાં કૅપ્ટનનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. પરંતુ ભારતની 72 રનની જીત બાદ હરમનપ્રીતકોરનો ઇન્ટરવ્યૂ અલગથી લેવામાં આવ્યો હતો.

હરમનપ્રીતકોરે કહ્યું, “મને લાગે છે કે અમે અમારા નક્કી કરાયેલા ધોરણો મુજબ પ્રદર્શન કર્યું, કારણ કે જ્યારે અમે અહીં આવ્યા હતા ત્યારે અમે આ જ બાબત વિશે વાત કરી હતી.”

“અમારા કેટલાક ધોરણો છે અને અમારે દરરોજ તેના પર ખરા ઊતરવું પડે છે. જે રીતે અમે સૌએ પ્રદર્શન કર્યું છે, તેનાથી અમે ખૂબ ખુશ છીએ.”

“મને લાગે છે કે છોકરીઓએ સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. ફાઇનલમાં 184 રન બનાવવા એ મોટી વાત છે.”

હરમનપ્રીતે ખાસ કરીને સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની પ્રશંસા કરી.

બંનેએ ઇનિંગ્સની શરૂઆત કરતાં પ્રથમ વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી અને આક્રમક અર્ધશતક ફટકારીને ટીમને મજબૂત શરૂઆત અપાવી.

હરમનપ્રીતે કહ્યું, “અમે બધા જાણતા હતા કે દુબઈની ધીમી પિચ પર બેટિંગ કરવું એટલું સરળ નહીં હોય.”

“પરંતુ અમારી બંને ઓપનર બેટરોએ અમારા માટે શાનદાર કામ કર્યું. સ્મૃતિ અને શેફાલીએ જે રીતે બેટિંગ કરી, તે ઉત્તમ હતું.”

“આખરે વાત સારી ક્રિકેટ રમવાની છે અને કુલ મળીને હું ખૂબ ખુશ છું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS