Source : BBC NEWS

ઇન્દોર, ગુજરાત, ભીખારી, ભીખ, મધ્ય પ્રદેશ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

મધ્યપ્રદેશના ઇન્દોર શહેરનું ‘ભિખારીમુક્ત’ અભિયાન ચર્ચાના કેન્દ્રમાં છે. ઇન્દોરમાં વહીવટી તંત્રએ પહેલી જાન્યુઆરી, 2025થી ભીખ માગવાની સાથે ભીખ આપવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

વહીવટી તંત્રનું કહેવું છે કે આની તૈયારીઓ તેમણે ઘણા સમય પહેલાં શરૂ કરી દીધી હતી અને ભિખારીઓના પુનર્વાસ માટે ખાસ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે.

એટલું જ નહીં, ભીખ માગનાર કોઈ પણ વ્યક્તિની માહિતી આપવા બદલ ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ઇન્દોરમાં ચાલી રહેલું આ અભિયાન સમાચારોમાં ત્યારે આવ્યું, જ્યારે વહીવટી તંત્રએ લવકુશ ચૉક પાસેથી ઇંદિરાબાઈ નામનાં મહિલાને ભીખ માગતાં પકડ્યાં હતાં.

પોલીસે જણાવ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઇંદિરા સામાન્ય ભિખારણ નહોતાં. તેમની પાસે એક એકર જમીન, બે માળનું મકાન, બાઇક અને સ્માર્ટફોન હતાં.

પૂછપરછમાં જાણવા મળ્યું કે, ઇંદિરાએ પોતાના પરિવાર સાથે ભીખ માગીને માત્ર 45 દિવસમાં લગભગ અઢી લાખ જમા કર્યા હતા.

વૉટ્સઍપ

ઇન્દોરમાં ઘણા ભિખારી ‘હાઈપ્રોફાઇલ’ છે

ઇન્દોર, ગુજરાત, ભીખારી, ભીખ, મધ્ય પ્રદેશ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇંદિરાએ સ્વીકાર્યું હતું કે કે તેઓ એકલાં નહોતાં, પરંતુ, પોતાનાં ત્રણ સગીર બાળકો પાસે પણ ભીખ માગવાનું કામ કરાવતાં હતાં.

બાળકોમાંના એકે બાળ સુધાર ગૃહમાં નિવેદન આપ્યું કે, માતા જ તેમની પાસે ભીખ મંગાવડાવતાં હતાં.

એવું પણ જાણવા મળ્યું કે ઇંદિરા રાજસ્થાનના બારાં જિલ્લાનાં નિવાસી છે અને પોતાની કમાણી પોતાની પાસે રાખે છે.

પોલીસે સીઆરપીસીની કલમ 151 હેઠળ ઇંદિરાની ધરપકડ કરી અને પછી જ્યુડિશિયલ કસ્ટડી બાદ સલાહ આપીને તેમને રાજસ્થાન પાછાં મોકલી દીધાં.

એકમાત્ર ઇંદિરાનો જ કેસ નથી; તાજેતરના મહિનાઓમાં વહીવટી તંત્રએ એવા ઘણા ભિખારીઓને પકડ્યા જેઓ રોજના હજારો રૂપિયા કમાતા હતા.

શકુંતલાબાઈ નામની મહિલા પાસેથી વહીવટી તંત્રને 75,000 રૂપિયા મળી આવ્યા. પહેલાં તેમને ઉજ્જૈન-સ્થિત સેવાધામ આશ્રમમાં રાખવામાં આવ્યાં, પરંતુ, હવે તેમણે સોગંદ ખાધા છે કે તેઓ ફરી ક્યારેય ભીખ નહીં માગે.

શકુંતલાએ જણાવ્યું, “હવે હું કામ કરીને જ પૈસા કમાઈશ. મારી પાસેથી મળેલા પૈસા ભીખના નહોતા, પરંતુ, ઘણા પૈસા મેં સિલાઈકામ કરીને પણ ભેગા કર્યા હતા.”

તેમણે કહ્યું, “મને સમજાઈ ગયું છે કે મહેનતથી જ આગળ વધી શકાય છે. હવે હું મારું જીવન ભીખ માગ્યા વગર ચલાવીશ.”

શું ઇન્દોર ‘ભિખારી મુક્ત’ શહેર બની જશે?

ઇન્દોર, ગુજરાત, ભીખારી, ભીખ, મધ્ય પ્રદેશ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, S. NIAZI

ઇન્દોરને સાત વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે.

વહીવટી તંત્રનો દાવો છે કે હવે એ ‘ભિખારીમુક્ત’ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, કેમ કે, મુખ્ય ચાર રસ્તા અને મંદિરોની નજીક ભિખારીઓની ભીડ પર્યટકોના મનમાં શહેરની છબિ ખરાબ કરે છે.

વહીવટી તંત્રએ નક્કી કર્યું છે કે આ ભિખારીઓનો પુનર્વાસ કરાવીને તેમને વૈકલ્પિક રોજગાર સાથે જોડવામાં આવશે.

જિલ્લા કલેક્ટર આશિષસિંહે જણાવ્યું કે આ અભિયાન હેઠળ હવે ભીખ માગવી અને આપવી—બંને ગુનો છે.

તેમણે જણાવ્યું, “કોઈ પણ જાહેર સ્થળે ભિખારીઓ બતાવનાર કે તેમની માહિતી આપનારને 1,000 રૂપિયા ઇનામ આપવામાં આવી રહ્યું છે.”

“આ આદેશ નાગરિક સંહિતા 2023ની કલમ 163 (102) અંતર્ગત જાહેર કરવામાં આવ્યો છે. તેની સાથે જ કલમ 144 હેઠળની કાર્યવાહી કરવા માટે દળો બનાવવામાં આવ્યાં છે.”

ભિખારીઓ વિશે માહિતી આપનારને ઇનામ

ઇન્દોર, ગુજરાત, ભીખારી, ભીખ, મધ્ય પ્રદેશ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, S. NIAZI

આ આદેશ બહાર પડ્યાના દસ દિવસમાં અત્યાર સુધીમાં 15 લોકોને ઇનામ આપવામાં આવ્યાં છે; બીજી તરફ, વહીવટી તંત્ર ત્રણ લોકો સામે કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગના પરિયોજના અધિકારી દિનેશ મિશ્રાએ જણાવ્યું કે, “જે લોકો સામે કેસ દાખલ કરવાની તૈયારી ચાલે છે તેઓ ભિખારીઓને ભીખ આપતા હતા.”

તેમણે કહ્યું, “જેમને ભીખ આપવામાં આવી હતી, તેઓ એટલા ગરીબ અને વૃદ્ધ છે કે તેમની સામે કાર્યવાહી કરવાથી કશો લાભ નહીં થાય.”

“તેથી એવા લોકો સામે કાર્યવાહી કરવાની તૈયારી છે જેઓ ભણેલા-ગણેલા છે તેમ છતાં સમજતા નથી.”

અમારો ઇરાદો કેસ દાખલ કરાવવાનો નથી, પરંતુ, ભીખ માગવાની ટેવને ખતમ કરવાનો છે. તેથી, ભીખ માગનાર કરતાંયે ભીખ આપનાર વધારે જવાબદાર છે.

દિનેશ મિશ્રાએ કહ્યું કે, ઇનામ, જાગરૂકતાનો પરિચય કરાવવા બદલ આપવામાં આવી રહ્યું છે.

જોકે, આ બાબતમાં વહીવટી તંત્ર એવા લોકોનાં નામ ઉજાગર કરવા નથી માગતું જેમની સામે કેસ દાખલ કરવાના છે. સ્થાનિક લોકોનો દાવો છે કે શહેરમાં હવે ભિખારી નહીંવત્ જોવા મળે છે.

ઇન્દોરના ભિખારી ક્યાં જતા રહ્યા?

ઇન્દોર, ગુજરાત, ભીખારી, ભીખ, મધ્ય પ્રદેશ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, S. NIAZI

આ સવાલના જવાબમાં વહીવટી તંત્રના અધિકારીઓનું કહેવું છે કે ઘણા લોકોને ઉજ્જૈનના સેવાધામમાં મોકલી દેવાયા છે અને રોજગારમાં જોડી દેવાયા છે.

કેટલાક પોતાના ઘરે છે અને વયોવૃદ્ધ લોકોનાં સંતાનો પાસેથી અંડરટેકિંગ લઈ લેવાયું છે કે તેઓ તેમની સારસંભાળ રાખશે અને ભરણપોષણ કરશે.

તેમ છતાં, જો સંબંધિત વ્યક્તિ ભીખ માગતી જોવા મળે તો અંડરટેકિંગ લેનાર વ્યક્તિ સામે જ કાર્યવાહી કરવામાં આવશે.

તો, કેસ દાખલ કરવામાં જે પ્રક્રિયા અપનાવવાની છે તે વિશે મિશ્રાએ જણાવ્યું કે, તેમાં કલેક્ટર કલમ 163 અંતર્ગત એક આદેશ બહાર પાડશે અને એફઆઇઆર દાખલ કરવામાં આવશે.

ત્યાર પછી, તપાસ પૂરી થયા બાદ કેસને કોર્ટમાં રજૂ કરાશે.

આ અભિયાનમાં વહીવટી તંત્રની સાથે એનજીઓ ‘પરમ પૂજ્ય રક્ષક આદિનાથ વેલ્ફેર ઍન્ડ એજ્યુકેશન સોસાયટી પણ કાર્ય કરી રહી છે.

સંસ્થાનાં અધ્યક્ષ રૂપાલી જૈને જણાવ્યું કે તેમની ટીમ 2022થી સર્વે કરીને ભિખારીઓને શોધે છે અને પછી તેમનાં કાઉન્સેલિંગ અને પુનર્વાસ પર કામ કરે છે.

સંસ્થાએ અત્યાર સુધીમાં 650 બાળકો અને 2,500 વયસ્કોને પુનર્વાસ કરાવ્યો છે.

પુનર્વાસ પ્રક્રિયા હેઠળ ભિખારીઓની સ્કિલ ડેવલપ કરાય છે. તેમનાં રસ અને ક્ષમતાના આધારે તેમને રોજગારના વિકલ્પ આપવામાં આવે છે.

તાલીમ મેળવ્યા પછી કેટલાક લોકોએ ફળ અને શાકભાજીની લારી શરૂ કરી છે, તો કેટલાક મૅન્યુફેક્ચરિંગ યૂનિટ, અગરબત્તીનાં કારખાનાં અને હૅન્ડીક્રાફ્ટમાં કામ કરી રહ્યા છે.

‘ખૂબ જ પડકારભર્યું કામ’

ઇન્દોર, ગુજરાત, ભીખારી, ભીખ, મધ્ય પ્રદેશ, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, S. NIAZI

એનજીઓ અનુસાર, ઇન્દોરમાં લગભગ 8,000 ભિખારી છે. સાથે જ એનજીઓનો દાવો છે કે દર મહિને લગભગ 20 કરોડ રૂપિયા ભીખમાં આપવામાં આવે છે.

આમાં માનસિક રીતે અસ્વસ્થ, નિરાશ્રિત અને ટેવવાળા ભિખારી સામેલ છે. કેટલીક ટોળકી પણ સક્રિય છે, જે બાળકો અને મહિલાઓને ભીખ માગવા માટે મજબૂર કરે છે.

સંસ્થાના સભ્યોએ જણાવ્યું કે ભિખારીઓને મુખ્ય ધારામાં લાવવા ખૂબ જ પડકારભર્યું કામ છે.

ઘણી વાર ટીબી અને એચઆઇવી જેવી ગંભીર બીમારીઓથી ગ્રસ્ત ભિખારી તેમના પર હુમલો કરી દે છે. સંસ્થાના સભ્યો પર અત્યાર સુધીમાં 72 વાર હુમલા થઈ ચૂક્યા છે.

રૂપાલી જૈને જણાવ્યું કે ઇન્દોરની વ્યાવસાયિક પ્રકૃતિ અને ધાર્મિક મહત્ત્વ તેને ભિખારીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવે છે.

અહીં ખજરાના મંદિર, રણજિત હનુમાન મંદિર અને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર જેવાં મોટાં ધાર્મિક સ્થળો છે. સાથે જ, મૉલ અને ચાટ ચોપાટી જેવાં વ્યાવસાયિક સ્થળોએ પણ ભિખારી આસાનીથી ભીખ માગી શકે છે.

વહીવટી તંત્ર અને એનજીઓનો ઉદ્દેશ ઇન્દોરને સંપૂર્ણ ભિખારીમુક્ત બનાવવાનો છે. ટૂંક સમયમાં જ આ પ્રયાસને મધ્યપ્રદેશનાં અન્ય શહેરોમાં પણ લાગુ કરવામાં આવશે.

જિલ્લા કલેક્ટર આશિષસિંહે કહ્યું કે, “અમારો પ્રયાસ છે કે કોઈ પણ વ્યક્તિ ભીખ ન માગે અને વૈકલ્પિક કામો કરવા લાગે.”

વહીવટીતંત્રની સારી પહેલ

ભોપાલના સમાજશાસ્ત્રી પ્રમોદ સોની ઇન્દોર વહીવટી તંત્રની આ પહેલને સારી માને છે.

તેમણે જણાવ્યું, “શરૂઆતમાં ભીખ માગવી તેમની મજબૂરી હતી, પરંતુ, પછી તે એક આદત બની ચૂકી છે. મતલબ કે, ભીખ માગીને જેમની આર્થિક સ્થિતિ સારી એવી સુધરી ગઈ છે તેઓ ભિક્ષાવૃત્તિને જ પોતાની રોજગારીનું સાધન માનવા લાગ્યા છે અને પેઢી દર પેઢી એમાં જ જોડાયેલા રહ્યા છે.”

“એટલે સુધી કે બાળકો પણ આને જ પોતાના રોજગારનું સાધન માનવા લાગ્યાં છે. આવાં બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી બહાર કાઢવાનું ખૂબ જ જરૂરી છે.”

બીજી તરફ, તેઓ એમ પણ કહે છે કે, એવા ઘણા લોકો હોય છે, જેમના માટે ભીખ માગવી મજબૂરી છે. એવા કેસો વહીવટી તંત્ર સમક્ષ આવવા જોઈએ અને તેમની મદદ કરવી જોઈએ.

સોનીએ કહ્યું, “પરંતુ, એવા લોકો સામે ચોક્કસથી કાર્યવાહી કરી શકાય જેમને એવી ટેવ પડી ગઈ છે.”

“ઇન્દોર શહેરે સફાઈમાં સફળતા મેળવીને સાબિત કર્યું છે કે ત્યાંના લોકો ઘણું બધું કરી શકે છે. આપણે એવી આશા રાખીએ કે લોકો આપવાનું બંધ કરી દેશે તો માગનારા પણ પોતાના માટે બીજું કામ શોધશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS