Source : BBC NEWS

ભારત, પંજાબ, ખેડૂત આંદોલન, કિસાન, જગજિતસિંહ ડલ્લેવાલના આમરણ ઉપવાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SKM NP

  • લેેખક, ખુશહાલ લાલી અને નવકિરણસિંહ
  • પદ, બીબીસી પંજાબી
  • 23 ડિસેમ્બર 2024, 15:44 IST

    અપડેટેડ 38 મિનિટ પહેલા

પંજાબ અને હરિયાણાની સરહદે ખનૌરીમાં ખેડૂતો લાંબા સમયથી પોતાની માગણીઓ લઈને બેઠા છે. 19મી ડિસેમ્બરે અહીં સ્ટેજનું સંચાલન અચાનક બંધ થઈ ગયું હતું. થોડી વારમાં સ્ટેજ ખાલી થઈ ગયું.

મેડિકલ સ્ટાફની દોડધામથી જાણવા મળ્યું કે આમરણ ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજિતસિંહ ડલ્લેવાલની તબિયત લથડી હતી. આ દરમિયાન કેટલાક લોકો ગુસ્સામાં જોવા મળ્યા હતા, તો કેટલાક લોકો ભાવુક થઈ ગયા હતા.

થોડી વાર પછી સ્ટેજ પર ગુરબાનીનું પઠન શરૂ થયું. ત્યાં ઉપસ્થિત રહેલા લોકો જગજિતસિંહ ડલ્લેવાલ માટે પ્રાર્થના કરવા લાગ્યા.

બપોર પછી ભારતીય કિસાન યુનિયન (સિધુપુર)ના રાજ્ય મહાસચિવ કાકાસિંહ કોટડાએ મંચ પર જણાવ્યું કે જગજિતસિંહ ડલ્લેવાલનું બ્લડપ્રેશર અત્યંત ઘટી ગયું છે.

તેમણે કહ્યું કે તેઓ થોડા સમય માટે બેભાન થઈ ગયા હતા, પરંતુ હવે તેમની તબિયતમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે.

ખેડૂત નેતાએ સ્પષ્ટ કહી દીધું પોલીસ જો દલ્લેવાલને બળજબરીથી હૉસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કરશે તો તેઓ તેનો વિરોધ કરશે.

ડલ્લેવાલની ખેડૂત આંદોલનોની સફર

ભારત, પંજાબ, ખેડૂત આંદોલન, કિસાન, જગજિતસિંહ ડલ્લેવાલના આમરણ ઉપવાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બોહડસિંહ ભારતીય કિસાન યુનિયન સિદ્ધુપુરના ફરીદકોટ જિલ્લા પ્રમુખ તથા જગજિતસિંહ ડલ્લેવાલના નિકટના સહયોગી છે.

બીબીસી પંજાબી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે જગજિતસિંહ ડલ્લેવાલનો પરિવાર મૂળ રાજસ્થાનના જેસલમેરનો છે. બાદમાં તેમનો પરિવાર ફરીદકોટમાં સ્થાયી થયો હતો.

જગજિતસિંહ ડલ્લેવાલનો જન્મ ફરીદકોટ જિલ્લાના ડલ્લેવાલ ગામમાં થયો હતો.

તેમણે ફરીદકોટમાં પોતાનું પ્રારંભિક શિક્ષણ લીધું હતું. ત્યાર પછી પંજાબ યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી. બોહડસિંહ કહે છે કે યુવાનીમાં ડલ્લેવાલ વિદ્યાર્થી તરીકે શીખ સ્ટુડન્ટ ફેડરેશનની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતા હતા.

