Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Ramesh Ambaliya
અપડેટેડ 3 કલાક પહેલા
ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદને કારણે હવામાનમાં પલટો આવ્યો છે.
મોરબીમાં કમોસમી વરસાદ પડ્યાના અહેવાલ છે. મોરબીના વાંકાનેરમાં બે કલાકમાં 29 મિમી વરસાદ પડ્યો હતો.
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર રાજેશ આંબલિયા અનુસાર કમોસમી વરસાદના કારણે વાંકાનેરમાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને મિલ પ્લૉટમાં પણ પાણી ભરાયાં હતાં.
તો બીજી તરફ બનાસકાંઠામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર પરેશ પઢિયાર અનુસાર અંબાજીમાં પણ ભારે પવન ફૂંકાયો હતો અને વીજળી સાથે વરસાદ પડ્યો હતો.
ટ્રમ્પે કહ્યું, “અમે વેપાર અટકાવવાની વાત કરી એટલે ભારત-પાકિસ્તાન સીઝફાયર માટે સહમત થયા”

ઇમેજ સ્રોત, The White House/Youtube
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ થાય તે માટે અમેરિકાએ મદદ કરી હતી.
ટ્રમ્પે કહ્યું, “શનિવારે મારા વહીવટીતંત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે પૂર્ણ અને તત્કાળ સંઘર્ષવિરામ કરવા માટે મદદ કરી હતી. મને લાગે છે કે આ કાયમી સંઘર્ષવિરામ છે, જેનાથી બે પરમાણુ હથિયાર સંપન્ન દેશ વચ્ચેનો ખતરનાક સંઘર્ષ સમાપ્ત થઈ ગયો.”
ટ્રમ્પનું કહેવું છે કે વેપાર બંધ કરવાનું કહ્યું એ પછી ભારત અને પાકિસ્તાન સીઝફાયર માટે સહમત થયા.
ટ્રમ્પે કહ્યું, “અમે ખૂબ મદદ કરી. વેપાર દ્વારા મદદ કરી. અમે કહ્યું કે તમે અમારી સાથે ખૂબ જ વેપાર કરો છો. આ બધું અટકાવો. જો તમે અટકશો, તો અમે વેપાર કરીશું. નહીં અટકો તો વેપાર નહીં કરીએ.”
ટ્રમ્પે ઉમેર્યું, “ભારત અને પાકિસ્તાને ઘણાં બધાં કારણોસર આ નિર્ણય (સંઘર્ષવિરામ) લીધો, પરંતુ વેપાર મુખ્ય કારણ છે. અમે પાકિસ્તાન સાથે ખૂબ વેપાર કરીએ છીએ, અમે ભારત સાથે પણ બહુ બધો વેપાર કરીએ છીએ. અમે ભારત સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ, અમે પાકિસ્તાન સાથે પણ ચર્ચા કરીશું.”
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “અમે પરમાણુ તણાવને અટકાવી દીધો. પરમાણુ યુદ્ધ થયું હોત જેમાં લાખો લોકોના જીવ ગયા હોત.”
ટ્રમ્પ જ્યારે આ વાત કરી રહ્યા હતા, લગભગ એજ અરસામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતીય સેનાનો સંપર્ક સાધીને સંઘર્ષવિરામ માટે પ્રસ્તાવ મૂક્યો હતો.
મોદીએ કહ્યું હતું કે વિશ્વ જાણી લે કે પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ તથા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર અંગે જ વાત થશે.
‘ઑપરેશન સિંદૂર હજી સમાપ્ત નથી થયું’ પાકિસ્તાન સાથે સંઘર્ષ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા?

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન ભારતીય સેના તથા સશસ્ત્રબળોની વીરતા અને સાહસને; ગુપ્તચર સંસ્થાઓ અને વિજ્ઞાનીઓને ‘સલામ’ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે તેઓ ભારતીયો વતી સલામ કરી રહ્યા છે.
મોદીએ કહ્યું હતું કે તેઓ ઑપરેશન સિંદૂરનું પરાક્રમ દેશની દરેક માતા, બહેન અને દીકરીને અર્પિત કરે છે.
પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો તે વ્યક્તિગત રીતે મારા માટે બહુ મોટી પીડા હતી. એ પછી તમામ દેશવાસીઓ એકસૂરમાં આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી માટે સજજ થયા હતા.
અમે આતંકવાદીઓને માટીમાં મેળવી દેવા સેનાઓને પૂરેપૂરી છૂટ આપી હતી. આજે બધા આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓ જાણી ગયા છે કે અમારી બહેન-દીકરીઓના માથેથી સિંદૂર ભૂંસી નાખવામાં આવે તો શું થાય.
ઑપરેશન સિંદૂર માત્ર નામ નથી, તે દેશના લાખો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે.
મોદીએ કહ્યું કે ઑપરેશન સિંદૂર ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. છ-સાત તારીખની મધ્યરાત્રિએ ભારતીય સેનાઓએ પાકિસ્તાનમાં આતંકના તાલીમકેન્દ્રો અને ઠેકાણા ઉપર સીધા પ્રહાર કર્યા હતા.
મોદીએ કહ્યું કે ડ્રૉન અને મિસાઇલ્સથી ભારતે હુમલા કર્યા ત્યારે બહાવલપુર અને મુરિદકે જેવા આતંકવાદી ઠેકાણે માત્ર ઇમારતો જ નહીં, પરંતુ આતંકવાદીઓના જુસ્સા પણ ધ્વસ્ત થઈ ગયાં. 9/11, લંડન ટ્યૂબ બૉમ્બિંગ તથા ભારતના અનેક આતંકવાદી હુમલાના તાર આ સ્થાનો સાથે જોડાયેલા હતા.
તેમણે ઉમેર્યું કે ભારતના આ હુમલામાં 100થી વધુ આતંકવાદી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. અમુક રીઢા આતંકવાદીઓ પાકિસ્તાનમાં મુક્તપણે ફરતા હતા અને ભારત વિરુદ્ધ કાવતરાં ઘડતાં હતાં, તેમને ભારતે એક ઝાટકે ખલાસ કરી દીધા.
ટેસ્ટ ક્રિકેટમાંથી વિરાટ કોહલીની નિવૃત્તિ અંગે અનુષ્કા શર્મા શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત છે.
કોહલીના આ નિર્ણય અંગે તેમનાં પત્ની અને બોલીવૂડનાં અભિનેત્રી અનુષ્કા શર્માએ પ્રતિક્રિયા આપી છે.
અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “લોકો રેકૉર્ડ્સ અને કીર્તિમાનોની વાત કરશે, પરંતુ મને આંસુ યાદ રહેશે, જે તમે ક્યારેય દેખાડ્યા નથી, એ સંઘર્ષો જેને કોઈએ જોયા નથી, અને આ ફૉર્મેટ માટે તમારો અતૂટ પ્રેમ.”
“મને ખબર છે કે આ બધી બાબતોએ તમારી પાસેથી શું-શું છીનવ્યું છે. દરેક ટેસ્ટ સિરીઝ પછી તમે થોડાં વધુ સમજદાર તથા થોડાં વધુ વિનમ્ર થઈને પરત ફર્યા – અને આ સફર દરમિયાન આવી રીતે તમારામાં આવેલાં પરિવર્તનની સાક્ષી બનવું મારા માટે સૌભાગ્યની વાત છે.”
અનુષ્કા શર્માએ લખ્યું, “મને હંમેશાં લાગતું હતું કે તમે સફેદ કપડાંમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેશો – પરંતુ તમે હંમેશાં દિલની વાત સાંભળી છે અને એટલે જ હું તમને માત્ર એટલું કહેવા ચાહીશ કે : મારી જાન, આ અલવિદાના દરેક આયામ ઉપર તમારો અધિકાર છે.”
ભારતીય સેનાનો દાવો – ‘દુશ્મન માટે અમારી ઍર ડિફેન્સ સિસ્ટમને ભેદવી અશક્ય હતી’

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે બપોરે ભારતના ત્રણેય સશસ્ત્રબળોના ઑપરેશન્સના વડાઓએ પત્રકારપરિષદ સંબોધી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે, ‘પાકિસ્તાનના અનેક ડ્રૉન અને મિસાઇલ હુમલાને ભારતની સજ્જ ઍર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા હતા.’
ઍર ઑપરેશન્સના ડાયરેક્ટર જનરલ ઍર માર્શલ એ.કે. ભારતીએ કહ્યું કે દેશ માટે ઍર ડિફેન્સ સિસ્ટમ દિવાલની જેમ ઊભી હતી.
ઍર માર્શલ ભારતીએ કહ્યું, “અમારા તરફથી ઍર ડિફેન્સ સિસ્ટમ દેશ માટે દીવાલની જેમ ઊભી હતી અને તેને ભેદવી દુશ્મન માટે અશક્ય હતી.”
