Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ
ભારતના સૌથી મોટા ઉદ્યોગ જૂથ તાતા સન્સના બોર્ડરૂમમાં ચાલી રહેલો સંઘર્ષ હજી પૂરો થતો જણાતો નથી. ગુરુવારે આ મડાગાંઠ વધુ ઘેરી બની, જ્યારે બોર્ડના સભ્યોએ તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચૅરમૅનનો કાર્યકાળ લંબાવવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું.
બીજી તરફ, જૂથના સૌથી મોટા શેરધારકે આ મતદાનને ગેરકાયદેસર ગણાવ્યું છે. વિવાદાસ્પદ બોર્ડ બેઠકમાં ડિરેક્ટરોએ તાતા સન્સને શેરબજારમાં લિસ્ટ કરાવવાની તૈયારીઓને પણ મંજૂરી આપી હતી. નોએલ તાતાએ આ નિર્ણયનો પણ વિરોધ કર્યો હતો.
નોએલ તાતા તાતા ટ્રસ્ટ્સના ચૅરમૅન છે. તાતા જૂથની હોલ્ડિંગ કંપની ‘તાતા સન્સ’માં તાતા ટ્રસ્ટ્સની લગભગ 66 ટકા હિસ્સેદારી છે. તાતાના દોઢસો વર્ષથી વધુ લાંબા ઇતિહાસમાં એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લંબાવવાનો નિર્ણય ઘણો મહત્ત્વનો મનાઈ રહ્યો છે.
જે બેઠક પછી તાતા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરનનો કાર્યકાળ વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય બોર્ડે લીધો છે, તેને કારણે કાનૂની લડાઈ શરૂ થઈ શકે છે.
ચંદ્રશેખરને નાટકીય રીતે પોતાની યોજના બદલી નાખી છે. નોએલ તાતા સાથે ચાલી રહેલા બોર્ડરૂમના સંઘર્ષ વચ્ચે તેઓ ફેબ્રુઆરીમાં પદ છોડવાના હતા.
ચંદ્રશેખરનનો કાર્યકાળ લંબાવવાની વિરુદ્ધ મત આપનાર એક માત્ર ડિરેક્ટર નોએલ તાતા હતા. ચંદ્રશેખરને ઑગસ્ટમાં પદ છોડવાનું એક કારણ આ મતભેદ પણ હોવાનું ગણાવ્યું હતું.
ઑગસ્ટની મધ્યમાં ચંદ્રશેખરને અચાનક જાહેરાત કરી હતી કે પોતે ફરીથી નિયુક્તિ માટે આગ્રહ નહીં કરે. તેમનો કાર્યકાળ લંબાવવાને કારણે કેટલાક મહિનાઓથી ચાલી રહેલી બોર્ડની મડાગાંઠ પછી તેમણે આ નિર્ણય લીધો હતો. પરંતુ અચાનક જ પરિસ્થિતિ બદલાઈ ગઈ.
તાતાનું સામ્રાજ્ય
ઇમેજ સ્રોત, Getty Images
તાતા સન્સ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં અબજો ડૉલરનું રોકાણ કરવાની દિશામાં આગળ વધી રહી છે. તેની બ્રાન્ડ્સમાં તાજ હોટેલ્સથી લઈને ચા સુધીની વસ્તુઓનો સમાવેશ થાય છે.
તાતા જૂથ અંતર્ગત આવતી 32 કંપનીઓમાંથી 26 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. તાતા સન્સના લગભગ 66 ટકા હિસ્સા પર 13 સખાવતી સંસ્થાઓના સમૂહ તાતા ટ્રસ્ટ્સનું નિયંત્રણ છે, જ્યારે જૂથની કંપનીઓ પાસે તાતા સન્સના લગભગ 13 ટકા શેર છે.
તાતા ટ્રસ્ટ્સનું નેતૃત્વ નોએલ તાતા કરે છે. ઑક્ટોબર, 2024માં તેમના સાવકા ભાઈ રતન તાતાના અવસાન બાદ તેમણે આ જવાબદારી સંભાળી હતી. રતન તાતા જૂથના વડા અને ભારતના સૌથી જાણીતા ઉદ્યોગપતિઓમાંના એક હતા.
નોએલ તાતાની અધ્યક્ષતાવાળા સખાવતી સંસ્થાઓના સમૂહ તાતા ટ્રસ્ટ્સે ચંદ્રશેખરનનો કાર્યકાળ લંબાવવાના મતદાનને તરત જ ગેરકાયદેસર ગણાવ્યું.
બેઠક દરમિયાન નોએલ તાતાએ બોર્ડને કહ્યું, “”અત્યારે ચૅરમૅનપદ અંગે લેવાયેલો કોઈ પણ નિર્ણય કોઈ પણ શેરધારક દ્વારા ગંભીર કાનૂની પડકારનો સામનો કરી શકે છે.”
બ્રિટિશ અખબાર ફાઇનાન્શિયલ ટાઇમ્સે પોતાના અહેવાલમાં લખ્યું છે કે, બેઠકની વિગતો જાણતા બે લોકોના જણાવ્યા અનુસાર, આરબીઆઈના આ નિર્દેશનું પાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે તેની વિરુદ્ધ મત આપનાર પણ નોએલ તાતા એક માત્ર ડિરેક્ટર હતા. આરબીઆઈએ તાતા સન્સને શેરબજારમાં લિસ્ટ થવાનો નિર્દેશ આપ્યો છે.”
ગયા અઠવાડિયે આરબીઆઈએ તાતાની એ અપીલ ફગાવી દીધી હતી, જેમાં હોલ્ડિંગ કંપનીને શેરબજારમાં લિસ્ટ કરવાની જોગવાઈમાંથી મુક્તિ આપવાની માગણી કરવામાં આવી હતી.
નોએલ તાતાનો વિરોધ

એફટીના અહેવાલમાં લખવામાં આવ્યું છે, “વિશ્લેષકોના અંદાજ મુજબ, શેરબજારમાં લિસ્ટ થયા પછી તાતા સન્સનું મૂલ્ય 120 અબજ ડૉલરથી વધુ થઈ શકે છે. આમ થશે તો તે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ બની જશે. તેનાથી તાતા જૂથની માલિકી અને સંચાલનની વ્યવસ્થામાં મોટો ફેરફાર આવશે. એક સદી કરતાં વધુ સમયથી આ વ્યવસ્થા કેટલાક પસંદગીના લોકોના હાથમાં રહી છે.”
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે બોર્ડે તાતા સન્સને લિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈના નિર્દેશનું પાલન કરવા માટે હવે જરૂરી પગલાં લેવામાં આવશે.
એફટીના અહેવાલ અનુસાર, “જૂથના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બોર્ડના નિર્ણયોને અદાલતમાં પડકારવામાં આવે તેવી શક્યતા છે. કંપનીના બંધારણ મુજબ, કોઈ પણ વ્યૂહાત્મક દરખાસ્ત માટે સખાવતી ટ્રસ્ટો દ્વારા નિયુક્ત ડિરેક્ટરોની બહુમતીની સંમતિ જરૂરી છે. પરંતુ હાલમાં તાતા સન્સના બોર્ડમાં ટ્રસ્ટો દ્વારા નિયુક્ત માત્ર બે ડિરેક્ટર છે—નોએલ તાતા અને વેણુ શ્રીનિવાસન. ગુરુવારે થયેલા પ્રસ્તાવોના સમર્થનમાં શ્રીનિવાસને બોર્ડના બાકીના સભ્યો સાથે મતદાન કર્યું હતું.”
તાતા ટ્રસ્ટ્સે જણાવ્યું કે ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિનો પ્રસ્તાવ તાતાના આર્ટિકલ્સ ઑફ એસોસિએશનની જોગવાઈઓને ધ્યાનમાં લેતાં કાયદેસર નહોતો. બોર્ડના છમાંથી ચાર ડિરેક્ટરોએ આ પ્રસ્તાવના સમર્થનમાં મત આપ્યો હતો, જ્યારે નોએલ તાતાએ તેની વિરુદ્ધ મત આપ્યો હતો. ચંદ્રશેખરને મતદાનમાં ભાગ લીધો નહોતો.
તાતા ટ્રસ્ટ્સે પોતાના નિવેદનમાં જણાવ્યું છે, “તાતા સન્સને શેરબજારમાં લિસ્ટ કરવા માટે અમે સંમતિ આપી નથી. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ ભારતીય રિઝર્વ બૅન્ક તરફથી મળેલા પત્ર અંગે આજે બોર્ડની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડે સંમતિ દર્શાવી હતી કે માત્ર શેરબજારમાં લિસ્ટ થવાના વિકલ્પ પૂરતો વિચાર સીમિત રાખવાને બદલે અન્ય વિકલ્પો પર પણ વિચાર કરવો જોઈએ. તાતા સન્સના બોર્ડે અગાઉ પણ પબ્લિક લિસ્ટિંગના મુદ્દે વિચારણા કરી હતી અને દિવંગત રતન તાતાના માર્ગદર્શન હેઠળ માર્ચ 2024માં સર્વસંમતિથી એવો નિર્ણય લીધો હતો કે કંપની અનલિસ્ટેડ જ રહેવી જોઈએ.”
“જુલાઈ 2025માં સર દોરાબજી તાતા ટ્રસ્ટ અને સર રતન તાતા ટ્રસ્ટે પણ સર્વસંમતિથી ઠરાવો પસાર કર્યા હતા કે કંપની અનલિસ્ટેડ જ રહેવી જોઈએ. આ લાગણીનો સવાલ નથી. આ જૂથ કેવી રીતે કામ કરે છે તેનો સવાલ છે અને આ પદ્ધતિ એક સદી કરતાં વધુ સમયથી સફળતાપૂર્વક ચાલી આવી છે. લિસ્ટિંગથી તાતા જૂથનું આ સ્વરૂપ નષ્ટ થઈ જશે અને આ સિદ્ધાંતના પાયાને હાનિ કરશે.”
ટીવીએસ જેવી દિગ્ગજ કંપનીના અબજોપતિ ચૅરમૅન એમેરિટસ, શ્રીનિવાસન લાંબા સમયથી ચંદ્રશેખરનનો કાર્યકાળ લંબાવવાના સમર્થક રહ્યા છે. તેમણે આ વર્ષે તાતા સન્સને શેરબજારમાં લિસ્ટ કરવાના સમર્થનમાં પોતાનો મત જાહેરમાં વ્યક્ત કર્યો હતો.
નટરાજન ચંદ્રશેખરન કોણ છે?
ઇમેજ સ્રોત, Getty Images
તાતા સન્સનું નેતૃત્વ કરનારા ચંદ્રશેખરન તાતા પરિવારની બહારની પ્રથમ વ્યક્તિ છે. રતન તાતાએ પોતે તેમને આ જવાબદારી માટે પસંદ કર્યા હતા. તેમણે તાતા કન્સલ્ટન્સી સર્વિસિસમાં 30 વર્ષ વિતાવ્યાં છે, જેમાંથી આઠ વર્ષ તેઓ મુખ્ય કાર્યકારી અધિકારી રહ્યા હતા.
આ દિગ્ગજ આઈટી કંપનીને ભારતની સૌથી મહત્ત્વની કંપનીઓમાં સ્થાન અપાવવાનું શ્રેય ચંદ્રશેખરનને આપવામાં આવે છે. એક ટૅક્નૉક્રેટ ઉપરાંત વિશ્વસનીય નેતા તરીકે પણ ચંદ્રશેખરને પોતાની ઓળખ ઊભી કરી હતી.
અમેરિકન મીડિયા સંસ્થા બ્લૂમબર્ગે પોતાના અહેવાલમાં લખ્યું છે કે છેલ્લા એક દાયકામાં ચંદ્રશેખરનની સૌથી મોટી સફળતા તાતા જૂથને આઈફોન અને ઇલેક્ટ્રિક વાહનોનાં ઉત્પાદન સહિત અદ્યતન ટૅક્નૉલૉજીના ક્ષેત્રોમાં આગળ લઈ જવાની રહી છે.
બ્લૂમબર્ગે લખ્યું છે: “તેમના કાર્યકાળ દરમિયાન તાતા જૂથની 15 સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓની કુલ આવક બમણાથી પણ વધુ વધી હતી. માર્ચ 2026માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં આ આવક 12.3 ટ્રિલિયન રૂપિયા થઈ હતી, જે માર્ચ 2017માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં છ ટ્રિલિયન રૂપિયા હતી. આ તાતા કંપનીઓના આ સમૂહનો નફો પણ આ બંને સમયગાળા વચ્ચે 360 ટકાથી વધુ વધીને 1.66 ટ્રિલિયન રૂપિયા થયો હતો.”
“છેલ્લા એક વર્ષમાં કંપનીઓના કારોબારમાં સુધારો લાવવા માટે ચંદ્રા પર દબાણ વધી રહ્યું હતું. જૂથને ઍર ઇન્ડિયાના એક જીવલેણ વિમાન અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. જગુઆર લૅન્ડ રોવર પર થયેલા એક એવા સાઇબર હુમલાનો પણ સામનો કરવો પડ્યો હતો, જેની અસર બ્રિટનના જીડીપી પર પણ પડી હતી. આ ઉપરાંત તાતા કન્સલ્ટન્સી સર્વિસિસના કારોબાર માટે એ.આઈ.થી વધી રહેલા પડકારનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમની સૌથી મહત્ત્વાકાંક્ષી યોજનાઓમાંની એક, ભારતની પ્રથમ સ્વદેશી સેમિકન્ડક્ટર ચિપ તૈયાર કરવાનું દબાણ પણ તેમના પર હતું.”
ચંદ્રશેખરને 12 ઑગસ્ટે જાહેરાત કરી હતી કે ફેબ્રુઆરીમાં તેમનો કાર્યકાળ પૂરો થયા પછી તેઓ તાતા સન્સના ચૅરમૅનપદેથી ખસી જશે. પુનઃનિયુક્તિ બાબતે કેટલાક મહિનાઓથી ચાલી રહેલી મડાગાંઠ બાદ તેમણે આ નિર્ણય લીધો હતો.
નોએલ તાતાને લઈને વિવાદ
ઇમેજ સ્રોત, Getty Images
નિક્કેઈ એશિયાએ ગયા વર્ષે નવેમ્બરમાં તાતા પરિવારના મતભેદો અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલમાં લખવામાં આવ્યું હતું, “તાતા ટ્રસ્ટ્સમાં પણ નોએલ તાતા સામે અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે. તાતા ટ્રસ્ટ્સ તાતા જૂથના સૌથી મોટા શેરધારક છે. તાતા ટ્રસ્ટ્સના બોર્ડ સભ્ય મેહલી મિસ્ત્રીએ ગયા વર્ષે નવેમ્બરમાં નોએલ તાતાને મોકલેલા એક સંદેશમાં સંસ્થામાંથી અલગ થવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે નિર્ણયો ઉતાવળે લેવાથી તાતા જૂથને ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન થઈ શકે છે.”
નિક્કેઈ એશિયાએ લખ્યું છે: “મિસ્ત્રીને ત્યારે તાતા ટ્રસ્ટ્સમાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા, જ્યારે તેમણે અને બોર્ડના કેટલાક અન્ય સભ્યોએ તાતા સન્સના એક બોર્ડ સભ્યની પુનઃનિયુક્તિનો નોએલ તાતાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. મિસ્ત્રી પોતે પણ ડિરેક્ટર બનવા માગતા હતા, પરંતુ નોએલ તાતાએ તેમને રોક્યા હોવાનું માનવામાં આવે છે.”
“તાતા જૂથમાં ચાલી રહેલી ઉથલપાથલને અવગણવામાં અસમર્થ સરકારે મધ્યસ્થી માટે પગલાં લીધાં છે. રૉયટર્સના અહેવાલ મુજબ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અન્ય અધિકારીઓએ ગયા વર્ષે ઑક્ટોબરની શરૂઆતમાં નોએલ તાતા તથા જૂથના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને ઝડપથી કોઈ ઉકેલ લાવવાની વિનંતી કરી હતી.”
તાતા જૂથ પર સંશોધન કરનારા ટોક્યોની તકુશોકુ યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ મકોતો કોજિમાએ નિક્કેઈ એશિયાને કહ્યું, “જૂથ શેરબજારમાં લિસ્ટ થાય, તો બજારના દબાણને કારણે નફાને વધુ પ્રાધાન્ય આપવાની વૃત્તિ વધી શકે છે.” જાહેર કંપની તરીકે લિસ્ટ થવા માટે મેનેજમેન્ટની વિચારસરણી અને નૈતિકતા સાથે સમાધાન કરવું મુશ્કેલ બની શકે છે.”
તાતા ટ્રસ્ટ્સના ચૅરમૅન નોએલ તાતાને લખેલા એક પત્રમાં રતન તાતાના નજીકના સહયોગી મેહલી મિસ્ત્રીએ કહ્યું હતું, “રતન એન. તાતાના વિઝન પ્રત્યેની મારી પ્રતિબદ્ધતામાં એ જવાબદારી પણ સામેલ છે કે તાતા ટ્રસ્ટ્સ કોઈ વિવાદમાં ન ફસાય.”
પોતાના પત્રમાં મિસ્ત્રીએ કહ્યું હતું, “”રતન તાતા મને ઘણી વાર એક વાત કહેતા હતા—’જે સંસ્થાની વ્યક્તિ સેવા કરે છે, તે સંસ્થા કરતાં કોઈ મોટું નથી.’ આ વાતને સાથે લઈને હું વિદાય લઈ રહ્યો છું.”
નોએલ કેમ ઇચ્છતા નથી કે તાતા સન્સનું લિસ્ટિંગ થાય?
ઇમેજ સ્રોત, Getty Images
બ્લૂમબર્ગે પોતાના અહેવાલમાં લખ્યું છે કે આંતરિક મતભેદો અને નિયમનકારી અનિશ્ચિતતાને કારણે તાતા સન્સના લિસ્ટિંગ અંગે તટસ્થ રીતે વિચાર કરવો મુશ્કેલ બન્યો છે. લિસ્ટિંગના ફાયદા અને નુકસાનનું વ્યાવસાયિક રીતે મૂલ્યાંકન કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે.
લિસ્ટિંગ થયા પછી કંપનીએ વધુ પારદર્શકતા જાળવવી પડશે. નવા કારોબાર માટે ભંડોળ ઊભું કરવાના વિકલ્પો પણ વધી શકે છે. મોટા અને પ્રતિષ્ઠિત વૈશ્વિક રોકાણકારો માટે પણ રોકાણની તક ઊભી થશે.
મુંબઈસ્થિત ગવર્નન્સ ઍડવાઇઝરી ફર્મ આઈઆઈએએસનાં ચૅરપર્સન અને ચીફ ઑપરેટિંગ ઑફિસર હેતલ દલાલે બ્લૂમબર્ગને કહ્યું, “ઍર ઇન્ડિયાની ખરીદી અને સેમિકન્ડક્ટર ફૅસિલિટીમાં રોકાણ જેવા સોદાઓને કદાચ જાહેર શેરધારકોના એક જૂથનું સમર્થન મળ્યું ન હોત. તાતા સન્સના લિસ્ટિંગ અંગેની ચર્ચા કોઈ નક્કર લાભને બદલે નિયમનકારી નિર્દેશથી થઈ રહી છે.”
ભારતની અન્ય સખાવતી સંસ્થાઓથી વિપરીત, તાતા ટ્રસ્ટ્સને તાતા સન્સમાં પોતાના હિસ્સા પર મતદાનના અધિકારનો એક દુર્લભ વિશેષાધિકાર મળ્યો છે. જોકે, આ અધિકાર પાછો લેવામાં આવે એવી શક્યતા પણ નકારી શકાય નહીં.
બ્લૂમબર્ગે લખ્યું છે કે આ બધી નબળાઈઓ છતાં, દસ વર્ષ પહેલાં તાતા જૂથમાં ઊભા થયેલા મતભેદો હવે વધુ ઘેરા બની રહ્યા છે.
ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસના વિઝિટિંગ પ્રોફેસર અને તાતાના ભૂતપૂર્વ અધિકારી નિર્મલ્ય કુમારે એફટીને કહ્યું, “આટલો મોટો નિર્ણય સરકારની પરોક્ષ અને અનૌપચારિક મંજૂરી વિના આરબીઆઈ લઈ શકે નહીં.”
તાતા સન્સનું લિસ્ટિંગ કરવું કે નહીં, એ મુદ્દે મતભેદ આ વર્ષે બોર્ડરૂમમાં થયેલા વિવાદનું એક મહત્ત્વનું કારણ હતું. ગયા મહિને આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. લાંબા સમયથી તાતા સન્સના ચૅરમૅન રહેલા એન. ચંદ્રશેખરને જાહેરાત કરી હતી કે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ પદ છોડી દેશે.
તાતા સન્સની નજીકની વ્યક્તિએ એફટીને કહ્યું, “જે કંપની શેરબજારમાં લિસ્ટ થવા માગતી નથી, તેને સરકાર આમ કરવા માટે દબાણ કરી રહી છે. આ પ્રક્રિયા અંગેની નિયમનકારી અનિશ્ચિતતા વિદેશી રોકાણને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




