Home તાજા સમાચાર gujrati કચ્છમાં વન અધિકારી ગાડીમાં ભરાયેલા એક સાપને બહાર કાઢતા, બીજો દુર્લભ સાપ...

કચ્છમાં વન અધિકારી ગાડીમાં ભરાયેલા એક સાપને બહાર કાઢતા, બીજો દુર્લભ સાપ આવી ચડ્યો, પછી શું થયું?

4
0

Source : BBC NEWS

 બન્નીના ઘાસીયા મેદાનના પૂર્વ ભાગમાં આવેલ લોડાઇ ગામે 2009માં આફ્રો-એશિયાન સેન્ડ સ્નેક એટલે કે રેતીયા સાપની લેવાયેલી તસવીર

  • પ્રકાશિત

  • વાંચવાનો સમય: 5 મિનિટ

કચ્છમાં 2005 માં પ્રાગઐતિહાસિક કાળનો વાસુકી ઇન્ડિકસ પ્રજાતિના એક મહાકાય સાપના અશ્મિ મળી આવ્યા હતા.

વાસુકી ઇન્ડિકસ પ્રજાતિના આ સાપના અશ્મિ લખપત તાલુકાના પ્રાન્ધો ગામમાં કોલસાની ખાણમાંથી મળી આવ્યા હતા.

આ શોધ પછી કચ્છમાં અંદાજે 4.7 કરોડ વર્ષ પહેલાંના જીવજગતની ઝાંખી કરાવતી એક બારી ખૂલી હતી.

વળી, કચ્છના પૂર્વ ભાગમાં ભચાઉ તાલુકાના ધોળાવીરા ગામ નજીક આવેલા વુડ ફૉસિલ પાર્કમાં મળેલા કેટલાક પ્રાગઐતિહાસિક કાળના અશ્મિ તેનાથી પણ જૂના હોવાનું મનાય છે.

આ પાર્કની અંદર વૃક્ષોના અશ્મિ જ્યુરાસિક એઇજ એટલે કે 20 કરોડથી 14.5 કરોડ વર્ષ પહેલાંના ડાયનોસોરના જમાનાના હોવાનું મનાય છે.

સંશોધકોને વાસુકી ઇન્ડિકસ પ્રજાતિના અશ્મિ 2005માં મળ્યા હતા પરંતુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી, રૂરકીના સંશાધકોએ તેની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવાનું કામ તો 2022માં શરૂ કર્યું હતું.

અશ્મિનોના વિશ્લેષણ બાદ જયારે સંશોધકોએ તેમનાં તારણોનો ચિતાર આપતું એક રિસર્ચ પેપર એપ્રિલ 2024માં એક સામાયિકમાં પ્રકાશિત કર્યું ત્યારે દુનિયાને આશરે 10 મીટરથી 11 મીટર લાંબા આ મહાકાય સાપ વિશે જાણ થઈ હતી.

આ સંશોધનના અઢી વર્ષ બાદ કચ્છમાં ફરી એક દુર્લભ સાપ જોવા મળ્યો છે. ફરક એટલો છે કે આ સાપ જીવિત છે અને તે ખૂબ જ નાટકીય સંજોગોમાં કચ્છના એક વન અધિકારીની નજરે ચડ્યો હતો.

એક સાપને ગાડીમાંથી કાઢતી વખતે બીજો દુર્લભ સાપ કેવી રીતે આવી ચડ્યો?

વન વિભાગની એક કૅમ્પર વાન ગાડીના નીચેના ભાગમાં સંતાઈને બેસી ગયેલા બ્લૅક-હેડેડ સેન્ડ સ્નેક એટલે કે રજવાડી સાપની 6 સપ્ટેમ્બર 2026ના રોજ લેવાયલી તસવીર

આ વર્ષે 6 સ્પેટમ્બરના રોજ સાંજે કચ્છ વન વર્તુળમાં આવેલા કચ્છ(પૂર્વ)વન વિભાગની ભૂજ(ઉત્તર) રેન્જના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર જયેશ દુમાદિયા અને તેમની ટીમને આ દુર્લભ સાપ મળી આવ્યો હતો.

જયેશ દુમાદિયા અને તેમની ટીમ સાથે પાકિસ્તાન સરહદ નજીક આવેલા કાળો ડુંગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને એક સાપ જોવા મળ્યો.

બીબીસી સાથે વાત કરતા જયેશ દુમાદિયાએ કહ્યું, “પંચમહાલમાંથી કચ્છમાં મારી બદલી આ વર્ષે એપ્રિલમાં જ થઈ હતી તેથી કચ્છના વન્યજીવો મારા માટે એક પ્રકારે નવા છે.”

“અમે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે વનસ્પતિ વગરના એક સૂકા ભાગમાં અમને એક સાપ દેખાયો. એ સાપને જોવા માટે મેં અમારી બોલેરો કૅમ્પર વાન ઊભી રાખી અને અમે નીચે ઊતર્યા.”

“મને સાપની થોડી ઘણી માહિતી હોવાથી હું તે સાપને ઓળખી ગયો. તે એક બ્લૅક-હેડેડ ક્રાઉન સ્નેક હતો.”

તેઓ આગળ કહે છે કે , “ગુજરાતીમાં તેને રજવાડી સાપ કહેવાય છે. આ પહેલાં મેં ક્યારેય જીવિત રજવાડી સાપને જોયો નહોતો.”

“ભૂતકાળમાં મેં એક મરેલ રજવાડી સાપ જોયો હતો. તેથી, આ સાપનું અવલોકન કરવા અને રેકૉર્ડ માટે અમે તેના ફોટા પાડવાનું શરૂ કર્યું.”

“રજવાડી સાપ તેથી બચાવની મુદ્રામાં આવી ગયો અને અમારી કૅમ્પર વાનના નીચેના ભાગમાં ઘૂસી ગયો.”

ત્યાર પછી જે થયું તે એક રીતે નાટકીય હતું.

દુમાદિયાએ કહ્યું, “અમે રજવાડી સાપને ગાડીમાંથી બહાર કાઢવા મથી રહ્યા હતા તે દરમિયાન આછા અજવાળામાં ત્યાં અન્ય એક સાપ આવી ચડ્યો.”

“તે સાપ જોવામાં સાવ અલગ લાગતો હતો. તેથી, અમારી કૅમ્પર વાનમાં સંતાયેલા બિનઝેરી રજવાડી સાપ પરથી ધ્યાન હટાવી મીઠાના પોપડા પર સરકી રહેલા તે અન્ય સપના અભ્યાસ માટે અમે તેના ફોટો પાડવા અને વીડિયો રેકૉર્ડિંગ કરવાનું ચાલુ કર્યું.”

“થોડી વારમાં તે સાપ ત્યાંથી જતો રહ્યો. મેં તે સાપની ઓળખ કરવા માટે તેના વીડિયો અને ફોટો વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના નિષ્ણાતો તેમ જ સર્પના અન્ય નિષ્ણાતોને મોકલ્યા.”

“નિષ્ણાતોએ મને જણાવ્યું કે ફોટોમાં દેખાતો સાપ આફ્રો-એશિયન સેન્ડ સ્નેક છે અને તે ગુજરાતમાં ખૂબ દુર્લભ ગણાય છે.”

આ સાપ કેટલો દુર્લભ છે?

કચ્છના કાળા ડુંગર નજીક દેખાયેલો એફ્રો-એશિયન સેન્ડ સ્નેક એટલે કે રેતિયા સાપની 6 સપ્ટેમ્બર 2026ના રોજ લેવાયલી તસવીર

ડૉ. રજુ વ્યાસ સરિસૃપોના નિષ્ણાત છે અને વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં વર્ષો સુધી એક ઇન્સ્પેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.

ડૉ. રજુ વ્યાસ કહે છે કે આફ્રો-એશિયન સેન્ડ સ્નેક એટલે કે રેતિયા સાપનું વૈજ્ઞાનિક નામ સામોફીસ સોકારી છે.

તેઓ કહે છે કે સામોફીસ પરિવારના સાપ સૂકા અને રેતાળ પ્રદેશોમાં રહે છે.

ડૉ રજુ વ્યાસ કહે છે કે આ પરિવારના સાપો આફ્રિકા ખંડથી દક્ષિણ એશિયામાં જોવા મળે છે. તેઓ એમ પણ કહે છે સામોફીસ પરિવારના સામોફીસ કોન્ડેનારુસ અને સામોફીસલેઈથી પ્રજાતિના સાપો પણ ભારતમાં જોવા મળે છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ગુજરાત વન વિભાગે જણાવ્યું કે જિઓગ્રાફિકલ સર્વે ઑફ ઇન્ડિયા એટલે કે ભારતના ભૂગોળ સર્વે માટે કામ કરતી વખતે ફર્ડિનાન્ડ સ્ટોલીકઝા નામના પ્રકૃતિવિદે 1971-72માં કાચ્છનો સર્વે કર્યો હતો.

તે સર્વે દરમિયાન સ્ટોલીકઝાએ એક આફ્રો-એશિયન સેન્ડ સ્નેકને નમૂના તરીકે પકડ્યો હતો અને તેનું વર્ણન એક અલગ પ્રજાતિના સાપ તરીકે કરતો તેમનો એક લેખ જર્નલ ઑફ એશિયાટિક સોસાયટી ઑફ બંગાળ નામના સામયિકમાં 1972માં પ્રકાશિત થયો હતો. પરંતુ પછીથી આ નમૂનો આફ્રો-એશિયન સેન્ડ સ્નેક હોવાનું સાબિત થયું હતું.

આ સાપ ચાર ફૂટ જેટલો લાંબો હોઈ શકે છે.

રાજુ વ્યાસ કહે છે, “આ સાપ મુખ્તયવે જમીન પર રહેનાર જીવ છે પરંતુ ગરોળીઓ વગેરે ખાવા માટે તે ઓછી ઊંચાઈ ધરાવતા ઝાડી-ઝાંખરા પર પણ ચડી જાય છે.”

“લાંબો-પાતળો આ સાપ જમીન પર ખૂબ ઝડપથી દોડી શકે છે અને ગરોળી, કીટકો, વગેરે ખાય છે. તે ગરોળીઓ વગેરે માટે ઝેરી હોય છે.”

“પરંતુ તેનું ઝેર માણસોને બહુ અસર કરતું નથી. એ સાચી વાત છે કે સ્ટોલીકઝાએ 1871-72માં આ સાપની હાજરી કચ્છમાં નોંધી હતી.”

“ત્યાર બાદ પણ આ સાપ કચ્છમાં દેખાયાના રેકૉર્ડ છે. જુગલ કિશોર તિવારી પાસે તેના ફોટો પણ છે.”

કચ્છના કાળા ડુંગર નજીક દેખાયેલો બ્લેક-હેડેડ સેન્ડ સ્નેક એટલે કે રજવાડી સાપ

જુગલ કિશોર તિવારી કચ્છમાં રહેતા એક પક્ષીવિદ છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, ” બન્ની ઘાસિયા મેદાનના પૂર્વ ભાગમાં આવેલા લોડાઇ ગામે 2009માં મને આ સાપ જોવા મળ્યો હતો.”

“તે સાપના મેં ફોટો પણ પડ્યા હતા અને નિષ્ણાતોએ તેની ઓળખ આફ્રો-એશિયન સેન્ડ સ્નેક તરીકે કરી હતી. જો કે આ સાપ ઘણો દુર્લભ છે. મને ત્યાર બાદ આ સાપ ક્યારેય દેખાયો નથી.”

બેય સાપ ભેગા દેખાયા બાદ અધિકારીઓએ શું કર્યું?

ભૂજ (ઉત્તર)રેન્જના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર જયેશ દુમાદિયા

આરએફઓ જયેશ દુમાદિયાએ જણાવ્યું કે આ બંને સાપ સૂકી જમીન પરથી કચ્છના મોટા રણમાં એક પાણી ભરેલા વિસ્તાર તરફ જઈ રહ્યા હોય તેવું જણાયું.

તેમણે બીબીસીને જણાવ્યું, “રજવાડી સાપ પણ ગુજરાતમાં બહુ ઓછો દેખાતો સાપ હોવાનું કહેવાય છે. રજવાડી સાપ અને આફ્રો-એશિયાન સેન્ડ સ્નેક એક જ જગ્યાએ એક સાથે દેખાય તે ઘણી અસામાન્ય ઘટના ગણાય.”

“6 સપ્ટેમ્બર બાદ અમે તે જ વિસ્તારમાં બે-ત્રણ વખત તપાસ કરી. પરંતુ અમને તે બેમાંથી ઐકય સાપ જોવા ન મળ્યા.”

આરએફઓએ ઉમેર્યું કે રજવાડી સાપે તો વન વિગાની કૅમ્પર વાનમાં જ લાંબા અંતર સુધી મુસાફરી કરી.

તેમણે આગળ જણાવ્યું કે, “અમે તેને કૅમ્પર વાનમાંથી બહાર કાઢવાની ઘણી કોશિશ કરી પરંતુ તે બહાર નીકળ્યો નહીં.”

“અંધારું ઘેરાઈ રહ્યું હોવાથી અમે અમારી વાનમાં બેસીને તે સ્થળેથી આશરે 30 કિલોમીટર દૂર વન વિભાગના એક ગેસ્ટહાઉસ ગયા.”

“ત્યાં પહોંચી અમે તપાસ કરી તો રજવાડી સાપ કૅમ્પર વાનના નીચેના ભાગે સંતાઈને બેઠો હતો. છેવટે અમે તેને કૅમ્પર વાનમાંથી સલામત રીતે દૂર કરવામાં સફળતા મેળવી.”

બીબીસી સાથે વાત કરતા કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલે જણાવ્યું, “આરએફઓ દ્વારા આફ્રો-એશિયન સેન્ડ સ્નેકનું કરાયેલું દસ્તાવેજીકરણ કચ્છનું વન્યજીવન બહુ જ વૈવિધ્યસભર હોવાનો પુરાવો છે.”

“અમે, આ દસ્તાવેજીકરણ વિશે વૈજ્ઞાનિક સામયિકોના તંત્રીઓને લખીશું અને તે રેકૉર્ડમાં આવે તેવા પ્રયાસો કરીશું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS