Source : BBC NEWS

ગુજરાત કમોસમી વરસાદ માવઠું કરાવૃષ્ટિ અને આગાહી, શિયાળુ પાક, ઉનાળાના પાક, ડાંગર, તલ, અજમો, ઘઉં, એરંડા, બાજરી, જુવારને નુકસાન, બીબીસી ગુજરાતી, કૃષિ સમાચાર, ખેડૂતો માટે માહિતી

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

4 મે 2025, 18:04 IST

અપડેટેડ 6 મિનિટ પહેલા

રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું હતું અને ભરઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાથી ગરમીથી પીડાતા સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જોકે, કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોએ ઉતારી રાખેલો શિયાળુ પાક તથા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસની ઉપર પાણી ફરી વળવાથી સેંકડો કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

હવામાન ખાતાએ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રવિવારે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી.

હજુ આવતા સપ્તાહ દરમિયાન પણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરાવૃષ્ટિની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ

ગુજરાત કમોસમી વરસાદ માવઠું કરાવૃષ્ટિ અને આગાહી, શિયાળુ પાક, ઉનાળાના પાક, ડાંગર, તલ, અજમો, ઘઉં, એરંડા, બાજરી, જુવારને નુકસાન, બીબીસી ગુજરાતી, કૃષિ સમાચાર, ખેડૂતો માટે માહિતી, મગફળી

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

બનાસકાંઠાસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર જણાવે છે કે શનિવારની મોડી રાત્રિથી જ હમીરગઢ, ઇકબાલગઢ અને મોરથલ સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. આ સાથે જ થરાદમાં પણ ગાજવીજ સાથે કરા પડ્યા હતા.

તેમના જણાવ્યા પ્રમાણે દાંતિવાડના પાંથીવાડા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખેલી એરંડાની જણસી પલળી ગઈ હતી.

મોડી રાત્રે વરસાદને કારણે પાલનપુર અંબાજી હાઈવે ઉપર અમુકસ્થળોએ ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ ગયાં હતાં, જેના કારણે વાહનવ્યવહારમાં અવરોધ ઊભો થયો હતો. પાલનપુરમાં 20મીમી તો વડગામમાં 17મીમી (સવાર સુધીમાં) જેટલો વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠાના હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.

ગુજરાત કમોસમી વરસાદ માવઠું કરાવૃષ્ટિ અને આગાહી, શિયાળુ પાક, ઉનાળાના પાક, ડાંગર, તલ, અજમો, ઘઉં, એરંડા, બાજરી, જુવારને નુકસાન, બીબીસી ગુજરાતી, કૃષિ સમાચાર, ખેડૂતો માટે માહિતી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

અરવલ્લીથી બીબીસી ગુજરાતીના સહયોગી અંકિત ચૌહાણ જણાવે છે કે, મધ્યરાત્રિથી જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ અને ભિલોડા પંથકમાં વરસાદ પડ્યો હતો. લીલછા અને જુમસરમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે લોકોએ કારમી ગરમીમાંથી રાહત અનુભવી હતી. સાથે જ બાજરી અને જુવારના પાકને નુકસાન થવાની આશંકા છે.

સ્થાનિક વેપારીઓને ટાંકતા ચૌહાણ જણાવે છે કે ભિલોડા યાર્ડમાં રાખેલી જણસ પલળી જવાને કારણે વેપારીઓએ સરકાર સમક્ષ વળતરની માગ કરી છે. યાર્ડમાં ખુલ્લામાં રાખેલા ઘઉં, સોયાબીન અને મકાઈ પલળી જવાને કારણે વેપારીઓને ‘લાખોનું નુકસાન’ થયું છે.

ભીલોડા માર્કેટિંગ યાર્ડના એક વેપારી અશોકભાઈએ બીબીસી સહયોગી અંકિત ચૌહાણ સાથેની વાતચીતમાં જણાવ્યું, “કમોસમી વરસાદ થવાથી અમારું લાખો રૂપિયાનું અનાજ પલળી ગયું છે. જેમાં ઘઉં, મકાઈ અને સોયાબીનનો સમાવેશ થાય છે જે વરસાદમાં પલળી ગયું છે. અમે સરકારને કહીએ છીએ કે અમને આ નુકસાન બદલ થોડી મદદ કરે.

અન્ય એક વેપારી સંજયભાઈએ જણાવ્યું, “અમારા હજારો રૂપિયાના ઘઉંના પાકનું નુકસાન છે. સરકારે અમને વળતર આપવું જોઈએ.”

ગુજરાત કમોસમી વરસાદ માવઠું કરાવૃષ્ટિ અને આગાહી, શિયાળુ પાક, ઉનાળાના પાક, ડાંગર, તલ, અજમો, ઘઉં, એરંડા, બાજરી, જુવારને નુકસાન, બીબીસી ગુજરાતી, કૃષિ સમાચાર, ખેડૂતો માટે માહિતી

ઇમેજ સ્રોત, Sachin Pithva

સુરેન્દ્રનગરથી બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવા જણાવે છે કે શનિવાર રાત્રિના જિલ્લાના લીમડી, લખતર, પાટડી અને વિરમગામ વિસ્તારમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જે બ્રેક બાદ રવિવારે પણ ચાલુ રહ્યો હતો, જેના કારણે એરંડા, ડાંગર અને કપાસના તૈયાર પાકને નુકસાન થવાની શક્યતા છે.

વિરમગામ એપીએમસીના ડાયરેક્ટર નિલેશ વ્યાસના કહેવા પ્રમાણે, માર્કેટિંગ યાર્ડમાં કરોડો રૂપિયાની ખેત જણસી પલળી ગઈ છે અને સરકારે આ માટે યોગ્ય પગલાં લેવાં જોઈએ.

સચીન પીઠવા જણાવે છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડે ખેડૂતોને તાડપત્રીથી સંપૂર્ણપણે ઢાંકીને માલ લાવવા માટે ખેડૂતોને અપીલ કરી હતી જેથી વધુ નુકસાન ન જાય. આ સિવાય વેપારીઓને પણ તેમનો માલ ગોડાઉનમાં સલામત રીતે રાખવા માટે યાર્ડ દ્વારા તાકિદ કરવામાં આવી છે.

કમોસમી વરસાદને કારણે અગરિયાઓએ તૈયાર કરેલા મીઠાને પણ નુકસાન થયું છે.

રાજકોટસ્થિત બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ બિપિન ટંકારિયા જણાવે છે કે શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ વરસાદ નથી પડ્યો. ગોંડલ માર્કેટિંગ યાર્ડે આગામી ત્રણ દિવસ સુધી ખેડૂતોને માલ વેચવા માટે ન આવવા તાકિદ કરી છે. તથા જે વેપારીઓનો માલ ખુલ્લામાં પડ્યો હોય તેને તાત્કાલિક સલામતસ્થળે ખસેડવા યાર્ડના ચૅરમૅન અલ્પેશ ઢોલરિયાએ તાકિદ કરી હતી.

ગુજરાત કમોસમી વરસાદ માવઠું કરાવૃષ્ટિ અને આગાહી, શિયાળુ પાક, ઉનાળાના પાક, ડાંગર, તલ, અજમો, ઘઉં, એરંડા, બાજરી, જુવારને નુકસાન, બીબીસી ગુજરાતી, કૃષિ સમાચાર, ખેડૂતો માટે માહિતી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અહીં વાતાવરણે અચાનક પલટો માર્યો હતો અને વાદળો ઘેરી વળ્યાં હતાં અને ભારે પવન ફૂંકાયો હતો. અમદાવાદના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

ગોધરાથી બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહ જણાવે છે કે રવિવારે વહેલી સવારથી જ મહિસાગરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર, અને કડાણા સહિતના ગ્રામ્યવિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. મોડીરાત્રે વીજળી પડવાથી કડાણામાં બે દૂધાળા પશુ મૃત્યુ પામ્યાં છે.

આગામી દિવસોમાં વરસાદની આગાહી

ગુજરાત કમોસમી વરસાદ માવઠું કરાવૃષ્ટિ અને આગાહી, શિયાળુ પાક, ઉનાળાના પાક, ડાંગર, તલ, અજમો, ઘઉં, એરંડા, બાજરી, જુવારને નુકસાન, બીબીસી ગુજરાતી, કૃષિ સમાચાર, ખેડૂતો માટે માહિતી

ઇમેજ સ્રોત, mausam.imd.gov.in

આગામી દિવસોમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતો, વેપારીઓ તથા માર્કેટિંગ યાર્ડોએ ખેતજણસ પલળે નહીં, તે માટે સાવધાની રાખવી રહી.

હવામાન ખાતાની આગાહી અનુસાર, દરિયાની સપાટીથી 0.9 કિમી ઉપર દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારો પર અપર ઍર સાયક્લૉનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. જેના કારણે દક્ષિણ તામિલનાડુથી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકના કેટલાક અંતરિયાળ ભાગોમાં નીચા દબાણવાળો વિસ્તાર સર્જાયો છે.

સોમવારે રાજ્યનાં અમદાવાદ, પાટણ, મહેસાણા, પંચમહાલ, આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદ ખાતે ગાજવીજ સાથે છૂટોછવાયો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

બનાસકાંઠા, સાંબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં 50 કિમીની ઝડપે પવનની સાથે છૂટોછવાયો વરસાદ અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય 6 મેના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ તેમજ કરાવૃષ્ટિની પણ આગાહી છે.

7 અને 8 મેના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત નર્મદા અને સુરતમાં કેટલાંક સ્થળોએ છૂટોછવાયો પરંતુ ભારે વરસાદ પડવાની આગાહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS