Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ
ખેતરોમાં વીજથાંભલા નાખવાના વિરોધમાં ગુજરાતમાં છેલ્લા 16 દિવસથી ખેડૂતોના આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે. હવે આ મુદ્દે કૃષિમંત્રી જિતુ વાઘાણીએ આજે મોટી જાહેરાત કરી હતી. તેમણે ખેડૂતોને વર્તમાન જમીનના ભાવના બમણા ભાવ ચૂકવવાની તથા આખું વળતર એકસાથે જ ચૂકવવાની જાહેરાત કરી હતી. જોકે, આ મુદ્દે ખેડૂતોએ હજુ કોઈ વિશેષ પ્રતિભાવ આપ્યો નથી.
ખેડૂતોની આંદોલન કમિટીના એક સભ્યએ માત્ર એટલું કહ્યું છે કે તેમને સરકાર દ્વારા આ મામલે કોઈ અધિકૃત પત્ર મળ્યો નથી.
બીબીસીના સહયોગી રાજેશ આંબલિયાએ આપેલી માહિતી અનુસાર, ખેડૂતોની કમિટીએ કહ્યું છે કે તેમને પત્ર મળશે, પછી તેઓ તેનો અભ્યાસ કરીને પ્રેસ કૉન્ફરન્સ કરશે.
ખેડૂતોએ જણાવ્યું છે કે આંદોલન હજુ ચાલુ જ રહેશે.
સરકારે આજે શું જાહેરાત કરી?
ઇમેજ સ્રોત, Jitu Vaghani/FB
ગુજરાત સરકારના મંત્રીઓ જિતુ વાઘાણી અને ઋષિકેશ પટેલે આજે આ મુદ્દે પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.
જિતુ વાઘાણીએ કહ્યું હતું કે, “અત્યાર સુધી ખેડૂતોને જંત્રીના બમણા ભાવ ચૂકવવામાં આવતા હતા. હવે જમીનના માર્કેટ રેટ (બજારકિંમત)ના બમણા ભાવ ચૂકવવામાં આવશે. આ ખેડૂત હિતલક્ષી નિર્ણય છે.”
“અત્યાર સુધી વીજપાયાના વાસ્તવિક માપ અનુસાર જ વળતર મળતું હતું. હવે તેની આજુબાજુ વધારાનું એક મીટર ગણવામાં આવશે અને એ પ્રમાણે વળતર આપવામાં આવશે.”
સરકારે જમીનની બજારકિંમત નક્કી કરવા કમિટી બનાવવાની જાહેરાત પણ કરી છે.
જમીનનું વૅલ્યુએશન (મૂલ્યાંકન) પણ ખેડૂતના વૅલ્યુઅર તરફથી, વીજકંપનીના વૅલ્યુઅર તરફથી અને કલેક્ટર તરફથી થશે તથા ત્યારબાદ ત્રણેય વચ્ચે સામંજસ્ય બેસાડીને આ નિર્ણય કરવામાં આવશે.
આ સિવાય માર્કેટ રેટ કમિટી (એમ.આર.સી.)માં જિલ્લા કલેક્ટર અધ્યક્ષસ્થાને રહેશે. કમિટીમાં ખેડૂતો તરફથી એક પ્રતિનિધિ તથા વીજકંપની તરફથી એક પ્રતિનિધિ રહેશે.
આ ઉપરાંત, જો કલેક્ટરને જરૂર જણાય તો અન્ય બે પ્રતિનિધિઓની નિમણૂક કરાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ખેડૂતોને એકસાથે જ બધું વળતર મળી જશે, હપ્તામાં ચૂકવણી નહીં થાય.
સતત 16 દિવસથી ખેડૂતો આમરણાંત ઉપવાસ પર
ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
રાજ્યભરના ખેડૂતો પોતાના ખેતરમાં નંખાઈ રહેલા વીજથાંભલાનો છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 16 દિવસથી મોરબીના જેતપર ગામે ખેડૂતો આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે.
આ પહેલાં તેમણે ગાંધીનગર સુધી ટ્રૅક્ટર રેલી પણ યોજી હતી અને પોતાની માગણી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.
જેતપરમાં ખેડૂતો અદાણી ગ્રૂપની ‘હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ’ નામની કંપની દ્વારા તેમની જમીનમાં વીજળીના થાંભલા ઊભા કરવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે.
આશરે 300 કિલોમીટર લાંબી આ લાઇન કચ્છમાં પાકિસ્તાન સરહદની નજીક ખાવડામાં સૂર્યપ્રકાશ અને પવનની મદદથી વીજળીનું ઉત્પાદન કરવા માટે આકાર લઈ રહેલા હાઇબ્રિડ રિન્યુએબલ ઍનર્જી પાર્કમાં ઉત્પન્ન થનારી 30 ગિગાવૉટ વીજળીમાંથી 7 ગિગાવૉટ વીજળીનું ખાવડાથી મોરબી જિલ્લાના હળવદ સુધી વહન કરવા માટે ઊભી કરાઈ રહી છે.
કેન્દ્ર સરકારની માલિકીની પાવરગ્રિડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડની પેટા કંપની ‘પાવરગ્રિડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડ’ હળવદથી અમદાવાદના વટામણ સુધી આશરે 130 કિલોમીટર લાંબી ટ્રાન્સમિશન લાઇન ઊભી કરી 7 ગિગાવૉટ વીજળીનું વહન કરવા માટેની લાઇન ઊભી કરી રહી છે.
આ લાઇન મોરબીની પૂર્વે આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાંથી પસાર થાય છે. કોંઢના ખેડૂતો પણ લગભગ એક મહિનાથી આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે.
વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે આ કંપનીઓને કારણે તેમની જમીનના ભાવ ઘટી રહ્યા છે અને તેમની જમીન નકામી બની રહી છે. તેઓ 1985ના કાયદા હેઠળ વળતર માગી રહ્યા છે.
ખેડૂતો ટાવરનું માસિક ભાડું અથવા તો ટાવર દીઠ સીધા બે કરોડ રૂપિયા પણ માગી રહ્યા છે. આ સાથે જ ખેડૂતો વળતરની પૉલિસી (નીતિ) અંગે પણ સ્પષ્ટીકરણ માગી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




