Source : BBC NEWS

કોણ છે દેશના 52મા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયાધીશ, જસ્ટિસ બી.આર. ગવઈ, સીજેઆઈ સંજીવ ખન્ના નિવૃત્તિ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, ANI

જસ્ટિસ બી.આર. ગવઈ તરીકે ઓળખાતા ભૂષણ રામકૃષ્ણ ગવઈ દેશના 52મા મુખ્ય ન્યાયાધીશ બનશે.

વર્તમાન સીજેઆઈ (ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા) સંજીવ ખન્નાની નિવૃત્તિ બાદ, 14 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવશે.

જસ્ટિસ ભૂષણ ગવઈ ભારતના મુખ્ય ન્યાયાધીશ પદ સંભાળનારા છઠ્ઠી મરાઠી વ્યક્તિ હશે. તેમના પહેલાં, જસ્ટિસ પી.બી. ગજેન્દ્રગડકર, જસ્ટિસ વાય.વી. ચંદ્રચૂડ, જસ્ટિસ શરદ બોબડે, જસ્ટિસ ઉદય ઉમેશ લલિત અને જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ સીજેઆઈ તરીકે સેવા આપી ચૂક્યા છે.

અહીં ન્યાયાધીશ ભૂષણ ગવઈનો વિગતવાર પરિચય છે, જેમાં તેમની અત્યાર સુધીની સફર, તેમની પૃષ્ઠભૂમિ અને તેમણે આપેલા સીમાચિહ્નરૂપ નિર્ણયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

ન્યાયાધીશ ભૂષણ ગવઈ કોણ છે?

ન્યાયાધીશ બી.આર. ગવઈનો જન્મ 24 નવેમ્બર, 1960 ના રોજ મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં થયો હતો. તેઓ આર.એસ. ગવઈના પુત્ર છે.

આર.એસ. ગવઈ રિપબ્લિકન પાર્ટીના નેતા હતા તથા કેરળ અને બિહારના રાજ્યપાલપદે પણ રહ્યા હતા.

ભૂષણ ગવઈએ તેમનું પ્રાથમિક શિક્ષણ અમરાવતીની એક શાળામાં મેળવ્યું હતું. બાદમાં તેઓ કાયદાનો અભ્યાસ કરવા માટે મુંબઈ ગયા.

ભૂષણ ગવઈ 16 માર્ચ, 1985 ના રોજ બાર કાઉન્સિલના સભ્ય બન્યા. ત્યારબાદ તેમણે 1987 સુધી હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ભૂતપૂર્વ ઍડ્વોકેટ જનરલ સાથે કામ કર્યું.

તેમણે 1987 માં બૉમ્બે હાઇકોર્ટમાં સ્વતંત્ર કાનૂની પ્રૅક્ટિસ શરૂ કરી. 1990 સુધી તેમણે હાઇકોર્ટમાં સ્વતંત્ર રીતે પ્રૅક્ટિસ કરી. બાદમાં તેઓ નાગપુર ગયા અને ત્યાં સ્થાયી થયા. તેમણે બૉમ્બે હાઇકોર્ટની નાગપુર બૅન્ચમાં પોતાની કાનૂની પ્રૅક્ટિસ ચાલુ રાખી.

તેમણે નાગપુર અને અમરાવતી મ્યુનિસિપલ કૉર્પોરેશન તેમજ અમરાવતી યુનિવર્સિટી માટે સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે સેવા આપી હતી.

કોણ છે દેશના 52મા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયાધીશ, જસ્ટિસ બી.આર. ગવઈ, સીજેઆઈ સંજીવ ખન્ના નિવૃત્તિ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

ઑગસ્ટ-1992 થી જુલાઈ-1993 સુધી તેમણે બૉમ્બે હાઇકોર્ટની નાગપુર બૅન્ચમાં સહાયક સરકારી વકીલ અને વધારાના સરકારી વકીલનું પદ સંભાળ્યું હતું.

17 જાન્યુઆરી, 2000ના રોજ તેમને હાઇકોર્ટની નાગપુર બેન્ચમાં સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

14 નવેમ્બર, 2003 ના રોજ ન્યાયાધીશ ગવઈને હાઇકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી.

12 નવેમ્બર, 2005 ના રોજ તેઓ બોમ્બે હાઇકોર્ટના કાયમી ન્યાયાધીશ બન્યા, જ્યાં તેમણે અનેક મહત્ત્વપૂર્ણ ચુકાદા આપ્યા.

હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે 14 વર્ષ સેવા આપ્યા પછી તેમને 24 મે, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી.

ભારતના મુખ્ય ન્યાયાધીશની ભૂમિકા સંભાળવાની તૈયારી કરતા ન્યાયાધીશ ગવઈ છ મહિના માટે આ પદ પર સેવા આપશે. તેઓ 23 નવેમ્બર, 2025 ના રોજ નિવૃત્ત થવાના છે.

જસ્ટિસ એમ. હિદાયતુલ્લાહ અને જસ્ટિસ શરદ બોબડે પછી, જસ્ટિસ ગવઈ ભારતીય ન્યાયતંત્રમાં સર્વોચ્ચ પદ પર પહોંચનારા નાગપુર બાર ઍસોસિયેશનના ત્રીજા સભ્ય બનશે.

જસ્ટિસ ભૂષણ ગવઈના પિતા આર.એસ. ગવઈ કોણ હતા?

કોણ છે દેશના 52મા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયાધીશ, જસ્ટિસ બી.આર. ગવઈ, સીજેઆઈ સંજીવ ખન્ના નિવૃત્તિ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, ANI

જસ્ટિસ ભૂષણ ગવઈ સામાજિક કાર્યકર્તા અને રાજકીય નેતા રામકૃષ્ણ સૂર્ણભાણ ગવઈના પુત્ર છે, તેઓ પોતાના સમર્થકોમાં ‘દાદાસાહેબ ગવઈ’ તરીકે જાણીતા હતા, તેઓ અમરાવતી જિલ્લાના દરિયાપુરના રહેવાસી હતા.

આર.એસ. ગવઈ રાજકારણમાં સક્રિય થયા તે પહેલાં સામાજિક કાર્ય સાથે જોડાયેલા હતા. તેમની પાસે કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ કે વારસો નહોતો, તેમ છતાં તેમણે રાજકીય ક્ષેત્રમાં પોતાના માટે એક અલગ સ્થાન ઊભું કર્યું.

આર.એસ. ગવઈ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના એક અગ્રણી નેતા હતા અને 1972 માં તેના પ્રમુખ તરીકે સેવા આપી હતી.

તેઓ પાછળથી વિધાનપરિષદ (MLC) ના સભ્ય બન્યા. તેમણે અમરાવતીથી લોકસભાની ચૂંટણી લડી અને સંસદ સભ્ય તરીકે ચૂંટાયા. ત્યારબાદ તેમણે રાજ્યસભાના સાંસદ તરીકે પણ સેવા આપી.

આર.એસ. ગવઈને કેરળ અને બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતીય બંધારણના જાણીતા વિદ્વાન પણ હતા.

આર.એસ. ગવઈ દીક્ષાભૂમિ સ્મારક સમિતિના પ્રમુખ પણ હતા. તેમના અંતિમ દિવસોમાં તેઓ બીમાર રહેતા અને તેમના પુત્ર ન્યાયાધીશ ભૂષણ ગવઈ સાથે નાગપુરમાં રહેતા હતા. આર.એસ. ગવઈનું 2015 માં નાગપુરમાં અવસાન થયું.

ન્યાયાધીશ ભૂષણ ગવઈ દ્વારા મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ

ન્યાયાધીશ ભૂષણ ગવઈએ સુપ્રીમ કોર્ટમાં ઘણા સીમાચિહ્નરૂપ કેસોમાં ચુકાદા આપ્યા છે.

2023 માં સુપ્રીમ કોર્ટની બૅન્ચે કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો, ન્યાયાધીશ બી.આર. ગવઈ આ બૅન્ચના ભાગ હતા.

નોટબંધી કેસ અંગે ચુકાદો આપતી વખતે ન્યાયાધીશ ગવઈએ કહ્યું હતું, “રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા ઍક્ટની કલમ 26(2) હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કોઈપણ શ્રેણીની કોઈપણ નોટ પર પ્રતિબંધ મૂકવા માટે થઈ શકે છે. આ કલમમાં વપરાયેલા ‘કોઈપણ’ શબ્દનું સંકુચિત અર્થઘટન ન થઈ શકે.”

2024માં, સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બંધારણીય બૅન્ચે એક ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિના (ST) અનામત માળખામાં પેટા-વર્ગીકરણ બંધારણીય રીતે માન્ય છે. જસ્ટિસ ભૂષણ ગવઈ આ બેન્ચના પણ ભાગ હતા.

તે સમયે, ન્યાયાધીશ ગવઈ સહિત ચાર ન્યાયાધીશોએ SC અને ST અનામતમાં ક્રીમી લેયર જોગવાઈ દાખલ કરવાની ભલામણ કરી હતી.

આ પગલાને સમર્થન આપતા ન્યાયાધીશ ગવઈએ અવલોકન કર્યું, “આ પગલું બંધારણમાં સમાવિષ્ટ સમાનતાના સિદ્ધાંતને સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ બની શકે છે. જો કે, અન્ય પછાત વર્ગોની (OBC) જેમ, સરકારે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે પણ ક્રીમી લેયર લાગુ કરવા માટે ચોક્કસ માપદંડ સ્થાપિત કરવા જોઈએ. OBC અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેના માપદંડ અલગ-અલગ હોય શકે છે.”

કોણ છે દેશના 52મા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયાધીશ, જસ્ટિસ બી.આર. ગવઈ, સીજેઆઈ સંજીવ ખન્ના નિવૃત્તિ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, SUPREME COURT OF INDIA

જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ કરી, ત્યારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો.

ડિસેમ્બર 2023 માં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો, જેમાં કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના પગલાને સમર્થન આપ્યું. ન્યાયાધીશ ભૂષણ ગવઈ આ કેસનો ચુકાદો આપનારી બંધારણીય બૅન્ચના સભ્ય હતા.

અન્ય એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બૅન્ચે ચૂંટણી બૉન્ડ યોજનાને ગેરબંધારણીય જાહેર કરી.

બૅન્ચે જણાવ્યું હતું કે યોજના હેઠળ દાતાઓને આપવામાં આવેલા ગુપ્તતા બંધારણની કલમ 19(1)(a) હેઠળ નાગરિકોના માહિતી અધિકારનું ઉલ્લંઘન કરે છે. જસ્ટિસ બી.આર. ગવઈ આ બંધારણીય બૅન્ચના પાંચ ન્યાયાધીશોમાંના એક હતા.

જસ્ટિસ ગવઈએ બે ન્યાયાધીશોની બૅન્ચનું પણ નેતૃત્વ કર્યું હતું, જેણે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં આરોપીઓનાં ઘરોને તોડી પાડવાની ‘બુલડોઝર કાર્યવાહી’ને પડકારતી અરજીઓનો સાંભળી હતી.

અરજીઓનો નિકાલ કરતી વખતે, બૅન્ચે ઘરો તોડી પાડવા અંગે કડક ટીકા કરી હતી, અને કહ્યું હતું કે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના મિલકતનો નાશ કરવો ગેરકાયદેસર છે. કોર્ટે આરોપી વ્યક્તિઓનાં ઘરો સામે આવી કાર્યવાહી કરતા પહેલા અનુસરવા માટે પ્રક્રિયા નક્કી કરી હતી.

મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, આ માર્ગદર્શિકા ફક્ત કેસમાં સામેલ રાજ્યોને જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી. બૅન્ચે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને આ નિયમોનો અમલ કરતા યોગ્ય પરિપત્રો જારી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

રાહુલ ગાંધી કેસમાંથી અલગ થવાની ઑફર

રાહુલ ગાંધીને લગતા માનહાનિના કેસમાં સુરત સેશન્સ કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે આ સજા પર રોક લગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે અવલોક્યું હતું કે નીચલી અદાલતે મહત્તમ સજા આપવા માટે કોઈ ચોક્કસ કારણો આપ્યાં નથી.

આ મામલો જસ્ટિસ ભૂષણ ગવઈની આગેવાની હેઠળની બૅન્ચ સમક્ષ આવ્યો. સુનાવણી દરમિયાન, જસ્ટિસ ગવઈએ સ્વેચ્છાએ આ કેસમાંથી પોતાને અલગ કરવાની ઓફર કરી, તેમનો પરિવાર કૉંગ્રેસ પક્ષ સાથે લાંબા સમયથી જોડાયેલા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું, “મારા પિતા કૉંગ્રેસના સભ્ય નહોતા, પરંતુ તેઓ 40 વર્ષથી વધુ સમયથી પાર્ટી સાથે જોડાયેલા હતા. કૉંગ્રેસના સમર્થનથી, તેઓ વિધાનસભાના સભ્ય અને સંસદ સભ્ય બન્યા. મારો ભાઈ પણ રાજકારણમાં સક્રિય છે અને કૉંગ્રેસ સાથે સંકળાયેલો છે. તેથી, મારે આ કેસ સાંભળવો જોઈએ કે નહીં તે વિચારવું જોઈએ.”

આ ખુલાસો છતાં, તેમની બૅન્ચ દ્વારા કેસની સુનાવણી ચાલુ રહી.

તિસ્તા સેતલવાડ અને મનીષ સિસોદિયાને જામીન મળ્યા

કોણ છે દેશના 52મા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયાધીશ, જસ્ટિસ બી.આર. ગવઈ, સીજેઆઈ સંજીવ ખન્ના નિવૃત્તિ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, ANI

જસ્ટિસ ભૂષણ ગવઈની આગેવાની હેઠળની એક ખાસ બૅન્ચ 2023 માં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને જામીન આપ્યા. 2002 ના ગુજરાત રમખાણોના સંબંધમાં કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

અન્ય એક મહત્ત્વપૂર્ણ બાબતમાં, દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા, જેમની કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી, તેમને સુપ્રીમ કોર્ટે 2024 માં જામીન આપ્યા હતા. તેમના જામીન પર સુનાવણી જસ્ટિસ ભૂષણ ગવઈ અને કે.વી. વિશ્વનાથનની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, સિસોદિયાને 17 મહિના કસ્ટડીમાં વિતાવ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ભારતના મુખ્ય ન્યાયાધીશ અંગેની પોસ્ટ બદલ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને કોર્ટના અવમાનનો દોષી ઠેરવ્યા હતા.

કોર્ટે આ મામલાની સુઓમોટો નોંધ લીધી, અને નિષ્કર્ષ કાઢ્યો કે તેમની ટિપ્પણી અદાલતનો તિરસ્કાર કરે છે.

આ કેસની સુનાવણી જસ્ટિસ અરુણ મિશ્રા, ભૂષણ ગવઈ અને કૃષ્ણ મુરારીની બૅન્ચ દ્વારા કરવામાં આવી હતી.

જસ્ટિસ ગવઈ સમક્ષ ક્યાં મહત્ત્વપૂર્ણ કેસ આવવાની શક્યતા

કોણ છે દેશના 52મા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયાધીશ, જસ્ટિસ બી.આર. ગવઈ, સીજેઆઈ સંજીવ ખન્ના નિવૃત્તિ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટ હાલમાં પૂજાસ્થાનો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, 1991 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી છે. 2024 માં, કોર્ટે આ કાયદા સંબંધિત મહત્ત્વપૂર્ણ વચગાળાના આદેશો જારી કર્યા છે.

તેમણે નવા કેસ દાખલ કરવા અને કાયદા હેઠળ પહેલાંથી જ પડતર કેસોમાં કોઈપણ કાર્યવાહી પર આગામી આદેશો સુધી સ્ટે મૂકવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે એવી પણ સૂચના આપી હતી કે નીચલી અદાલતોએ આવા કેસોમાં કોઈપણ આદેશ આપવાથી દૂર રહેવું જોઈએ.

હાલમાં આ કેસ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બૅન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે. જો કે, મુખ્ય ન્યાયાધીશ ખન્ના 14 દિવસમાં નિવૃત્ત થવાના હોવાથી, આ મામલો ન્યાયાધીશ બી.આર. ગવઈ સમક્ષ આવવાની અપેક્ષા છે, જેઓ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે.

આ કેસને ન્યાયાધીશ ગવઈ તેમના કાર્યકાળ દરમિયાન જે મુખ્ય બાબતોની અધ્યક્ષતા કરશે તેમાંનો એક છે.

વધુમાં, કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા વક્ફ સુધારા કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી પણ હાલમાં મુખ્ય ન્યાયાધીશ ખન્નાની આગેવાની હેઠળની બૅન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.

તેમના કાર્યકાળમાં બાકી રહેલા મર્યાદિત સમયને ધ્યાનમાં રાખીને, તેમની નિવૃત્તિ પહેલાં આ મામલો પૂર્ણ થાય તેવી શક્યતા ઓછી છે, જેના કારણે તે બીજો મહત્ત્વપૂર્ણ કેસ બનશે, જેની સુનાવણી ન્યાયાધીશ ભૂષણ ગવઈ દ્વારા કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS