Source : BBC NEWS
અપડેટેડ 54 મિનિટ પહેલા
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે આજે સવારથી રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે. જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.
આમેય ઠંડી મોડી શરૂ થઈ છે અને હજુ પણ સમગ્ર ગુજરાતમાં જોઈએ તેવી ઠંડી પડતી નથી. એવા સમયે હવામાન ખાતાની આગાહી પ્રમાણે 26 ડિસેમ્બરથી ત્રણ દિવસ સુધી અલગ-અલગ ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે.
જોકે, તીવ્ર શીતલહેરની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. બીજી તરફ ઉત્તર ભારતમાં સામાન્યથી મધ્યમ ધુમ્મસ છવાયેલું છે અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની પણ આગાહી કરવામાં આવી છે.
હાલમાં શિયાળુ પાકની સિઝન ચાલી રહી છે અને એવામાં હવામાન વિભાગની વરસાદની આગાહી ખેડૂતોમાં ચિંતા ફેલાવી શકે તેમ છે.
રાજ્યના કયા જિલ્લામાં વરસાદ પડવાની આગાહી છે?
હવામાન વિભાગ અનુસાર, 26 ડિસેમ્બર, ગુરુવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત તે જ દિવસો સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાયના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની આગાહી છે.
27 ડિસેમ્બર, શુક્રવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
28 ડિસેમ્બર, શનિવારે કચ્છમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે.
અમદાવાદમાં લઘુતમ તાપમાન કેટલું રહેશે?
SOURCE : BBC NEWS