ઍર માર્શલ ભારતીએ કહ્યું કે ભારતની ઍર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલાં ડ્રૉન તથા અન્ય હથિયારોને તોડી પાડ્યાં હતાં.
તેમણે કેટલીક તસવીરો દેખાડીને દાવો કર્યો હતો કે ‘આ ટુકડાં ચાઇનિઝ મિસાઇલ પીએલ-15ના ટુકડા હોય શકે છે.’ પીએલ-15 મિસાઇલો ચીનમાં બને છે.
ઍર માર્શલ એ.કે. ભારતીએ કહ્યું, “અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ વિરુદ્ધ હતી. એટલે સાતમી મેના રોજ અમે માત્ર આતંકવાદી ઠેકાણાં ઉપર હુમલો કર્યો હતો.”
તેમણે કહ્યું, “પણ અફસોસ છે કે પાકિસ્તાનની સેનાએ આતંકવાદીઓને સાથ આપવાનું યોગ્ય જાણ્યું અને આ લડાઈને પોતાની લડાઈ બનાવી લીધી. આ પરિસ્થિતિમાં અમારે વળતી કાર્યવાહી કરવી જરૂરી હતી અને એમાં તેમનું પણ નુકાસન થયું, અને તેના માટે તેઓ જ જવાબદાર છે.”
ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામ પછી પાકિસ્તાનના શૅરબજારોમાં કેવી સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામને પગલે પાકિસ્તાનના શૅરબજારોમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે.
પાકિસ્તાનનો બૅન્ચમાર્ક ઇન્ડેક્સ કેએસઈ100ના શરૂઆતી સેશનમાં લગભગ નવ ટકાનો ઉછાળ જોવા મળ્યો હતો.
ગત અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઉપર પહોંચી ગયો હતો, ત્યારે પાકિસ્તાનના શૅરબજારોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને એક કલાક માટે ટ્રેડિંગ અટકાવવું પડ્યું હતું.
વિશ્લેષકોના કહેવા પ્રમાણે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામને કારણે પાકિસ્તાનના શૅરબજારોમાં તેજી આવી છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે (આઈએમએફ) પાકિસ્તાનને બેલઆઉટ પૅકેજ આપ્યું હતું, જેની અસર પણ જોવા મળી હતી.
શુક્રવારે વૉશિંગ્ટમાં આઈએમએફ બોર્ડની બેઠકમાં પાકિસ્તાનને બેલઆઉટ પૅકેજનો હપ્તો આપવા માટે સહમતિ સધાઈ હતી.
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ ખોલવામાં આવ્યા 32 ઍરપૉર્ટ, ગુજરાતનાં પણ 8 ઍરપૉર્ટ પર ઉડાન શરૂ થશે

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને પાકિસ્તાને સંઘર્ષવિરામની જાહેરાત કરી ત્યાર પછી બંધ કરાયેલાં તમામ ઍરપૉર્ટને ખોલવામાં આવ્યાં છે.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે 7મી મેએ આ ઍરપૉર્ટને 15મેના રોજ સવારે 5.29 વાગ્યાથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવ્યાં હતાં.
ઍરપૉર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું છે કે સિવિલ ઍરક્રાફ્ટ ઑપરેશન્સ માટે બંધ કરાયેલાં 32 ઍરપૉર્ટ હવે તાત્કાલિક અસરથી સિવિલ ઍરક્રાફ્ટ ઑપરેશન્સ માટે ઉપલબ્ધ રહેશે.
તેમાં પ્રવાસીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ પહેલાં આ ઍરપૉર્ટ પરની ફ્લાઇટ્સ માટે સંબંધિત ઍરલાઇન્સ પાસેથી માહિતી મેળવે અને નિયમિત અપડેટ્સ માટે સંબંધિત ઍરલાઇન્સની વેબસાઇટની મુલાકાત લે.
ઇન્ડિગો ઍરલાઇન્સે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ અંગે માહિતી આપી છે.
કંપનીએ એક ટ્રાવેલ ઍડવાઇઝરી જારી કરી છે અને લખ્યું છે કે તમામ ઍરપૉર્ટ નાગરિક ફ્લાઇટ્સ માટે ખોલવામાં આવ્યાં છે.
કંપનીએ કહ્યું છે કે સેવાઓ સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં ઍરલાઇને મુસાફરોને થોડો વધારાનો સમય લઈને ઍરપૉર્ટ પહોંચવાની સલાહ આપી છે.
જે ઍરપૉર્ટને ઉડાન માટે ફરી શરૂ કરવામાં આવ્યાં છે તેમાં ઉધમપુર, અંબાલા, અમૃતસર, અવંતીપુરા, બઠિંડા, ભુજ, બીકાનેર, ચંડીગઢ, હલવારા, હિંડન, જૈસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, કંડલા, કાંગડા, કેશોદ, કિશનગઢ, કુલ્લૂ મનાલી, લેહ, લુધિયાણા, મુંદ્રા, નલિયા, પઠાનકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ, સરસાવા, શિમલા, શ્રીનગર, થોઈસ અને ઉત્તરલાઈ સામેલ છે.
યુદ્ધવિરામની જાહેરાત બાદ પાકિસ્તાનના શૅરબજારમાં 9,500 અંકનો ઉછાળો

ઇમેજ સ્રોત, Getty Images
નવા સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે પાકિસ્તાન સ્ટૉક ઍક્સચેન્જમાં મજબૂત તેજીનો ટ્રૅન્ડ જોવા મળી રહ્યો છે. બજાર 9,200ના વધારા સાથે ખુલ્યું.
બજાર એક સમયે 9,500 અંકના વધારા સુધી પહોંચી ગયું હતું. ત્યાર બાદ તેમાં સક્રિટ લાગી હતી અને બજારમાં ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી હતી. પાકિસ્તાનનાં શૅરબજારોના નિયમ પ્રમાણે એક જ દિવસમાં પાંચ ટકાનો વધારો કે ઘટાડો થાય તો બજારમાં ટ્રેડિંગ બંધ કરવું પડે છે. આ જ નિયમન હેઠળ બજાર આજે બંધ કરવું પડ્યું હતું.
છેલ્લાં બે વર્ષ પછી બજારમાં ઇન્ડેક્સના આટલા વધારાને કારણે ટ્રેડિંગ સ્થગિત કરવામાં આવ્યું હોય તેવો બનાવ બન્યો છે.
ભારત-પાકિસ્તાનના તણાવને કારણે પાકિસ્તાનનાં શૅરબજારોમાં ઘટાડો નોંધાયો હતો. ગત સપ્તાહે એકંદરે બજારમાં 6 હજારથી વધુ અંકનો ઘટાડો નોંધાયો હતો.
પાકિસ્તાનના શૅરબજાર વિશ્લેષક મુહમ્મદ સોહેલે કહ્યું, “યુદ્ધવિરામ બાદ શૅરબજારમાં વધારો થવાની સંભાવના હતી અને તેથી જ આજે તેજીનો માહોલ જોવા મળી રહ્ય છે. આઈએમએફ દ્વારા પાકિસ્તાનને લોન કાર્યક્રમ હેઠળ હપ્તાને મંજૂરી આપી છે તેની પણ હકારાત્મક અસર જોવા મળી છે. યુદ્ધવિરામ એ દેશના આર્થિક મોરચે સકારાત્મક વિકાસ સૂચવે છે. જેનાથી બજારમાં રોકાણના વલણને વધુ વેગ મળ્યો છે.”
ભારતનાં શૅરબજારોમાં પણ તેજીનો માહોલ છે. બીએસઈના સેન્સેક્સમાં લગભગ 2,300 અંકનો વધારો નોંધાયો છે જ્યારે કે નૅશનલ સ્ટૉક ઍક્સચેન્જનો નિફ્ટી 700 અંગના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું કર્યું ઍલાન, શું કારણ આપ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું ઍલાન કર્યું છે.
કોહલીનું ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. વિરાટ કોહલીએ 123 ટેસ્ટમેચ રમી છે અને 210 ઇનિંગમાં 46.85ની સરેરાશથી 9230 રન બનાવ્યા છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 254 રન (નૉટઆઉટ) છે.
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 30 સદી ફટકારી છે અને તેમના નામે 31 અર્ધશકત પણ છે.
કોહલીએ પોતાના આ સંન્યાસની ઘોષણા ઇન્સ્ટાગ્રામ પર કરી.
તેમણે તેમની પોસ્ટમાં લખ્યું, “મેં 14 વર્ષ પહેલાં પહેલી વખત ટેસ્ટ ક્રિકેટ માટે બૅગી બ્લૂ પહેરી હતી. ઇમાનદારીથી કહું તો કલ્પના પણ નહોતી કરી કે આ ફૉર્મેટમાં મારી સફર આવી રહેશે. તેણે મને પારખ્યો, મને નિખાર્યો અને મને એવા પાઠ ભણાવ્યા કે તે હું જીવનભર યાદ રાખીશ.”
તેમણે વધુમાં લખ્યું, “સફેદ જર્સીમાં રમવું મારા અંગત જીવનમાં ખાસ રહ્યું છે. લાંબા દિવસો અને નાની-નાની પળો જે કોઈ જોઈ શકતું નથી. પરંતુ તે તમારી સાથે બને છે.”
કોહલીએ આગળ લખ્યું, “આ ફૉર્મેટથી અલગ થવું, મારા માટે સરળ નથી. પરંતુ આ (નિર્ણય) મને યોગ્ય લાગે છે. મેં તેને (ટેસ્ટ) એ બધું આપ્યું જે મારી પાસે હતું. અને તેણે મને તેનાથી વધારે આપ્યું જેની હું આશા કરી શકતો હતો.”
તેમણે લખ્યું કે તેઓ આ ખેલ પ્રત્યે હ્રદયથી આભાર પ્રગટ કરીને ટેસ્ટ ક્રિકેટથી અલગ થઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે તેઓ એ તમામ લોકોના આભારી છે જેમની સાથે તેઓ મેદાન પર હતા અને એ તમામ લોકોના જેઓ તેમની સફરમાં સાથે હતા.
વિરાટે છેલ્લે લખ્યું, “હું હંમેશાં પોતાના ટેસ્ટ કૅરિયરને ખુશી સાથે માણશે.”
ઇઝરાયલી-અમેરિકી બંધક એડન ઍલેક્ઝેન્ડરને મુક્ત કરશે હમાસ

ઇમેજ સ્રોત, Getty Images
હમાસે કહ્યું છે કે તેઓ ઇઝરાયલી-અમેરિકી બંધક એડન ઍલેક્ઝેન્ડરને છોડશે. એડન ઍલેક્ઝેન્ડર ગાઝામાં જીવતા બચેલા આખરી અમેરિકી નાગરિક છે જે હમાસના કબજામાં છે.
આ પગલું હમાસ યુદ્ધવિરામ સમજૂતીની કોશિશો અંતર્ગત ભરવામાં આવ્યું છે.
હમાસનો આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે મધ્ય-પૂર્વના પ્રવાસે જઈ રહ્યા છે.
હમાસના પ્રવક્તાએ કહ્યું કે તેનાથી ગાઝાના લોકો સુધી માનવીય મદદ પહોંચડાવામાં મદદ મળશે.
છેલ્લા 70 દિવસોથી ઇઝરાયલે ગાઝામાં માનવીય મદદને રોકી રાખી છે.
આ પહેલાં હમાસના એક વરિષ્ઠ નેતાએ બીબીસીને જણાવ્યું હતું કે પેલેસ્ટેનિયન સૈન્ય સમૂહ કતારમાં અમેરિકન પ્રશાસનના એક અધિકારી સાથે સીધી વાતચીત કરે છે.
ત્યાં ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું કે અમેરિકાએ તેમને એડન ઍલેક્ઝેન્ડરના છોડવાની જાણકારી પહેલા આપી દીધી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર એડન ઍલેક્ઝેન્ડરના છૂટકારા વિશેની જાણકારીની પુષ્ટિ કરી હતી.
એડન ઍલેક્ઝેન્ડરનો જન્મ ઇઝરાયલના તેલ અવીવમાં થયો હતો, પંરતુ તેમનો ઉછેર અમેરિકાના ન્યૂ જર્સીમાં થયો હતો. 21 વર્ષના ઍલેક્ઝેન્ડર એક વિશેષ સૈન્ય યુનિટમાં ગાઝા સરહદ પર કામ કરી રહ્યા હતા ત્યારે 7મી ઑક્ટોબરના રોજ હમાસે તેમને પકડી લીધા હતા.
પાકિસ્તાની સેનાએ કબૂલ્યું કે તેના એક વિમાનને થયું હતું ‘મામૂલી નુકસાન’

ઇમેજ સ્રોત, PTV
પાકિસ્તાની સેનાએ રવિવારે મોડી રાત્રે પ્રેસ કૉન્ફરન્સ કરી. આ પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે સ્વીકાર કર્યો કે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન તેમના એક વિમાનને થોડું નુકસાન થયું છે.
જોકે, પાકિસ્તાની સેનાએ આ વિમાન બાબતે કોઈ વધારે જાણકારી નહીં આપી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે પરસ્પર સમજૂતીથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ પ્રકારની ફાયરિંગ તથા સૈન્ય કાર્યવાહી તરત રોકવાનો નિર્ણય લીધો હતો.
તેમણે કહ્યું કે પાકિસ્તાનનું એક વિમાન થોડું ક્ષતિગ્રસ્ત થયું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ વધુ જાણકારી નહીં આપી.
એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે પાકિસ્તાનની હિરાસતમાં કોઈ પણ ભારતીય પાઇલટ નથી. આ પ્રકારના અહેવાલો ‘ફેક સોશિયલ મીડિયા’ના આધારે છે.
ઝેલેન્સ્કીએ કહ્યું- તેઓ ગુરુવારે પુતિનની તુર્કીમાં રાહ જોશે

ઇમેજ સ્રોત, EPA
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે ગુરુવારે તુર્કીના ઇસ્તંબુલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ‘વ્યક્તિગત રૂપે’ વાતચીત કરવા માટે તેઓ તૈયાર છે જેથી યુદ્ધ સમાપ્ત કરવાની વાતચીત થઈ શકે.
આ નિવેદન તેમણે ઍક્સ પર ત્યારે આપ્યું જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને તુર્કીમાં રશિયા સાથે સીધી વાતચીતનો પ્રસ્તાવ સ્વીકાર કરવાની વાત કરી.
ઝેલેન્સ્કીએ ઍક્સ પર લખ્યું, “હવે વધુ જીવ ગુમાવવાનો કોઈ અર્થ નથી. હું ગુરુવારે પુતિનની તુર્કીમાં રાહ જોઈશ. હું પોતે.”
ઝેલેન્સ્કી પહેલાં સ્પષ્ટ કરી ચૂક્યા છે કે યુક્રેન રશિયા સાથે વાતચીત માટે તૈયાર છે. પરંતુ તેની પહેલી શરત એ છે કે પહેલા સીઝફાયર લાગુ થાય.
પુતિનનો સીધી વાતચીતનો પ્રસ્તાવ ટ્રમ્પના નિવેદન બાદ આવ્યો.
ટ્રમ્પે રવિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું હતું કે યુક્રેનને આ પ્રસ્તાવ તરત સ્વીકારી લેવો જોઈએ. જેથી સ્પષ્ટ થઈ શકે કે શાંતિ સમજૂતીની કોઈ સંભાવના છે કે નહીં.
તેમણે લખ્યું હતું, “એ તો ખબર પડશે કે કોઈ સમજૂતી થઈ શકે છે કે નહીં. જો નહીં થાય તો અમેરિકા અને યુરોપના દેશો જાણી શકે કે તેમણે શું કરવું જોઈએ, હાલ વાતચીત કરો.”
શનિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનને ‘ગંભીર વાતચીત’ માટે આમંત્રણ આપ્યું હતું.
રશિયા અને યુક્રેન વચ્ચ વર્ષ 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો.
અમેરિકાએ ચીન સાથે વેપાર સમજૂતીનું કર્યું ઍલાન

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાએ ચીન સાથે વેપારની સમજૂતી કરી લીધી છે. વ્હાઇટ હાઉસે જિનિવામાં થયેલી આ સમજૂતી વિશેની ઘોષણા કરી દીધી છે.
અમેરિકાના સેક્રેટરી ઑફ ટ્રેઝરી સ્કૉટ બેસન્ટે કહ્યું, “મને આ જણાવતા આનંદ થાય છે કે અમેરિકા અને ચીને વ્યાપાર સમજૂતીમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી લીધી છે. આ સમજૂતીની જાણકારી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપી દેવામાં આવી છે. જેનું વિવરણ સોમવારે કરવામાં આવશે.”
“અમેરિકી વેપાર પ્રતિનિધિ રાજદૂત જેમીસન ગ્રીર છેલ્લા બે દિવસોમાં રચનાત્મક રહ્યા. અમે બહુ જલદી સહમતિના બિંદુ પર પહોંચી ગયાં. જે દર્શાવે છે કે અમારી વચ્ચે મતભેદો એટલા નહોતા જેટલા વિચારવામાં આવ્યા હતા.”
તેમણે કહ્યું, “અમેરિકા આ સમયે 1200 અબજ ડૉલરના વેપાર ખાદ્યમાં છે. આ જ કારણ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિએ ટેરિફ લગાવવાની ઘોષણા કરી હતી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS