Source : BBC NEWS
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
-
10 જાન્યુઆરી 2025, 17:25 IST
અપડેટેડ એક કલાક પહેલા
‘દેવદરબારની આ પવિત્ર ધરતી અને જનદેવતાના આશીર્વાદ. ઓગડનાથની કૃપા આપણા બધાને સંકટના સમયમાં સાથ આપે છે. આપણા ઉત્તર ગુજરાતના પટ્ટામાં જ્યારે-જ્યારે દુષ્કાળના દિવસો આવ્યા હોય, મુસીબતના દિવસો આવ્યા હોય, આપણને ઓગડનાથજી બાપાના આશીર્વાદ હંમેશાં સાથે રહ્યા હોય.’
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કાંકરેજ ખાતે આયોજિત ચૂંટણીસભાને સંબોધતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત કહી હતી, જેને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
જાહેરસભા પહેલાં તેઓ દેવદરબાર જાગીરમઠ પણ ગયા હતા, જે ઓગડનાથ મહારાજની ગાદી છે.
ચૂંટણીના સમયમાં રાજકીય વિશ્લેષકોની નજરમાંથી આ વાત છટકી ન હતી, કારણ કે બનાસકાંઠા જિલ્લાની નવ બેઠક પર તેની સીધી અસર પડે તેમ હતી.
ગુજરાત સરકારે પહેલી જાન્યુઆરીના ‘વાવ-થરાદ’ જિલ્લો બનાવવાની જાહેરાત કરી હતી. આ નવા જિલ્લાની જાહેરાતનો કેટલાક સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે નવા જિલ્લાનું નામ ‘ઓગડનાથ’ પરથી રાખવું જોઈએ.
બનાસકાંઠાના દિયોદરમાં આવેલા જાગીરમઠ અને ઓગળ થળી ફરી ચર્ચામાં આવી ગયાં છે. પરંતુ આ ઓગડનાથ કોણ હતા અને ઉત્તર ગુજરાતમાં તેમનું આટલું મહત્ત્વ કેમ છે?
ઓગડનાથ મહંત કોણ હતા?
એવું માનવામાં આવે છે કે ઓગડનાથ ‘નાથ સંપ્રદાય’ના સંત હતા. તેઓ શૈવસિંદ્ધાંતમાં માનતા હતા. નાથ સંપ્રદાય શિવને સર્વપ્રથમ ગણે છે. ઉપરાંત તે પ્રથમ નાથ હોવાથી તેમને ‘આદિનાથ’ પણ કહે છે.
આ પંથના મૂળ નવ નાથ છે : (1) દત્તાત્રેય, (2) આદિનાથ, (3) જડભરત, (4) સહસ્રાર્જુન, (5) મત્સ્યેન્દ્રનાથ, (6) ગોરક્ષનાથ, (7) જલંધરનાથ, (8) નાગાર્જુન અને (9) દેવદત્ત. (ગુજરાતી વિશ્વકોશ) આમાંના એક ગોરખનાથ હતા.
ઓગડનાથે બનાસકાંઠામાં તેરવાડા (હાલના) ગામ ખાતે ધૂણી ધખાવી હતી. જોકે, લોકાપવાદ થતા તેમણે ગામ છોડી દીધું અને હાલના ઓગડથળી ખાતે તપસ્યા શરૂ કરી. એ પછી રાજાના કહેવાથી હાલના સ્થળે મઠની સ્થાપના કરી.
બળદેવનાથ અહીંના 16મા ગાદીપતિ છે. એ પહેલાંના મહંતોની જીર્ણોદ્ધાર થયેલી સમાધિઓ મંદિર પરિસરમાં છે.
ઓગડનાથ દેવદરબાર જાગીરમઠના મહંત બળદેવનાથે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, “ગોરખનાથ નેપાળમાં પશુપતિનાથના મેળામાં ગયા હતા, ત્યારે ત્યાંના રાજાના ઘરે ગયા હતા. ત્યારે નેપાળના 12 વર્ષના યુવરાજ આ બધું જોઈ રહ્યા હતા.”
“તેમણે ગોરખનાથ સમક્ષ માગ કરી કે તેમને શિષ્ય બનાવે અને સાથે લઈ જાય, પરંતુ રાજવી પરિવારના મહેમાન બનીને આવ્યા હોવાથી ગોરખનાથે એમ કરવા માટે અસમર્થતા વ્યક્ત કરી. સાથે જ પોતે (બિહારના) ગયા જઈ રહ્યા હોવાનું યુવરાજને જણાવ્યું.”
બળદેવનાથ ઉમેરે છે, “ગોરખનાથ જતા રહ્યા બાદ યુવરાજ તેમની શોધમાં નીકળ્યા અને સોહમગિરિએ તેમને દીક્ષા આપી અને તેમને નવું નામ ‘બ્રહ્મગિરિ’ આપ્યું.”
જે સંન્યાસીઓ દીક્ષા ગ્રહણ કરે છે તેઓ પોતાના સાંસારિક નામ અને પૃષ્ઠભૂમિનો ત્યાગ કરી દે છે એવી માન્યતા છે. આથી ઉપરોક્ત કથાની સ્વતંત્ર પુષ્ઠિ થઈ શક્તિ નથી પરંતુ દંતકથા રૂપે તે પ્રચલિત છે.
ઓઘડ કે ઓગડ નામ કેવી રીતે પડ્યું?
હિંદુમાં માન્યતા પ્રમાણે, 51 શક્તિપીઠ છે, જેમાં હાલના પાકિસ્તાનમાં આવેલા હિંગળાજમાતાના મંદિરનો પણ સમાવેશ થાય છે.
મહંત બળદેવનાથના કહેવા પ્રમાણે, “અમારા દશનામી જૂના અખાડામાં હિંગળાજમાતા (હાલમાં પાકિસ્તાન)નું વિશેષ મહત્ત્વ રહેલું છે.
મહંત બળદેવનાથના કહેવા પ્રમાણે, “બ્રહ્મગિરિએ હિંગળાજમાતાને ‘પ્રસન્ન કર્યાં હતા’. બ્રહ્મગિરિએ આ વાત ગોરખનાથને કરી એટલે ગોરખનાથને આશ્ચર્ય થયું, કારણ કે વર્ષોની તપસ્યા છતાં તેઓ હિંગળાજમાતાને પ્રસન્ન કરી નહોતા શક્યા.”
બળદેવનાથ કહે છે, “જો બ્રહ્મગિરિ તેમના (ગોરખનાથ) ચેલા બને, તો ગોરખનાથે વસ્તુઓ (હિંગળાજમાતા પાસેથી લીધેલી)ને પરત કરવાની તૈયારી દાખવી. બ્રહ્મગિરિ તૈયાર થયા. નાથ સંપ્રદાયની પરંપરા મુજબ, ગુરુ તેના શિષ્યના કાન વીંધે. જ્યારે ગોરખનાથે બ્રહ્મગિરિનો કાન વીંધ્યો ત્યારે તેમાંથી લોહી નીકળવાના બદલે દૂધ નીકળ્યું.”
“જ્યારે બીજો કાન વીંધ્યો ત્યારે તેમાંથી પણ દૂધ નીકળ્યું અને પહેલો કાન આપોઆપ સંધાઈ ગયો. એટલે ગોરખનાથે તેમને ઘડી ન શકાય એવા ‘અણઘડ’ કહ્યા.”
“સાથે જ તેમને પોતાનો મઠ અને ગાદી સ્થાપવાની છૂટ આપી એટલે તેમના નામ સાથે શિષ્ય સાથે જોડાતા ‘ગિરિ’ના સ્થાને ‘નાથ’ શબ્દ ઉમેરાયો.”
ઓગડનાથ અંતે ગોરખનાથ પાસેથી દીક્ષા લીધી અને તેઓ તેમના શિષ્ય બન્યા. જેથી તેમનો સમાવેશ ‘નાથ સંપ્રદાય’માં થયો.
ઉપરોક્ત પ્રચલિત દંતકથા છે, ઇતિહાસના ઘણા સંદર્ભોમાં ‘ઓઘડ’ અને ‘ઓગડ’ બંને શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે.
ગુજરાતના સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસમાં પણ ઓઘડનાથના નામનો ઉલ્લેખ જોવા મળે છે.
ડ્રુ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક જ્યૉર્જ બ્રિગ્સે ‘ગોરખનાથ ઍન્ડ કાનફટા યોગીસ’ નામનું પુસ્તક લખ્યું છે. જેમાં બ્રિગ્સ (પેજ 11) લખે છે કે ગોરખનાથના સમર્થનથી બ્રહ્મગિરિ નામના દશનામીએ અલગ પંથની સ્થાપના કરી હતી.
ઉપરોક્ત પુસ્તકના અગિયારમા પ્રકરણમાં તેઓ ગોરખનાથના ચાર અલગ-અલગ કાળખંડ અંગેની વાયકાઓ અને ટાંકે છે. તેમનો નિષ્કર્ષ છે કે ગોરખનાથ 1200 પહેલાં અને અગિયારમી સદીમાં થઈ ગયા.
આગળ જતાં તેમનું નામ ‘ઓઘડ’ કે ‘ઓગડ’ તરીકે પ્રચલિત થયું. કાંકરેજ, દિયોદર તથા આસપાસના વિસ્તારોમાં ઓગડનાથનું બહુ મહત્ત્વ છે.
એક સમયે રાજવીઓના તથા અન્ય વિવાદો પણ અહીંના મહંત દ્વારા ઉકેલવામાં આવતા. હાલના ગુજરાત, રાજસ્થાન અને પાકિસ્તાન ઉપરાંત અનેક સ્થળોએ ઓગડનાથનાં મંદિર આવેલાં છે.
ઓગડનાથના ગુરુ ગોરખનાથ કોણ હતા અને ગુજરાત સાથે શું સંબંધ છે?
SOURCE : BBC NEWS