બોહડસિંહ કહે છે, “વર્ષ 2000માં જગજિતસિંહ ડલ્લેવાલના મોટા ભાઈ ભારતીય કિસાન યુનિયન લખોવાલ જૂથના બ્લૉક ખજાનચી બન્યા હતા. તેઓ ખાસ ભણેલા ન હતા, તેથી તેઓ જગજિતસિંહની મદદથી તમામ હિસાબ કરતા હતા. જગજિતસિંહ ડલ્લેવાલ પોતાના ભાઈની મદદ કરતા કરતા પોતે પણ ખેડૂતોના સંઘર્ષમાં સામેલ થવા લાગ્યા.”

2001માં ભારતીય કિસાન યુનિયન લખોવાલના નેતાઓ અજમેરસિંહ લખોવાલ અને પિશૌરાસિંહ સિદ્ધુપુર વચ્ચે મતભેદો થયા હતા. પછી યુનિયનમાં ભાગલા પડ્યા.

આ દરમિયાન જગજિતસિંહ ડલ્લેવાલે સિદ્ધુપુર જૂથને સાથ આપ્યો અને તેમને ફરીદકોટના સાદિક બ્લૉકના પ્રમુખ બનાવવામાં આવ્યા. ત્યાર બાદ તેઓ ફરીદકોટના જિલ્લા પ્રમુખ બન્યા અને લગભગ 15 વર્ષ સુધી આ હોદ્દા પર રહ્યા.

હાલમાં જગજિતસિંહ ડલ્લેવાલ ભારતીય કિસાન યુનિયન સિદ્ધુપુરના પ્રદેશ અધ્યક્ષ છે.

70 વર્ષીય જગજિતસિંહ ડલ્લેવાલ કૅન્સરથી પીડિત હોવા છતાં ખેડૂતોના આંદોલનના અગ્રણી નેતા તરીકે ઊભરી આવ્યા છે.

તેમના પુત્ર ગુરપિંદરસિંહ ડલ્લેવાલે બીબીસી સંવાદદાતા અવતારસિંહને જણાવ્યું કે તેમના પિતા છેલ્લાં ચાલીસ વર્ષથી ખેડૂતોના આંદોલન સાથે સંકળાયેલા છે. ગુરપિંદરસિંહે કહ્યું કે જગજિતસિંહ ડલ્લેવાલે ખેડૂતોના આંદોલન માટે જે પણ કર્યું છે તે આખી દુનિયાની સામે છે અને તેમનો સંઘર્ષ સતત ચાલુ છે.

જગજિતસિંહ ડલ્લેવાલે રાષ્ટ્રીય સ્તરે પણ અનેક આંદોલનોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. લગભગ 17 એકર જમીનના માલિક ડલ્લેવાલ ખેડૂત આંદોલન દરમિયાન ઘણી વખત જેલમાં જઈ આવ્યા છે. આ વર્ષે 27 જાન્યુઆરીએ તેમનાં પત્નીનું અવસાન થયું હતું.

કૃષિ કાયદા વિરુદ્ધના આંદોલનમાં ડલ્લેવાલની ભૂમિકા

ભારત, પંજાબ, ખેડૂત આંદોલન, કિસાન, જગજિતસિંહ ડલ્લેવાલના આમરણ ઉપવાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીની સરહદે ત્રણ કૃષિકાયદાઓ વિરુદ્ધ ખેડૂત આંદોલન થયું ત્યારે જગજિતસિંહ ડલ્લેવાલ રાષ્ટ્રીય સ્તરે એક મહત્ત્વપૂર્ણ ખેડૂત નેતા તરીકે ઊભરી આવ્યા હતા.

આ આંદોલન દરમિયાન ઘણા ખેડૂત નેતાઓ કોઈને કોઈ સ્વરૂપે વિવાદોમાં ફસાયા હતા. પરંતુ ડલ્લેવાલ એવા નેતાઓ પૈકી હતા, જેમણે આંદોલન દરમિયાન વિવેક છોડ્યો ન હતો.

ડલ્લેવાલે છેલ્લે પંજાબ વિધાનસભાની ચૂંટણી લડનારા ખેડૂત નેતાઓનો જાહેરમાં વિરોધ કર્યો હતો.

કિસાન કામદાર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય)એ ખેડૂતોની માગણીઓ માટે 13 ફેબ્રુઆરી 2024ના રોજ દિલ્હી જવાની જાહેરાત કરી હતી.

પરંતુ ખેડૂતોના કાફલાને પંજાબ અને હરિયાણાની સરહદે રોકી દેવામાં આવ્યો હતો. ત્યારથી ખેડૂતોએ શંભુ અને ખનૌરી બૉર્ડર પર ધામા નાખ્યા હતા.

21 ફેબ્રુઆરીએ શંભુ અને ખનૌરી બૉર્ડર પર આંદોલન કરતા ખેડૂતોએ દિલ્હી તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખનૌરી બૉર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચેની અથડામણમાં એક યુવાન ખેડૂત શુભકરણસિંહનું મોત થયું હતું. આ દરમિયાન ઘણા ખેડૂતોને ઈજા પણ થઈ હતી.

છેલ્લા નવ મહિનાથી ચાલતો આ સંઘર્ષ 26 નવેમ્બરે ખેડૂત નેતા ડલ્લેવાલની ભૂખ હડતાળના કારણે ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં છે.

સામાજિક કાર્યકર બળદેવસિંહ સિરસાનું કહેવું છે કે જગજિતસિંહ ડલ્લેવાલના ઉપવાસે આંદોલનમાં નવા પ્રાણ ફૂંક્યા છે.

તેમનું કહેવું છે કે આ ભૂખ હડતાળના કારણે જ રાજ્યની મોટી પાર્ટીઓના નેતાઓ સહિત ધાર્મિક આગેવાનો પણ આ આંદોલનને ટેકો આપી રહ્યા છે.

ખેડૂત નેતા સતનામસિંહ બહિરુ મુજબ ડલ્લેવાલના કારણે લોકો એટલી હદે આ આંદોલન સાથે જોડાઈ ગયા છે કે ઘણી જગ્યાએ રેલ રોકોની હાકલનું પણ પાલન કર્યું છે.

આ વખતે ખનૌરી બૉર્ડર ખેડૂત આંદોલનનું કેન્દ્ર

ભારત, પંજાબ, ખેડૂત આંદોલન, કિસાન, જગજિતસિંહ ડલ્લેવાલના આમરણ ઉપવાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ખેડૂત આંદોલનના બીજા તબક્કામાં શરૂઆતના દિવસોમાં શંભુ બૉર્ડર કેન્દ્રસ્થાને હતી, પરંતુ જગજિતસિંહ ડલ્લેવાલની ભૂખ હડતાળ પછી ખનૌરી બૉર્ડર ચર્ચામાં આવી છે.

ખનૌરી બૉર્ડરથી માત્ર 6 કિલોમીટર દૂર રહેતા ખેડૂત હરજિતસિંહ કહે છે કે જે દિવસથી ડલ્લેવાલ આમરણ ઉપવાસ પર બેઠા છે, ત્યારથી કાફલો એટલો વધી રહ્યો છે કે 4-5 કિલોમીટર સુધી ખેડૂતોની ટ્રૉલીઓ ઊભી છે.

આ ટ્રૉલીઓ પર સવાર યુવાનોએ જણાવ્યું કે ડલ્લેવાલના આમરણ ઉપવાસથી પ્રભાવિત થઈને તેઓ ખનૌરી બૉર્ડરે પહોંચ્યા છે.

પટિયાલાથી આવેલા સુખચેનસિંહે કહ્યું કે, “આટલી મોટી ઉંમરના લોકો આમરણ ઉપવાસ પર ઊતરે તો અમે યુવાનો કેમ કંઈ ન કરી શકીએ?”

ખનૌરી બૉર્ડર પર એકઠા થયેલા ખેડૂતોને કઈ વાતનો ડર છે?

ખનૌરી બૉર્ડર પર એકઠા થયેલા ખેડૂતોને એ વાતનો ડર છે કે જગજિતસિંહ ડલ્લેવાલને ખેડૂત મોરચાથી ઉઠાવીને હૉસ્પિટલમાં દાખલ કરાવી શકે છે, જ્યાં તેમને ડ્રિપ લગાવવામાં આવી શકે છે.

મોટા ભાગના કેસમાં આમરણ ઉપવાસ પર બેસેલી વ્યક્તિને પોલીસ હૉસ્પિટલમાં દાખલ કરાવી દેતી હોય છે.

અગાઉ 26 નવેમ્બરે પોલીસે ડલ્લેવાલને આ મોરચા પરથી જ બળજબરીથી ઉઠાવીને લુધિયાણાની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ખેડૂતોના દબાણના કારણે પોલીસે ડલ્લેવાલને છોડી દીધા હતા.

2015માં શીખ કેદીઓની મુક્તિ માટે આમરણ ઉપવાસ કરનાર સુરતસિંહ ખાલસાને લગભગ આઠ વર્ષ સુધી લુધિયાણાની એક ખાનગી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.

સુરતસિંહ ખાલસાનું કહેવું હતું કે એવા ઘણા શીખ કેદીઓ છે જેમને સજા પૂરી કર્યા પછી પણ જેલમાં રાખવામાં આવ્યા છે.

ખેડૂત નેતા બલદેવસિંહ સિરસા મુજબ તેઓ કોઈ પણ હાલતમાં જગજિતસિંહ ડલ્લેવાલને બળજબરીથી ઉઠાવવા નહીં દે.

ભારતમાં આમરણ ઉપવાસનો ઇતિહાસ

ભારત, પંજાબ, ખેડૂત આંદોલન, કિસાન, જગજિતસિંહ ડલ્લેવાલના આમરણ ઉપવાસ, બીબીસી ગુજરાતી

ભારતમાં કોઈ આંદોલનના નેતાએ પોતાની માગણીઓને લઈને આમરણ ઉપવાસ કર્યા હોય તેવી આ પ્રથમ ઘટના નથી. ઇતિહાસમાં એવાં ઘણાં ઉદાહરણો છે જેમાં નેતાઓ ભૂખ હડતાળ પર બેઠા હોય.

1920ના દાયકામાં ખેડૂતોના મુદ્દે સંઘર્ષ કરતા પ્રજામંડળ આંદોલનના નેતા સેવાસિંહ ઠીકરીવાલા જેલની અંદર મૃત્યુ સુધી ભૂખ હડતાળ પર રહ્યા હતા. પ્રજામંડળ પાર્ટીની કેટલીક માગણીઓ મધ્યમ વર્ગના ખેડૂતોના મુદ્દા સંબંધિત હતી.

20 જાન્યુઆરી 1935ના રોજ અડધી રાતે ભૂખ હડતાળ દરમિયાન સેવાસિંહ ઠીકરીવાલાનું મૃત્યુ થયું હતું.

ક્રાંતિકારી ભગતસિંહના સાથી જતીન દાસ 63 દિવસની ભૂખ હડતાળ બાદ લાહોરમાં મૃત્યુ પામ્યા હતા.

પંજાબના એક જાણીતા નેતા દર્શનસિંહ ફેરુમાને પંજાબી પ્રાંતની માગણી સાથે 15 ઑગસ્ટ 1969ના રોજ ભૂખ હડતાળ કરી હતી. 27 ઑક્ટોબર 1969ના રોજ તેમનું નિધન થયું હતું.

જોકે, ઇતિહાસમાં એવાં ઘણાં ઉદાહરણો છે જેમાં કોઈ સંગઠનના નેતાએ આમરણ ઉપવાસ શરૂ કર્યા હોય અને સરકારે દબાણમાં આવીને માગણીઓ સ્વીકારી લીધી હોય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS