Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
કચ્છનું પાંધ્રો ગામ ગુજરાત સરકારની મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (GMDC) નામની કંપની દ્વારા ચલાવવામાં આવતી લિગ્નાઇટ પ્રકારના કોલસાની ખાણ અને તેના પર આધારિત વીજળી ઉત્પન્ન કરવા માટેના થર્મલ પાવર પ્લાન્ટ માટે જાણીતું છે. માતાના મઢથી આશરે 35 કિલોમીટર દૂર આવેલા પાંધ્રો તરફ જઈએ એટલે પાવર પ્લાન્ટની ઊંચી ઊંચી ચીમનીઓ કેટલાય કિલોમીટર દૂરથી દેખાવા લાગે છે. સ્થાનિક ન હોય તેવા લોકો માટે આ પાવર પ્લાન્ટ પાંધ્રોની ઓળખનું સૌથી મોટું ચિહ્ન છે.
પાંધ્રો જૂથ ગ્રામ પંચાયતમાં પાંધ્રો ઉપરાંત નજીકમાં જ આવેલા નવાનગર, સોનલનગર, એકતાનગર અને શ્યામજી કૃષ્ણવર્મા નગર તરીકે ઓળખાતી GMDCની કોલોનીનો સમાવેશ થાય છે. લખપત તાલુકાના સૌથી મોટા ગામ તરીકે પાંધ્રો ભલે જાણીતું હોય, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન પાંધ્રોની બગલમાં આવેલા નવાનગર ગામે પણ પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે.
હાલના દિવસોમાં સંખ્યાબંધ છોટા હાથી અને મલ્ટી યુટિલિટી વ્હિકલ્સ સુકો ઘાસચારો ભરીને નવાનગરમાંથી બહાર નીકળતા આખો દિવસ જોવા મળે છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર નવાનગર છેલ્લા છ મહિના દરમિયાન કચ્છ જિલ્લાના ઘાસચારાના એક મોટા બજાર તરીકે સ્થાપિત થયું છે.
પંજાબ સાથેનું ક્યુ કનેક્શન કામ કરી ગયું?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
નવાનગરના પાદરમાં રોડની જમણી બાજુએ આવેલી એક વાડીમાં લીલી જુવારના ખેતરના શેઢે ડાંગરના પરાળની એક મોટી ગંજી દેખાય છે. એ વાડી નિર્મલસિંહ બ્રાર નામના શીખ ખેડૂતની છે. જો ગામની નજીક જઈએ તો નવાનગર બસ સ્ટેન્ડની નજીક અન્ય બે જગ્યાએ આવી મોટી મોટી ગંજીઓ જોવા મળે છે.
નિર્મલસિંહનો પરિવાર પંજાબના મોગા જિલ્લાનો વતની છે, પરંતુ નિર્મલસિંહ જણાવે છે કે તેઓ 40 વર્ષથી નવાનગરમાં સ્થાયી થયા છે અને ખેતી અને ઘાસચારો વેચવાનો વેપાર ચાલુ કર્યો છે. તેઓ પંજાબ અને હરિયાણાથી ડાંગર એટલે કે ચોખાનું પરાળ, ઘઉંનું કુંવળ (ઘઉંના છોડમાંથી ઘઉંના દાણા કાઢી લીધા બાદ છોડના વધેલા અવશેષો) અને મકાઈનું સાઇલેજ લાવે છે અને નવાનગરમાં વેચે છે. મકાઈનું સાઇલેજ એટલે મકાઈના લીલા છોડના ટુકડા કરી તેમાં મકાઈના દાણા અને અન્ય પોષક તત્ત્વો ઉમેરી પશુઓ માટે તૈયાર કરાતું એક પ્રકારનું અથાણું.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે, “આમ તો હું ખેડૂત છું, પરંતુ કચ્છમાં આ વર્ષે વરસાદ નથી થયો તેથી ચારાની બહુ તંગી છે અને માલધારીઓ અહીં બહુ વધારે છે. તેથી, કેટલાય લોકોએ મને કહ્યું કે કંઈક કરો. આથી, બે-અઢી મહિનાથી મેં આ વેપાર ચાલુ કર્યો છે. હું પંજાબ-હરિયાણાથી ચોખાનું પરાળ, ઘઉંનું કુંવળ અને મકાઈનું સાઇલેજ લાવું છું અને લોકોને વેચું છું.”
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
પંજાબ અને હરિયાણામાંથી નિર્મલસિંહ જેવા કેટલાય શીખ ખેડૂતો લખપત તાલુકામાં આવીને વસી ગયા છે અને ખેતી કરે છે. નિર્મલસિંહ કહે છે કે તેમના જેવા ઘણા અન્ય ખેડૂતોએ કેટલાય મહિનાઓથી આ વ્યવસાય શરૂ કરી દીધો છે. તેમની સાથે સ્થાનિક લોકોએ પણ આ વેપારમાં ઝંપલાવ્યું છે. મૂળ માટી ખોદકામના કૉન્ટ્રેક્ટર તેવા નવાનગરના પૂનમચંદ નાણાવટીએ પણ છેલ્લા બે-અઢી મહિનાથી ઘાસચારાનો વેપાર ચાલુ કર્યો છે. તે જ રીતે પ્રભુલાલ રાજગોર ઉર્ફે શર્માજી પણ નવાનગરમાં મૂળ તો ખેતીવાડી માટે બિયારણ અને જંતુનાશકના વેપારી છે, પરંતુ તેઓ પણ હાલ ઘાસચારો વેચી રહ્યા છે.
પાંધ્રો જૂથ ગ્રામ પંચાયતનાં સરપંચ ભચીબહેન રાયમાના દીકરા દરિયાખાન રાયમા આ વિસ્તારના આગેવાન છે. તેઓ બીબીસી ગુજરાતીને જણાવે છે, “ત્રણ-ચાર દાયકા અગાઉ પંજાબ અને હરિયાણાના કેટલાય ખેડૂતો અહીં આવીને આ વિસ્તારમાં વસી ગયા હતા અને અહીંના લોકો સાથે ભળી ગયા હતા. તેમાંથી કેટલાય હજુ પણ અહીં જ રહે છે અને પંજાબ સાથેના સંપર્કો પણ જાળવે છે. પાછલાં દસેક વર્ષ દરમિયાન કેટલાય શીખ ખેડૂતો કચ્છ છોડીને પંજાબ-હરિયાણા પાછા જતા રહ્યા છે, પરંતુ તેમણે પણ લખપતના સ્થાનિક લોકો સાથે સંબંધો જાળવી રાખ્યા છે. અમારા પંથકમાં રહેતા સરદારજી અને તેમના થકી પંજાબમાં ઓળખાણ ધરાવતા અહીંના સ્થાનિક લોકોએ ત્યાંથી પરાળ અને કુંવળ લાવી વેચવાનું ચાલુ કર્યું છે. તેના પરિણામે નવાનગરમાં ઘાસચારાનું એક નવું બજાર અસ્તિત્વમાં આવ્યું છે.”
કેટલું પરાળ-કુંવળ વેચાય છે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
નિર્મલસિંહ કહે છે કે તેઓ દર અઠવાડિયે સરેરાશ 20 ટ્રક ભરીને અંદાજે 250 ટન (1 ટન = 1000 કિલો) એટલે કે આશરે 25 લાખ કિલો ઘાસ વેચે છે. “એકાદ મહિના પહેલા તો સ્થિતિ આનાથી પણ ખરાબ હતી. હું દરરોજ પાંચ ખટારા ભરીને અંદાજે 60 ટન ચારો વેચતો હતો. સદ્ભાગ્યે ભુજ, નખત્રાણા અને તેની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ થઈ જવાથી ત્યાં માગ ઘટી છે. પરંતુ લખપત વિસ્તારમાં હજુ પણ વરસાદ નથી થયો તેથી અહીં માગ હજુ પણ ઘણી વધારે છે.”
પ્રભુલાલ કહે છે કે તેઓ દરરોજ 25 ટન ચારો વેચે છે અને આખા લખપત તાલુકા ઉપરાંત બાજુના અબડાસા તાલુકામાંથી પણ 50-60 કિલોમીટર દૂરથી માલધારીઓ ચારો ખરીદવા નવાનગર આવે છે. પૂનમચંદ કહે છે કે તેઓ પણ દરરોજ સરેરાશ 13થી 14 ટન ચારો વેચે છે અને 10 ગાડી એટલે કે આશરે 140 ટનના ઑર્ડર માલધારીઓએ તેમને આપ્યા છે.
નવું બજાર બનવા છતાં માલધારીઓને કેમ બમણો માર છે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
લખપતના કેટલાય માલધારીઓએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ચાર-પાંચ મહિના અગાઉ પરાળની જે ગાંસડી 60 રૂપિયામાં મળતી હતી તે હવે 300 રૂપિયે પહોંચી ગઈ છે. બીજી તરફ પૂરતો ખોરાક ન મળતાં ગાયો-ભેંસોના દૂધ સુકાઈ રહ્યા છે. તેથી, માલધારીઓને બમણો માર પડી રહ્યો છે. લખપત અને અબડાસા તાલુકામાંથી સેંકડો માલધારીઓ હિજરત કરીને બન્નીના ઘાસિયા મેદાન તેમ જ પૂર્વ કચ્છમાં વાગડ વિસ્તાર તરફ જઈ રહ્યા છે.
બીબીસી ગુજરાતીએ નવાનગરની 27 ઑગસ્ટે મુલાકાત લીધી ત્યારે નવાનગરના માલધારી હરેશદાન ગઢવી પ્રભુલાલ રાજગોરને ત્યાંથી ચારો ખરીદી રહ્યા હતા. તેમણે કુંવળની 65 કિલોની એક એવી ત્રણ ગાંસડી અને પરાળની 20 કિલોની એક એવી 13 ગાંસડીઓ ખરીદી. કુંવળનો ભાવ 13 રૂપિયા પ્રતિ કિલો અને પરાળનો ભાવ 14 રૂપિયા પ્રતિ કિલો હતો. હરેશદાને 5000 રૂપિયા પ્રભુલાલને ચૂકવ્યા.
હરેશદાનને 10 વીઘા જમીન છે અને 25 ભેંસો પાળે છે. પરંતુ તેઓ કહે છે કે વરસાદ ન થવાથી ન તો ગૌચરમાં ઘાસ છે કે ન તો તેમની વાડીમાં કોઈ પાક છે, કારણ કે ખેતી વરસાદ આધારિત છે. તેઓ કહે છે, “અત્યારે તકલીફનો પાર નથી. આજે 5000 રૂપિયાનો ચારો લાવ્યો તે ચાર-પાંચ દિવસ ચાલશે. બીજી તરફ પાણી અને ઘાસની તંગીને કારણે ભેંસોનું દૂધઉત્પાદન ઘટી ગયું છે. જે ભેંસો પાંચ કે સાત લિટર દૂધ આપતી હતી તે અત્યારે બે-બે લિટર પર આવીને ઊભી છે. આ સ્થિતિ છેલ્લા ચાર મહિનાથી છે. મેં ઓછામાં ઓછો ત્રણ લાખનો ચારો વેચાતો લીધો છે. મહિને 25000 રૂપિયાનો ચારો થાય છે અને દૂધ પાંચથી છ હજાર રૂપિયાનું થાય છે. હવે હિજરત કરવી પડે તેવી સ્થિતિ છે.”
ઓમદાન ગઢવી નામના અન્ય માલધારી 20 ભેંસો રાખે છે. તેઓ કહે છે કે આવા ઊંચા ભાવે પણ નવાનગરમાં ચારો જોઈએ તેટલો મળતો નથી. તેઓ કહે છે, “ચારો લેવા વારામાં ઊભા રહેવું પડે છે. એક દિવસ ટ્રક-ટ્રેલર આવે છે અને ચારો લઈ આવીએ, પછી ચોથા દિવસે બીજી વાર વારો આવે છે. સરકારે ઘાસ કાર્ડ આપ્યાં છે પરંતુ હજુ સુધી ઘાસની એક ગાંસડી પણ નથી આપી. મારે રોજનું 120 કિલો ઘાસ જોઈએ પણ તે મળતું નથી. જંગલમાં ઘાસ નથી, ખાલી બાવળ ઊભા છે. બહુ કપરી હાલત છે. ભેંસોના હાડકાં નીકળી આવ્યાં છે, તેથી આવતી સાલ કોઈ વેતર જ નહીં થાય.”
ભાવો કેમ ભડકે બળે છે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
પ્રભુલાલ કહે છે, “પંજાબમાં ખેડૂત પાસે માલ જ નથી. હવે માત્ર ત્યાંની કંપનીઓ પાસે આનો સ્ટોક છે. કંપનીઓ વેચે છે પરંતુ તમને ખબર જ હશે કે કંપનીઓ ભાવ વધારે જ લેવાની. બીજી તરફ ડીઝલના ભાવ વધ્યા એટલે ભાડાં વધ્યાં.” તેઓ ઉમેરે છે કે દોઢેક મહિના પહેલાં તેઓ પરાળની ગાંસડી 190થી 200 રૂપિયામાં વેચતા હતા તે હવે 250 રૂપિયામાં વેચાય છે.
નિર્મલસિંહ કહે છે કે પંજાબમાં જ પરાળ અને કુંવળના ભાવ વધી ગયા છે. તેઓ કહે છે, “પંજાબમાં પરાળ ત્રણથી ચાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતું હતું તે હવે સાડા પાંચ રૂપિયાથી છ રૂપિયાનું થઈ ગયું છે, કારણ કે ત્યાં કંપનીઓ પરાળમાંથી ફ્યુઅલ પેલેટ બનાવી ફૅક્ટરીઓને બળતણ તરીકે વેચવા લાગી છે. બીજી તરફ કચ્છમાં માગ ખૂબ વધી છે, તેથી ભાવ વધ્યા છે.”
નિર્મલસિંહ ઉમેરે છે કે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં કચ્છના ભુજ અને નખત્રાણા તાલુકાઓમાં વરસાદ થયો તે પહેલાં દૈનિક ધોરણે સરેરાશ 60 ખટારા પરાળ અને કુંવળ પંજાબ-હરિયાણામાંથી કચ્છ આવતું હતું. તેઓ એમ પણ ઉમેરે છે કે પંજાબથી પરાળ-કુંવળ કચ્છ પહોંચાડવાનું ભાડું સરેરાશ ચાર રૂપિયા થાય છે અને વેપારીઓ માલ ભરવા-ખાલી કરવાની મજૂરી ઉમેરી સરેરાશ એક રૂપિયા પ્રતિ કિલોના નફા સાથે માલધારીઓને વેચે છે.
આવી પરિસ્થિતિ આખા કચ્છમાં છે. ભુજમાં સૂકા ઘાસચારાના વેપારી નિખિલ ગોર કહે છે, “આ વર્ષે જુવારની કડબ ક્યાંય દેખાતી જ નથી. સ્મશાનમાં વિધિ માટે બે પુળા પણ મળતા નથી. તેથી, લોકો પરાળ-કુંવળ પર નિર્ભર છે. પરાળ ગુજરાતના બાવળા, ધંધુકા, વાપી, વલસાડ અને મહારાષ્ટ્રમાંથી મળતું ત્યારે ભાડું ઓછું થતું. પણ દોઢેક મહિના અગાઉ ત્યાં જથ્થો ખૂટી જતાં હવે પંજાબ-હરિયાણામાંથી મંગાવવું પડે છે. તેથી, આખા કચ્છમાં ભાવ દોઢા થઈ ગયા છે.” ભુજમાં લીલા ચારાનો વેપાર કરતા ભચુ સંઘાર કહે છે કે લીલી મકાઈ અને લીલી જુવારના ભાવ પણ બે મહિનામાં અનુક્રમે 70 અને 80 રૂપિયાથી વધીને 90 અને 100 થઈ ગયા છે.
સરકાર શું પ્રયત્નો કરી રહી છે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
19મી પશુ વસતી ગણતરીના આંકડા 2021માં રજૂ કરાયા હતા અને તે આંકડા અનુસાર કચ્છમાં 5.74 લાખ ગાયો, 4.66 લાખ ભેંસો, 6.10 લાખ ઘેટાં અને 4.39 લાખ બકરાં સહિત પાલતુ પશુઓની વસતી 21 લાખથી વધારે છે. તેની સામે માનવ વસતી 21 લાખથી ઓછી છે.
આ વર્ષે કચ્છના લખપત, અબડાસા, માંડવી અને અંજાર તાલુકામાં અત્યાર સુધી પાંચ ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ સરકારે હજુ સુધી સત્તાવાર રીતે અછત જાહેર નથી કરી. કચ્છના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા 28 ઑગસ્ટે જણાવ્યું હતું કે જિલ્લામાં સરકારે બે રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે માલધારીઓને 14 લાખ કિલો (1400 ટન) ઘાસ વિતરણ કર્યું છે અને બીજું 14 લાખ કિલો ઉપલબ્ધ છે.
લખપતના મામલતદાર નવીનચંદ્ર મારુએ જણાવ્યું હતું કે લખપત-અબડાસામાં 98,000થી વધુ ગાયો-ભેંસો છે અને તાલુકામાં ચારાની દૈનિક જરૂરિયાત એક લાખ કિલો (100 ટન) છે. તેઓ ઉમેરે છે કે સરકારે લખપતમાં જુલાઈ-ઑગસ્ટ દરમિયાન આશરે 5400 પશુપાલકોને 1 લાખ કિલો ઘાસ રાહત દરે આપ્યું છે. પરંતુ તેમણે સ્વીકાર્યું હતું કે 27 ઑગસ્ટની સ્થિતિએ તાલુકામાં આવેલા વન વિભાગ હસ્તકના ગોડાઉનમાં ઘાસનો જથ્થો ન હતો તેથી વિતરણ ધીમું ચાલી રહ્યું છે.
કોઈ ઉપાય છે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સરહદ ડેરીના ચૅરમૅન વાલમજી હુંબલે જણાવ્યું, “ઘાસચારાની બહુ તંગી છે અને માલધારીઓ બહુ દુઃખી છે. પશુપાલકોને રાહત આપવા માટે અમે ખાણદાણના ભાવ એક વર્ષથી નથી વધાર્યા. આ સમયગાળા દરમિયાન ખાણદાણ બનાવવાના રો-મટીરિયલના ભાવમાં ઘણો વધારો થયો છે તેથી ખાણદાણના વેપારમાં સરહદ ડેરીને દર મહિને 50-60 લાખ રૂપિયાની ખોટ જાય છે. તેમ છતાં આવા સંજોગોમાં અમે ભાવ વધારી શકતા નથી.”
“અમારી ડેરી પ્રમાણમાં નાની અને નવી છે તેથી અમે માલધારીઓને બહુ વધારે મદદ કરી શકીએ તેમ નથી. પરંતુ અમે વિચારીએ છીએ કે અમારા પશુપાલકોને સાઇલેજમાં એક રૂપિયાની સબસિડી આપીએ અને પશુપાલકોને તે 8 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પૂરું પાડીએ.”
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
સરહદ ડેરીના પશુ ચિકિત્સક અને ખાણદાણ તેમ જ ઘાસચારા વિભાગનો હવાલો સંભાળતા ડૉ. જય ચૌધરી જણાવે છે કે આવા સંજોગોમાં પશુપાલકો માટે મકાઈનું સાઇલેજ એક સારો વિકલ્પ છે.
તેઓ કહે છે, “પરાળ અને કુંવળમાં રેસા હોય છે પરંતુ પોષક તત્ત્વો જૂજ હોય છે. તેથી, પરાળ કે કુંવળ આપવાથી પશુનું પેટ તો ભરાય છે પરંતુ તેને જરૂરી પોષણ મળતું નથી. પરિણામે દૂધઉત્પાદન ઘટે છે અને પશુની તંદુરસ્તી જાળવી શકાતી નથી. આવા સંજોગોમાં મકાઈનું સાઇલેજ સારો વિકલ્પ છે. તેમાં લીલી મકાઈ સાથે મકાઈના દાણા તેમ જ યૂરિયા અને અન્ય પોષક તત્ત્વો ભેળવેલાં હોય છે જે પશુને પૂરતું પોષણ આપે છે. અમે અમારા વાછરડા ઉછેરકેન્દ્રમાં પશુઓને તે નિયમિત આપીએ છીએ અને ખૂબ સારાં પરિણામ મળ્યાં છે. ઉત્તર ગુજરાતના પશુપાલકો પણ સાઇલેજનો ઘણો ઉપયોગ કરે છે. તે સસ્તું પણ છે અને પૂરતી માત્રામાં ઉપલબ્ધ પણ છે. કમનસીબે, જાગૃતિના અભાવે કચ્છના માલધારીઓ તેમનાં પશુઓને સાઇલેજના બદલે પરાળ ખવડાવવાનું પસંદ કરે છે.”
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




