Home તાજા સમાચાર gujrati ક્લાસરૂમમાં ઘૂસીને ધોરણ 10ની વિદ્યાર્થિની પર આરીથી હુમલો, સ્કૂલમાં શું થયું હતું?

ક્લાસરૂમમાં ઘૂસીને ધોરણ 10ની વિદ્યાર્થિની પર આરીથી હુમલો, સ્કૂલમાં શું થયું હતું?

7
0

Source : BBC NEWS

આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લાના રાપતાડુમાં એક સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થિની પર ઇલેક્ટ્રિક આરી વડે હુમલો કરવામાં આવ્યો છે

આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લાના રાપતાડુમાં એક સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થિની પર ઇલેક્ટ્રિક આરી વડે હુમલો કરવામાં આવ્યો છે.

અનંતપુરના પોલીસ અધીક્ષક (એસપી) જગદીશે બીબીસીને જણાવ્યું કે પોલીસ આરોપીની શોધ કરી રહી છે.

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના અંગે ઊંડું દુઃખ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, ક્લાસરૂમમાં અભ્યાસ ચાલતો હતો ત્યારે એક વ્યક્તિ અંદર ઘૂસી અને વિદ્યાર્થિની પર હુમલો કર્યો.

તેને બચાવવાનો પ્રયાસ કરનાર બીજી એક વિદ્યાર્થિની પણ આ હુમલામાં ઘાયલ થઈ હતી.

આ ઘટના રાપતાડુ મંડળ મુખ્યાલય ખાતે આવેલી જિલ્લા પરિષદ હાઈસ્કૂલમાં બની હતી.

અનંતપુરના જિલ્લા કલેક્ટર ઓ. આનંદે સરકારી હૉસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં વિદ્યાર્થિનીની સારવાર ચાલી રહી છે.

જનરલ હૉસ્પિટલનાં અધીક્ષક ડૉ. મલ્લેશ્વરીએ બીબીસીને જણાવ્યું કે વધુ સારી સારવાર માટે વિદ્યાર્થિનીને નિષ્ણાત ડૉક્ટરોની દેખરેખ હેઠળ ઍમ્બ્યુલન્સ મારફતે બૅંગલુરુ લઈ જવામાં આવી રહી છે.

‘આરોપી ઇલેક્ટ્રિક આરી લઈને ક્લાસરૂમમાં ઘૂસ્યો હતો’

ઘટનાની જાણ થતાં જ રાપતાડુ પોલીસ તરત જ સ્કૂલમાં પહોંચી અને માહિતી એકત્ર કરી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, શનિવારે સવારે લગભગ 10:30 વાગ્યે ધોરણ 10માં અભ્યાસ ચાલી રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિ વૃક્ષો કાપવા માટે ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક આરી લઈને સ્કૂલમાં ઘૂસી અને વિદ્યાર્થિની પર હુમલો કર્યો.

પોલીસે જણાવ્યું કે આ હુમલામાં વિદ્યાર્થિનીના ચહેરા, ગળા અને પેટ સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજા પહોંચી છે. તેનો જમણો હાથ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

વિદ્યાર્થિનીને બચાવવાનો પ્રયાસ કરનારી બીજી એક વિદ્યાર્થિની પણ હુમલામાં ઘાયલ થઈ હતી.

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી બંને વિદ્યાર્થિનીને અનંતપુરની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વિદ્યાર્થિનીની સ્થિતિ ગંભીર હોવાથી ઇમરજન્સી વિભાગમાં તેની સારવાર કરવામાં આવી હતી.

વધુ સારી સારવાર માટે હવે તેને મંત્રી સત્યકુમારની દેખરેખ હેઠળ બૅંગલુરુની એક હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહી છે.

મંત્રી નારા લોકેશે ત્યાં મણિપાલ હૉસ્પિટલના ડૉક્ટરોને વિદ્યાર્થિનીને શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે.

તેમણે કર્ણાટક સરકારને વિદ્યાર્થિનીને ઝડપથી હૉસ્પિટલ પહોંચાડવા માટે ‘ગ્રીન કૉરિડોર’ બનાવવાની પણ વિનંતી કરી છે.

પોલીસનું કહેવું છે કે સ્કૂલમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું. આવી સ્થિતિમાં કેટલાક શિક્ષકો અને સુરક્ષા કર્મચારીઓએ આરોપીને મજૂર સમજી લીધો હતો અને પૂછપરછ કર્યા વિના જ તેને સ્કૂલની અંદર જવા દીધો હતો.

શાળામાં આવીને વિદ્યાર્થિની પર હુમલો કરનાર આરોપી કોણ છે?

એસપીએ જણાવ્યું કે હુમલો કરનાર વ્યક્તિની ઓળખ હેમંત તરીકે થઈ છે. તે શ્રી સત્ય સાઈ જિલ્લાના ધર્માવરમ મંડળના નાગુલુ વિસ્તારનો રહેવાસી છે.

તેમણે કહ્યું, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે પીડિત વિદ્યાર્થિનીનો સગો છે. જોકે, વિદ્યાર્થિનીને ભાનમાં આવ્યા બાદ તેનું નિવેદન નોંધવામાં આવશે. ત્યાર બાદ જ બંને વચ્ચે શું વિવાદ હતો તે જાણી શકાશે.”

એસપીએ એ અહેવાલોને પણ ખોટા ગણાવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે હુમલા બાદ સ્કૂલમાંથી ફરાર થયેલા આરોપીને પોલીસે ધર્માવરમ રેલવે સ્ટેશન પરથી કસ્ટડીમાં લીધો છે.

‘અમારી બાળકી ખૂબ જ સીધી-સાદી છે’

રાપતાડુ હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલ રાજેશ્વરીએ જણાવ્યું કે ઘટના સમયે સ્કૂલમાં માત્ર પાંચ શિક્ષકો હાજર હતા.

પીડિત વિદ્યાર્થિનીના પરિવારજનોએ આ ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

વિદ્યાર્થિનીનાં માસીએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે એક વ્યક્તિ ઇલેક્ટ્રિક આરી લઈને સ્કૂલ પરિસરમાં ઘૂસી અને ક્લાસરૂમમાં વિદ્યાર્થિની પર હુમલો કર્યો, ત્યારે સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા શું કરી રહી હતી.

તેમણે કહ્યું, “અમને હજુ સુધી ખબર નથી કે બાળકી પર કોણે અને કેવી રીતે હુમલો કર્યો. અમારી બાળકી ખૂબ જ સીધી-સાદી છે. તે સવારે સાડા આઠ વાગ્યે સ્કૂલ જાય છે. આ ઘટના સ્કૂલમાં બની છે. તેનું ગળું કાપી નાખવામાં આવ્યું છે, પગ અને હાથ પર પણ ઈજા પહોંચી છે. હવે અમે તેને એક મોટી હૉસ્પિટલમાં લઈ આવ્યા છીએ.

અમારી બાળકી દરરોજ અય્યવરિપલ્લીથી ઑટોરિક્ષામાં સ્કૂલ આવે છે. જો તે છોકરો લાકડું કાપવાનું મશીન લઈને સ્કૂલમાં ઘૂસ્યો હતો, તો શું ત્યાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી?”

‘તે સમયે સ્કૂલમાં માત્ર પાંચ શિક્ષકો હાજર હતા’

ક્લાસ ટીચર રાજેશ્વરીએ જણાવ્યું, “બીજા પિરિયડ દરમિયાન એક વ્યક્તિ ક્લાસરૂમમાં ઘૂસી આવી હતી. તે એકલી હતી અને તેણે અચાનક હુમલો કરી દીધો. તેનાથી ગભરાઈને બાળકો અહીં-ત્યાં દોડવા લાગ્યાં. તેમને સમજાતું નહોતું કે શું કરવું.”

રાપતાડુ હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલ રાજેશ્વરીએ જણાવ્યું કે ઘટના સમયે સ્કૂલમાં માત્ર પાંચ શિક્ષકો હાજર હતા.

તેમણે કહ્યું, “ક્લાસ ચાલી રહ્યો હતો. બાળકો ચીસો પાડતાં બહાર આવ્યાં. અમને લાગ્યું કે બહાર કંઈક બન્યું છે અને કદાચ કોઈની હત્યા થઈ ગઈ છે. જ્યારે અમે ક્લાસરૂમમાં પહોંચ્યાં ત્યારે જોયું કે વિદ્યાર્થિની ગંભીર રીતે ઘાયલ હતી. હુમલો કરનાર વ્યક્તિ ત્યાંથી ભાગી ગઈ હતી. અમે વિદ્યાર્થિનીને હૉસ્પિટલ લઈ ગયા. તે હોશિયાર છે. બીજી એક વિદ્યાર્થિનીએ હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગમાં ઈજા પહોંચી હતી. અમે તેને પણ હૉસ્પિટલ લઈ ગયા.”ુ

મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ વિદ્યાર્થિનીના પરિવારજનો સાથે વાત કરી

મુખ્ય મંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ફોન પર ઘાયલ વિદ્યાર્થિનીનાં માતા સાથે પણ વાત કરી હતી અને વિશ્વાસ અપાવ્યો કે આ મુશ્કેલ સમયમાં સરકાર તેમની સાથે ઊભી છે

મુખ્ય મંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના અંગે ઊંડું દુઃખ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું.

તેમણે અધિકારીઓ પાસેથી વિદ્યાર્થિનીના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી અને તબીબી ટીમને તેને શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે.

તેમણે ફોન પર ઘાયલ વિદ્યાર્થિનીનાં માતા સાથે પણ વાત કરી હતી. મુખ્ય મંત્રીએ પરિવારને વિશ્વાસ અપાવ્યો કે આ મુશ્કેલ સમયમાં સરકાર તેમની સાથે ઊભી છે.

શિક્ષણમંત્રી નારા લોકેશે પણ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી.

તેમણે કહ્યું, “ક્લાસરૂમમાં લોહીલુહાણ હાલતમાં પડેલી બાળકીને જોઈને આંસુ રોકાતાં નથી. છોકરીઓ અને મહિલાઓની સુરક્ષાના મામલે સરકાર કોઈ સમાધાન નહીં કરે. બાળકોની સુરક્ષામાં બેદરકારી દાખવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.”

પૂર્વ મુખ્ય મંત્રી અને વાયએસઆર કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ વાય.એસ. જગનમોહન રેડ્ડીએ પણ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી.

તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સરકારને સવાલ કર્યા છે.

તેમણે સવાલ કર્યો કે એક વ્યક્તિ ઇલેક્ટ્રિક આરી લઈને સરકારી સ્કૂલમાં કેવી રીતે ઘૂસી અને વિદ્યાર્થિની પર હુમલો કેવી રીતે કરી શક્યો?

‘હવે અમે અમારાં બાળકોને સ્કૂલમાં કેવી રીતે મોકલીશું?’

સ્થાનિક લોકો સ્કૂલોમાં બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

સ્થાનિક લોકોએ કહ્યું, “બાળકો દરરોજ અય્યવરિપલ્લીથી ઑટોરિક્ષામાં સ્કૂલ આવે છે. સ્કૂલમાં બધા લોકો હાજર હોય છે, તેમ છતાં આવી ઘટના બને તો તેઓ શું કરતા હતા? જ્યારે સરકારી સ્કૂલમાં આ પ્રકારની ઘટના બની શકે, તો અમે આવતી કાલે સવારે અમારાં બાળકોને સ્કૂલમાં કેવી રીતે મોકલીશું? અમે અમારાં બાળકોને સ્કૂલમાં મોકલવાની હિંમત કેવી રીતે કરીશું?”

ઘાયલ વિદ્યાર્થિનીની મુલાકાત લેવા પહોંચેલા રાપતાડુનાં ધારાસભ્ય પરિતાલા સુનીતાએ જણાવ્યું કે આરોપીને કડક સજા અપાવવામાં આવશે.

તેમણે કહ્યું, “હાઈસ્કૂલમાં આ પ્રકારની ઘટના બનવી અત્યંત દુઃખદ છે. કોઈ વ્યક્તિ આરી લઈને સ્કૂલમાં ઘૂસે અને વિદ્યાર્થિની પર હુમલો કરે, તે ખૂબ જ આઘાતજનક છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS