Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Supplied by Kent Truscott
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત ચૂંટાયા તે પહેલાં ઑન્ટારિયોના લંડન રહેવાસી કૅન્ટ ટ્રસ્કૉટ અને તેમના પરિવાર સહિત ઘણી વખત સરહદ પાર દક્ષિણમાં ઘણી વખત મુસાફરી કરી હતી.
તેમાં 2023ની તેમની કૅલિફોર્નિયા અને તાજેતરમાં ન્યૂ યૉર્કની મુસાફરીનો પણ સમાવેશ થાય છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે 2024ના અંતથી “મેં અને મારા પરિવારે અમેરિકા જવાનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.”
આનો અર્થ એ થયો કે ગયા વસંતઋતુમાં પોતાના ભાઈ સાથે સ્પેસઍક્સના સ્ટારશિપ લૉન્ચને જોવા માટે ટૅક્સાસ જવાનો પ્લાન રદ કર્યો હતો.
બંનેએ ટોરન્ટોથી ફ્લાઇટ લેવા અને કાર ભાડે લેવા અને પ્રક્ષેપણ જોવા માટે એક અઠવાડિયું ત્યાં જ રોકાવવાનો પ્લાન બનાવ્યો હતો. આના પર સંભવિતપણે “હજારો ડૉલર” ખર્ચ થવાના હતા.
ટ્રસ્કૉટ અને તેમનાં પત્નીએ તેના બદલે તે પૈસા કૅનેડામાં જ ઍટલાન્ટિક પ્રાંતો નોવા સ્કોશિયા અને પ્રિન્સ ઍડવર્ડ આઇલૅન્ડમાં જઈને ખર્ચવાનો નિર્ણય લીધો.
તેમનો આ નિર્ણય અમેરિકી ટેરિફ અને અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા તેમના દેશને અમેરિકામાં ભેળવી દેવા અંગે કરેલી ટિપ્પણીઓની પ્રતિક્રિયા છે.
ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પાછા ફર્યાને વધુ સમય વીતી ગયો હોવા છતાં, ટ્રસ્કૉટ જેવા ઘણા કૅનેડિયન હજુ પણ અમેરિકાની મુસાફરીના બહિષ્કાર પર અડગ છે.
રાષ્ટ્રીય આંકડા અનુસાર, એપ્રિલમાં અમેરિકાની માર્ગ મુસાફરીમાં થોડો વધારો થયો હોવા છતાં, કૅનેડાના લોકોએ ટ્રમ્પની ચૂંટણી પહેલાં 2024ના આ જ સમયગાળાની સરખામણીમાં એપ્રિલ મહિનામાં આઠ લાખ ઓછી મુસાફરીઓ કરી.
બહિષ્કારના કારણે ગયા વર્ષે અમેરિકાને પ્રવાસનથી થતી આવકમાં લગભગ 3.3 અબજ ડૉલરનું નુકસાન થયું. તેના બદલે કૅનેડિયન લોકોએ આ પૈસા વિદેશમાં અથવા પોતાના જ દેશના પ્રવાસન પર ખર્ચવાનું પસંદ કર્યું.
આ નાણાકીય તંગીની અસર ઘણાં અમેરિકન શહેરો અને રાજ્યો પર પણ પડી છે, જેમણે કૅનેડિયન લોકોને પાછા આકર્ષવા માટે જાહેરાતો અને ખાસ ઑફરોનો આશરો લીધો છે.
ઇમેજ સ્રોત, Supplied by Kent Truscott
જુલાઈમાં ન્યૂ યૉર્ક સિટીના પ્રવાસન બોર્ડે કહ્યું કે તે કૅનેડિયન પ્રવાસીઓને બ્રૉડ-વેની ટિકિટો અને હોટલના રૂમ 30 ટકા ડિસ્કાઉન્ટ પર આપશે.
બીબીસીએ કેટલાક કૅનેડિયન લોકો સાથે વાત કરી કે તેઓ અમેરિકાથી દૂર કેમ રહ્યા, તેના બદલે તેઓ ક્યાં ગયા અને અમેરિકા પાછા ફરવા માટે તેઓએ શું કરવું પડશે?
ટ્રમ્પના કૅનેડા પ્રત્યેના વર્તનને કારણે જ દરેક વ્યક્તિ અમેરિકાથી દૂર રહ્યા આવું નથી. કેટલાક લોકોએ કહ્યું છે કે કૅનેડિયન ડૉલરના ઘટતા મૂલ્યને કારણે પણ અમેરિકા ઓછું પોસાય તેવું બન્યું છે.
પરંતુ ઘણા કૅનેડિયનોનું કહેવું છે કે તેમને લાગે છે કે તેમના દેશના અમેરિકા સાથેના સંબંધો તૂટવાની હદ સુધી પહોંચી ગયા છે અને જો તેઓ ફરીથી અમેરિકા જાય તો પણ આ માટે ઘણું બધું બદલવું પડશે.
ટૅક્સાસને બદલે ઍટલાન્ટિક કૅનેડા પહેલી પસંદ
જ્યારે કૅન્ટ ટ્રસ્કૉટ અને તેમનાં પત્નીએ ઍટલાન્ટિક કૅનેડામાં રજાઓ મનાવવાનો નિર્ણય લીધો ત્યારે તેમણે પોતાના જ દેશમાં ફરવાના વિચારને દિલથી અપનાવ્યો.
તેઓએ એક વાહન ભાડે લીધું, મનોહર કેબોટ ટ્રેઇલ પર પગપાળા મુસાફરી કરી અને ઍટલાન્ટિક મહાસાગરના કિનારે એક રિસોર્ટમાં રોકાયા જે સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત છે.
“મેં મારા જીવનનું સૌથી શ્રેષ્ઠ હેલીબટ ડિનર લીધું, જેને તે જ સવારે ખાડીમાંથી કોઈએ પકડી હતી,” તેમણે યાદ કર્યું.
તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે તેઓ ફરી ક્યારે અમેરિકા જશે.
ટ્રસ્કૉટ કહ્યું, “એક મૂળભૂત અંતર આવી ગયું છે.”
તેમણે ઇમિગ્રેશન વિરોધી દરોડા અને ટ્રમ્પની અન્ય નીતિઓનો ઉલ્લેખ કર્યો, જેની સાથે તેઓ સહમત નથી.
આ સાથે, તેમણે કૅનેડા વિરુદ્ધ અમેરિકન રાષ્ટ્રપતિનાં વક્તવ્ય અને પગલાંનો પણ ઉલ્લેખ કર્યો.
“મને આશા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિપદ છોડ્યા પછી, બધું સામાન્ય થઈ જશે,”
તેમણે કહ્યું, “પરંતુ સમસ્યા એ છે કે અમેરિકામાં સાત કરોડ લોકોએ ટ્રમ્પ અને તેમની નીતિઓને મત આપ્યો છે.”
પનામા કૅનાલની ક્રૂઝ યાત્રા રદ કરવામાં આવી
ઇમેજ સ્રોત, Supplied by Lynda Rousseau
લિંડા રુસો અને તેમના પતિ જોએ પોતાના દેશ કૅનેડામાં નિવૃત્ત થતાં પહેલાં 19 વર્ષ ટૅક્સાસમાં વિતાવ્યાં હતાં. તેમની વાપસી ગત ઉનાળામાં થવાની હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની ફરીથી ચૂંટણીને લઈને ગુસ્સાના કારણે તેમણે પોતાના પાછા આવવાનો નિર્ણય ફેબ્રુઆરી 2025 માં જ લઈ લીધો હતો.
હવે ઓટાવામાં રહેતાં રુસોએ કહ્યું, “તેઓ દેશ ચલાવી રહ્યા હોય ત્યારે અમે ત્યાં રહીએ આ વિચારવું પણ અમારા માટે અસહનીય હતું.”
આ પછી, જ્યારે ટ્રમ્પે કૅનેડાને “51મો પ્રાંત” અને તેના કૅનેડાના પૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને “ગવર્નર” કહેવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે અને તેમના પતિએ અમેરિકાનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો.
તે જ ઉનાળામાં, આ દંપતીએ એક ક્રૂઝની મુસાફરી રદ કરી જે ન્યુ યૉર્ક સિટીથી રવાના થઈને પનામા કૅનાલમાંથી પસાર થવાનું હતું.
તેના બદલે, તેઓએ રોમ અને બાર્સેલોના થઈને તે જ કંપની સાથે બીજી ક્રૂઝ બુક કરાવી દીધી. રુસોએ કહ્યું કે તેમને પ્રાચીન ખંડેરોમાં ફરવાનો અને ત્યાં સ્વાદિષ્ટ ખોરાક ખાવાનો આનંદ માણવાનો આનંદ આવ્યો.
રુસોએ કહ્યું, ” આમાં ન્યૂ યૉર્કનો કોઈ વાંક નથી… પરંતુ ટ્રમ્પ બધું ચલાવી રહ્યા છે અને તેથી દરેક વસ્તુ પ્રભાવિત થાય છે.”
આ દંપતી અમેરિકા અને કૅનેડા બંનેના નાગરિક છે. તેમણે “સ્નોબર્ડ્સ” બનવાની પોતાની યોજના પણ છોડી દીધી છે. આ શબ્દ તે કૅનેડિયનો માટે વપરાય છે જેઓ શિયાળાના ઠંડા મહિનાઓ ફ્લૉરિડા અને ઍરિઝોના જેવાં ગરમ અમેરિકી રાજ્યોમાં વિતાવે છે.
રુસોએ જણાવ્યું કે હવે તેઓ ક્યારેક-ક્યારેક માત્ર પોતાની ટપાલ લેવા માટે સરહદ પાર કરે છે અને પછી પાછા આવી જાય છે. ત્યાં રહેતી વખતે તેઓ કોઈ પૈસા ખર્ચવાનું ટાળે છે.
રુસોએ કહ્યું કે તેમને અમેરિકામાં ડ્રાઇવિંગ કરીને જવાની અને સમય વિતાવવાની સુવિધા ખતમ થવાનું દુઃખ છે. નજીક હોવાના કારણે અમેરિકાની મુસાફરી વિદેશની મોટાભાગની જગ્યાઓની તુલનામાં ક્વાઇટ સસ્તી હોઈ શકે છે.
પરંતુ તેમણે કહ્યું કે બહિષ્કારથી તેમને “કૅનેડા માટે ગૌરવ” વધ્યું છે.
કૅલિફોર્નિયાને બદલે મોરોક્કન શહેરોનો પ્રવાસ
ઇમેજ સ્રોત, Supplied by Nick Smith
નિક સ્મિથ ક્યારેય ટ્રમ્પના પ્રશંસક રહ્યા નથી. 2016માં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી, વૅનકુવરના નિવૃત્ત વ્યક્તિએ તેમનાં બાળકો સાથે સિએટલ અને અમેરિકાના મુખ્ય નૅશનલ પાર્ક્સમાં રોડ ટ્રિપ માટે જવાનું બંધ કરી દીધું હતું.
તેમણે જણાવ્યું કે જો બાઇડેને સત્તા સંભાળ્યા પછી તેમણે ફરીથી સરહદની દક્ષિણ તરફ મુસાફરી શરૂ કરી દીધી હતી, પરંતુ હવે તેઓ ફરીથી અમેરિકા જવાનું ટાળી રહ્યા છે, ખાસ કરીને એટલા માટે પણ કારણ કે તેમણે પોતાના ઘણા સાથી કૅનેડિયનોને પણ બહિષ્કાર કરતા જોયા છે.
તેમણે કહ્યું, “હવે તેના આના વિશે વિચારી પણ નથી રહ્યા.”
સ્મિથે અમેરિકન શહેરોમાંથી અન્ય સ્થળોએ કનેક્ટિંગ ફ્લાઇટ્સ લેવાનું પણ ટાળ્યું છે. ગયા પાનખરમાં, તે મિત્રો સાથે મૅક્સિકો સિટી ગયા હતા ત્યારે તેમણે વૅનકુવરથી સીધી ફ્લાઇટ લેવાનું પસંદ કર્યું હતું.
આ વર્ષની શરૂઆતમાં, તે અને તેમનાં પત્ની સિલ્વિયા પહેલી વાર મોરોક્કો ગયા હતા. તેઓએ મારાકેશ, ફેઝ અને એસ્સાઉરા જેવાં શહેરોની મુસાફરી કરી હતી.
તેમણે કહ્યું કે રમઝાન મહિનામાં આ મુસ્લિમ દેશનો અનુભવ કરવાનો તેમનો સૌથી પ્રિય સમય હતો.
સ્મિથે કહ્યું, “ત્યાં હોવું ખરેખર ખૂબ જ રસપ્રદ સમય હતો અને એ અહેસાસ થયો કે મોરોક્કોના લોકો માટે ધર્મ કેટલો મહત્ત્વપૂર્ણ છે અને તેઓ રોજા રાખવાની પરંપરાને કેટલી ગંભીરતાથી લે છે. કૅનેડામાં આપણી પાસે આ પ્રકારની કોઈ વસ્તુ નથી.”
જ્યારે સ્મિથને પૂછવામાં આવ્યું કે જો ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડી દેશે તો શું તે અમેરિકા પાછા ફરશે, ત્યારે તેમણે કહ્યું, “એટલું પૂરતું નથી.”
તેમણે કહ્યું “મને કૅનેડા સાથે સમાધાનના કોઈ સંકેત જોવા પડશે… એવી કાર્યવાહી જે દર્શાવે છે કે બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો પુનઃસ્થાપિત થઈ રહ્યા છે.”
મનપસંદ જગ્યાએ મુસાફરી
ઇમેજ સ્રોત, Supplied by Christie Mitchell
ક્રિસ્ટી મિશેલે પોતાના જીવનમાં અસંખ્ય વખત અમેરિકાની યાત્રા કરી છે.
તેઓ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ફર્યાં છે, અમેરિકી ફૂટબૉલ મૅચો જોઈ ચૂક્યાં છે અને એક આરવી (મોટરહોમ) દ્વારા કેટલાંય રાજ્યોમાંથી પસાર થઈને ફ્લૉરિડા સુધી પણ ગયાં છે.
બ્રિટિશ કૉલંબિયાના પૉવેલ રિવર શહેરનાં આ 50 વર્ષીય બે બાળકોની માતાને એ સમય પણ યાદ છે જ્યારે સરહદ પાર કરવા માટે પાસપૉર્ટની જરૂર નહોતી પડતી.
તેમણે કહ્યું, “હું તે પેઢીથી સંબંધ ધરાવું છું, જ્યારે મને લાગતું હતું કે (કૅનેડા અને અમેરિકા) એક જ મોટો દેશ છે. મને હંમેશાં એવું લાગતું હતું કે મારું અહીં સ્વાગત થાય છે.”
પરંતુ તેમણે કહ્યું કે વર્તમાન પ્રશાસન હેઠળ આ ભાવના ઘટી ગઈ છે અને તેઓ પોતાની ખરીદી દ્વારા આ પ્રશાસનનું સમર્થન કરવા માંગતા નથી.
તેમણે કહ્યું, “આનાથી મારું દિલ તૂટી ગયું, કારણ કે હું અમેરિકનોને પ્રેમ કરું છું અને મને અમેરિકા પ્રત્યે પ્રેમ છે.”
અમેરિકાની યાત્રાનો બહિષ્કાર કરવાથી મિશેલને પોતાનું એ લક્ષ્ય પૂરું કરવાની તક મળી, જે તેઓ લાંબા સમયથી હાસલ કરવા માંગતા હતા, સ્પેનમાં 490 માઇલ (790 કિલોમીટર) લાંબા કૅમિનો ફ્રાન્સિસ રસ્તા પર પગપાળા મુસાફરી કરવી.
તેમણે આ વર્ષના પ્રારંભમાં પોતાનો 50મો જન્મદિવસ ઉજવવા માટે આ એક અગત્યની પગપાળા યાત્રા કરી હતી.
તેના બદલે તેઓ લાસ-વેગાસની એક નાની અને સસ્તી મુસાફરી કરવા વિશે વિચારી રહ્યાં હતાં, જ્યાં તેઓ બહિષ્કાર પહેલાં પોતાનો જન્મદિવસ ઉજવવાની યોજના બનાવી રહ્યાં હતાં.
મિશેલે કહ્યું કે સ્પેનમાંથી પસાર થતા આ માર્ગ વિશે તેમને સૌથી વધુ ગમ્યું તે એ હતું કે તેઓ રસ્તામાં ઘણા બધા લોકોને મળ્યાં.
“કેટલાક લોકો અંગત કારણોસર આ વૉક કરે છે અને મેં જે લોકો સાથે વાત કરી તેમાંથી ઘણા લોકો તેમના જીવનના બદલાવના તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા,” તેમણે કહ્યું.
તેમણે કહ્યું કે આ પદયાત્રાએ તેમને “સંપૂર્ણ અજાણ્યાઓ સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વાતચીત કરવાની તક મળી.”
મિશેલે કહ્યું કે જો વ્હાઇટ હાઉસમાં બીજા રાષ્ટ્રપતિ હોય અને કૅનેડા સાથેના સંબંધો પુનઃસ્થાપિત થાય, તો તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ પાછા ફરવા તૈયાર થઈ જશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




