Source : BBC NEWS

લિફ્ટમાં ફસાઈ જતા મોત, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમદાવાદ, લિફ્ટ અકસ્માત

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, લક્ષ્મી પટેલ
  • પદ, બીબીસી સંવાદદાતા
  • Twitter,
  • 5 મે 2025, 14:25 IST

    અપડેટેડ એક કલાક પહેલા

ગુજરાતનાં શહેરોમાં બની રહેલી ઊંચી ઇમારતોમાં લિફ્ટ એ આવશ્યક સુવિધા છે. જોકે લિફ્ટમાં ફસાઈ જવાને કારણે મોત થવાના કે ઈજા થવાના કિસ્સાઓ અવારનવાર સાંભળવા મળતા હોય છે.

ગુજરાત રાજ્યમાં માત્ર એપ્રિલ મહિનામાં લિફ્ટમાં ફસાઈ જવાને કારણે બે લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2024-25માં લિફ્ટમાં ફસાઈ જવાને કારણે 5 લોકોનાં મોત થયાં હતાં અને 6 લોકોને ઈજા પહોંચી હતી.

લિફ્ટ ઍન્ડ એસ્કેલેટર ઍક્ટ 2001 મુજબ લિફ્ટમાં કોઈ પણ અકસ્માત થાય તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને જાણ કરવાની હોય છે. પરંતુ જવાબદાર લોકો દ્વારા લિફ્ટ અકસ્માત અંગે લિફ્ટ ઇન્સ્પેક્ટરને જાણ ન કરતા હોવાનું સામે આવ્યું છે.

કાયદાના પાલનમાં “દેખાતી ઉદાસિનતા” અંગે કર્મચારીઓનું કહેવું છે કે સ્ટાફની કમી છે અને વિભાગ પાસે સત્તા મર્યાદિત હોવાથી કાયદાનું પાલન ન કરનાર સામે પગલાં લઈ શકાતાં નથી.

જીવન સરળ બનાવતી લિફ્ટની જો યોગ્ય મરમ્મત કરાવવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ અહેવાલમાં જાણીએ કે લિફ્ટ ક્યારે ખોટકાઈ જાય અને શું ધ્યાન રાખવું જોઈએ.

લિફ્ટમાં અકસ્માત થવાનાં શું કારણો હોય છે?

લિફ્ટમાં ફસાઈ જતા મોત, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમદાવાદ, લિફ્ટ અકસ્માત

ઇમેજ સ્રોત, Getty Images

મુખ્ય વિદ્યુત નિરીક્ષક એબી ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સોસાયટીના ઝઘડા કે ફંડના અભાવે લોકો લિફ્ટ મેન્ટેનન્સ કરાવતા નથી અથવા તો ઑથૉરાઇઝ વ્યક્તિ પાસે મેન્ટેનન્સ કરાવતા ન હોવાને પરિણામે અકસ્માત સર્જાય છે.

લિફ્ટની ક્ષમતા કરતાં વધારે લોકો લિફ્ટમાં હોય ત્યારે પણ લિફ્ટ ખોટકાય છે.

ચૌધરી જણાવે છે કે “કેટલીક સોસાયટીમાં પહેલા માળ પર રહેતા લોકો પોતે લિફ્ટ વાપરતા ન હોવાનાં કારણ આપીને મેન્ટેનન્સ આપતા નથી. તો કેટલીક જગ્યાએ સોસાયટીના મેમ્બરોના ઝઘડાને કારણે પણ ફંડના પ્રશ્નો હોય છે. લિફ્ટ ખોટકાય કે બંધ પડે તો રિપૅર કરવા માટે પણ ઓછા પૈસા આપીને નિષ્ણાત ટેકનિશિયનને બદલે ઓછા જાણકાર લોકોને બોલાવાય છે. યોગ્ય મેન્ટેનન્સના અભાવે લિફ્ટમાં દરવાજો બંધ થઈ જવાના અથવા તો લિફ્ટ નીચે પટકાવાના કિસ્સા બનતા હોય છે.”

લિફ્ટમાં લોકો ફસાઈ જાય તો તેને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડના કર્મચારીઓને ફોન કરાતો હોય છે. અમદાવાદ ફાયર વિભાગને દર મહિને 10 કરતાં વધારે કોલ લિફ્ટમાં લોકો ફસાઈ જવાના આવતા હોય છે.

અમદાવાદ ફાયર વિભાગના ઍડિશનલ ચીફ ફાયર ઑફિસર મિથુન મિસ્ત્રીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે “લિફ્ટમાં ફસાઈ જવાના અમને મહિને લગભગ 10 ફોન આવે છે. નવી લિફ્ટમાં સેન્સસ સારા હોવાને કારણે સમસ્યા ઘટી છે. પરંતુ લિફ્ટને મેન્ટેન ન રાખવાને કારણે લિફ્ટ ખોટકાવાના કિસ્સા બનતા હોય છે.”

મિથુન મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે “લિફ્ટમાં ક્ષમતા કરતાં વધારે લોકો હોવા, વીજળીમાં ક્ષતિ, વીજપાવરમાં વધઘટ, યોગ્ય મેન્ટેનન્સનો અભાવ વગેરે કારણોથી લિફટમાં ખામી સર્જાય છે. કેટલાક કિસ્સામાં લિફ્ટની બાજુમાં દીવાલ બનાવી દેવામાં આવી હોય તેવા કિસ્સામાં દીવાલ તોડીને બહાર કાઢવા પડે છે. તાજેતરમાં ચાંદખેડામાં ફસાયેલી મહિલાઓને બહાર કાઢવા માટે દીવાલ તોડવી પડી હતી.”

લિફ્ટની નીચેના ખાડામાં પડી ગયા અને મોત થયું

લિફ્ટમાં ફસાઈ જતા મોત, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમદાવાદ, લિફ્ટ અકસ્માત

ઇમેજ સ્રોત, Getty Images

29 ઑગસ્ટ, 2024ના રોજ કેરળથી રતનજી બાબુ નામની વ્યક્તિ તેમનાં પત્ની સાથે સુરત કપડાની ખરીદી કરવા માટે આવ્યા હતા.

તેઓ એક હોટલમાં રોકાયા હતા. રતનજી સાતમા માળ પર હતા. તેમણે લિફ્ટ માટે બટન દબાવ્યું હતું. લિફ્ટ સાતમા માળે ધીમી પડી અને ઊભી રહી હતી. તેઓ જેવા બેસવા ગયા કે લિફ્ટ ચાલવા લાગી હતી અને તેઓ લિફ્ટની નીચે ખાડામાં પડી ગયા હતા અને તેમનું મોત થયું હતું.

તેમના પરિવારે હોટલની બેદરકારી બદલ ફરિયાદ દાખલ કરી છે. તેમજ વળતરની માગ પણ કરી છે.

મૃતક રતનજીનાં પત્ની સિતારા લક્ષ્મીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે “અમે હોટલરૂમમાં પહોંચ્યા બાદ મારા પતિ કેટલોક સામાન લેવા માટે નીચે જઈ રહ્યા હતા. તેમને લિફ્ટ માટે બટન દબાવ્યું હતું. લિફ્ટનો દરવાજો ખોલીને અંદર બેસવા જતા હતા ત્યાં લિફટ ચાલુ થઈ જતા મારા પતિ લિફ્ટમાં ફસાઈને લિફ્ટના ખાડામાં નીચે પડી જતા તેમનું મોત થયું હતું. અમને તપાસ કરતાં ખબર પડી કે લિફ્ટ જૂની હતી. તેનું લાઇસન્સ પણ ન હતું.”

સિતારા લક્ષ્મીએ વધુમાં જણાવ્યું કે “મારા પતિ દુબઈમાં નોકરી કરતા હતા. તેઓ રજાઓમાં અમને મળવા કેરળ આવેલા હતા. મારે ઑનલાઇન સાડીઓનો વ્યાપાર શરૂ કરવો હતો. એટલે હું મારા પતિ અને બે દીકરીઓ સુરત આવ્યાં હતાં. મારા પરિવારમાં મારા પતિ જ કમાવનાર હતા. મારી બે દીકરીએ પિતા ગુમાવ્યા છે. કોઈના પણ ઘરે આવો દિવસ ના આવવો જોઈએ. મારા પતિની ઇચ્છા હતી કે અમારી દીકરીઓ બેસ્ટ સ્કૂલમાં ભણે. તેઓ મહિને 2.5 લાખ કમાતા હતા, જેથી તે સમયે અમને દીકરીઓની મોંઘી શાળાની ફી પોસાતી હતી. મારા પતિ હયાત હતા ત્યારે હું હાઉસવાઇફ હતી. મારા પતિના મૃત્યુ બાદ મેં નાનીમોટી નોકરી શરૂ કરી છે, પરંતુ એટલી કમાણી નથી. અમે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યુ કે લિફ્ટને કારણે તેમનું મોત થઈ જશે.”

લિફ્ટના કાયદાનું કેવી રીતે ઉલ્લંઘન થાય છે?

લિફ્ટમાં ફસાઈ જતા મોત, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમદાવાદ, લિફ્ટ અકસ્માત

ઇમેજ સ્રોત, Getty Images

લિફ્ટ ઍન્ડ એલિવેટર ઍકટ 2001 અનુસાર દરેક લિફ્ટનું લાઇસન્સ લેવું ફરજિયાત છે. તેમજ લિફ્ટનું લાઇસન્સ રિન્યૂ પણ કરાવવાનું હોય છે.

એબી ચૌધરીએ જણાવ્યું હતું કે “ગુજરાત રાજ્યમાં લાઇસન્સ ધરાવતી 1.20 લાખ લિફ્ટ છે. લિફ્ટનાં લાઇસન્સ લીધાં બાદ દર પાંચ વર્ષે તેને રિન્યૂ કરાવવાનું હોય છે, પરંતુ લિફ્ટ લાઇસન્સ રિન્યૂ કરાવવા માટે લોકોમાં ઉદાસિનતા જોવા મળે છે. અમારા કર્મચારીઓ ઇમારતોમાં જઈને ચેકિંગ કરે છે. વર્ષ 2024-25માં લિફ્ટનું લાઇસન્સ રિન્યૂ ન કરાવનાર 7 હજાર ઇમારતોના સંચાલક મંડળને અમે નોટિસ પાઠવી છે.”

લિફ્ટ ઍન્ડ એલિવેટર ઍક્ટ અનુસાર લિફ્ટની કોઈ પણ દુર્ઘટના બને તો ઘટના બન્યાના 48 કલાકની અંદર લિફ્ટ ઇન્સ્પેક્ટરને જાણ કરવાની હોય છે.

એબી ચૌધરી જણાવે છે કે “લિફ્ટમાં કોઈ ફસાઈ જાય કે કોઈનું મૃત્યુ થાય તો તે ઇમારતના સંચાલકો દ્વારા અમારા વિભાગને જાણ કરવામાં આવતી નથી. ન્યૂઝ જોતા અમને ઘટના અંગે ખબર પડે છે અને ત્યાર બાદ અમે તપાસ કરવા જઈએ છીએ. વર્ષ 2024-25માં લિફ્ટમાં ફસાઈ જવાને કારણે 5 લોકોનાં મોત થયાં હતાં.”

જૂની ઇમારતોમાં લિફ્ટનાં લાઇસન્સ કેમ નથી?

લિફ્ટમાં ફસાઈ જતા મોત, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમદાવાદ, લિફ્ટ અકસ્માત

ઇમેજ સ્રોત, Getty Images

મૃતક રતનજીના પરિવારને કેસ અંગે સુરતના સામાજિક કાર્યકર સંજય ઈઝાવા મદદ કરી રહ્યા છે.

સામાજિક કાર્યકર સંજય ઈઝાવાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે “લિફ્ટ ઍન્ડ એસ્ક્લેટરનો કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારે સરકારે જે લિફ્ટનાં લાઇસન્સ ન હોય તેને ત્રણ મહિનામાં જ લિફ્ટનાં લાઇસન્સ લઈ લેવાનું કહ્યું હતું. વર્ષ 2001થી 2024 સુધી 23 વર્ષ થયાં છતાં કેટલીય લિફ્ટનાં લાઇસન્સ લેવાયાં નથી.”

સંજય ઇઝાવાએ આક્ષેપ કર્યા છે કે “લિફ્ટ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા આ અંગે તપાસ પણ કરાતી નથી. તેમજ કોઈને નોટિસ પણ પાઠવવામાં આવી નથી.”

આ અંગે એબી ચૌધરીએ જણાવ્યું કે “અમારા ઇન્સ્પેક્ટર ઇમારતોમાં લિફ્ટનાં લાઇસન્સ છે કે નહીં, તેમજ રિન્યૂ કરાયું છે કે નહીં તે અંગે તપાસ માટે જાય છે. જોકે કેટલીક જગ્યાએ દિવસ દરમિયાન સોસાયટીના ચૅરમૅન કે સેક્રેટરી મળતા નથી. સોસાયટીના અન્ય લોકોને લાઇસન્સ અંગે જાણ હોતી નથી. અમારા ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકિંગ દરમિયાન નોટિસ પણ આપવામાં આવે છે.”

જનરલ બિલ્ડિંગ ડેવલપમૅન્ટના નવા નિયમો મુજબ કોઈ પણ બિલ્ડિંગ બને ત્યાર બાદ તેની બિલ્ડિંગ યૂઝના પરમિશન માટે લિફ્ટનું લાઇસન્સ લેવું ફરજિયાત છે.

એબી ચૌધરી જણાવે છે કે “જૂની બિલ્ડિંગોમાં એવી પણ લિફ્ટ ચાલે છે જેમાં લાઇસન્સ લીધાં ન હોય. જોકે અમારી પણ કેટલીક મર્યાદાઓ છે. જોકે લિફ્ટ આવશ્યક સુવિધા છે. બિલ્ડિંગમાં વૃદ્ધ, બાળકો અને બીમાર લોકો કે અપંગ લોકો રહેતા હોય છે. જો લિફ્ટ બંધ કરી દેવામાં આવે તો તેમને તકલીફ થઈ શકે છે.”

લિફ્ટમાં જતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

લિફ્ટમાં ફસાઈ જતા મોત, ગુજરાત, બીબીસી ગુજરાતી, અમદાવાદ, લિફ્ટ અકસ્માત

ઇમેજ સ્રોત, Getty Images

રહેણાક કે કૉમર્શિયલ વિસ્તારમાં ક્યાંય પણ લિફ્ટ હોય અને તેને મેન્ટેન ન કરાતી હોય તો તે અંગે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને જાણ કરી શકાય છે.

એબી ચૌધરી જણાવે છે કે “સામાન્ય રીતે સોસાયટીમાં ઝઘડા હોય છે કે અમારી સોસાયટીમાં લિફ્ટ મેન્ટેન રાખવામાં નથી આવતી, તો અમે તે અંગે ચૅરમૅન-સેક્રટરીને બોલાવીએ ત્યારે ખબર પડે કે સોસાયટીના લોકો મેન્ટેનન્સ આપવા તૈયાર નથી. જોકે અમને આ પ્રકારની અરજી વર્ષની માત્ર પાંચથી સાત મળતી હોય છે.”

એબી ચૌધરીએ જણાવ્યું કે “લિફ્ટનું સમયાંતરે ઑથૉરાઇઝ ટેકનિશિયન પાસે ઑડિટ કરાવતા રહેવું જોઈએ. લિફ્ટમાં ઓવરલોડ ન થવો જોઈએ. સમયાંતરે તેનાં વીજ કનેક્શન ચેક કરાવવાં જોઈએ. લિફ્ટમાં નાનાં બાળકોને એકલાં ન જવું જોઈએ. લિફ્ટ ઊભી રહે ત્યાર બાદ જ બેસવું જોઈએ. ઉતાવળે દરવાજો ન ખોલવો જોઈએ.”

લિફ્ટનું સમયાંતરે ઑથૉરાઇઝ ટેકનિશિયન પાસે મેન્ટેનન્સ કરાવવું જોઈએ. તેમજ લિફ્ટમાં નક્કી કરેલા લોડ કરતાં વધારે લોકોએ બેસવું ન જોઈએ.

ઇમારતોમાં લાગેલી લિફ્ટમાં હવે ફોન નંબર આપેલા હોય છે, તેમજ લિફ્ટમાં પણ મદદ માટે કોલનું બટન હોય છે, આથી એ સંપર્ક નંબરનો ઉપયોગ કરવો જોઈએ.

ગુજરાતમાં લિફ્ટ અકસ્માતના તાજેતરના બનાવો

  • 20 એપ્રિલના રોજ બોડકદેવમાં એક બિલ્ડિંગમાં લિફ્ટ અધવચ્ચે બંધ થઈ જવાને કારણે સાત લોકો લિફ્ટમાં ફસાયા હતા
  • 20 એપ્રિલ મહિનામાં નરોડા વિસ્તારમાં એક સોસાયટીમાં સાત લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા
  • 15 એપ્રિલના રોજ રાજકોટના પડધરીમાં એક કારખાનામાં એક યુવાનનું લિફ્ટમાં માથું ફસાઈ જવાને કારણે મોત થયું હતું
  • 10 એપ્રિલના રોજ સુરતના માગરોળમાં એક કારખાનામાં ખુલ્લી લિફ્ટમાં ફસાઈ જવાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું.
  • હોળીના દિવસે ચાદંખેડા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 10 મહિલાઓ ફસાઈ ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા દીવાલ તોડીને તેમને કાઢવામાં આવી હતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS